પદ્મ વિજેતા નારીશક્તિ .

- મહિલા દિવસ વિશેષ : લલિત ખંભાયતા, હર્ષ મેસવાણિયા

આ વર્ષે જાહેર થયેલા પદ્મ એવોર્ડ પૈકી ૨૯ એવોર્ડ મહિલાઓના ફાળે ગયા છે. એમાંથી અમુક મહિલાઓ જાણીતી છે, તો અમુક અજાણી છે. પરંતુ એમની કામગીરી તો જાણવા જેવી છે જ.. આ મહિલા દિવસે ૨૦૨૧ની પદ્મ વિજેતા નારી શક્તિને ઓળખીએ..


કે. એસ. ચિત્રા : દક્ષિણના મેલોડી ક્વિન 

કે.એસ.ચિત્રા  આર્ટ, (કેરળ)

પદ્મભૂષણ કે. એસ. ચિત્રાએ ભારતીય ભાષાઓમાં ૨૫ હજાર કરતાં વધુ ગીતો ગાયા છે. તેમને દક્ષિણ ભારતના મેલોડી ક્વિન કહેવામાં આવે છે. ૫૭ વર્ષના ચિત્રાજીએ ૧૯૯૧માં પ્રથમ વખત હિન્દી ફિલ્મ લવ માટે કંઠ આપ્યો હતો. એ પછીથી તેમણે અસંખ્ય હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, રાજસ્થાની ગીતોમાં કંઠ આપ્યો છે. કે. એસ. ચિત્રાનો જન્મ કેરળમાં થયો હતો. તેમનાં પિતા ક્રિષ્નન નાયર ખુદ સંગીતકાર અને ગાયક હતા. ચિત્રાએ તેમની પાસેથી જ સંગીતની આરંભિક તાલીમ લીધી હતી. માત્ર ૧૬ વર્ષની વયે તેમણે પહેલી વખત એક મલયાલમ ફિલ્મમાં અવાજ આપ્યો હતો. ત્યારથી શરૂ થયેલી સંગીત યાત્રા આટલા વર્ષોથી અવિરત ચાલી રહી છે. તેમણે દક્ષિણ ભારતની બધી જ ભાષાઓમાં પુષ્કળ ગીતો ગાયા છે. બ્રિટિશ સંસદે ૧૯૯૭માં તેમનું વિશેષ સમ્માન કર્યું હતું. આવું સમ્માન મેળવનારા કે. એસ. ચિત્રા દેશના એકમાત્ર ગાયિકા છે.


સુમિત્રા મહાજન : સૌથી લાંબી સંસદીય કારકિર્દી ધરાવતા  નેતા 

સુમિત્રા મહાજન પબ્લિક અફેર્સ (મધ્યપ્રદેશ)

પદ્મભૂષણ સુમિત્રા મહાજન ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન લોકસભાના સ્પીકર રહ્યાં હતાં. ૧૯૮૯થી ૨૦૧૪ સુધી સતત આઠ વખત સુમિત્રા તાઈ ઈન્દોરથી સાંસદ રહ્યા હતાં. એક જ બેઠક પરથી સતત આઠ વખત ચૂંટાઈને સંસદગૃહમાં પહોંચનારા તેઓ એક માત્ર મહિલા સાંસદ છે. ૧૯૮૯થી ૨૦૧૯ સુધી પાર્લામેન્ટમાં રહેનારા સુમિત્રા મહાજનના નામે સૌથી લાંબાં સમય સુધી અવિરત સંસદમાં પ્રતિનિધિત્વ કરનારા મહિલા નેતા તરીકેનો પણ પાર્લામેન્ટમાં વિક્રમ બોલે છે. એલ.એલ.બી સુધીનો અભ્યાસ કરનારા સુમિત્રા મહાજનના લગ્ન મધ્યપ્રદેશના ઈન્દોરના જયંત મહાજન સાથે થયા હતા. સાસરિયાના પક્ષે રાજકીય માહોલ વચ્ચે તેમણે ઈન્દોર નગરપાલિકાની ચૂંટણીમાં ૧૯૮૨માં પહેલી વખત ઝંપલાવ્યું હતું. એ સાથે જ તેમની લાંબી રાજકીય કારકિર્દીનો આરંભ થયો હતો. ૧૯૮૯માં સુમિત્રા મહાજને એ સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશચંદ્ર શેટ્ટીને હરાવ્યા હતા. બેદાગ, પ્રામાણિક અને સરળ વ્યક્તિત્વના કારણે તેઓ વિપક્ષના નેતાઓમાં પણ સ્વીકાર્ય હતાં. ૨૦૧૯ પછી તેમણે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લીધી હતી.


પદ્મ એવોર્ડની ઓળખ

ભારત સરકાર દ્વારા નાગરિક સન્માન તરીકે ચાર પ્રકારના એવોર્ડ અપાય છે, ભારતરત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. ભારતરત્ન સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે અને એક-બે વ્યક્તિને જ દર વર્ષે જાહેર થતો હોય છે. પદ્મ એવોર્ડ હેઠળ ત્રણ પ્રકારના સન્માન અપાય છે. દેશભરમાં ખૂણે-ખાંચરે રહીને કામ કરનારા નાગરિકોના સન્મનાનું આ લિસ્ટ દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા એટલે કે ૨૫મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે છે. બાદમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા સમાહોરમાં આ સન્માન રાષ્ટ્રપતિના હાથે અપાય છે.


પી. અનિતા : બાસ્કેટબોલમાં ૩૦ મેડલ નામે કરનારી ખેલાડીપી. અનિતા સ્પોર્ટ્સ (તમિલનાડુ)

પદ્મશ્રી અનિતા પોલદુરઈના નામે ઘણાં નેશનલ-ઈન્ટરનેશનલ રેકોર્ડ્સ નોંધાયા છે. ચેન્નાઈમાં જન્મેલાં પી. અનિતાએ ૧૧ વર્ષની વયે બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું હતું.

 ૨૦૦૦ના વર્ષમાં પ્રથમ વખત અનિતાએ નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. ૨૦૧૭ સુધી સતત ૧૮ વર્ષ સુધી અનિતા નેશનલ ટીમનો હિસ્સો રહ્યાં હતાં.

 ૧૯ વર્ષની વયે તેમને રાષ્ટ્રીય ટીમના કેપ્ટન બનાવાયાં હતાં. એ સાથે જ સૌથી યુવા કેપ્ટન તરીકેનો વિક્રમ પણ તેમના નામે નોંધાયો હતો. લગલગાટ આઠ વર્ષ સુધી તેમણે નેશનલ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. 

અનિતા પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા બાસ્કેટબોલ પ્લેયર છે, જેમણે નવ એશિયન બાસ્કેટબોલ ફેડરેશનની ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

 તેમણે નેશનલ ટીમનો ભાગ બનીને ૩૦ જેટલાં મેડલ્સ મેળવીને મહિલા બાસ્કેટબોલ ટીમના નામે વિક્રમ નોંધાવ્યો હતો. તેમણે સક્રિય કારકિર્દી દરમિયાન બાસ્કેટબોલની પ્રોફેશનલ લીગમાં પણ હિસ્સો લીધો હતો. 


રજની બેક્તર : શોખનાં તવામાં શોહરત પકાવનારાં કિચન-ક્વિન

રજની બેક્તર ટ્રેડ-ઈન્ડસ્ટ્રી (પંજાબ)

પદ્મશ્રી રજની બેક્તરે શોખના પતંગને ઢીલ આપીને શોહરતનું આખું આકાશ કબજે કર્યું છે! ખાવાની વિવિધ ચીજવસ્તુઓ બનાવવાનો તેમને ભારે શોખ હતો. એ શોખના કારણે તેમણે બેકિંગનો થોડા મહિનાનો કોર્સ કર્યો. થોડાક મહિનાના કૂકિંગ સ્ટડીએ તેમના શોખને આકાશ આપ્યું. તેમના શોખને પરિવારમાંથી પણ પોષણ મળ્યું. તેમના પતિએ ૮૦ના દશકામાં આઈસક્રિમ અને કેક બનાવવા માટે જરૂરી પ્રોફેશનલ સાધનો વસાવી આપ્યા અને એ રીતે રજની બેક્તરની ઉદ્યોગયાત્રા શરૂ થઈ. પંજાબના જલંધરમાં રજની બેક્તરે ૧૯૭૮માં એક નાનકડી કેક-આઈસક્રિમ શોપ શરૂ કરી હતી. આઈસક્રિમ, બિસ્કિટ, બ્રેડની બનાવટમાં તેમણે ટૂંક સમયમાં જ નામ કાઢ્યું હતું. તેમણે ક્રિમિકા નામની કંપની શરૂ કરી. તેમની બેકરી પ્રોડક્ટમાં ક્રિમ મુખ્ય આકર્ષણ હોય છે. ધીમે ધીમે કંપની વિકસતી ગઈ. આખા પંજાબમાં તેમની કંપનીની પ્રોડક્ટ જાણીતી થઈ છે. તેમની કંપનીનું ટર્ન ઓવર પાંચ કરોડને પાર પહોંચ્યું છે. અખંડ ભારતના કરાચીમાં જન્મેલા રજની બેક્ટર ૮૦ વર્ષની વયે લુધિયાણામાં નિવૃત્ત જીવન ગાળે છે.


મૌમા દાસ : ટેબલ ટેનિસમાં ઝળહળતું ભારતીય નામ

મૌમા દાસ સ્પોર્ટ્સ (પશ્વિમ બંગાળ)

પદ્મશ્રી મૌમા દાસ ટેબલ ટેનિસ પ્લેયર છે. પશ્વિમ બંગાળના કોલકાત્તામાં ઉછરેલાં મૌમા દાસના નામે ટેબલ ટેનિસના ઘણાં વિક્રમો બોલે છે. ૧૩ વર્ષની વયે ૧૯૯૭માં પ્રથમ વખત તેમણે ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. એ પછી તેમણે સતત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 

૨૦૦૪ અને ૨૦૧૬ એમ બે વખત મૌમા દાસે ઓલિમ્પિક્સ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેમણે સૌથી વધુ ૧૭ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. 

કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મળીને તેમણે ૧૯ મેડલ્સ અપાવ્યાં છે. માણિકા બત્રા સાથે જોડી બનાવીને મૌમા દાસે કોમન વેલ્થમાં ડબલ્સ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. મૌમા અને માણિકાની જોડીએ ૨૦૧૭માં વર્લ્ડ ટીટી રેન્કિંગમાં સૌથી સારો દેખાવ કરીને ૧૨મો ક્રમાંક મેળવ્યો હતો. 

કોમનવેલ્થ કન્ટ્રીઝના સ્પર્ધકોમાં આ સૌથી શ્રેષ્ઠ રેન્કિંગ હતું. મૌમા દાસે ૭૫ દેશોના પ્રતિનિધિઓ સામે ભારત વતી ૪૦૦ મેચોમાં પ્રતિનિધિત્વ કર્યું છે. 


જસવંતીબેન પોપટ : પાપડના દેશવ્યાપી ગૃહ ઉદ્યોગનાં સ્થાપક

જસવંતીબેન પોપટ ટ્રેડ-ઈન્ડસ્ટ્રી (મહારાષ્ટ્ર)

પદ્મશ્રી જસવંતીબેન જમનાદાસ પોપટે ૧૯૫૯માં નાના પાયે અન્ય સાત મહિલા સહયોગીઓ સાથે મળીને મહિલા ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી હતી. એક મકાનની છત ઉપર શરૂ થયેલો ગૃહ ઉદ્યોગ સમય જતાં દેશમાં પાપડની પોપ્યુલર બ્રાન્ડ બનીને ઉભરી આવ્યો હતો. ૧૯૬૨માં પાપડનું નામકરણ લિજ્જત થયું હતું. ઓર્ગેનાઈઝેશનનું નામ રખાયું : મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ. માત્ર આઠ મહિલાઓથી આ ગૃહ ઉદ્યોગ શરૂ થયો હતો. ૮૦ રૂપિયામાં એ વખતે પાપડ વણવાનું શરૂ થયું હતું. જે આજે ૧૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતો બિઝનેસ બની ગયો છે અને લગભગ ૪૪-૪૫ હજાર મહિલાઓ આ ગૃહ ઉદ્યોગમાંથી રોજગારી મેળવી રહી છે. કોઠાસૂઝથી જસવંતીબેને આ ગૃહ ઉદ્યોગને આગળ વધાર્યો હતો. દેશના ખૂણે-ખૂણે ગૃહ ઉદ્યોગ મારફત કાર્યરત મહિલાઓએ બનાવેલા પાપડ પહોંચવા લાગ્યા હતા. આ ગૃહ ઉદ્યોગના કલ્ચરનો મોડેલ તરીકે પણ અભ્યાસ થયો છે. મશીનનો ઉપયોગ ન કરવાથી લઈને ગૃહ ઉદ્યોગનું સંચાલન અલાયદા અભ્યાસનો વિષય બન્યાં છે. ફાઉન્ડિંગ મેમ્બર્સમાંથી હવે ૯૧ વર્ષના જસવંતીબેન એકમાત્ર હયાત સ્થાપક સભ્ય છે. 


સુધા સિંહ : સ્ટીપલચેઝમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 'દોડતું' નામ

સુધા સિંહ સ્પોર્ટ્સ (ઉત્તર પ્રદેશ)

પદ્મશ્રી સુધા સિંહ છેલ્લાં દોઢેક દશકાથી લોંગ ડિસ્ટન્સ રનિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. રાયબરેલીના ખૂબ જ સાધારણ પરિવારમાં જન્મેલાં ૩૪ વર્ષના સુધા સિંહ રમતજગતમાં રાયબરેલી એક્સપ્રેસ તરીકે જાણીતા છે. લખનઉની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં તેમની રમત નિખરી હતી. પાંચ વર્ષ સુધી તેમણે લખનઉમાં આકરી તાલીમ મેળવીને રાષ્ટ્રીય સ્તરે તેમણે નામ કાઢ્યું હતું. નેશનલ લેવલના રેકોર્ડ તોડયા પછી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા તરફ તેમની નજર મંડાઈ હતી. ૨૦૦૯માં આંતરરાષ્ટ્રીય એશિયન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવીને તેમણે ભારતભરમાં પોતાની રમતની નોંધ લેવડાવી હતી. ૨૦૧૦માં એશિયન ગેમ્સની સ્ટીપલચેઝ સ્પર્ધામાં તેમણે ગોલ્ડમેડલ કબજે કર્યો હતો. ૨૦૧૩માં એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.  ૨૦૧૨માં ૩૦૦૦ મીટરની સ્ટીપલચેઝ સ્પર્ધામાં ૯.૪૭ મિનિટનો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો, જેના કારણે તેમને ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી. ૨૦૧૨ અને ૨૦૧૬માં તેમણે ઓલિમ્પિક્સમાં ૩૦૦૦ મીટરની સ્ટીપલચેઝ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.  આગામી ઓલિમ્પિક્સમાં દેશને ગોલ્ડ મેડલ અપાવવા તરફ તેમની નજર છે. ૨૦૧૨માં તેમનું કેન્દ્ર સરકારે અર્જુન એવોર્ડથી સમ્માન કર્યું હતું. 


અંશુ જામસેનપા : પાંચ વખત એવરેસ્ટ સર કરનારા દુનિયાના એક માત્ર મહિલા સાહસિક

અંશુ જામસેનપાસ્પોર્ટ્સ (અરૂણાચલ પ્રદેશ)

પદ્મશ્રી અંશુ જામસેનપા પાંચ વખત એવરેસ્ટ સર કરનારા પ્રથમ ભારતીય મહિલા છે. પાંચ દિવસના ટૂંકા સમયગાળામાં બબ્બે વખત એવરેસ્ટના શિખરે જઈને ધ્વજા ફરકાવનારા અંશુ જામસેનપા દુનિયાના પ્રથમ મહિલા સાહસિક છે. મા બન્યા પછી દુનિયાની એક પણ મહિલાએ બબ્બે વખત એવરેસ્ટનું શિખર આંબ્યું નથી. એ રેકોર્ડ પણ અંશુના નામે બોલે છે. 

અરૂણાચલ પ્રદેશના બોમ્બડિલામાં ૧૯૭૯માં જન્મેલાં અંશુએ પ્રથમ વખત ૨૦૧૧માં એવરેસ્ટ સર કર્યો હતો. એ જ વર્ષે બીજી વખત એવરેસ્ટના શિખરને આંબ્યું હતું. 

૨૦૧૩માં ત્રીજી વખત દુનિયાના સૌથી ઊંચા શિખર એવરેસ્ટની ટોચે પગ મૂક્યો હતો. એ પછી ૨૦૧૭માં ફરી વખત બબ્બે વાર એ જ પરાક્રમ કરી બતાવ્યું હતું. એ વર્ષે તેમણે પાંચ દિવસમાં બે વખત એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચ્યો હતો. પદ્મશ્રી પુરસ્કારથી તેમનું સમ્માન થયું તે પહેલાં સાહસ અને પર્વતારોહણના કેટલાંય પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાં તેમનું નામ દર્જ થઈ ચૂક્યું છે, જેમાં પર્વતારોહણ માટેના રાષ્ટ્રપતિ પુરસ્કારનો પણ સમાવેશ થાય છે.


પપ્પમ્મલ : ૧૦૫ વર્ષેય ઓર્ગેનિક ખેતી કરતાં તમિલનાડુનાં દાદીમા

પપ્પમ્મલ એગ્રિકલ્ચર (તમિલનાડુ)

પદ્મશ્રી પપ્પમ્મલ તમિલનાડુમાં જ નહીં, પણ ભારતભરમાં ૧૦૫ વર્ષેય ખેતી કરતાં દાદીમા તરીકે જાણીતા છે. કોઈમ્બતુરના આ દાદીમાં દેશના સૌથી વયોવૃદ્ધ ખેડૂત છે. તેમની વય ૧૦૫થી ૧૦૭ વર્ષ હોવાનો અંદાજ છે. ઉંમરના આ પડાવે પહોંચ્યા પછી પણ પમ્પમ્મલ દાદીમાં સંપૂર્ણપણે નિરોગી છે. દરરોજ ખેતરમાં પાંચથી છ કલાક કંઈકનું કંઈ કામ કરતાં રહે છે. ઓર્ગેનિક ખેતી કરતાં આ દાદીમાનો પાઠ હવે તો તમિલનાડુની કૃષિ યુનિવર્સિટીમાં પણ ભણાવાય છે. તેમનાં લાંબાં અને નિરોગી આયુષ્યનું રહસ્ય તેમનાં હેલ્ધી ખોરાકમાં રહેલું છે. આ દાદીમાં ખોરાકમાં ભરપૂર શાકભાજીનો સમાવેશ કરે છે. વર્ષોથી તેઓ પાંદડાંની જાતે બનાવેલી ડીશમાં ભોજન આરોગે છે. ક્યારેય અન્ય મટિરિટલમાંથી બનેલી ડીશનો ઉપયોગ કરતાં નથી. ઠંડું પીણું તો દૂરની વાત છે, આ દાદીમા ક્યારેય ઠંડું પાણી સુદ્ધાં પીતાં નથી. ચા-કોફીનો સ્પર્શ કરતાં નથી. કાયમ ગરમ પાણી જ પીવાનો આગ્રહ રાખે છે. તેમની દિનચર્ચા અને ખોરાકની આદતો વિશે તમિલનાડુના સંશોધકોએ અભ્યાસ કર્યો છે. દેશભરમાં ઓર્ગેનિક ફાર્મિંગના સેમિનાર્સમાં પણ દાદીમા ઉત્સાહભેર ભાગ લે છે અને લોકોને ઓર્ગેનિક ખેતીના ફાયદા સમજાવે છે.


દુલારી દેવી : દલિતોની પીડાનાં ચિત્રો કંડારનારા આર્ટિસ્ટ

દુલારી દેવી આર્ટ (બિહાર)

પદ્મશ્રી દુલારી દેવીએ ચિત્રકળાના બળે દુનિયાભરના ચિત્રકારોની પંગતમાં માનભેર જગ્યા બનાવી છે. પરિવારની ગરીબીના કારણે શાળાએ જઈને અક્ષરજ્ઞાાન ન મેળવી શકેલાં દુલારી દેવીના ચિત્રોના રીવ્યૂ હવે ભારતની બધી જ ભાષાઓમાં અને અંગ્રેજી-ફ્રેન્ચ-સ્પેનિશ જેવી વિદેશી ભાષાઓમાં પણ થાય છે. એક સમયે સફાઈ કામદાર તરીકે કાર્યરત દુલારી દેવીએ કામની સાથે સાથે આપબળે મધુબની પેઈન્ટિંગમાં મહારથ મેળવી હતી.

 વિખ્યાત મધુબની ચિત્રકાર કર્પૂરી દેવીના સંપર્કમાં આવ્યાં પછી તેમની ચિત્રકળામાં નિખાર આવ્યો હતો. કર્પૂરી દેવીએ તેમને મિથિલા પેઈન્ટિંગના ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી.

 એ પછી દુલારી દેવીની ચિત્રકાર તરીકેની ઓળખ વધુ મજબૂત બની હતી. દુલારી દેવીએ અલગ અલગ વિષયોના સાત હજાર જેટલાં મિથિલા પેઈન્ટિંગ્સ બનાવ્યાં છે. તેમણે દલિતોની પીડાને ચિત્રોમાં વાચા આપી છે.

 દલિત સમાજના લોકોએ કેવી કેવી બાબતોનો સામનો જાણતા-અજાણતા કરવો પડે છે તેને વિષય બનાવીને દુલારી દેવીએ પ્રતીકાત્મક ચિત્રો રચ્યાં છે. દુલારી દેવી ખુદ જાણે ગામડાંની મહિલાઓનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરે છે. ઓછું ભણેલી પણ કોઠાસૂઝ ધરાવતી ગામડાંની મહિલાઓને જો સમાન તક મળે તો આકાશ આંબી શકે છે - એનું જીવંત ઉદાહરણ દુલારી દેવી સ્વયં છે.


રાધે દેવી : સાધારણ લાગતા કામને કળાના દરજ્જે પહોંચાડયું

રાધે દેવી આર્ટ (મણિપુર)

પદ્મશ્રી રાધે દેવી ૮૮ વર્ષના છે અને હજુય સક્રિય છે. મણિપુરના પોલોઈ પોશાકની પરંપરાને હંઝબમ રાધે દેવીએ ફરીથી જીવંત કરી છે. પોલોઈ દુલ્હન માટેનો પરંપરાગત મણિપુરી પહેરવેશ છે. એ પોશાકમાં વિશિષ્ઠ ભાતની ચણિયા-ચોલી, કમરપટ્ટો અને શાલ હોય છે. 

કોઈ દુલ્હન માટે પોલોઈ પોશાકમાં સજ્જ થવું એ ગૌરવની પળ ગણાય છે. રાધે દેવી માત્ર એ પોશાક જ બનાવી નથી દેતાં, દુલ્હનને એટલી જ ચીવટથી શણગારે પણ છે. ૮૮ વર્ષના રાધે દેવી છેલ્લાં ૬૦ વર્ષથી આ પરંપરાગત પોશાક બનાવે છે. દુલ્હનનો પોશાક બનાવવાનું કામ આમ તો સાધારણ લેખાય છે, પણ તેમણે સતત એમાં ઉત્સાહ-ખંત બતાવીને એ કામને કળાના દરજ્જે પહોંચાડયું છે. 

બાળપણમાં રાધે દેવી મણિપુરી દુલ્હનને પોલોઈ પોશાકમાં સજ્જ થયેલી જોતાં ત્યારે તેમને એ દૃશ્ય ખૂબ જ ગમતું. ધીમે ધીમે એમણે એ પોશાક પહેરવાની કળા શીખી અને પછી એ પોશાક બનાવતા જ શીખી લીધું. આજે પોલોઈ બનાવતા ગણ્યાં-ગાંઠયાં કલાકારો છે. એમાં રાધે દેવી સૌથી સીનિયર મેકર છે.


પૂર્ણામસી જાની : 50 હજાર ભજનોના રચયિતા

પૂર્ણામસી જાની આર્ટ (ઓડિશા, કંધમાલ)

પદ્મશ્રી પૂર્ણામસી જાનીએ કુઈ બોલીમાં ૫૦ હજાર જેટલાં પદો-ભજનો રચ્યાં છે. એમનાં પદોમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાય છે. આદિવાસી સમાજની રીત-ભાત, તેમની માન્યતાઓ, તેમની શ્રદ્ધા, તેમના તહેવારો પુર્ણામસીના ભજનોમાં ચિત્રિત થઈ છે. તેમના પદો-ભજનોના અનુવાદો ઉડિયા અને સંસ્કૃત ભાષામાં થયા છે. તેમની રચનાઓની સમીક્ષા કરતાં છ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કંધમાલ જિલ્લાના પૂર્ણામસીએ પ્રાથમિક શિક્ષણ પણ મેળવ્યું નથી, છતાં તેમણે આદિવાસીસમાજની કુઈ બોલીમાં વિપુણ પ્રમાણમાં સર્જન કર્યું છે. તેમના પદોમાં છલકતાં ભક્તિભાવના કારણે લોકો તેમને ખૂબ જ આદર આપે છે.

 લોકો કહે છે કે પૂર્ણામસીના ભજનો સાંભળીને મનને શાંતિ મળે છે. ૮૫ વર્ષના પૂર્ણામસી છેલ્લાં ૪૦ વર્ષથી પદ-ભજન રચનામાં તલ્લીન રહ્યાં છે.


ભુરી બાઈ : આદિવાસી સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝીલનારા ચિત્રકાર

ભુરી બાઈ આર્ટ (મધ્યપ્રદેશ, ઝાબુઆ)

પદ્મશ્રી ભુરી બાઈ આદિવાસી પરંપરાને ચિત્રોમાં ઉતારે છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં જન્મેલાં ચિત્રકાર ભુરી બાઈના ચિત્રોમાં આદિવાસી સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝીલાયું છે. આદિવાસી સમાજના વિવિધ પાસાંને તેમણે ચિત્રોમાં ઉતાર્યા છે. દેવી-દેવતાઓથી લઈને કુદરતી દૃશ્યો પણ તેમનાં ચિત્રોનો વિષય બન્યાં છે. તેમણે ચિત્રકળાની શરૂઆત દિવાલોમાં ચિત્રો દોરીને કરી હતી. આરંભના દિવસોમાં તેમની કળાને મધ્યપ્રદેશમાં ભારતભવનના સ્થાપક અને જાણીતા ચિત્રકાર જે સ્વામીનાથને પ્રોત્સાહિત કરી હતી. ભુરી બાઈએ આદિવાસીઓની ઘણી માન્યતાઓથી અલગ પોતાનો રસ્તો પણ કંડાર્યો છે. જેમ કે પીરિયડ્સ દરમિયાન આદિવાસી યુવતીઓ ચિત્રો દોરતી નથી. 

આદિવાસી સમાજની માન્યતા પ્રમાણે એ દિવસોમાં ચિત્રો દોરી શકાય નહીં, પરંતુ ભુરી બાઈએ એ બધી માન્યતાઓને બાજુ પર રાખીને ચિત્રો દોર્યાં હતાં. ભુરી બાઈએ પેઈન્ટિંગ માટે કેનવાસનો ઉપયોગ પણ કર્યો હતો. આવું કરનારાં તેઓ ભીલ સમાજના પ્રથમ મહિલા છે. તેમના ચિત્રોમાં અને તેમના વ્યક્તિત્વમાં પરંપરા તેમજ આધુનિકતાનો અનોખો સંયોગ જોવા મળે છે.


સંજીદા ખાતુન : બંગાળી ભાષા-સાહિત્ય અને લોકસાહિત્યના તલસ્પર્શી સંશોધક સંજીદા ખાતુન આર્ટ (બાંગ્લાદેશ)

પદ્મશ્રી સંજીદા ખાતુન ૮૭ વર્ષનાં છે. માથામાં મોટો ગોળ લાલ ચાંદલો, સોનેરી કિનારીવાળી શ્વેત બંગાળી સાડીમાં સજ્જ સંજીદા ખાતુન પહેલી નજરે બાંગ્લાદેશી નહીં, પણ બંગાળી લાગે - એવો તેમનો દેખાવ. તેમનો આખો પરિવાર બાંગ્લાદેશમાં ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ માટે જાણીતો છે. સંજીદા ખાતુનના પિતા મોહતાર હુસેન બાંગ્લાદેશના જાણીતા લેખક-પત્રકાર-સંશોધક હતા. ભાઈ અનવર હુસેન બાંગ્લાદેશના લોકપ્રિય નવલકથાકાર-વાર્તાકાર છે. બહેન ફમિદા ખાતુન રવિન્દ્રસંગીતના ગાયિકા છે અને બાંગ્લાદેશ ઉપરાંત બંગાળના રવિન્દ્રસંગીતના ચાહકોમાં  તેમની ખ્યાતિ છે. સાહિત્ય-સંગીત સાથે જોડાયેલા પરિવારમાંથી આવતા સંજીદા ખાતુન બાંગ્લા લોકસંગીતના નિષ્ણાત છે. તેમણે બંગાળી ભાષામાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી બંગાળી ભાષા-સાહિત્ય અને લોકસાહિત્યમાં તલસ્પર્શી સંશોધન કર્યું હતું. તેઓ ઢાકા યુનિવર્સિટીમાં બાંગ્લા ભાષા અને લોકસાહિત્યના અધ્યાપક રહી ચૂક્યા છે. બાંગ્લા લોકગીતોમાં તેમણે કરેલાં સંશોધનો દુનિયાભરમાં ઓથેન્ટિક ગણાય છે. બાંગ્લાદેશ મુક્તિ મોરચાની સ્થાપનામાં પણ તેમની સક્રિય ભૂમિકા હતી. ૧૯૭૧માં પાકિસ્તાનમાંથી અલગ રાષ્ટ્ર બાંગ્લાદેશની રચના થઈ એ પહેલાં થયેલાં આંદોલનોમાં તેમણે મહિલા મોરચાની જવાબદારી સંભાળી હતી.


જયશ્રી રામનાથ : શાસ્ત્રીય સંગીતનો 'કર્ણાટકી' કંઠ

જયશ્રી રામનાથ આર્ટ (તમિલનાડુ)

પદ્મશ્રી જયશ્રી રામનાથનો જન્મ કોલકાત્તામાં થયો હતો. સંગીતકારો-ગાયકોના પરિવારમાંથી આવતાં જયશ્રીએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓમાં સંખ્યાબંધ ગીતો ગાયા છે. સુબ્રમણ્યમ પરિવારની ચોથી પેઢીના સંગીતનું પ્રતિનિધિત્વ જયશ્રીના કંઠે થઈ રહ્યું છે. માતા સીતાલક્ષ્મી સુબ્રમણ્યમ અને પિતા એન.એન. સુબ્રમણ્યમ પાસેથી કર્ણાટકી સંગીતની આરંભિક તાલીમ લીધા પછી તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની અલગ અલગ શૈલીનું ગાયન શીખ્યું હતું. દિલ્હીની ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી ડિગ્રી મેળવીને તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રસ્તૃતિ શરૂ કરી હતી. તે ઉપરાંત તેમણે અસંખ્ય ભજનો, ફિલ્મી ગીતો અને લોકગીતોને કંઠ આપ્યો છે. ૧૯૮૨થી તેમની સંગીત કારકિર્દીનો આરંભ થયો હતો. દેશ-વિદેશના ટોચના સંગીત સમારોહમાં તેમણે સંગીત રજૂ કર્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા સંગીત સમારોહથી લઈને ગુજરાતના સપ્તક સુધી તેમણે શાસ્ત્રીય રાગોની પ્રસ્તૃતિ કરી છે.


લાજવંતી દેવી : ફુલકારી પરંપરાને જીવંત રાખનારા કલાકાર

લાજવંતી દેવી આર્ટ  (પંજાબ)

પદ્મશ્રી લાજવંતી દેવીએ પંજાબની પરંપરાગત ભરતકામની કળાને જીવતી રાખી છે. ૬૭ વર્ષના લાજવંતી દેવી પટિયાલામાં રહે છે અને પંજાબની ફુલકારી તરીકે ઓળખાતી કળામાં તેમની હથોટી છે. લાજવંતી દેવીએ માત્ર પાંચ વર્ષની વયે તેમનાં નાનીમા પાસેથી ફુલકારીની કળા શીખી હતી. આખા દેશમાં થતાં પ્રદર્શનોમાં લાજવંતી દેવી હોંશભેર ભાગ લે છે અને પંજાબની સંસ્કૃતિને દેશભરમાં પ્રદર્શિત કરે છે. તેમને ધીરે ધીરે સમજાયું કે આ કળા બહુ ઓછા લોકો જાણે છે. નાનીમાએ જેવી રીતે તેમને શીખવ્યું એવી રીતે તેમણે પણ તેમના સંતાનોને વારસો આપવો જોઈએ એવું વિચારીને તેમણે બે દીકરા અને ત્રણ દીકરીઓને આ કળા શીખવી છે. પાંચેય સંતાનો ફુલકારી પરંપરાને આગળ વધારવામાં લાજવંતી દેવીને મદદ કરે છે. પંજાબની, ખાસ તો પટિયાલાની અસંખ્ય મહિલાઓને તેમણે આ ફુલકારી શૈલીનું ભરતકામ શીખવ્યું છે અને તેમની પાસેથી તૈયાર થયેલો સામાન ખરીદીને તેને દેશભરના માર્કેટમાં ઉપલબ્ધ કરાવવાનું કામ પણ લાજવંતી દેવી કરે છે. થોડાંક દશકા પહેલાં આ કળા લુપ્ત થવાને આરે હતી, પરંતુ લાજવંતી દેવીના પ્રયાસો ઉપરાંત રાજ્ય-કેન્દ્ર સરકારના સહયોગથી આજે ઘણાં કલાકારો આ કળાના જાણકાર બની ગયા છે.


નિદુમોલુ સુમતિ : દેશનાં પ્રથમ મહિલા વિદુષી મૃદંગવાદક

નિદુમોલુ સુમતિ આર્ટ (આંધ્રપ્રદેશ)

પદ્મશ્રી નિદુમોલુ સુમતિ મૃદંગ વાદક છે. તેમને દેશના પ્રથમ મૃદંગ વાદક તરીકેનું સમ્માન મળે છે. આંધ્રપ્રદેશના ઈલુરુમાં ૧૯૫૦માં તેમનો જન્મ થયો હતો. સુમતિને તેમના પિતા પાસેથી મૃદંગનો વારસો મળ્યો હતો. તેમના પિતા આંધ્રપ્રદેશમાં મૃદંગ વિદ્વાન ગણાતા હતાં. 

તેમણે દીકરીને મૃદંગ શીખવીને કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું. એ જમાનામાં સામાન્ય રીતે મહિલાઓ મૃદંગ વગાડવાનું પસંદ કરતી ન હતી. મૃદંગવાદક તરીકે પુરુષો જ જોવા મળતા હતા, પરંતુ નિદુમોલુ સુમતિ એ પરંપરા તોડી હતી અને દેશભરમાં યોજાતા સંગીત સમારોહમાં તેમણે મૃદંગવાદન રજૂ કરીને નામ કાઢ્યું હતું. માત્ર ૧૦ વર્ષની વયે તેમની આ સંગીતયાત્રા શરૂ થઈ હતી. તેઓ ઓલ ઈન્ડિયા રેડિયોમાં થોડા વર્ષો કાર્યરત રહ્યાં હતાં. તેમણે દુનિયાભરમાં ભારતીય મૃદંગવાદનની પ્રસ્તૃતિ કરી છે. મૃદંગવાદન માટે તેમને ૨૦૧૦માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. મૃદંગવાદન માટે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા તેઓ દેશના પ્રથમ મહિલા મૃદંગવાદક છે.


મૃદુલા સિન્હા : મહિલાઓની લાગણીને વાચા આપનારા વાર્તાકાર

મૃદુલા સિન્હા સાહિત્ય-શિક્ષણ (બિહાર)

પદ્મશ્રી મૃદુલા સિન્હા જાણીતા લેખિકા હતાં. ૨૦૨૦માં ૭૭ વર્ષની વયે તેમનું નિધન થયું. મૃદુલા સિન્હા ગોવાના પ્રથમ મહિલા ગવર્નર હતાં. ૧૯૪૨માં બિહારના મુઝફ્ફરપુરમાં જન્મેલાં મૃદુલા સિન્હાએ સાયકોલોજીમાં માસ્ટર્સ કર્યું હતું. એ પછી મોતિહારીની કોલેજમાં અધ્યાપક બન્યાં હતાં. અધ્યાપક હતાં એ જ અરસામાં તેમની સાહિત્યસર્જનની પ્રક્રિયા પણ શરૂ થઈ હતી. તેમણે બિહારની ગ્રામ્ય સંસ્કૃતિને વણી લેતી ટૂંકી વાર્તાઓનું સર્જન કર્યું હતું. તેમની વાર્તાઓમાં મહિલાઓને સ્પર્શતા મુદ્દા ઉઠાવાતા હતા. મહિલાલક્ષી બાબતોને તેમની વાર્તાઓમાં વાચા મળતી હતી. તેમણે વિજયા રાજે સિંધિયાના જીવન પર આધારિક એક પુસ્તક લખ્યું હતું: એક થી રાની ઐસી ભી. જેના પરથી એ જ નામની હિન્દી ફિલ્મ પણ બની હતી. એ ફિલ્મમાં વિજયા રાજે સિંધિયાનું પાત્ર હેમા માલિનીએ ભજવ્યું હતું. સાહિત્યસર્જનની સાથે સાથે તેમણે સમાજસેવા પણ શરૂ કરી હતી. સમાજસેવાના કારણે સમય જતાં મૃદુલા સિન્હા રાજકારણમાં પણ સક્રિય થયા હતા. બિહાર સરકારે તેમને સોશિયલ વેલફેર બોર્ડના ચેરમેન બનાવ્યા હતા. મહિલા સશક્તિકરણ માટે તેમણે બિહારમાં નોંધપાત્ર કામ કર્યું હતું. ૨૦૧૪માં તેઓ ગોવાના ગવર્નર નિમાયાં હતાં.


ઉષા યાદવ : 100 કરતાં વધુ ૫ુસ્તકોના સર્જકનું બાળસાહિત્યમાં મોટું યોગદાન 

ઉષા યાદવ સાહિત્ય-શિક્ષણ (ઉત્તર પ્રદેશ)

પદ્મશ્રી ઉષા યાદવે ૧૦૦ કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મેલાં ઉષા યાદવે લગ્ન પછી સાસરિયા અને પતિને તેમના લખાણની જાણ ન થઈ જાય તે માટે કેટલુંય લખાણ તો બાળી નાખ્યું હતું.

 આગ્રામાં તેમનાં લગ્ન થયાં ત્યારે આગળનો અભ્યાસ અધૂરો મૂકવો પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ પછીથી તો પીએચડી સુધીનો અભ્યાસ પૂરો કર્યો. 

આગ્રાની કોલેજોમાં અધ્યાપક રહ્યાં અને એ દરમિયાન સાહિત્યસર્જન કરવા લાગ્યાં. કવિતા-વાર્તા-નાટકો લખતાં અને એ સાહિત્ય અખબારો તેમ જ સાહિત્યિક સામયિકોમાં સ્થાન મેળવવા લાગ્યું. તેમણે બાળકો માટે પણ વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે.

 તેમના અડધો-અડધ પુસ્તકો બાળસાહિત્યનાં છે. બાળસાહિત્ય માટે તેમને બાળ સાહિત્ય ભારતી પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. તેમની કવિતાઓ પાઠય પુસ્તકોમાં પણ સ્થાન પામી છે.

 પ્રેમચંદ અને શરદ જોશીના સાહિત્યથી પ્રભાવિત ઉષા યાદવની લેખનશૈલીમાં પણ આ બંને મહાન સાહિત્યકારોની ઝલક જોવા મળે છે.


પ્રકાશ કૌર : ત્યજી દેવાયેલી અસંખ્ય બાળકીઓની મા

પ્રકાશ કૌર સોશિયલ વર્ક પંજાબ (જલંધર)

પદ્મશ્રી પ્રકાશ કૌર છેલ્લાં ત્રણ દશકાથી 'બેટી બચાવો'નો સંદેશો તેમના કાર્યથી આપી રહ્યાં છે. ૧૯૯૩માં પ્રકાશ કૌરે જલંધરમાં યુનિક હોમ શરૂ કર્યું હતું. ત્યજી દેવાયેલી બાળકોને જોઈને પ્રકાશ કૌરે લોકોને સંદેશો આપ્યો હતો કે દીકરીઓને ફેંકી ન દો, મને આપી દો. ત્યજી દેવાયેલી બાળકીઓને પ્રકાશ કૌર આ અનોખા ઘરમાં આશ્રય આપે છે. હોમમાં ૧૦ દિવસની બાળકીથી લઈને ૧૮ વર્ષ સુધીની ત્યજી દેવાયેલી ૮૦ કરતાં વધુ બાળકીઓનું પાલન-પોષણ થઈ રહ્યું છે. કચરાના ઢગલામાં તરછોડી દેવાયેલી બાળકીઓને લોકો યુનિક હોમમાં પહોંચાડે છે અને પ્રકાર કૌર આ બાળકીઓની મા બનીને તેમને ઉછેરે છે. પ્રકાશ કૌર બાળકીઓને મોટી કરે છે, શિક્ષિત કરે છે અને યોગ્ય વયે પહોંચેલી બાળકીઓના લગ્ન પણ આ જ આશ્રયગૃહમાં થાય છે. કેટલીય દીકરીઓએ તો અહીંથી વિદેશમાં જઈને અભ્યાસ પણ કર્યો છે. તરછોડાયેલી બાળકીઓના સર્વાંગી વિકાસ માટે થાક્યા વગર ૬૩ વર્ષના પ્રકાશ કૌર દાયકાઓથી સેવા કરી રહ્યાં છે. 


નિરૂ કુમાર : મહિલા સશક્તિકરણ માટે મહેનત કરતાં ડોક્ટર

નિરૂ કુમારસોશિયલ વર્ક (દિલ્હી )

પદ્મશ્રી ડૉ. નિરૂ કુમાર છેલ્લાં ત્રણ દશકાથી મહિલા સશક્તિકરણ માટે મહેનત કરી રહ્યાં છે. ડોક્ટર તરીકે નિરૂ કુમાર કાર્યરત હતાં એ દરમિયાન તેમણે જોયું કે અસંખ્ય મહિલાઓ માનસિક રીતે પણ પીડાઈ રહી છે. શારીરિક ઈલાજની જેમ તેમનાં માનસિક ઈલાજની પણ જરૂરિયાત છે. ખાસ તો હોર્મોનલ ચેન્જિસ વખતે યુવતીઓને ૧૮થી ૨૫ વર્ષ દરમિયાન યોગ્ય માર્ગદર્શન ન મળે તો તેમનો માર્ગ ફંટાઈ જાય છે. વિષમ સ્થિતિનો સામનો કરીને જ લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે - એ પોતાના ઉદાહરણથી જ ડો. નિરૂ કુમારે સમજાવવાનું શરૂ કર્યું. શારીરિક-માનસિક પીડાનો ભોગ બનેલી મહિલાઓની માનસિક સ્થિતિ બહેતર બનાવવા  તેમણે દેશભરમાં ૪૦૦-૫૦૦ વર્કશોપ કર્યાં છે. ૫૦૦૦ કરતાં વધુ મહિલાઓ સાથે સંવાદ કરીને તેમને માનસિક રીતે મજબૂત બનવાની પ્રેરણા પૂરી પાડી છે. પોલિયોનો ભોગ બન્યા પછી કપરા સંજોગોનો સામનો કરીને ખુદ ડોક્ટર બનેલા નિરૂ કુમારે દેશમાં ડાઈવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન મોડેલ રજૂ કર્યું છે. એ મોડેલ પ્રમાણે જન્મથી કશીક શારીરિક-માનસિક ખામી ધરાવતા બાળકો સાધારણ બાળકોની સાથે રહીને અભ્યાસ કરે છે અને એકમેકના સહકારથી આગળ વધે છે.


સિંધુતાઈ સપકાલ : 1400 બાળકોનાં તાઈ

સિંધુતાઈ સપકાલ સોશિયલ વર્ક (મહારાષ્ટ્ર)

પદ્મશ્રી સિંધુતાઈ સપકાલ મહારાષ્ટ્રમાં તાઈના વ્હાલસોયા સંબોધનથી ઓળખાય છે. ૧૯૪૮માં મહારાષ્ટ્રના વર્ધામાં જન્મેલાં સિંધુતાઈના લગ્ન માત્ર ૧૨ વર્ષની વયે તેમનાંથી ૨૦ વર્ષ મોટાં પુરુષ સાથે કરી દેવાયા હતાં. સિંધુતાઈને સગર્ભાવસ્થામાં પતિએ તરછોડી દીધા હતાં. એ વખતે તેમનું જીવન સદંતર બદલાઈ ગયું. ગૌશાળામાં બાળકીને જન્મ આપ્યો. રીતસર માંગીને ખાવું પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ. પથ્થર તોડવા જવું પડતું. ઘરકામ કરીને ગુજરાન ચલાવવું પડતું. નાનકડી દીકરીને અનાથાશ્રમમાં મૂકવાની નોબત આવી ગઈ. અહીંથી તેમની જિંદગીમાં વળાંક આવ્યો. થોડીક આર્થિક સ્થિતિ સુધરી પછી ધીમે ધીમે તરછોડાયેલા બાળકોને આશ્રય આપવાનું શરૂ કર્યું. આદિવાસી ભાઈઓએ તાઈ અને તેમના બાળકોને રહેવા માટે ઝૂંપડાં બાંધી આપ્યાં. લોકો તાઈના આ મહાયજ્ઞામાં જોડાતાં અને સ્વૈચ્છાએ યથાયોગ્ય મદદ પણ કરતાં. બાળકોની સંખ્યા વધતી ગઈ. બે-પાંચ-પચ્ચીસ-પચાસમાંથી વધીને એકાદ-બે દશકામાં તો સંખ્યા પાંચસોએ પહોંચી ગઈ. આજે તાઈ પાંચ આશ્રમ ચલાવે છે. પાંચેય આશ્રમમાં ૧૪૦૦ જેટલાં બાળકો રહે છે. ૩૦૦ જેટલી દીકરીઓનાં લગ્ન તેમણે કરાવ્યા છે. ૪૦ દીકરાંઓને પરણાવી દીધા છે. બધા જ બાળકોને તાઈ પોતાનું નામ-અટક આપે છે અને બધાને પેટના જણ્યા દીકરા-દીકરી માને છે. તેમના દત્તક દીકરાં-દીકરીઓમાંથી ઘણાં આજે ડોક્ટર-વકીલ-એન્જિનિયર અને સમાજકાર્યકર છે. 


કમલી સોરેન : આદિવાસી બાળકોને શિક્ષિત કરનારા ગુરૂ મા

કમલી સોરેન સોશિયલ વર્ક (પશ્વિમ બંગાળ)

પદ્મશ્રી કમલી સોરેન પશ્વિમ બંગાળનાં માલદામાં રહે છે અને દૂર-સુદૂર ગ્રામ્ય વિસ્તારમાં સમાજ કલ્યાણની પ્રવૃત્તિ કરે છે. આદિવાસીસમાજના ઉત્કર્ષ માટે છેલ્લાં ત્રણ દશકાથી કમલી સોરેન કાર્ય કરે છે. તેમની અવિરત સમાજ કલ્યાણલક્ષી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો તેમને ગુરૂ મા કહીને સમ્માન આપે છે. માલદા અને આસપાસના ગીચ જંગલોમાં રહેતા લોકોના સામાજિક, સાંસ્કૃતિક વિકાસમાં તેમની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. કમલી સોરેનને અભ્યાસની તક મળી ન હતી, એ વાતનો ખટકો તેમને હંમેશા રહેતો હતો. બીજાને શિક્ષણ અપાવીને તેમણે એ કસર પૂરી કરી છે. અભ્યાસની તક ન મળવા છતાં ગુરૂ મા અનેક બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે નિમિત્ત બન્યાં છે. જંગલમાં રહેતા લોકો નાની-મોટી બીમારી વખતે હોસ્પિટલમાં પહોંચી શકતા નથી. તેમના માટે ગરૂ મા પોતાના આશ્રમમાં જ જડી-બુટ્ટીઓની વ્યવસ્થા કરે છે. વધારે જરૂરી લાગે તો જાતે શ્રમ ઉઠાવીને જરૂરિયાત મંદોને હોસ્પિટલ પહોંચાડે છે. આદિવાસી પરિવારો આર્થિક મર્યાદાના કારણે લગ્નની વયે પહોંચેલી દીકરીઓના લગ્ન કરી શકતા નથી. એવાં પરિવારોની દીકરીઓનાં લગ્ન પણ ગુરૂ મા કરાવી આપે છે.


શાંતિ દેવી : અસંખ્ય અનાથ બાળકોના દાદીમા

શાંતિ દેવી સોશિયલ વર્ક ઓડિશા (રાયગઢ)

પદ્મશ્રી શાંતિ દેવી ઓડિશાના જાણીતા ગાંધીવાદી સમાજકાર્યકર છે. રાયગઢ જિલ્લાના શાંતિ દેવી ૮૬ વર્ષના છે અને છેલ્લાં ૬૦-૬૫ વર્ષથી તેઓ સમાજસેવાનું કાર્ય કરી રહ્યાં છે. શાંતિ દેવી શરૂઆતમાં વિનોબાના ભૂદાન આંદોલનમાં જોડાયાં હતાં. એ પછી ધીમે ધીમે તેમણે અનાથ બાળકોના વિકાસમાં રસ લેવા માાંડયો. એકાદ દશકામાં રાયગઢ જિલ્લાના અનાથ બાળકોની મા બનીને તેમણે અસંખ્ય બાળકોને આશ્રય આપ્યો. તેમના પતિ ડૉ. રતનદાસ પણ ભૂદાન ચળવળમાં જોડાયા હતા. પતિ-પત્નીએ મળીને આખા વિસ્તારમાં અનેક સામાજિક કાર્યો કર્યા છે. પતિના મૃત્યુ પછી પણ શાંતિ દેવીએ સેવાયજ્ઞા ચાલુ રાખ્યો હતો. અનાથ બાળકોને આશ્રય આપવાની સાથે સાથે તેમણે તેમના શિક્ષણની પણ વ્યવસ્થા કરી. તેમણે કેટલાય અનાથ બાળકોને શિક્ષિત કરીને મુખ્ય પ્રવાહમાં ભેળવ્યા છે. આજે એમાંના કેટલાય બાળકો દેશમાં મોટી સંસ્થાઓમાં નોકરી કરી રહ્યા છે. અનાથ યુવકો અને અનાથ યુવતીઓના લગ્ન કરાવીને તેમણે કેટલાયના જીવનમાં પરિવર્તન લાવ્યું અને તેમને સમાજનો હિસ્સો બનાવ્યાં. ઓડિશામાં દુકાળ કે વાવાઝોડાં વખતે પણ શાંતિ દેવી છેવાડાંના લોકો સુધી મદદ માટે પહોંચી જાય છે. આદિવાસી વિસ્તારોમાં તેમણે શિક્ષણ પહોંચાડવાથી લઈને સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ પણ કર્યું છે. 


છૂટની દેવી : અંધશ્રદ્ધાનો ભોગ બનેલી મહિલાઓના તારણહાર

છૂટની દેવી સોશિયલ વર્ક

(ઝારખંડ)

પદ્મશ્રી છૂટની દેવીએ અંધશ્રદ્ધાના કાદવમાં ધકેલાયેલી કેટલીય મહિલાઓને નવજીવન આપ્યું છે. ઝારખંડના સરાયકેલા ખરસાવા જિલ્લાનાં છૂટની દેવીને શરૂઆતમાં લોકો ડાકણ કહેતા હતા. આજે ૬૨ વર્ષના થયેલાં છૂટની દેવીના લગ્ન માત્ર ૧૨ વર્ષની વયે કરી દેવામાં આવ્યાં હતાં. તેમનાં પાડોશમાં એક નવજાત બાળકી બીમાર પડી ત્યારે ગામલોકોએ છૂટની દેવી પર કાળા જાદુનો આરોપ મૂક્યો હતો અને તેને ગામમાંથી કાઢી મૂક્યા હતાં. એ ઘટના પછી તેમણે સામાજિક કુપ્રથા સામે સંઘર્ષ શરૂ કર્યો હતો. ઝારખંડના ગ્રામ્યવિસ્તારોમાં જે મહિલાઓને ડાકણ કહીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવતી હતી, તેને છૂટની દેવી આસરો આપતાં હતાં. ભૂત-પ્રેતના નામે કોઈ મહિલાને પીડવામાં આવતી હોવાની જાણ છૂટની દેવીને થતી ત્યારે તે ટીમ સાથે એ ગામમાં જતાં અને અંધશ્રદ્ધા ફેલાવતા તાંત્રિકોનો પર્દાફાશ કરતાં. એટલું જ નહીં, આવા તાંત્રિકો સામે ફરિયાદ દાખલ કરીને પીડિત મહિલાઓને ન્યાય અપાવતાં. જરૂર પડયે કોર્ટમાં પણ પીડિતાના પક્ષે સાક્ષી બનીને હાજર રહેતાં. તેમણે ઝારખંડની ૬૨ મહિલાઓને તાંત્રિકોના પંજામાંથી ઉગારીને નવજીવન આપ્યું છે. અઢી-ત્રણ દશકાની તેમની મહેનતના કારણે જિલ્લામાં અંધશ્રદ્ધા ઘણી ઓછી થઈ ગઈ છે. 


સંગખુમી બુઅલછોક: મહિલા અધિકાર માટે ઝઝૂમનારાં લીડર

સગખુમી બુઅલછોક સોશિયલ વર્ક 

(મિઝોરમ)

પદ્મશ્રી સંગખુમી બુઅલછોક એટલે મિઝોરમમાં મહિલાઓના અધિકાર માટે લાંબી લડત ચલાવનારા સામાજિક-રાજકીય એક્ટિવિસ્ટ. ૬૦ વર્ષના સંગખુમી છેલ્લાં ૪૦ વર્ષથી લડત ચલાવી રહ્યાં છે. સમજણ આવી ત્યારથી જ તેઓ મહિલાઓ પર થતાં અત્યારના સાક્ષી બન્યા હતાં. તેમને એ વાત બહુ નાની વયે ખબર પડી ગઈ હતી કે મહિલાઓને મૂલવતા કાટલાં અલગ છે અને પુરુષો માટેની સ્થિતિ જુદી છે. પુરુષ ધારે ત્યારે મહિલાને માર મારી શકે છે, ધારે ત્યારે છૂટાછેટા આપી શકે છે. જો ઘરેલું હિંસા સહન ન કરે તો મહિલા દર-દર ભટકતી થઈ જાય. કાયદાની જોગવાઈ પ્રમાણે ખરેખરી સમાનતા નહીં આવે ત્યાં સુધી મહિલાઓના ભાગે માનસિક-શારીરિક ત્રાસ સહન કરવાનું જ આવશે. એ સ્થિતિ કાયમ માટે નાબુદ કરવા તેમણે મિઝો મહિલા મહાસંઘના નેજા હેઠળ લડતો ચલાવી. તેના કારણે મિઝોરમમાં ૨૦૧૩થી મહિલાઓને સમાનતા આપતા કેટલાંય નવા કાયદા ઘડાયા. રાજ્ય સરકારે લગ્ન-છૂટાછેડા સહિતના બિલમાં સુધારા કરીને મહિલાઓને સમાનતાની જોગવાઈ કરી. મહિલાઓનું જીવન દીકરી-પત્ની-માતા બનીને પૂરું થઈ જતું હતું, એ સ્થિતિમાં પરિવર્તન આવે તે માટે તેમણે મહિલાઓને જાગૃત કરી હતી. કન્યા કેળવણીની હિમાયત કરીને એ દિશામાં પણ તેમણે પ્રયાસો કર્યા હતાં.


બિરૂબાલા રાભા : ઢોંગ-ધતિંગનો પર્દાફાશ કરનારા એક્ટિવિસ્ટ

બિરૂબાલા રાભા સોશિયલ વર્ક (આસામ)

પદ્મશ્રી બિરૂબાલા રાભા આસામમાં અંધશ્રદ્ધા નાબુદ કરવા વર્ષોથી મહેનત કરે છે. બિરૂબાલા ઢોંગી તાંત્રિકોનો હિંમતભેર સામનો કરે છે અને અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવા ગામડે ગામડે ફરે છે. ગોવાલપારા જિલ્લાના બિરૂબાલા હવે તો આખાય આસામમાં મહિલાઓના શોષણ સામે લડે છે અને તાંત્રિકોનો ભોગ બનેલી મહિલાઓની પડખે ઊભાં રહીને તેમના પરિવાર સાથે કે પતિ સાથે સમાધાન પણ કરાવે છે. જીવ પર આવીને બિરૂબાલાએ આટલા વર્ષોમાં કેટલીય મહિલાઓનો જીવ બચાવ્યો છે. મહિલાઓના શરીરમાં ભૂત ઘૂસી ગયાનું કહીને તાંત્રિકો પરિવારની હાજરીમાં તેને બેરહેમીથી ફટકારતા હોય ત્યાં પહોંચીને બિરૂબાલા બધાને સમજાવે છે. ક્યારેક ઉગ્ર દલીલો થાય છે, તો ક્યારેક વાત સમજાવટથી જ પૂરી થઈ જાય છે. ઘણાં તાંત્રિકો વિધિઓના નામે મહિલાઓનું જાતીય શોષણ કરે છે. મહિલાઓ ખુદ અંધશ્રદ્ધામાં માનીને ભોગ બને છે. એવા સમયે બિરૂબાલા એ મહિલાઓનું કાઉન્સેલિંગ કરે છે. માત્ર પાંચ ધોરણ ભણેલા ૬૧ વર્ષના બિરૂબાલા બે દશકાથી આ કાર્ય કરી રહ્યાં છે અને જીવનના છેલ્લાં શ્વાસ સુધી અંધશ્રદ્ધા નાબુદી માટે લડવાની તેમની નેમ છે.


લખિમી બરુઆ : મહિલા અર્બન કોઓપરેટિવ  બેંકના  સ્થાપક

લખિમી બરુઆ સોશિયલ વર્ક (આસામ)

પદ્મશ્રી લખિમી બરુઆનો જન્મ આસામના જોરહાટ નજીકના નાનકડા ગામમાં થયો હતો. ગરીબ પરિવારમાં જન્મેલાં લખિમી આર્થિક કટોકટીના કારણે કોલેજનો અભ્યાસ પૂરો કરી શક્યા ન હતાં. 

૧૯૭૩માં તેમનાં લગ્ન થયા. લગ્ન પછી તેઓ પતિના સહયોગથી ૧૯૮૦માં ગ્રેજ્યુએટ થયા હતાં. એ પછી તેમણે બેંકમાં નોકરી શરૂ કરી હતી. બેંકમાં નોકરી મળી ગઈ પછી તેમની આર્થિક સ્થિતિ સુધરવા લાગી હતી, પરંતુ બાળપણમાં ગરીબી જોઈ હતી. આસપાસમાં કેટલીય મહિલાઓ અને પરિવારો આર્થિક સંકળામણનો સામનો કરતા હતા એ પણ તેમણે જોયું હતું. 

સૌથી ખરાબ સ્થિતિ મહિલાઓની થતી હતી. તેમની પાસે તો બેંકમાં એકાઉન્ટ જ ન હતા. એમાંથી તેમને પોતાની બેંક શરૂ કરવાનો વિચાર આવ્યો. મહિલાઓને આર્થિક સુરક્ષા આપવાના હેતુથી ૧૯૯૮માં તેમણે સાડા આઠ લાખ રૂપિયાની મૂડી સાથે કોનોકલતા મહિલા અર્બન કોઓપરેટિવ બેંક શરૂ કરી હતી.

 ૧૫૦૦ સભ્યોથી શરૂ થયેલી બેંકમાં હવે ૪૫ હજાર ખાતાધારકો છે. બેંકમાં માત્ર મહિલાઓને જ નોકરીએ રાખવામાં આવે છે. બેંકનું વાર્ષિક ટર્નઓવર ૧૬ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. મહિલાઓને ઝીરો બેલેન્સથી ખાતું ખોલી આપવામાં આવે છે. લખિમી બરુઆએ આઠ હજાર મહિલાઓને પોતાનો નાનો-મોટો વેપાર શરૂ કરવા લોન આપી છે. 


વિજયા ચક્રવર્તી : કેન્દ્રીય રાજકારણમાં આસામી પ્રતિનિધિ

વિજયા ચક્રવર્તીપબ્લિક અફેર્સ આસામ)

પદ્મશ્રી વિજયા ચક્રવર્તી કેન્દ્રીય રાજકારણમાં આસામનું પ્રતિનિધિત્વ કરતાં આવ્યાં છે. ૧૯૩૯માં આસામના બાલિગાઁવમાં જન્મેલાં વિજયા ચક્રવર્તીએ જનતા પાર્ટીમાં જોડાઈને રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

 ૧૯૮૬થી ૧૯૯૨ દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ બન્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ૧૯૯૯માં તેઓ ગૌહાટી લોકસભાની બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં હતાં.

 ૧૯૯૯થી ૨૦૦૪ સુધી અટલ બિહારી વાજપેયીની સરકારમાં વિજયા ચક્રવર્તીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે કામગીરી કરી હતી.

 ગૌહાટી લોકસભા બેઠક તેમનો ગઢ ગણાતો હતો. ૨૦૦૪માં ભૂપેન હઝારિકાને ભાજપે તેમના સ્થાને ટિકિટ આપી ત્યારે નારાજ કાર્યકરોએ દેખાવો કર્યા હતા. 

૨૦૦૯માં ફરીથી ભાજપે તેમને ટિકિટ આપી હતી. ૨૦૦૯થી ૨૦૧૯ સુધી વિજયા ચક્રવર્તી એ જ બેઠક પરથી સાંસદ રહ્યાં હતાં. આસામ ભાજપના સંગઠનમાં અને રાષ્ટ્રીય સંગઠનમાં પણ તેમણે વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. 

૮૧ વર્ષના વિજયા ચક્રવર્તી ૨૦૧૯માં ચૂંટણી લડયા ન હતા. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ccctvy
Previous
Next Post »