દીપિકા ચીખલિયાના વાસ્તવિક જીવનની વિવિધ ભૂમિકા


દીપિકા કહે છે, અભિનય અને રાજકારણનો ત્યાગ કરીને મેં મારા પરિવાર પર સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું : હવે હું ફરીથી પડદા પર જીવવા ઇચ્છું છું

હું ઘણી નસીબવંતી છું.ભગવાને મારા પર બહુ કૃપા કરી છે. જીવનમાં સુખ,શાંતિ,પ્રતિષ્ઠા,ધન-દૌલત અને સુખી લગ્નજીવન અને માતૃત્વ વગેરે બધું જાણે કે તાસક પર મળ્યું છે.

રામાયણનાં સીતાજી તો અનેક કષ્ટ અને કસોટીમાંથી પસાર થયાં હતાં.જોેકે નિર્માતા-દિગ્દર્શક રામાનંદ સાગરની ટીવી સિરિયલ રામાયણનાં સીતાજીને તો જીવનમાં લીલાંછમ સુખ જ સુખ મળ્યાં છે.

આ સુખી સીતાજી એટલે દીપિકા ચીખલિયા.૧૯૮૬માં રજૂ થયેલી ટીવી સિરિયલ રામાયણનાં શ્રીરામ અને સીતાજીને અસંખ્ય ભક્તિભાવવાળાં દર્શકો ખરા હૃદયથી પ્રણામ કરતાં.ટીવી સિરિયલ રામાયણ પ્રસારિત થતી હતી ત્યારે અને સમાપ્ત થઇ ગઇ તે પછી અનેક લોકો અરુણ ગોવીલ નામના રામજીને અને દીપિકા ચીખલિયા નામનાં સીતાજીને જાહેરમાં વંદન કરતાં.આ બંને કલાકારો કોઇ સમારોહમાં હાજર રહે કે પ્રવાસ કરતાં હોય તો લોકો તેમના પ્રતિ ભરપૂર માન-સન્માન વ્યક્ત કરતાં.

દીપિકા ચીખલિયા એક ઇન્ટર્વ્યુમાં કહે છે,હું ઘણી નસીબવંતી છું. ભગવાને મારા પર બહુ કૃપા કરી છે.મને જીવનમાં સુખ, શાંતિ, પ્રતિષ્ઠા, ધન-દૌલત અને સુખી લગ્નજીવન અને માતૃત્વ વગેરે બધું જાણે કે તાસક પર મળ્યું છે. રામાયણ ટીવી સિરિયલના પગલે મને બેહદ લોકપ્રિયતા મળી. એ જ લોકપ્રિયતાના આધારે હું સંસદસભ્ય પણ બની શકી.મને રાજકીય કારકિર્દીમાં પણ યશ અને પ્રેમ મળ્યો.ત્યારબાદ મારાં લગ્ન ઉદ્યોગપતિ હેમંત ટોપીવાલા સાથે થયાં. મને દાંપત્યજીનનું પણ સુખ અને આનંદ મળ્યાં.જોકે લગ્ન બાદ હું જાહેર જીવનથી ઘણી દૂર થઇ ગઇ.મેં મારું બધું ધ્યાન અંગત જિંદગીમાં અને બંને દીકરીઓના ઉછેરમાં આપ્યું.

આજે જોકે દીપિકા ચીખલિયાએ તેની અભિનય કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરી છે.હજી હમણાં જ રજૂ થયેલી બાલા ફિલ્મ(આયુષમાન ખુરાના અને યામી ગૌતમ)માં પરી(યામી ગૌતમની માતા)ની માતાની ભૂમિકા ભજવી છે.

બીજીબાજુ  દીપિકા ચીખલિયા બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં  કહે છે, મને રામાનંદજીની રામાયણ ટીવી સિરિયલથી સમગ્ર ભારતમાં અને વિદેશમાં પણ બહોળી લોકપ્રિયતા મળી.લોકોનો ભરપૂર સ્નેહ મળ્યો.આમ છતાં રામાયણના સીતાજીના પાત્રને કારણે મને તેના જેવી જ ભૂમિકાઓનાં આમંત્રણ મળવા લાગ્યાં હતાં. વળી, ફિલ્મના પડદા પર હું કાંઇ હેમામાલિની કે ઝીનત અમાન જેવી મોહક કે રૂપકડી દેખાતી નહોતી. એટલે મને બોલીવુડના નિર્માતાઓએ અને દિગ્દર્શકોએ મોટા બજેટની કોમર્શિયલ ફિલ્મોમાં અભિનેત્રીની ભૂમિકા માટે આમંત્રણ આપ્યાં નહોતાં.તેઓએ મારો સંપર્ક જ કર્યો નહોતો.આમ છતાં મેં તમિળ,કન્નડ,મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં વિવિધ પાત્રો જરૂર ભજવ્યાં છે.હા, આવી પ્રાદેશિક ફિલ્મોમાં કામ કરવું મારા માટે બહુ પડકારરૂપ બની રહ્યું હતું કારણ કે મને દક્ષિણ ભારતની આ બધી ભાષાઓ બોલતાં આવડતું નહોતું.છેવટે મેં દક્ષિણ ભારતની ફિલ્મોમાં અભિનય નહીં કરવાનો નિર્ણય કર્યો.

સુન મેરી લૈલા(૧૯૮૩) હિન્દી ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનારી દીપિકા ચીખલિયા ખુશી વ્યક્ત કરતાં કહે છે,મને રાજકીય કારકિર્દીમાં પણ સફળતા મળી હતી.હું ૧૯૯૧માં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે લોક સભાની વડોદરા બેઠક પરથી ચૂંટણી જીતી હતી.સંસદસભ્ય બની અને શક્ય એટલું સારું કામ પણ કર્યું.મારા જીવનની તે બીજી સોનેરી સફળતા હતી. જોકે  એ જ તબક્કે મારાં લગ્ન ઉદ્યોગપતિ હેમંત ટોપીવાલા સાથે થયાં. સુખી અને આનંદી લગ્ન જીવન માટે પતિ પત્ની બંનેએ સરખી જવાબદારી નિભાવવી જરૂરી છે.લગ્ન જીવન દરમિયાન બે પુત્રીઓનો જન્મ થયો.એક સંસદસભ્ય તરીકે મારે મારા વડોદરા મત વિસ્તાર ઉપરાંત પક્ષનાં પણ કાર્યો કરવાં પડતાં.સાથોસાથ હું મારા પતિનાબિઝનેસમાં પણ મદદરૂબ બનતી હતી.

પરિણામે હું માતા તરીકે મારી બંને દીકરીઓના ઉછેર પર પૂરતું અને જરૂરી ધ્યાન આપી શકતી નહોતી. છેવટે મારા પતિએ મને કોઇ એક ક્ષેત્રમાં કામકરવાની સલાહ આપી. મારી સંસદસભ્ય તરીકેની પાંચ વરસની મુદત પૂરી થઇ એટલે મેં મારી વડોદરાની બેઠક છોડી દીધી અને  સંપૂર્ણ ધ્યાન મારા પરિવાર પર આપ્યું.ખરું કહું તો મને એક માતા અને પત્ની તરીકેનું યોગદાન સૌથી ઉત્તમ અને આનંદિત લાગ્યું.

રામાનંદ સાગરની રામાયણ ટીવી સિરિયલ ઉપરાંત પણ રામાયણના આધારે બીજી આવૃત્તિઓનું નિર્માણ થયું છે.આમ છતાં રામાનંદ સાગરની રામાયણનાં પાત્રોને જે લોકપ્રિયતા અને માન-સન્માન મળ્યાં તેવી લાકપ્રિયતા અને માન-સન્માન અન્ય રામાયણ સિરિયલને ન મળ્યાં.

દીપિકા કહે છે,રામાનંદજીની રામાયણના શૂટિંગ દરમિયાન અમે તમામ કલાકારોએ બીજી કોઇ જ ટીવી સિરિયલમાં કામ કર્યું નહોતું.એટલે અમારાં પાત્રોની સરખામણી બીજાં કોઇ જ પાત્રો સાથે નહોતી થઇ.દર્શકોનાં મનમાં ફક્ત અમારાં જ રામ,સીતા,લક્ષ્મણ અને રાવણ રમતાં હતાં.એમ કહો કે આ બધાં પાત્રો અમર થઇ ગયાં. રામાયણની બીજી આવૃત્તિઓમાંની અભિનેત્રીઓ રામાયણનાં પાત્રો નહીં પણ  ફિલ્મની  હીરોઇન  લાગે છે. કહેવાનો અર્થ એ છે કે આ બધી અભિનેત્રીઓનું ગ્લેમર તત્વ વધુ બહાર આવે છે.ખરું કહું તો રામાયણના શૂટિંગ દરમિયાન હું નેઇલ પોલીશ અને લિપ્સ્ટિક કરવાથી પણ દૂર રહી હતી.સેટ પર હોઉં ત્યારે સતત મારા નખ કાપતી રહેતી.મને બરાબર યાદ છે,એક દિવસ હેમામાલિનીએ રામાનંદજીને ફોન કરીને કહ્યું હતું,તમે દીપિકાને કહેજો કે તે લિપસ્ટિક ન કરે કે જેથી તે ટીવીના પડદા પર સાચુકલી સીતાજી લાગે.

બોલીવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે ઘર કા ચીરાગ અને ખુદાઇ એમ બે ફિલ્મોમાં કામ કરનારી દીપિકા ચીખલિયા કહે છે,આજે મારી બંને પુત્રીઓ મોટી  થઇ ગઇ છે.મને ઘણો સંતોષ અને રાહત છે.એટલે હું ક્યારેક ટીવીના અમુક ક્રાઇમ શો જોવાનો આનંદ માણું છું.હા,તક મળશે તો હું ટીવી સિરિયલમાં માતાનું પાત્ર ભજવવા રાજી છું પણ તે ભૂમિકા ફક્ત શોભારૂપ ન હોવી જોઇએ.હવે હું ફરીથી અને સંપૂર્ણ રીતે અભિનય કારકિર્દી શરૂ કરવા ઇચ્છું  છું.

રહી વાત,રામાયણનાં કલાકારો સાથેના સંપર્કની.દીપિકા ખુશી વ્યક્ત કરતાં કહે છે,હા,હું લગભગ ૨૫ વરસ બાદ એક સમારંભમાં અરુણ ગોવીલને મળી હતી. જૂનાં સ્મરણો યાદ કર્યાં.ઉપરાંત હું અમારા લક્ષ્મણ એટલે કે સુનીલ લાહીરી અને લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદી સાથે અવારનવાર ફોન દ્વારા વાતો કરીએ છીએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QdbZuW
Previous
Next Post »