- સરકાર ટ્વિટર સામે લડાયક મૂડમાં : જે 1100ની યાદી આપી છે તેના એકાઉન્ટ વિશ્વવ્યાપી બંધ કરી દો
- વિવિધા-ભવેન કચ્છી
- 'બ્લૂમબર્ગ'એ સોશિયલ મીડિયા પર દબાણ સર્જવાના ટ્રેન્ડની ટીકા કરી
- ભારતીય ટેક્નોક્રેટની વધુ એક સિદ્ધિ : 'ટ્વિટર' તેની પોસ્ટ 'ફિલ્ટર' કરવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મિકેનિઝમ ખડું કરશે જેની જવાબદારી કંપનીના ચીફ ટેકનોલોજી ઓફિસર પરાગ અગ્રવાલના શિરે
કે ન્દ્ર સરકાર અને ટ્વિટર સામસામે આવી ગયા છે. કેન્દ્ર સરકારે ખેડૂતોના આંદોલનના ખભા પર બેસીને ભારતમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાવવાની મેલી મુરાદ ધરાવતા ૧૧૦૦થી વધુ એકાઉન્ટ બંધ કરી દેવા ટ્વિટર પર 'હિટ આઉટ ઓર ગેટ આઉટ' પ્રકારનું દબાણ સર્જી દીધું છે. ટ્વિટરે આ યાદીમાંથી ૫૦૦ એકાઉન્ટ ભારત પૂરતા તો બંધ કર્યો છે પણ કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે તમામ આવા એકાઉન્ટ માત્ર ભારતમાં જ નહીં વિશ્વના કોઈ નાગરિક ન જોઈ શકે તે રીતે તેના પર કાયમી ચોકડી લગાવી દો.
કેન્દ્ર સરકારે તો ટ્વિટરને ધમકી જ આપી દીધી છે કે અમે ટ્વિટરની જગાએ 'કૂ' નામની સ્વદેશી સ્ટાર્ટઅપ એપ પર જ હવે શિફ્ટ થઇ જઈશું. જો કે આવા સામૂહિક સ્થળાંતરનું અલ્ટિમેટમ પ્રધાનોએ ટ્વિટર પરથી જ આપ્યું છે તો જ કરોડો નાગરિકો અને કાર્યકરો સુધી પહોંચે ને.
જો અંદરખાનેથી ભાજપ પક્ષ એવો 'મેન્ડેટ' આપે કે 'ક્વીટ ટ્વિટર' તો વડાપ્રધાનથી માંડી કાર્યકરો 'કૂ'ના પ્લેટફોર્મ પર આવી જાય. હજુ સુધી તો કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને કાયદા, ન્યાય, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી-કમ્યુનિકેશન જેવા બહુવિધ હવાલાઓ સંભાળતા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટરને લાલ આંખ જ બતાવી છે પણ કેન્દ્ર સરકારને શંકા જાગે તેવા પ્રબળ પુરાવા પ્રાપ્ત થયા છે કે સોશિયલ મીડિયા અને તેની પોસ્ટ દેશ-વિદેશમાં ફરી વળે તેવું મિકેનિઝમ ગોઠવીને દેશની શાસન વ્યવસ્થાને ખોરવી નાંખવાનું ષડયંત્ર આકાર પામી રહ્યું છે. કેન્દ્ર સરકાર આવી મેલી મુરાદ ધરાવતા સૂત્રધારો પર વૈશ્વિક ટ્વિટર પ્રતિબંધ માંગી રહ્યું છે.
ટ્વિટર કંપનીનું કહેવું છે કે આ યાદીમાં કેન્દ્ર સરકારે કેટલાક વિશ્વસનીય છાપ ધરાવતા મીડિયા, માનવ હક્કની જાળવણી કરવા માટે સક્રિય રહેતી સંસ્થાઓ, ચોક્કસ વિચારસરણી ધરાવતા નાગરિકો, જૂથોને સામેલ કર્યા છે. જો તેઓ પર ટ્વિટર પ્રતિબંધ મૂકે તો ટ્વિટર જેવી કંપની ઉભુ કરવાનું કે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની ક્રાંતિનું હાર્દ જ કચડાઈ જાય તેમ છે. ટ્વિટર કંપનીથી વિશ્વ છેડો ફાડવા માંડે અને તેના અસ્તિત્વ માટે પણ ખતરો ખડો થઇ શકે. જે દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે ત્યાં સોશિયલ કે કોઇપણ મીડિયાને અભિવ્યક્તિ માટેનું સ્વાતંત્ર્ય પ્રવર્તે છે. તેને ઢાલની જેમ રક્ષવા પુરૂ પાડવા માટેના કાયદાઓ પણ છે જ.
ચીનમાં પ્રસારણ માધ્યમો અને સોશિયલ મીડિયા પર સરકારનું સીધુ નિયંત્રણ છે. ચીનમાં ગૂગલ, ફેસબુક કે ટ્વિટર નથી પણ તેઓએ વિકસાવેલું 'વેઇબો' પ્લેટફોર્મ છે. એક એક પોસ્ટ પહેલા ખાસ ગોઠવાયેલ સરકારના આઈટી તંત્ર તરફ જાય છે ત્યાંથી ફિલ્ટર થઇને જ નાગરિકો સમક્ષ પહોંચે છે. અમારા ચીનમાં પણ લોકશાહી પ્રવર્તે છે તેવો દેખાડો કરવા સરકારની ટીકા કરતી કેટલીક પોસ્ટ જાણી જોઇને વહેતી કરાય છે. એક ટ્વિસ્ટો, હ્યુમન રાઇટ્સ કે જિનપિંગના શાસનને પડકારતી પોસ્ટ અગ્નિકુંંડમાં ફેરવાય તે પહેલા જ તે તણખલાને ડામી દેવાય છે.
ભારત માટે વિશ્વને અત્યાર સુધી એટલે જ આદર છે કે ભારત ચીન કે રશિયા નથી. ભારતમાં સ્વચ્છંદતાની હદેબહોળો સમુદાય આઝાદી ભોગવે છે તો પણ પરિસ્થિતિ હજુ સુધી ચીન જેવી નથી.ભારતમાં 'ફેસબુક', 'ટ્વિટર' કે મીડિયાનો બહિષ્કાર થશે કે તેઓ પર ચોક્કસ વિચારધારાની વિરૂધ્ધની કોઈપણ પોસ્ટ પર પ્રતિબંધ મૂકવાનું વાતાવરણ સર્જાશે તો કેન્દ્ર સરકાર માટે તેવા પગલા અને નિર્ણયો 'બેકફાયર' પૂરવાર થઇ શકે છે. કેટલાક નાગરિકોને એવી પણ શંકા જાગી છે કે ટ્વિટરની જગાએ 'કૂ' હાલ ભલે ખાનગી સ્વદેશી સ્ટાર્ટઅપ હોય પણ આગળ જતા સરકારની નજર હેઠળનું પ્લેટફોર્મ બની જશે તો ?
વિશ્વના મીડિયામાં જેના અભિગમ અને વિચારોની ગંભીરતા અને આદર સાથે નોંધ લેવાય છે તેવા ન્યુયોર્કથી પ્રકાશિત થતા 'બ્લૂમબર્ગ'માં ભારતમાં છાશવારે ઇન્ટરનેટ ઠપ્પ કરી દેવાના નિર્ણયો કે મીડિયાના માલિકો સામે મનીલોન્ડરિંગ જેવા કારણો સાથે પડાતા દરોડા અને વયોવૃધ્ધ એકટિવિસ્ટોને જેલવાસ તેમજ ફેસબુક, ટ્વિટરની પોસ્ટને સેન્સર કરવાની વધતી જતી ગતિવિધિથી દેશની ઇમેજ ખરડાઈ છે તેવો સૂર વ્યક્ત કરાયો છે. કેન્દ્ર સરકારે જેમના એકાઉન્ટ બ્લોક કરવાની માંગ કરી છે તેમાં મીડિયા તરીકેની શ્રેષ્ઠ પ્રતિબધ્ધતા બદલ હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા નેઇમાન ફાઉન્ડેશન એવોર્ડ વિજેતા મેગેઝિનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ થવાથી વિશ્વની ટોચની યુનિવર્સિટી, બૌદ્ધિકો અને મીડિયામાં ભારતમાં ધાક જમાવી મુક્ત વાતાવરણને પગની એડી નીચે કચડવામાં આવી રહ્યું છે તેમ અર્થ કઢાયો છે. વિશેષ કરીને ટ્વિટરના ભારત સ્થિત જવાબદાર અધિકારીઓને છ વર્ષની જેલની કેદ પણ થઇ શકે તેવી જે સરકાર દ્વારા ધમકી આપવામાં આવી છે તેની વિશ્વસ્તરે ભારે નકારાત્મક છાપ પડી છે. કેન્દ્રના ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટરે ભારતમાં રહેવું હોય તો ભારતના કાયદાને આધીન વર્તવુ પડશે તેવું જે નિવેદન કર્યું છે તેની સામે 'બ્લૂમબર્ગ'એ ટ્વિટર કંપનીના માલિકોને ખાસ આગ્રહપૂર્વકની સલાહ આપી છે કે 'આ તમારી કસોટીનો કાળ છે, તમે ભારત સરકાર સામે ઝૂકતા નહીં' ટ્વિટરને એ વાતનો પણ ડર છે કે જો આજે ભારત સરકારને તાબે થઇશું તો કાલે પ્રત્યેક દેશના વડા તેમની વિચારસરણી કે હિતને નુકશાન કરે તેવા નાગરિકો, સંગઠનો કે જૂથો પર પ્રતિબંધની માંગ મુક્તા થઇ જશે. આજે નહીં તો કાલે સોશિયલ મીડિયામાં પ્રવેશતી અન્ય કંપનીઓ માટે પણ આ પ્રશ્ન ઉપસ્થિત થશે જ.
બીજી તરફ ભારત સરકાર કે ભૂતકાળમાં ફેસબુક કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર નિયંત્રણ મૂકવાની જે માંગ થઇ રહી છે તેમાં સાવ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો હેતુ નથી પણ આ માધ્યમનો દુરપયોગ કરીને દેશમાં અરાજકતા પણ ફેલાવી તો શકાય જ છે તેની ચિંતા છે.
સોશિયલ મીડિયા કંપની કહે છે કે અમે તો માત્ર વિશ્વના નાગરિકોને તેમના વિચારો કે સર્જન વ્યક્ત કરવાની વોલ (દિવાલ) આપીએ છીએ. તેમની યોગ્યતા નક્કી કરનાર અમે રેફરી ન બની શકીએ. એક જૂથ માટે શોષણ મનાતુ હોય તે જ બીજા જૂથ માટે વિકાસ માટે અનિવાર્ય સીમાચિહ્નરૂપ પગલું મનાતુ હોય તેમાં ટ્વિટર કઇ રીતે નિર્ણય લઇ શકે ?
જો કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના હક્ક અંતર્ગત કાયદાકિય નિયમનો અને રાજદ્રોહ, રાષ્ટ્રદ્રોહની કલમો પણ છે જ. તેવા તત્ત્વોને પકડવા હોય તો ટ્વિટર ક્યાં કોઈ સરકારને રોકે છે. માત્ર ભારતરમાં જ નહીં વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયા પર નિયંત્રણ લાવવાની આવશ્યક્તા પણ નકારી શકાય તેમ નથી. પોસ્ટનો ઇરાદો અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વચ્ચેની ભેદરેખાને લોકશાહીના સંદર્ભમાં મૂલવવી તે પ્રશ્ન પેચીદો છે.
'બ્લૂમબર્ગ' લખે છે કે સરકારે પોસ્ટને બ્લોક કરવાનું લેખીતમાં કારણ આપવું જોઇએ જેથી જેનું એકાઉન્ટ બ્લોક થયું છે તે ઇચ્છે તો તેને કોર્ટમાં પડકારી શકે. સોશિયલ મીડિયા કંપની દરેક દેશના નિયમોને ચકાસીને પોસ્ટ ફિલ્ટર કરે તે શક્ય જ નથી. દરેક દેશની પણ આગવી નીતિ હોય છે. દરેક દેશ અને તેના પક્ષો જમણેરી, ડાબેરી, સમાજવાદી, મૂડીવાદી રહેવાના. ધાર્મિક કટ્ટરતા પણ રહેવાની.
ભારતમાં જ નહીં ઘરઆંગણે અમેરિકામાં પણ ફેસબુકના ઝકરબર્ગને સંસદમાં હાજર થવું પડયું હતું. ટ્વિટરના સીઈઓ જેક ડોવસી પણ ભારે રાજકીય દબાણ હેઠળ છે.
ભારત સરકાર ઇચ્છે છે કે ટ્વિટરે કેપિટલ હિલ પરના હિંસાત્મક દેખાવોના પડદા પાછળના સૂત્રધારો અને અમેરિકાના તત્કાલિન પ્રમુખ ટ્રમ્પ સહિતની હસ્તીઓના એકાઉન્ટ રદ કર્યા છે તો ભારત માટેના ભાંગતોડિયાઓને તેવો પાઠ ભણાવવામાં ટ્વિટર કેમ ખચકાય છે.
ભલે કેન્દ્રની ભાજપ કે અમેરિકાની સરકાર કે કોઇપણ દેશ, સંગઠનો ફેસબુક અને ટ્વિટર જેવા શોશિયલ મીડિયાના બહિષ્કારની ધમકી આપે પણ ફેસબુક અને ટ્વિટર એ પણ જાણે છે કે તેઓ વગર રાજકીય પક્ષોને ચાલે તેમ જ નથી. પ્રત્યેક પક્ષે તેમના ટ્વિટર અને ફેસબુકના ફોલોઅર્સ વધારવાના અને રોજને રોજ કંઈક એક્ટિવિટી મૂકવાના આંતરિક આદેશ ાપ્યા છે. જે પક્ષ લોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરવામાં સફળ થશે તેના હાથમાં જ સત્તાનું સુકાન રહેશે. 'પ્રોપેગેન્ડા' અને લોકસંપર્ક સોશિયલ મીડિયાથી શક્ય બને છે. ભાજપના આઈટી સેલ, નેતાઓ, સંગઠનના અગ્રણીઓની સોશિયલ મીડિયામાં પકડ અને ફાવટ છે. તેઓ ફેંકાયેલા પથ્થરને આ જ માધ્યમથી પગથિયું બનાવી શકે છે.
અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીએ પણ મજબુત આઈટી ટીમ રાખી છે.
... અને છેલ્લે...
આપણે માઈક્રોસોફ્ટના સત્ય નાડેલા કે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈના નામથી જ પરિચિત છીએ પણ ટ્વિટરના ચીફ ટેકનોલોજી ઓફિસર સી.ટી.ઓ. ભારતના જ પરાગ અગ્રવાલ છે. મુંબઇ આઈઆઈટી અભ્યાસ બાદ સ્ટેનફર્ડમાંથી પરાગે પીએચડી કર્યું છે. ૨૦૧૧થી ટ્વિટરમાં એડ એન્જિનિયર હતા અને હવે સીધા સી.ટી.ઓ.
મજાની વાત એ છે કે ટ્વિટર પરની તમામ પોસ્ટમાંથી ખરેખર જે તે દેશ કે વિશ્વ માટે બદઇરાદાથી અરાજકતા ફેલાવતી પોસ્ટ કે સંગઠનને પકડી પાડી અને તેના પર નિયંત્રણ બ્લોક લગાવતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મિકેનિઝમ ખડુ કરવાની જવાબદારી તેના શિરે છે. ટ્વિટરના ભાવિને તે ટ્વીસ્ટ નહીં થવા દે ! ;
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37nz3jr
ConversionConversion EmoticonEmoticon