
'મહામ્બોધેસ્તીરે કનકરુચિરે નીલશિખરે
વસન્ પ્રાસાદાન્તઃ સહજ બલદ્રેણ બલિના ।'
સુભદ્રા મધ્યસ્થ ઃસકલસુર સેવાવસરદો
જગન્નાથઃ સ્વામી નયનપથ ગામી ભવતુ મે ।।'
રથારુઢો ગચ્છન્ પથિ મિલિત ભૂદેવ પટલૈ :
સ્તુતિ પ્રાદુર્ભાવમ્ પ્રતિપદમુપાકર્ણ્ય સદયઃ ।
દયાધ્ન્ધુર્બન્ધુઃ સકલ જગતાં સિન્ધુ સુતય ।
જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે ।।'
'મ હાન સમુદ્રના કિનારે આવેલા, દિવ્ય તેજથી ચળકતા સોનેરી શિખરોવાળી નીલાચલ પર્વતની ટેકરી પર બળવાન ભાઈ બલરામની સાથે, બન્નેની વચ્ચે બહેન સુભદ્રા રહેલા છે એવા, દૈવી આત્માઓને સેવાનો અવસર પ્રદાન કરનારા ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ) મારા નયનના પથ પર ઉપસ્થિત રહો (મારી દૃષ્ટિની સામે રહો.)'
'જ્યારે ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ) રથ પર આરૂઢ થઈને નગરયાત્રા કરવા નીકળે છે ત્યારે ડગલે-પગલે વિદ્વાન બ્રાહ્મણ સમુદાય એમની સ્તુતિ કરી પ્રાર્થના કરતા હોય છે. એ સાંભળી
કૃપાનાથ જગન્નાથ એમના પર કૃપા વરસાવે છે. ભગવાન જગન્નાથ ક્ષીરસાગરમાંથી ઉદ્ભવેલ લક્ષ્મીજી સાથે મારા નયનના પથ પર
ઉપસ્થિત રહો. (મારી દૃષ્ટિની સામે રહો.)'
- આદિ શકંરાચાર્યજી (જગન્નાજી અષ્ટકમ્ શ્લોક ૩, પ)
ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીવિષ્ણુનો પૂર્ણાવતાર છે. એમના અનેક નામોમાં એક નામ જગન્નાથ છે. ઓડિશા રાજ્યના જગન્નાથ
પુરી શહેરમાં ભગવાન જગન્નાથ, એમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના સ્વરૂપો બિરાજે છે. ભગવાન જગન્નાથ પુરી ધામની ગણતરી હિન્દુ ધર્મના ચાર ધામમાં થાય છે. આ ચાર ધામ બદ્રીનાથ, દ્વારિકા, રામેશ્વરમ્ અને જગન્નાથ પુરીનો અપાર મહિમા દર્શાવવામાં આવ્યો છે. જ્યારે જગદ્ગુરુ આદિ શંકરાચાર્ય પુરી પધાર્યા ત્યારે તેમણે ત્યાં ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી ત્યારથી પુરીને સનાતન ધર્મના ચાર ધામોમાંની એક માનવામાં આવે છે. હિન્દુ માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુ જગન્નાથ પુરીમાં ભોજન કરે છે, રામેશ્વરમાં સ્નાન કરે છે, બદ્રિનાથમાં ધ્યાન કરે છે અને દ્વારિકામાં શયન કરે છે.
પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા વિના ચાર ધામની યાત્રા અધૂરી માનવામાં આવે છે. દર વર્ષે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની 'રથયાત્રા'નો મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે.
અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રાના દસ દિવસીય મહોત્સવનો પ્રારંભ થાય છે. અને અષાઢ સુદ અગિયારસના દિવસે એનું સમાપન થાય છે. એકવાર ભગવાન શ્રીકૃષ્ણના બહેન સુભદ્રાને નગર જોવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે એમને રથમાં બેસાડી પોતાની સાથે મોટાભાઈ બલરામને પણ રાખી 'નગરયાત્રા' કરી હતી. આ ઘટનાની સંસ્મૃતિ રૂપે દર વર્ષે પુરીથી રથયાત્રા કાઢવામાં આવે છે. 'સબ મનિસા મોર પરજા - બધા મનુષ્યો મારી પ્રજા છે.' એમ કહીને ભગવાન જગન્નાથ સ્વયં સામે ચાલીને બધાની વચ્ચે આવે છે.'
ઓરિસ્સા (ઉડીસા)ના
પુરી નગરના જગન્નાથ મંદિરથી નીકળતી આ રથયાત્રા પરમ
પાવનકારી અને મુક્તિદાતા છે. એના દર્શન કરનાર અને એમાં જોડાનાર, સહયોગ આપનાર ભવફેરામાંથી છૂટકારો મેળવી ભગવદ્ ધામને પ્રાપ્ત થાય છે. સ્કંદપુરાણ,
નારદપુરાણ, પદ્મપુરાણ અને
બ્રહ્મપુરાણમાં આ જગન્નાથધામ અને એની રથયાત્રાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. સ્કંદપુરાણમાં કહેવાયું છે - 'જે વ્યક્તિ જગન્નાથપ્રભુના નામનું સંકીર્તન કરતાં કરતાં ગુંડીચા નગર સુધી જાય છે તેનો મોક્ષ થઈ જાય છે. રથયાત્રા દરમિયાન જે વ્યક્તિ ભગવાન જગન્નાથના દર્શન કરતાં એમને પ્રણામ કરતાં, રસ્તામાં ધૂળ-કીચડમાં આળોટતાં ગુંડીચાનગર સુધી જાય છે તેને ભગવાન વિષ્ણુનું ઉત્તમ ધામ પ્રાપ્ત થાય છે.' પુરાણોમાં એવું કહેવાયું છે કે રથયાત્રાના દર્શન અને એ માટે આપેલો સહયોગ સો યજ્ઞા કરવા જેટલું પુણ્ય પ્રદાન કરે છે.
ભગવાન શ્રી જગન્નાથનું સ્વરૂપ લાકડાનું કેમ છે અને એને હાથ કેમ નથી એ માટે પુરાણકથામાં કહેવાયું છે - એકવાર ભગવાન શ્રીકૃષ્ણે ઈન્દ્રદ્યુમ્ન નામના રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું - 'પુરીના દરિયા કિનારે આવેલા એક વૃક્ષના થડમાંથી તું મારું સ્વરૂપ બનાવડાવી એને મંદિરમાં પ્રસ્થાપિત કરજે.' તેણે એ આદેશને પૂરો કરવા કુશળ સુથારની શોધ કરી. થોડા દિવસ બાદ એક વૃદ્ધ બ્રાહ્મણ એમને મળ્યા અને એ સ્વરૂપ બનાવી
આપવા તત્પરતા બતાવી. જોકે તેમણે એવી શરત મુકી કે તે આ સ્વરૂપ બંધ ઓરડામાં જ બનાવશે અને એના નિર્માણ કાર્ય સમયે કોઈએ પણ ઓરડાનો દરવાજો ખોલવાનો નહીં. જો કોઈ એમ કરશે તો તે કામ અધૂરું છોડી ત્યાંથી ચાલ્યા જશે. રાજા ઈન્દ્રદ્યુમ્નએ એ વાત માન્ય રાખી અને તેમણે સ્વરૂપનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. થોડા દિવસ એ કામ અંદર ચાલી રહ્યું છે તેનો અવાજ આવતો હતો. પછી તે બંધ થઈ ગયો. રાજા-રાણીને થયું એ બ્રાહ્મણ ભોજન વિના કેવી રીતે જીવતા હશે એવું વિચારી એમને ભોજન આપવા તેમણે બારણું ખોલ્યું. જોયું તો ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ અધુરું હતું. તેને હાથ બનાવવાના બાકી હતા.
પેલા બ્રાહ્મણ અંતર્ધાન થઈ ગયા હતા. એમણે શરતનો ભંગ કરી બારણું ખોલ્યું એટલે તે જતા રહ્યા હતા. પછી નારદજીએ આવીને કહ્યું કે - તે બ્રાહ્મણ દેવોના શિલ્પી વિશ્વકર્મા હતા. ભગવાનની ઈચ્છા આ સ્થિતિમાં જ મંદિરમાં બિરાજવાની છે. એટલે રાજા ઈન્દ્રદ્યુમ્ને એ જ રીતે એમનું સ્વરૂપ મંદિરમાં પ્રસ્થાપિત કર્યું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YLSOfb
ConversionConversion EmoticonEmoticon