ફાગણી પૂનમે યાત્રાધામ ડાકોરનું મંદિર બંધ રાખવા તંત્રનો આદેશ


નડિયાદ : જિલ્લા કલેક્ટરે આજે યાત્રાધામ ડાકોર મંદિર ફાગણી પૂનમને દિવસે બંધ રાખવાનો આદશે આપ્યો છે. ૩થી ૪ લાખ દર્શનાર્થી અને પદયાત્રીઓને આ વર્ષે  હોળી પૂનમના દર્શનનો લાભ નહીં મળે. નાનામોટા વેપારીઓની આવક પર પણ બ્રેક લાગી જશે. કોરોનાની સ્થિતિને  ધ્યાનમાં રાખીને ૨૮ માર્ચે ફાગણી પૂનમ હોવાથી, ૨૭, ૨૮ અને ૨૯ એમ ત્રણ દિવસ મંદિર બંધ રહેશે.

આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં  ડાકોર ટેમ્પલ કમિટી અને વહીવટી તંત્ર વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.  આ આદેશ સાથે જિલ્લા કલેક્ટરે ફાગણી પૂનમે  સમગ્ર ગુજરાતમાંથી ચાલીને ડાકોર મંદિર આવતા પદયાત્રિઓને ડાકોર નહીં આવવા નિર્દેશ કર્યો છે. ફરીવાર લોકડાઉનની  જેમ રણછોડરાયજીની પૂજા-અર્ચના બંધબારણે કરવામાં આવશે.

આસ્થાળુઓના માનીતા તીર્થસ્થળ ડાકોર મંદિરમાં આમ તો દર પૂનમે ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે. તેમાંય ફાગણી પૂનમનો મહિમા સૌથી વધારે ગણાય છે. હોળીધૂળેટીના તહેવાર સાથે આ પૂનમને  દિવસે મંદિરમાં ૩થી ૪ લાખ ભક્તો દર વર્ષે દર્શને આવે છે. જોકે હાલ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ડાકોર મંદિરમાં ફાગણી પૂનમનો સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c8Avrp
Previous
Next Post »