નડિયાદ : કેવડિયા કોલોનીમાં પ્રધાનમંત્રીના સુરક્ષા કાફલામાં ગયેલા એક હેલિકોપ્ટરને આજે મોડી સાંજે ખેડા જિલ્લાના એક ખેતરમાં સુરક્ષાની જરૂર પડી હતી. મળતી માહિતી પ્રમાણે નડિયાદ મહુધા રોડ ઉપર નડિયાદથી ૧૪ કિલોમીટરે આવેલા વિણા ગામના સીમ વિસ્તારમાં ટેકનિકલ ખામી સર્જાતા સેનાના એક હેલિકોપ્ટરનું તાત્કાલિક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિણા અને બગડું ગામની વચ્ચે સર્જાયેલું આ દ્રશ્ય જોવા બન્ને ગામના લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
મળતી વિગતો પ્રમાણે નડિયાદ તાલુકાના વિણા ગામની સીમમાં આજે સાંજે ૬ઃ૧૫ વાગ્યાની આસપાસ ઈન્ડિયન એરફોર્સનું એક હેલિકોપ્ટર લેન્ડ થયું હતું. મહુધા રોડ પાસે ખુલ્લા સીમ વિસ્તારમાં હેલિકોપ્ટર ઊતરી આવતા આસપાસથી લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. હેલિકોપ્ટર જોવા આવેલા લોકોની ભીડ જામી જવાને લીધે આખા રોડ પર બન્ને તરફ ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.
કેવડિયા કોલોનીમાં પીએમ સુરક્ષા કાફલામાં ગયેલું ઈન્ડિયન એરફોર્સનું આ હેલિકોપ્ટર અમદાવાર પરત જઈ રહ્યું હતું. ઊડાન દરમિયાન હેલિકોપ્ટરમાં હાઈડ્રોલિક ટેકનીકલ ખામી સર્જાતા પાઈલટને શંકા ગઈ. પાઈલટે તાત્કાલિક હેલિકોપ્ટરને લેન્ડ કરવાનું યોગ્ય માનીને નજીકના વિણા ગામના ખુલ્લા સીમ વિસ્તારમાં આવેલા નિલેશભાઈ શાહના ખેતરમાં સાંજે ૬.૧૫ વાગ્યાની આસપાસ હેલિકોપ્ટરને લેન્ડ કરાવ્યું હતું. હેલિકોપ્ટરમાં એરફોર્સના ત્રણથી ચાર જેટલા કર્મચારીઓ સવાર હતા. તે પૈકી એક આર્મીમેને જાતે બહાર આવી હેલિકોપ્ટર રિપેર કરવાના પ્રયાસો આદર્યા હતા. આ આર્મીમેન હેલિકોપ્ટર ઉપર ચઢીને તેના પંખાને રિપેર કરવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ તેને સફળતા મળી ન હતી.
પોતાના ખેતરમાં ભારતચીય વાયુ સેનાનું આવું હેલિકોપ્ટર અચાનક આવેલું જોઈને આસપાસથી સેંકડો લોકો ભેગા થઈને આ નજારો જોવામાં લાગ્યા હતા. વળી કેટલાક યુવાનો સેલ્ફી ખેંચવામાં લાગ્યા હતા તો મોટાભાગના લોકો ફોટા પાડવામાં અને વિડિયો ઊતારવામાં વ્યસ્ત બન્યા હતા. આ સમાચાર પ્રસરતાં જ જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયાં હતાં અને તાત્કાલિક સૈન્ય કર્મચારીઓને લઈ જઈ અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા હાથ ધરાઈ છે. હેલિકોપ્ટરની સ્થિતિ તપાસવા માટે અમદાવાદથી ટેકનીશિયન ટીમ બોલાવવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે આવતીકાલે સવાર સુધી હેલિકોપ્ટરને રિપેર કરી અમદાવાદ લઈ જવા માટે ઉપાડવામાં આવશે.
હેલિકોપ્ટરમાં સવાર કર્મીઓ સલામત : તંત્ર
નડિયાદ : આ બનાવ અંગે ખેડા જિલ્લા સમાહર્તા આઈ.કે.પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે કેવડિયા કોલોનીમાં વડાપ્રધાનના સુરક્ષા કાફલામાં રહેલું આર્મીનું એક હેલિકોપ્ટર કેવડિયા ખાતેથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. તે સમયે હેલિકોપ્ટરને હાઈડ્રોલિક ટેકનીકલ ખામી સર્જાતા પાઈલોટે સમયસૂચકતા વાપરીને વિણા ગામની સીમમમાં લેન્ડિંગ કરાવ્યું હતું. આ બનાવની જાણ થતાં મામલતદાર મહુધા અને પોલીસની ટીમે બનાવ સ્થળે પહોંચી ગઈ હતી. હેલિકોપ્ટરમાં સવાર સૈન્ય કર્મચારીઓ સલામત છે. હાલ તેઓને અમદાવાદ ગાંધીનગર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
એકાએક હેલિકોપ્ટરે લેન્ડિંગ કરતા લોકોમાં ગભરાટ
નડિયાદ : વાયુસેનાનું હેલિકોપ્ટર અચાનક ખેતરમાં ઊતર્યું ત્યારે આખા વિસ્તારમાં પ્રચંડ ધ્વનિ ફેલાઈ ગયો હતો. હેલિકોપ્ટર લેન્ડ થતાં જ ચોતરફ ધૂળની ડમરીઓ ઊડવા લાગી હતી અને ધરા ધુ્રજી ગઈ હતી. અચાનક આવો માહોલ સર્જાતા આસપાસ રહેતા સ્થાનિકો, રસ્તા પરથી પસાર થતાં અસંખ્ય વાહનચાલકો તેમ જ ખેડૂતો થોડીક મિનિટો માટે તો ભયમાં મૂકાઈ ગયા હતા. થોડીક મિનિટો આ વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ બાદ રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો હેલિકોપ્ટર જોવા માટે ધસી આવ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sPydnI
ConversionConversion EmoticonEmoticon