
એ વાત સર્વવિહિત છે કે ૧૭મી માર્ચથી ફિલ્મો, ટી.વી. સિરિયલો, વેબ શોઝ, એડવર્ટાઈઝ ઈત્યાદિના શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યાં છે અને હવે તે ફરી શરૂ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. પરંતુ ચોક્કસ શરતો સાથે. જેમ કે સામાજિક અંતર જાળવવું, સેટ પર ઝાઝા લોકોએ એકઠાં ન થવું ઈત્યાદિ. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે વિશાળ પરિવારના કથાનક ધરાવતી સિરિયલોનું શૂટિંગ આવી માર્ગદર્શિકા હેઠળ શી રીતે થઈ શકશે?
આના જવાબમાં 'ભાખરવડી'ના નિર્માતા જે.ડી. મજેઠિયા કહે છે કે વિશાળ પરિવારો સિરિયલોમાંથી ક્યારેય દૂર નથી થવાના. પરંતુ અમારે નવા નિયમો સાથે કામ કરવાનું હોવાથી અમારા સ્ક્રીન પ્લેમાં ઘણાં ફેરફાર કરવા પડશે. જેમકે અમે કહાણી એવી રીતે આગળ નહીં ધપાવીએ જેમાં સમગ્ર પરિવારને એકસાથે એક ફ્રેમમાં આવવાની નોબત આવે. તેવી જ રીતે અમને અમારી કાર્યશૈલીમાં ઘણાં સુધારા કરવા પડશે.
તેને માટે અમારે સેટ પર રીહર્સલ કરવું પડશે. અગાઉ ક્યારેય અમે આવા વાતાવરણમાં કામ નથી કર્યું તેથી અમને પણ ખબર નથી કે તેની ગોઠવણ શી રીતે કરવી. આમ છતાં અમે આપસમાં વાતચીત કરીને એવી ગોઠવણ કરીશું કે ઈન્ડસ્ટ્રી એક સાથે મળીને સરળતાથી તેમજ કોવિડ-૧૯થી થનારા નુકસાનથી બચીને કામ કરી શકે.
સ્ક્રીન પ્લેમાં આવનારા ફેરફારો વિશે લેખક- નિર્માતા આમિર જફર કહે છે કે અગાઉ અમને ઝાઝાં કલાકારોને એક ફ્રેમમાં સમાવવામાં વાંધો નહોતો આવતો તેથી અમે કથાનકમાં પારિવારિક સમસ્યાઓ રજૂ કરતા હતા. પણ હવે અમે અંગત સમસ્યાઓ રજૂ કરીને કહાણી આગળ ધપાવીશું જેથી સેટ પર ઓછા કલાકારોને બોલાવીને પણ કામ ચલાવી શકાય. તેઓ વધુમાં કહે છે કે સિરિયલોમાં વિવાહ કે પાર્ટીના દ્રશ્યો હમેશાંથી લોકપ્રિય રહ્યાં છે.
પરંતુ તેમાં વધારે કલાકારોને એકઠાં કરવા પડે. એટલું જ નહીં, આ પ્રકારના દ્રશ્યો પુષ્કળ ખર્ચાળ પણ હોય છે. પરંતુ વર્તમાન આર્થિક સંકડામણમાં કોઈપણ નિર્માતા વધારાના ખર્ચ ટાળવા લગ્ન કે પાર્ટીના દ્રશ્યો આપવાનું પસંદ નહીં કરે. આ રીતે ધારાવાહિકોમાંથી આવા દ્રશ્યોની બાદબાકી કરી દેવામાં આવશે. કમસે કમ બધું સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી તો ખરું જ.
જોકે 'ભાભીજી ઘર પર હૈં'ની નિર્માત્રી બિનેફર કોહલી કહે છે કે જરૂરિયાત કોઈપણ શોધની જનની ગણાય છે. ફેમિલી ડ્રામા દર્શકોમાં હમેશાંથી પ્રિય રહ્યાં છે. તેથી તેને આંચ ન આવે તેની કાળજી લેવી જ રહી. આવી સ્થિતિમાં અમે ચોક્કસ કથાનકને થોડા ફેરફાર સાથે રજૂ કરી શકીએ. જેમકે લગ્નના દ્રશ્યોમાં ધામધૂમ બતાવવાને બદલે ચાર જણની હાજરીમાં લગ્ન લેવાય અને થોડાં લોકો મંડપથી દૂર બતાવવામાં આવે. એ બેઉ દ્રશ્યોને અલગ અલગ શૂટ કરી શકાય અથવા કહાણીને આગળ લઈ જવા લગ્નની વાત આવતી હોય ત્યારે સિવિલ મેરેજ કરી શકાય. અલબત્ત, હાલના તબક્કે તો અમારી પ્રાથમિકતા પ્રત્યેક કલાકાર- કસબીની સલામતી જ રહેવાની.
'ઊલટા ચશ્મા'ના નિર્માતા આસિતકુમાર મોદી કહે છે કે અમે હવેથી એવી કહાણીઓ રજૂ કરીશું જે આ મહામારીના સમયાનુસારની ગણાય. આમેય આપણા કથાનક આપણા વાસ્તવિક જીવનના દર્પણ સમાન હોય છે. જેમકે કોરોનાકાળમાં ક્યાંય ધામધૂમથી લગ્ન નથી થવાના. કોઈપણ તહેવારની ઉજવણી પણ લોકો પોતાના ઘરમાં, પોતાના પરિવાર સાથે મળીને જ કરશે. સ્વાભાવિક રીતે જ સિરિયલમાં પણ આ બાબતોને અનુસરવામાં આવશે. અલબત્ત, તેની રજૂઆથ એવી રીતે કરવામાં નહીં આવે કે તે દર્શકોને વિસંવાદી લાગે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zKImwf
ConversionConversion EmoticonEmoticon