ઘણા લોકોના વાળ જુવાનીમાં જ સફેદ થવા માંડે છે. પણ યુવાન વયે વૃદ્ધ દેખાવાનું કોણ પસંદ કરે? આધુનિક વિજ્ઞાાને સફેદ કેશને કાળા ભમ્મર બનાવવા માટે હેરડાઈની ભેટ આપી છે. ૧૫ દિવસે કે મહિને બ્યૂટીપાર્લર અથવા તો કેશ કર્તનાલયમાં જઈને ૫૦ રૂપિયા ખર્ચી અડધો ક્લાકમાં જ જો ફરી જુવાની પ્રાપ્ત કરી શકાતી હોય તો કોણ લલચાય નહીં? પરંતુ હવે વિજ્ઞાાન જ હેરડાઈનો આડેધડ ઉપયોગ કરનારાઓને ચેતવણી આપવા માંડયું છે. હેર ડાઈના વધુ પડતાં ઉપયોગ કરનારાઓએ વાળ ખરી જવા, કૅન્સરની બીમારી થવી, આંખની સમસ્યા ઉત્પન્ન થવી અથવા તો એલર્જીની તકલીફોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.
ટીવી પર આજકાલ હેરડાઈનો ઉપયોગ કરી લેવા સમજાવતી જાહેરખબરોનો મારો ચલાવવામાં આવે છે. હેરડાઈ બનાવતી કંપનીના ગજવા છલકાવા માંડયા છે પરંતુ જનતાના સ્વાસ્થ્યની કોઈને પડી નથી. કૉસ્મેટીક ઉદ્યોગની લૉબી હાનિકારક રસાયણોના ઉપયોગ સામે કઈ કાયદો બને નહીં તેની પૂરતી તકેદારી લે છે. વળી, તેઓના ઉત્પાદનમાં હાનિકારક રસાયણ વાપરવામાં આવ્યા છે એવી ચેતવણી લખવાનું ફરજિયાત હોવા છતાં મોટાભાગના ઉત્પાદનકારો નરી આંખે ન વંચાય તેવા અક્ષરોમાં ચેતવણી લખી હાથ ઊંચા કરી દે છે. ઉપરાંત ખરી માહિતીના અભાવને કારણે જનતાએ ઘણું ભોગવવાનું આવે છે.
સંશોધનોએ સાબિત કરી આપ્યું છે કે હેર ડાઈમાં ઉપયોગમાં લેવામાં આવતાં કેટલાક રસાયણોને ત્વચા આસાનીથી શોષી લે છે. આથી એલર્જી થાય છે અને વાળ કાળા થવા સાથે ખરી પણ પડે છે. ઘણી વખત આંખના રોગ પણ થાય છે.
હેર ડાઈ મુખ્યત્વે બે સ્વરૂપમાં મળે છે. એક તો પાઉડર રૂપે અને બીજું પ્રવાહીરૂપે. પહેલાં પ્રકારના ઉત્પાદનમાં અતિ સૂક્ષ્મ પાઉડરના કણ હોય છે જેમાં પાણી નાખતા જ તે તરવા માંડે છે. જ્યારે તૈયાર પ્રવાહી સ્વરૂપે મળતી હેરડાઈમાં પાપા ફેનીલેઈડીએમાઈન નામનું રસાયણ હોય છે જેના પર રાસાયણિક ક્રિયા થતા તે ડાઈનું સ્વરૂપ ધારણ કરે છે.
વાળની પર જે તે રંગ કરવો હોય તે રંગની ડાય સેટ કરવા માટે વપરાતાં દ્રાવણમાં એક પ્રકારનો મંદ તેજાબ (પાપા ફિનાઈલીનડાયમાઈન-પીપીઆઈ) હોય છે. સુગંધિત એમિન (મંદ તેજાબ જેવું રસાયણ) મુખ્ય ઘટક તરીકે પોતાની કામગીરી બજાવતાં વાળમાં પ્રવેશે છે. જ્યાં બીજા ઘટકો સાથે સંયોજાતા તેનું ઑક્સિડેશન થાય છે. આ રીતે રસાયણોની પ્રત્યાઘાતી અસરથી વાળ પર ઈચ્છિત રંગ ચઢે છે.
ભારતીય બજારમાં આ ઉપરાંત જસત ધરાવતી હેરડાઈ પણ મળે છે. જસતના કમ્પાઉન્ડ સલ્ફર સાથે મળીને વાળને ઘેરો કાળો રંગ અર્પે છે. હવે તો મહેંદી આધારિત હર્બલ હેર-ડાઈની બોલબાલા પણ વધી છે. મોટાભાગના વપરાશકારો માને છે કે રાસાયણિક હેર-ડાઈ ભલે નુકસાનકારક હશે પરંતુ વાળ કાળા કરવા જો કાળી મહેંદી વાપરવામાં આવે તો મુદ્રલેપ નુકસાન નહીં થાય. પણ આ લેખ કલ્પિત હકીકત સિવાય કશું નથી.
બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના જણાવ્યા અનુસાર હર્બલ મહેંદીમાં રહેલી પીપીડી કાર્સિનોજનીક એજન્ટ છે. જે તૈયાર મળતી ડાઈમાં છ ટકા જેટલું હોય છે. અને ડાઈ બનાવવાના પાઉડરમાં તેનું વધુમાં વધુ પ્રમાણ ૩૦ ટકા રાખવાની ભલામણ કરવામાં આવી છે. જો કે આ મર્યાદા ઘણા ખરા ઉત્પાદકો પાળતા નથી.
પીપીડ ત્વચાની સમસ્યા ઉત્પન્ન કરવા માટે જાણીતું છે. આવી જ રીતે આંખ માટે તે ઘાતક પૂરવાર થઈ શકે છે. ઘણા લોકો ભમ્મર અને પાંપણને પણ ડાઈ કરવા માટે ત્યજી શકતા નથી અને આખરે પસ્તાવવાનો વારો આવે છે. ફક્ત માથા પર જ ડાઈ લગાડવામાં આવે અને છતાંય થોડી મિનિટોમાં જ આંખ લાલ થઈ જા તો સમજવું કે ડાઈના રસાયણોનું રિએક્શન આંખમાં આવ્યું છે. એ વખતે તાબડતોબ માથું ધોઈ નાખી નેત્ર ચિકિત્સકની સલાહ લેવી.
ચંદીગઢની પૉસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટયૂશન ઑફ મૅડિકલ રિસર્ચના સંશોધનમાં જણાયું છે કે, પીપીડીની આંખના લેન્સ પર ખરાબ અસર થાય છે. આ સંસ્થાના સંશોધનકારોએ તો ત્યાં સુધી કહે છે કે પીપીડીની અવળી અસર સામે ગ્રાહકોને ડાઈ ઉત્પાદકો અને નેત્ર ચિકિત્સકો કોઈ ચેતવણી આપતા નથી. પીપીડીથી મોતિયાની સમસ્યા ઉદ્ભવી શકે છે, એમ પણ ચંદીગઢના નિષ્ણાતોનું માનવું છે.
એક જમાનામાં મોટે ઉપાડે હેરડાઈ તરફ દોડેલા અમેરિકનો પણ હવે હેરડાઈનો દુર્ગુણ સમજી ચૂક્યા છે. તાજેતરમાં ત્યાં એક રસપ્રદ સર્વે થયો હતો. આ સર્વેક્ષણ પરથી માલૂમ પડયું કે સ્તન કેન્સરથી પીડાતી ૮૭ ટકા મહિલાઓએ ભૂતકાળમાં ઓછામાં ઓછાં પાંચ વર્ષ સુધી હેરડાઈનો ઉપયોગ કર્યો હતો. આટલું ઓછું હોય તેમ હેરડાઈ લગાડી આપતી બ્યૂટીશિયનોમાં પણ સ્તન કૅન્સરની સમસ્યા જોવા મળી હતી. આનો મતલબ એ થયો કે રબરના મોજાં પહેરી રાખ્યા હોવા છતાં હેરડાઈમાંનું પીપીડી બ્યૂટિશિયનોને નુકસાનકારક નીવડયું હતું.
નિષ્ણાતો અસ્થમાના દરદીઓને હેરડાઈનો ઉપયોગ કરવા સામે કડક ચેતવણી આપે છે. અસ્થમાના રોગીઓએ મહેંદીયુક્ત હેરડાઈનો પ્રયોગ પણ ટાળવો જોઈએ.
હેરડાઈનો ઉપયોગ કરતાં લોકોમાં બોન મેરોનું કૅન્સર, લસિકા ગ્રંથિનું કૅન્સર તથા બ્લડ કૅન્સરનું પ્રમાણ સામાન્ય જનતા કરતાં વધુ જોવા મળ્યું છે.
૧૯૯૪ના જાન્યુઆરી મહિનામાં પ્રગટ થયેલા જનરલ ઑફ નેશનલ કેન્સર ઈન્સ્ટિટયૂટમાં જણાવ્યા પ્રમાણે ૨૦ વર્ષ કરતાં વધુ સમય સુધી ડાઈનો પ્રયોગ કરી ચૂકેલાંઓને બૉન મેરો અથવા લસીકા ગ્રંથિનું કૅન્સર થવાની શક્યતા ખૂબ જ હોય છે.
૧૯૯૪માં જ ઈટાલીના એક પ્રતિષ્ઠિત સામાયિક જનરલ ઑફ એફિડેમિઓલોજીમાં પણ હેરડાઈને બ્લડ કૅન્સર સાથે સાંકળતી અભ્યાસમાળા પ્રગટ કરવામાં આવી હતી. એજ વર્ષે ગ્રીસના સંશોધકારોએ પણ લસીકાગ્રંથિના કૅન્સર માટે હેરડાઈને જવાબદાર ઠેરવી હતી.
આટઆટલાં સંશોધનો પ્રગટ થયા હોવા છતાં હજુ ભારતીય પ્રજા આ બાબતે અંધારામાં જ છે, એ આપણી કમનસીબી છે.
-કેતકી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34whVXJ
ConversionConversion EmoticonEmoticon