- 21 ફેબ્રુઆરી ઃ ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે
૧૮ મી સદીના મધ્ય ભાગમાં વડોદરા જ્યારે રાજ્યનો દરજ્જો ભોગવી રહ્યું હતું ત્યારે મરાઠી ભાષી રાજવી ખંડેરાવના દરબારમાં 'ગુજરાતી વાણી રાણીના વકીલ' થઇને રાવ કરવા કવિશ્વર દલપત રામ ગયા હતા અને કહ્યું હતું : ચૌટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી રાણી, જાણી એનું દુ:ખ હું ઘણો દિલગીર છું. હિંદી ને મરાઠી હાલ પામી છે પ્રતાપ પ્રૌઢ, કહવે દલપતરામ રાજા અધિરાજ સૂણો!રુડી ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું.
'ગુજરાતી ભાષાને જ્યાં સુધી માનભર્યું સ્થાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું મારા માથા પર પાઘડી નહીં પહેરું અને મારા માથા પરની ચોટલીને ગાંઠ નહીં વાળું!' ૧૭મી સદીમાં જન્મેલા કવિ પ્રેમાનંદે આ પ્રમાણે કરેલો હૂંકાર છે. આમ, ગુજરાતી ભાષાના અસ્તિત્વ ટકાવવા કાજે કરવામાં આવતો પોકાર એ આજકાલનો નહીં સદીઓ પુરાણો છે. આજે ગુજરાતી ભાષા તેના અસ્તિત્વની વાત એટલા માટે કેમકે ૨૦૦૦ના વર્ષથી ૨૧ ફેબુ્રઆરીના દિવસને 'ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે' તરીકે ઉજવવામાં આવે છે.
પ્રત્યેક ભાષાને પોતાનો ઈતિહાસ હોય છે અને તે વિકાસની રૂપરેખા ધરાવે છે. આપણી માતૃભાષા ગુજરાતીની પણ એક વિકાસયાત્રા છે. સદીઓ પુરાણી આ યાત્રામાં અનેક શબ્દો સમયની સાથે વિસરાતા ગયા અને તેનું સ્થાન સમયને અનુરૂપ નવા શબ્દોના લેવાની પ્રક્રિયા નિરંતર ચાલી રહી છે. આ વિસરાતા શબ્દો અંગેનો એક જૂનો ટૂચકો છે. એકવાર વભાવાળા ખોરડામાં રોંઢા ટાણે ઓસરીમાં જમવાની પંગત પડેલી. જેમાં મુંબઇથી આવેલા સરકારી અધિકારી મહેમાન થયેલા એ પણ ભાણે જમવા બેઠા. યજમાને મહેમાનને હળવેકથી પૂછયું કે, 'ઢીંચણિયું આપે?' મહેમાન બે ઘડી મૂંઝાયા અને પછી કહ્યું,'અડધું આપો, પછી ભાવશે તો વધુ ખાઇશ.' આજની પેઢીને ટૂચકામાં આવેલા આ કેટલાક શબ્દો જાણીની બાઉન્સર ગયું હોય તો નવાઇ નગીં. આ ટૂચકામાં ખોરડું એટલે દેશી નળિયા-વાંસની પટ્ટીથી બનાવવામાં આવેલું રહેણાંક, રોંઢા એટલે બપોરનું ભોજન જ્યારે ઢીંચણિયું એટલે જમતી વખતે ઢીંચણની નીચે મૂકવાનું લાકડાનું સાધન. ઢીંચણિયા પરથી એક કહેવત પણ પ્રચલિત બની હતી, 'ઢીંચણિયા ઢાળવાં' એટલે કોઇને પોતાની રમતમાં ફસાવીને ખાડામાં ઉતારવા. લોકજીવનની વૈજ્ઞાાાનિક સૂઝ પ્રમાણે ઢીંચણિયું જણા પગના ઢીંચણ નીચે દબાવે તો ડાબી નાડી ચાલે અને ડાબી દબાવો જમણી નાડી ચાલે.
સ્વામી આનંદના પુસ્તક 'જૂની મૂડી'માં ગુજરાતી રૂઢિપ્રયોગો, નોખા શબ્દોનો સંગ્રહ રજૂ કર્યો છે. જેમાં કેટલાક શબ્દો માણવા જેવા છે. જેમકે, 'અધળપઘળ' એટલે અવ્યવસ્થિત, 'અલોઅલી' એટલે પતિ-પત્ની, 'અવપૂર્યા' એટલે જ્યાં કશુંક અધૂરું રહી ગયું હોય. આ જ રીતે ચિંતન માટે 'અંતર રમણા' જેવો સરસ શબ્દ છે. જેમકે, દાર્શનિક લોકો અંતર રમણામાં જ મગ્ન હોય છે. અહમ્ ઓગાળ્યો હોય તેવી વ્યક્તિ માટે 'આપાત્યાગ' શબ્દ છે. પરણવા લાયક કન્યા માટે 'ઉપરવર કન્યા' જ્યારે માંદગી ધીમા પગે આવતી હોય તો તેના માટે 'કસરપસર' શબ્દ છે. તકવાદી ત્યાગ કરનારા કે પછી ત્યાગવૈરાગનો દંભ કરનારા માટે 'ગધેડિયો સંન્યાસ' શબ્દ પ્રચલિત હતો.
કોઇએ મોઢું ચડાવ્યું હોય તો તેના માટે 'તોબરો ચડાવવો' શબ્દપ્રયોગ છે. તોબરો એટલે ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી. ઘોડાને તોબરો ચડાવવામાં આવે ત્યારે તેનું મોઢું ફૂલેલું હોય છે. જેના પરથી મોઢું ફૂલાવીને ફરનારી વ્યક્તિ માટે તોબરો ચડાવીને ફરવું તે શબ્દનો જન્મ થયો. આપણી ભાષાની મજા એ પણ છે કે તેમાં એક શબ્દના અનેક અર્થ નીકળે છે અને ઓછું કહીને પણ ઘણું બધું કહેવાઇ શકે છે. જેમકે, આપખુદશાહી માટે જાણીતા એક રાજાના દરબારમાં રાત્રિ સભા બરાબરની જામી હતી, ત્યાં જ અચાનક દીવાઓ ઓલવાઇ ગયા. આ ઘટના જોઇને ચતુર રાજકવિએ પંક્તિ ઉચ્ચારી કે 'દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર....' આમાં દીવા અને નથી વચ્ચેની જગ્યા રાખીને બોલવામાં આવે તો વાસ્તવિક ચિત્ર ઉપસે. પરંતુ 'દિવાન થી' શબ્દ દ્વારા કવિએ રાજાને ફરિયાદ પણ કરી દીધી.
વિસરાઇ રહેલા શબ્દો
ખીંટી : ઓસરીની દીવાલમાં આશરે અડધો ફૂટ લાકડાની કલાત્મક ખીંટી કે કે જેના પર પાઘડી-તલવાર કે કપડાં-થેલી લટકાવી શકાય.
ગોખ : ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો.
વંડી : મકાનની આસપાસ બનાવવામાં આવેલી માટીની બનાવવામાં આવેલી આશરે ૬થી ૮ ફૂટની દીવાલ.
ગોખલા : વંડીમાં ડેલીની બંને બાજુ બહારની દીવાલે માટીના કોડિયાં મૂકવા માટેની જગ્યા.
ફળિયું : ઘરની આગળની જગ્યા.
પછીત : ઘરની પાછળની દીવાલ.
બુઝારું : ગાગર,હેલ, ગોળાને ઢાંકવાનું પિત્તળનું પાત્ર.
ડોયો : ગોળામાંથી પાણી ગ્લાસમાં કાઢવાનું પાત્ર.
ટબુડી : નાના બાળકોના પાણી પીવા માટે પિત્તળની ધાતુનું નાના આકારનું પાત્ર.
ગરમું : રોટલા-રોટલી રાખવા માટેનું પિત્તળનું વાસણ.
ડામચિયો : ઓરડા અથવા ઓસરીની દીવાલમાં મોટું ખાનું કે જ્યાં ગાદલાં-ઓશિકા મૂકવામાં આવે છે.
શિરામણ : સવારનો એ સમય જ્યારે ખેડૂતો વાડીએ જતા પહેલા નાસ્તામાં શીરો અને દૂધ આરોગીને જતાં હોય છે.
રોંઢા ટાણું : આશરે ૩ વાગ્યાનો સમય.
ઝાલર ટાણું : સૂરજના આથમ્યા બાદના અડધા કલાકનો વખત જ્યારે મોટાભાગે મંદિરમાં આરતી થાય છે.
વાળુ ટાણું : સંધ્યા ભોજનની વેળા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dkRQzu
ConversionConversion EmoticonEmoticon