
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- 'જીવનનું વૃક્ષ' ચિત્ર કોઈ ઉર્મિકાવ્ય જેવું લયબદ્ધ અને રંગબેરંગી લાગે
આ વિશ્વમાં સર્વત્ર, પ્રત્યેક કળાના સ્વભાવ- એના ગુણધર્મ અંગે એકમત વર્તાય છે. તે છે પાણીના પ્રવાહની જેમ વહેવું, સૌનો સ્વીકાર કરવો અને સ્વયમનું આત્મસમર્પણ કરવું. કળા ગમે તે હોય પરસ્પર સ્વીકારની ભાવનાથી એ ઉજ્જવળ છે- ખમતીધર છે. મૂળ ઈરાનની જગપ્રસિદ્ધ ચિત્રકળા કલમકારીએ ભારતના આન્ધ્રપ્રદેશમાંથી પ્રવેશ કરીને વ્યાપક લોકચાહના પ્રાપ્ત કરી. ત્યાંથી રસિકોએ લોકશૈલીના નમૂનાઓને અને મૂળ સ્વરૂપે પારંપારિક શાસ્ત્રીયરચનાઓને અલગ અલગ સ્થળે લઈ ગયા અને કલમકારી ચિત્રકળાને વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થઈ.
ગુજરાતમાં માતાની પછેડીમાં એનો પાવન અને પરમસ્પર્શ વરતાય છે- તો, ગુજરાતમાં જન્મીને જીવીૂ ગયેલ એક નરબંકાને આ ચિત્રકળા પ્રકારનું 'ટ્રી ઑફ લાઇફ' ચિત્ર એક સંગ્રહ સ્થાનમાં જોવા મળ્યું અને બસ - એ નિમિત્ત બની ગયું ગુજરાતમાં આતિથ્ય પામવા માટેનું. આપણે એટલા ભાગ્યશાળી કે આપણને પણ એ વિશિષ્ટ કળા પોતીકી લાગી. એક પાક્કા કચ્છીમાંડુ શ્રી તનસુખભાઈ મહિચાએ ચિત્રકામની શિક્ષાદીક્ષા અને ટેક્સટાઇલ ડિઝાઇનની તાલીમ હાંસલ કરી અને પછીવીસ વર્ષ સુધી વિવર્સ સર્વિસ સેન્ટરમાં પોતાની જાતને ઓગાળી દઈ હસ્તકલા ક્ષેત્ર પ્રાણ પૂર્યા.
હેન્ડલુમ સાથે જોડાઈ આર્ટ અને ક્રાફ્ટ ઉપર શિબિરો તો કરી જ. સાથે સાથે કલમકારીના પ્રયોગો અને પ્રદર્શનોમાં પૂરેપૂરા ખંતથી પરોવાયેલા રહ્યા. દેશ- પરદેશમાં એમણે જૈવિક વનસ્પતિજન્ય રંગોની આણ વરતાવી. સુતરાઉ અને રેશમી કાપડ ઉપર કુદરતી રંગોને રસાળાવવાનું શીખવવા એમણે અમદાવાદમાં સ્ટુડિયો ખોલી વિદ્યાર્થીઓને એની તાલીમ આપી. એક શિક્ષક અને એક ચિત્રકાર તરીકે એમની કચ્છિયત એમની ખુમારી ઝળકી ઉઠી. તનસુખભાઈ રણમાં ય રાજી અને મનોમન સંકલ્પ કરી ઉભી કરી દે વનરાજી. રણનાં થોર ફળદાયી વૃક્ષ બની થડ, ડાળી, શાખા, પ્રશાખા અને વિશાખા પર પાન, ફૂલ, ફળ, કળી અને ઉમંગ ખીલવે.
નિતનવા રંગ, રૂપ, રંગછટા, ઉદગ્રીવ દ્રષ્ટિ કરી અમોઘ શક્તિની અભિવ્યક્તિ કરે
'ટ્રી પેઇન્ટર' તરીકે જાણીતા થયેલા આ કલાકારે રશિયા, જાપાન, બ્રિટન, જર્મની, ફ્રાન્સ આદિ સ્થળોએ મહાકાય 'ટ્રી ઑફ લાઇફ' ચિત્રોનો ચીલો પાડયો. 'મેટલ ક્રાફ્ટ'ના પરિવારમાંથી આવતા તનસુખભાઈ કુદરતી તત્ત્વોથી આકર્ષાઈને ફૂલ, ફળ, જીવજંતુ, પ્રાણી, પક્ષી, જળ ઇત્યાદિ આધ્યાત્મિકતાથી લીંપાઈને નિરૂપતા. પ્રત્યેક તત્ત્વ એમને અણમોલ ખજાનાસમ લાગતું - કલ્પનાતીત લાગતું. પાટણના પટોળામાં સમાવિષ્ટ હાથી અને સિંહના બુટ્ટા તેમના હાથે નવજીવન પામી લંડન મ્યુઝિયમમાં મહાલે છે.
શીખવાની અધધ તમન્નાને કારણે તલ્લીન થઈ એમાં ખૂંપી જતા અને જગ ભૂલી જતા. એક જ પાત્રમાં માતા, બહેન, પુત્રી જેવા વિવિધ રૂપોને કલ્પીને ચિત્રોમાં ઉતારતા સ્ક્રોલ પર આછું પાતળું ડ્રોઇંગ કરી કે પછી કદીક સીધા જ રંગપ્રયોગ કરતા. ગુરુશ્રી કે. જી. સુબ્રમણ્યમ અને શાંતિનિકેતનનો પ્રભાવ ઝીલીને ચાલનારા આ અદના કલાકારના પરિવારમાં પણ કલમકારીનોજાદુ પ્રવર્તે છે. કેવાં છે મહિચા સાહેબના ચિત્રો ? ચિત્રોને જ બોલવા દઈએ : આછી ગુલાબી પશ્ચાદભૂ પર ચાર મહિલાઓ એકબીજાથી વિપરીત દિશાએ જોતી કુદરતી તત્ત્વો પુષ્પ, પાન અને વેલજાળની વચ્ચે રમણ કરતી શોભે છે. દરેકના ચહેરા ઉપર વેગળા ભાવ દીસે છે અને દેહલતા અતિ કોમળ છે.
અન્ય આછા ગુલાબી ઉભા સ્ક્રોલ પર મૂળિયાવાળું કથ્થઈ થડવાળું વૃક્ષ છે જેને કેસરી, પીળા, લાલ ભિન્ન- ભિન્ન આકારના કલમકારીની ઓળખ સમા કુસુમો શોભે છે. ઝૂમતાં પાન, ડાળીએ ઝૂલતા વાનર, સર્વોચ્ચ ફૂલમાંથી રસ ચૂસતું પક્ષી જાણે કે આખી ય કૃતિમાંથી રસ પ્રાપ્ત કરતા રસિકો સમું લાગે છે. અલગારી રમતિયાળ વાનર ટોળકી કમળ, તારલિયા અને લહેરાતી ડાળીઓ વચાળે આરામ પણ ફરમાવે. પેલો આડો વીંટો જોઈ લો. અત્યંત નાજુક, કલાત્મક, સોહમણી, કથ્થાઈ, ગુલાબી, કાળા પાશવાળી કિનારમાં ફૂલ, પાનના વિશિષ્ટ આકારના બુટ્ટાઓનો ઠસ્સો દોરદમામવાળો છે. મધ્યમાં બિરાજે છે. વૃક્ષભા, કરાવતું વિરાટ પુષ્પ. અનેક પંખુડીઓ, ઝીણી દોરી રેખાંઓ કને કથ્થાઈ, લાલ રંગઝાંયવાળા પાન પાસે મોરલા કળા કરે છે !
ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બહેન !
ફૂલડાં કટોરી ગૂંથી લાવ... અમૃત અંજલિમાં
ઘેરા ભૂરા, કાળા અને ધવલ રંગના મિશ્રણયુક્ત વર્તુળમાં શ્વેત પંખીડા ચહકાટ કરે અને મધ્યમાં રૂપેરી ચન્દ્ર શીતળ લહેર વહાવે તો લય- રસથી છલકાતો કવિ યાદ આવે જ ને ! તનસુખભાઈના અન્ય ગોળાકાર ચિત્રમાં ગતિશીલ નારીઓ ક્રીડા કરતી દેખાય. તેમના દરેક ચિત્રમાં પ્રાકૃતિક તત્ત્વોના પ્રતીકાત્મક મોટિફ્સ જોવા મળે. કાગળ, સુતરાઉ કાપડ અને રેશમી પોતમાં આ કલાકાર સોળે કળાએ ખીલતા જેની નિશ્રામાં પુત્રી પ્રવીણા મહિચાએ એમની કંડારેલી કેડી પર જ ડગ માંડયા.
વિશાળ આ સંસારે પિતા- પુત્રી જેવો સંબંધ અન્ય કોઈ નથી. કળાના ઉપાસક શિક્ષક એવા પ્રવીણાબહેને મિલોમાં વણાટકામ અને રંગવિભાગના જાણતલ કસબીઓ પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે. પિતાના પ્રમાણિકતાના આદર્શો અને કામ કરવાની ઢબની અસર ઝીલી કુદરતી રંગોમાં બાંધણી, બાટિક અને શિબોરી કળાને તેમણે અપનાવી તાલીમ લીધી, એ અંગે વાંચ્યું અને હવે શિબિરો ય યોજે અને ખાસ સમય ફાળવી પ્રયોગાત્મક ચિત્રો ય કરે. ખતમ થતા જંગલોની અસર તળે પ્રવીણાબહેને કલમાકારી આધારિત ચિત્રો અને આડા- ઉભા સ્ક્રોલ કર્યા છે. જળસંપદા અને વનસ્પતિ ઉપરાંત પશુ- પંખીડાંને તેમણે કાપડ પર ઉતારી લાડ કર્યા છે.
વૃક્ષ, પાન, ફળ, કળી, ફૂલમાં વૈવિધ્ય આણ્યું છે. ફૂલનાં સ્ત્રીકેસર અને પુંકેસરમાં પતંગિયાનો ભાવ રજૂ કર્યા છે. દાડમના ફળ- તેના આકાર, રંગ અને બી આધારિત પુષ્પો બનાવી તેમણે મૌલિકતાને ઉજાગર કરી છે. તેમના ચિત્રોમાં પર્ણમર્મર સંભળાય, થડ વળાંકવાળા હોય અને બોર્ડર બોલકી બની તેનાં ફૂલ-પત્તી જેવા પાત્રોનો ઝંડો ફરકાવે. વૃક્ષોના ઝૂંડમાંથી પ્રાણી પ્રગટ થાય અને સંવેદનશીલ આ કલાકાર નદીની ગંદકી અને તેના જળચરોની ચિંતા કરે તેમને ચિત્રોના નાયક- નાયિકાનું બિરૂદ આપે. તેમના મનમાંથી આળસ મરડીને ઉભા થતા આકારને લીધે ચિત્રોની ફ્રેઇમમાં છાયલ (સાડી) છીંટ સભર ઉભરી આવે. કચ્છીકળા અજરખની અસર પણ વરતાય.
અહો ! પુષ્પે પુષ્પે પ્રગટ પ્રેમલિપિ !
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી !
આ સમર્પિત કલાકારના ઝીણાં નિરીક્ષણમાંથી નીપજી આવે છે. વિવિધ વિષયો મહેલોની કમાનોના મહેરાબ તળે ફલાવરવાઝ જેવું વૃક્ષ ચિતરે ત્યારે મન પોકારે 'દર્શન દો ઘનશ્યામનાથ...' જો જંગલને આપણને નુકસાન નથી કરતું તો આપણે કેમ એને વાઢી નાખીએ છીએ ? - એવો વલોપાત એમની પાસે જંગલના પ્રિય પાત્રોનું ચિત્રાંકન કરાવે છે. પર્વત, ખડકો, ફૂલ જેવા કમલકારીના બુઢ્ઢા દેવદૂતવાળા ચિત્રમાં સ્થિરતાના સંદેશાનું નિરૂપણ કરે છે. વચ્ચોવચ્ચ પ્રેમી પંખીડા અને એકબીજા સાથે વળગેલી, ડાળીઓ નાજુક વલયો જેવી લાગે. મહેંદી કલરના સ્ક્રોલમાંથી થડ ઉપર ચઢતા ક્રમમાં ફૂલ જોવા મળે. બિંદુ,પુષ્પમાંથી લયબદ્ધ કવિતા નીતરે અને બોર્ડર ? ગીચ છતાં સ્પષ્ટ !
ગુલાબી પોતવાળા, મહેંદી બોર્ડરવાળા ચિત્રમાં કચ્છી છાયલમાં હોય એવું મોટું દૈત ફૂલ વિકસિત પાંદડીઓ વડે શોભે ! સાથે મોરલાની જોડે ટહુકા કરે ! ઇંડિગો ફ્રેઇમમાં હંસલાની જોડનો જળમાં સ્વૈરવિહાર, ભરચક કમળ, કમળકાકડી, કમળપર્ણ, કાંઠેણથી અને ટેકરી ઉપર વાઘ ફળફૂલ સાથે ઐક્ય સાધે ! ટાઇ-ડાઇ ટેકનિક સાથે જાપાનીઝ શિબોરી અને ઇન્ડોનેશિયન બાટીકને પડ ઉપર પડ મૂકી તૈયાર કરે. સાથે બાંધણીની બારીક કળા રજૂ કરે ત્યારે એ ઇંડિગો સિરિઝમાં આડી ઉભી મોતીની લડી અને હીરાના હાર અત્યાકર્ષક લાગે. વચ્ચે સૂર્ય પણ ચમકાવે.
આમ, પ્રવીણાબહેન જૈવિક રંગના આગ્રહી હોવાથી કથ્થાઈ રંગ માટે કાથો, લાલ રંગ માટે મજીઠ, કેસરી માટે કેસૂડા, પીળા માટે ગલગોટા અને લીલા માટે મહેંદીના ઉપયોગ પર ભાર મૂકી જાણે કે પિતૃતર્પણ કરી રહ્યા છે.
લસરકો :
ઇશ્વરના અસ્તિત્વની જેમ કળા રસમાં વહે છે એના હોવા- ન હોવાનો ભાવ :
રસપ્લાવિત થઈએ તો સઘળું સ્પષ્ટ !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gkrUFY
ConversionConversion EmoticonEmoticon