જાતીય સતામણીના આક્ષેપો: નવાઝુદ્દીનનો ભાઈ બચાવમાં


બોલીવૂડના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પર બરાબર પનોતી બેઠી છે. નવાઝુદ્દીનની ભત્રીજીએ જે દોષારોપણ કર્યું છે તેમાંથી બચાવવા નવાઝુદ્દીનના ભાઈ શામસે ઝુકાવ્યું અને કહ્યું છે, 'તે મારા ભાઈની પુત્રી છે અને દહેરાદૂનમાં રહે છે. તે સગીર વયે ઘરમાંથી નાસી ગઈ હતી અને એક છોકરા સાથે લગ્ન કરી લીધાં હતાં. આ અંગે મારા ભાઈએ નજીકના પોલીસ સ્ટેશને છોકરી ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી,' એમ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું.

આ અંગે વધુમાં જણાવતાં શામસે કહ્યું હતું, 'આ મેટર હાઈ કોર્ટમાં ગઈ હતી. આ કેસ પહેલા દહેરાદૂન ગયો હતો અને ત્યાંથી હાઈ કોર્ટમાં. પોતે સગીર નથી એ પુરવાર કરવા તેણે બનાવટી સ્કૂલ સટફિકેટ આપ્યું હતું. આ પછી આ મેટર સર્વોચ્ચ અદાલતમાં ગઈ હતી જેને ફરી હાઈ કોર્ટમાં મોકલવામાં આવી હતી. આ બે વર્ષ જૂનો કેસ છે અને ૨૦૧૮થી પેન્ડિંગ છે,દ એમ તેણે ઉમેર્યું હતું.

શામસના જણાવ્યા પ્રમાણે ફરિયાદ તો અમારા નાના ભાઈ મિનાઝ વિરુદ્ધ હતી. નવાઝુદ્દીનને તો આ મેટર સાથે કશું લાગતુંવળગતું જ નહોતું. પોતાના અગાઉના નિવેદન અંગે તેણે મિનાઝ વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પણ એમાં ક્યાંય પણ નવાઝુદ્દીનના નામનો સુધ્ધાં ઉલ્લેખ નહોતો, પણ હવે તે નવાઝભાઈને સંડોવવા માગે છે,' એમ શામસે જણાવ્યું હતું.

શામસ કહે છે, ભત્રીજીને ઉશ્કેરવામાં આવી છે. 'આલિયા (નવાઝુદ્દીનથી વિમુખ થયેલી પત્ની) અને નવાઝભાઈ અત્યારે વિવાદમાં ફસાયેલાં છે. હવે આલિયા ભત્રીજીને નવાઝભાઈને ખોટી રીતે ફસાવવામાં ઉશ્કેરી રહી છે. આ છોકરી વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જાહેર થયું છે અને તેના પતિ વિરુદ્ધ પણ ઉત્તરાખંડ વડી અદાલતે વોરન્ટ બહાર પાડયું છે, કેમકે કોર્ટની તારીખ હોવા છતાં તેઓ હાજર રહ્યા નહોતા. તેમને આ માટે રૂ. ૨૦ હજારનો દંડ પણ કરાયો છે અને તેના પતિ વિરુદ્ધ ભત્રીજી સગીર હોવાને કારણે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.'

શામસે પોતાના ભાઈનો બચાવ કર્યો છે, જે અત્યારે તેની પત્ની આલિયા સાથે છૂટાછેડા લેવાના છે. આલિયાએ તેમના પર કાનૂની નોટિસ ફટકારી છે, જેમાં છૂટાછેડા અને ભરણપોષણની માગણી કરવામાં આવી છે. ગયા મહિને તેમનાં લગ્નજીવનમાં બનેલી ઘટનાને પગલે આવું કરાયું છે. 

અખબારની મુલાકાત મુજબ શામસે જણાવ્યું છે કે તમે ક્યાં સુધી કોઈ વ્યક્તિને બદનામ કરી શકો? અમારા ૪૦૦ સંબંધીઓ છે. જો અમારા ગામમાં કંઈ થાય તો તમે નવાઝભાઈનું નામ લેશો? તેમના નામનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે બડે પાપા (નવાઝુદ્દીન સિદ્દીકી) આ નિંદા અંગે જાણે છે. વાસ્તવમાં નવાઝભાઈને આની સાથે કશું લાગતુંવળગતું જ નથી. તેઓ ભાગ્યે જ કદી દહેરાદૂર ગયા હશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YQW5d9
Previous
Next Post »