પિસ્તાને ઉપયોગમાં લેતાં પહેલાં હંમેશા અડધો કલાક હૂંફાળા પાણીમાં પલાળી, પછી ખાવા. આમ કરવાથી એ સુપાચ્ય થાય છે અને એનું પોષણમૂલ્ય વધી જાય છે
આ પહેલાના લેખોમાં આપણે અંજીર, અખરોટ, ખજૂર, કાજુ, બદામ, જરદાલુ, સૂકી દ્રાક્ષ અને ચિલગોજાના ઔષધીય ઉપયોગો જોયાં.
આજે,'શિયાળાનો ઉત્તમ આહાર : સૂકોમેવો' - શિર્ષક અંતર્ગતના અંતિમ લેખમાં પિસ્તા, ચારોળી તથા સૂકા કોપરાના ઔષધીય ઉપયોગો વિષે...
પિસ્તા : પિસ્તાને ઉપયોગમાં લેતાં પહેલાં હંમેશા અડધો કલાક હૂંફાળા પાણીમાં પલાળી, પછી ખાવા. આમ કરવાથી એ સુપાચ્ય થાય છે અને એનું પોષણમૂલ્ય વધી જાય છે. પિસ્તા હૃદયને બળ આપનારા છે.
* લીવરની ખરાબીમાં ત્રણ નંગ પિસ્તા પાંચ મી.લી. કુંવારપાઠાના રસ સાથે પીસી, સાકર ઉમેરી ભોજનના દોઢથી બે કલાક પહેલાં, લાંબા સમય સુધી સેવન કરવા લાયક છે.
આ ઉપરાંત મનની અસ્થિરતા, ભ્રમ, ઉન્માદ, ઘટતી યાદશક્તિ જેવાં મનોગત રોગોમાં પણ સાકર સાથે ચાવી-ચાવીને ખાવા.
ચારોળી : સંસ્કૃતમાં ચારોળીને 'પ્રિયાલ' કહે છે. ગુજરાતમાં પંચમહાલ બાજુ એના ઘણા ઝાડ છે. શાસ્ત્રકારોએ ચારોળીને કામશક્તિવર્ધક માની છે.
કામવૃદ્ધિ : દસ ગ્રામ ચારોલીને લસોટી સો મી.લી. દૂધમાં સરખા ભાગે પાણી ઉમેરી ધીમા તાપે ઉકાળવી. પાણીનો ભાગ બળી જાય પછી તેમાં સાકર તથા ઇલાયચી મેળવી સવારે પી જવું. સાથે પૌષ્ટિક આહાર લેવો.
થાક દૂર કરવા : પરિશ્રમ બાદ થાક લાગતો હોય, ખાસ કરીને બહેનો જે આખા દિવસમા ગૃહકાર્ય બાદ સાંજે થાક અનુભવતી હોય તેમના માટે પણ ઉપર જણાવેલ દૂધમાં ઉકાળેલી ચારોળી સાંજના સમયે સેવન કરવા યોગ્ય છે.
ત્વચાની એલર્જી : એલર્જી જેમાં ચામડી પર ચકામા (વચ્ચેના ભાગથી દબાયેલા, કિનારીઓથી ઉપસેલા અને સાંજે તથા રાત્રે પ્રબળ ખંજવાળ આવેે એવા) થાય - ચારોળીને પાણીમાં લસોટી, ચકામા પર લેપ કરવાથી ગણતરીની મિનિટોમાં રાહત થાય છે.
હૃદયની નબળાઈ : છાતીમાં ભાર રહેતો હોય, જીવ ચૂંથાતો હોય, હૃદયમાં સણકા આવતાં હોય, થોડા ઘણા શ્રમથી ધબકારા વધી જતાં હોય તો ચાર-પાંચ દાણા ચારોળીના ખૂબ ચાવી-ચાવીને ખાવા. એનાથી ત્વરિત ફાયદો થશે.
સૂકું કોપરું : સૂકામેવાની યાદીમાં કોપરાને ભૂલી જઇએ તો કેમ ચાલે ? કેલ્શિયમ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ એવું આ સૂકું કોપરૂ ચાવી ચાવીને ખાવાથી જડબાને કષ્ટ તો જરૂર પડે પણ એમ કરવાથી જડબુ અને ત્યાંથી મગજ સુધી પહોંચતી નાડીઓને સારો વ્યાયામ મળે જેથી રક્તનો સંચાર સુધરે અને મગજની કાર્યક્ષમતા વધે.
* પ્રસૂતિ થયા પછી ધાવણ ઓછું આવતું હોય તો સૂકું કોપરૂ સાકરવાળા દૂધ સાથે ચાવી ચાવીને ખાવું.
સંગ્રહણી : પચ્ચીસ ગ્રામ છીણેલું કોપરૂં અને પાંચ ગ્રામ સૂંઠને સો ગ્રામ દેશી ગોળની ચાસણીમાં મેળવી લાડુ બનાવી ભોજન સાથે નિત્ય ખાવા.
માસિક વધુ આવતું હોય (લોહીવા - રક્તપ્રદર) : પચ્ચીસ ગ્રામ કોપરાનું છીણ, પાંચ ગ્રામ શુદ્ધ નાગકેસરનું ચૂર્ણ અને દસ ગ્રામ ખડી સાકરનું ચૂર્ણ એક નાની વાટકી ચોખાના ઓસામણમાં મેળવી લેવાથી ત્વરિત ફાયદો થાય છે.
- વિસ્મય ઠાકર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35WR1WL
ConversionConversion EmoticonEmoticon