કેટરીના કૈફઃ દિલ-દિમાગને પણ રાખો દેહ જેટલા ફિટ એન્ડ ફાઈન

- કેટરીના કહે છે કે વિવિધ પ્રકારની ટ્રેનિંગથી મારું શરીર વિવિધ રીતે કસાયું. પરંતુ હું જાણતી હતી કે કયો વ્યાયામ કેટલો સમય કરવાનો છે અને તે ક્યારે છોડવાનો છે. દરમિયાન મને એ પણ સમજાયું કે તમારું શરીર સ્વયં તમને કાંઈક કહેતું હોય છે. બસ તમારે તેની વાત કાન માંડીને સાંભળવાની રહે છે. 


તાજેતરમાં કેટરીના કૈફ ઈન્સ્ટાગ્રામ પર પોતાની વર્કઆઉટ કરવાની પધ્ધતિ રજૂ કરવા સાથે લખ્યું હતું કે હમણાં આપણે બધા ઘરમાં જ રહેતા હોવાથી ઘરમાં જ કસરસ કરીને ફિટનેસ જાળવી રાખવી જરૂરી છે. તેવી જ રીતે લૉકઆઉટના ૨૧મા દિવસે તેણે એક વિડિયો પોસ્ટ કરવા સાથે લખ્યું હતું કે ઝાડૂ વાળવું એ ખરેખર બહુ સારો વ્યાયામ છે.

આજની તારીખમાં કેટરીના કૈફનું ફિગર કોઈને પણ ઈર્ષ્યા ઉપજાવે એવું કામણગારું છે. પરંતુ આજથી ચારેક વર્ષ પહેલા સુધી પણ અભિનેત્રી માત્ર તેના ખૂબસુરત ચહેરા અને આકર્ષક વ્યક્તિત્વ માટે જ જાણીતી હતી. જોકે વર્ષ ૨૦૧૬ માં સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે આવેલી તેની ફિલ્મ 'બાર બાર દેખો' માં તેના ગીત 'કાલા ચશ્મા...' એ દર્શકોને ઘેલાં કરી મૂક્યા હતા. આ ગીતમાં તેનું નૃત્ય અને તેની એબ્સવાળી બોડી ભલભલા સુપરસ્ટાર્સને પણ ઈર્ષ્યા ઉપજાવે એવી હતી. બાકી વર્ષ ૨૦૧૧ માં આવેલી 'ઝિંદગી ના મિલેગી દોબારા' માં કેટરીના આટલી પાતળી નહોતી દેખાતી. તેની તે વખતની કાયા અને હમણાંના ફિગર વચ્ચે રહેલો તફાવત ઉડીને આંખે વળગે એટલો સ્પષ્ટ છે.

આશ્ચર્યજનક વાત એ છે કે કેટરીનાએ ધીમે ધીમે પોતાની ફિટનેસ એટલી સરસ રીતે કેળવી કે વર્ષ ૨૦૧૭ ની 'ટાઈગર ઝિંદા હૈ', 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' (૨૦૧૮), 'ઝીરો' (૨૦૧૮), 'ભારત' (૨૦૧૯),ના સ્ટંટ્સ તેણે જાતે ભજવ્યા.

જોકે કેટરીના કહે છે કે ફિટનેસ હમેશાંથી મારા જીવનનો મહત્ત્વનો ભાગ રહ્યો છે અને ફિટનેસનો અર્થ માત્ર જિમમાં જઈને કસરત કરવી એવો નથી થતો. મારા મતે તમારા શરીર સાથે તમારાં મન અને મગજ પણ સ્વસ્થ હોવા જોઈએ.

આનો અર્થ એવો થયો કે કેટરીના જ્યારે શારીરિક સ્વાસ્થ્ય કેળવતી હોય છે ત્યારે તે જીવનના પ્રત્યેક પાસાંમાં ફિટ એન્ડ ફાઈન રહેવાનો પ્રયાસ કરતી હોય છે. કદાચ એટલે જ એક સમયે 'શીલા કી જવાની...', 'ચિકની ચમેલી...' જેવા આઈટમ સોંગ્સ માટે લોકપ્રિય બનેલી અને 'સિંઘ ઈઝ કિંગ' તેમ જ 'તીસ માર ખાં' જેવી ફિલ્મોમાં શોભાની પુતળી બની રહેલી આ અભિનેત્રીએ તેની છેલ્લી કેટલીક ફિલ્મોમાં અભિનય કળાના જોરે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

કેટ કહે છે કે લોકોએ મને જે માન આપ્યું છે તે મારા માટે અત્યંત મૂલ્યવાન છે. છેલ્લા ત્રણેક વર્ષમાં મેં કામ પ્રત્યેનો મારો અભિગમ બદલ્યો છે. હવે હું સારી સારી ભૂમિકાઓ પર પસંદગી ઉતારીને મારા પાત્રમાં સમગ્રપણે રમમાણ થવાનો પ્રયાસ કરું છું. હું આ રીતે શ્રેષ્ઠ અભિનય કરવાનો પ્રયાસ કરું છું.

કેટરીનાનો તેના પાત્રોની પસંદગી અને તે ભજવવા પ્રત્યેનો અભિગમ બદલાયો છે. એનો અર્થ એ થયો કે તે પોતાના કિરદાર મુજબ પોતાની કાયાને કેળવે છે. અભિનેત્રી સ્વયં આ વાત સાથે સંમત થતાં કહે છે કે 'ભારત'ના મારા 'કુમુદ' ના રોલ માટે મેં યોગ, પાયલેટ્સ અને કાર્ડિયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તે વખતે હું જિમમાં નહોતી જતી અને હાર્ડ કોર ફંક્શનલ ટ્રેનિંગ પણ નહોતી લેતી. જ્યારે 'ટાઈગર ઝિંદા હૈ' માં મારી ભૂમિકા રૉ એજન્ટની હોવાથી મેં સમગ્ર ધ્યાન હાર્ડ કોર ટ્રેનિંગ અને બેઝિક કોમ્બેટ ટ્રેનિંગ પર કેન્દ્રિત કર્યું હતું.

કેટરીના કહે છે કે વિવિધ પ્રકારની ટ્રેનિંગથી મારું શરીર વિવિધ રીતે કસાયું. પરંતુ હું જાણતી હતી કે કયો વ્યાયામ કેટલો સમય કરવાનો છે અને તે ક્યારે છોડવાનો છે. દરમિયાન મને એ પણ સમજાયું કે તમારું શરીર સ્વયં તમને કાંઈક કહેતું હોય છે. બસ તમારે તેની વાત કાન માંડીને સાંભળવાની રહે છે.

અગાઉ હું મારા કામ પાછળ આંધળી દોટ મૂકતી હતી. પરંતુ હવે હું મારા શરીરને સમજવા લાગી છું અને તેનું કહ્યું કરું છું. મને હવે સમજાય છે કે મારે ક્યારે સખત પરિશ્રમ કરવાનો છે અને ક્યારે ફંક્શનલ ટ્રેનિંગ લેવાની છે. મારે ક્યારે લવચીક રહેવાનું છે અને ક્યારે હળવા તે પણ મને હવે સમજાવા લાગ્યું છે.

પોતાના મગજને શાંત-સ્વસ્થ રાખવા કેટ યોગ કરે છે. તે કહે છે કે ઘણી વખત આપણા મગજમાં ઘણું પરિવર્તન આવતું હોય છે. પરંતુ આપણું ધ્યાન તેના તરફ નથી જતું. પરંતુ આપણે યોગ કરીએ ત્યારે આપણા દિલોદિમાગમાં થતાં સાવ નાના બદલાવ પણ તરત જ આપણા ધ્યાનમાં આવે છે.

અભિનેત્રી ઊંઘનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે એકદમ સ્વસ્થ રહેવા પૂરતી નીંદ્રા લેવી પણ એટલી જ આવશ્યક છે. અપૂરતી નીંદરથી તમે સ્વસ્થ ન રહી શકો. તેવી જ રીતે મેડિટેશન કરવાથી પણ તમારું મનમગજ ઘણું હળવું રહે. તનમનને સ્વસ્થ રાખવામાં મસાજ અને થોડાં થોડાં સમયે લેવાતી રજાઓ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

અદાકારા ખાવાપીવાની બાબતે પણ એકદમ જાગૃત રહે છે. તે ખાંડ, ડેરી પદાર્થો, ગ્લુટેન, ઘઉં બિલકુલ નથી લેતી. તેના સ્થાને તે લીલા શાકભાજી પુષ્કળ માત્રામાં લે છે. સાંજે સાત વાગ્યા પછી તે સાવ હળવું ભોજન લે છે અને રાત્રે નવ વાગ્યા પછી તે કાંઈ ખાતીપીતી નથી. તળેલા પદાર્થો તે માત્ર રજા પર હોય ત્યારે જ ક્યારેક ક્યારેક લે છે.

કેટ તેના પ્રશંસકોને કહે છે કે તમે સ્વયં તમારા શરીરને ઓળખો, તે શું કહે છે તે સાંભળો અને તેનું કહ્યું કરો. તમારા માટે સારું શું છે તે તમે પોતે નક્કી કરો. તમારું સુખ અને તમારું સ્વાસ્થ્ય તમારા જ હાથમાં છે. માત્ર તનથી સ્વસ્થ રહેવું પૂરતું નથી. મનગમજથી પણ એટલા જ ફિટ એન્ડ ફાઈન રહો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Gq1Ni
Previous
Next Post »