
અભય દેઉલ અને રાજીવ ખંડેલવાલ વચ્ચે એક સામાન્ય બાબત છે. આ બંને એક્ટરો અમુક પસંદગીના ૪ પ્રોજેક્ટ હાથમાં લે છે અને ક્વોલિટી વર્ક કરવામાં માને છે. એમને ક્યારેય એવો ડર પણ નથી લાગતો કે પડદાથી લાંબો વખત દૂર રહીશું તો પ્રેક્ષકો આપણને ભૂલી જશે. ટુંકમાં, અભય અને રાજીવ સાચા અર્થમાં કલાકાર જીવ છે. તેઓ માત્ર પૈસા અને પ્રસિધ્ધિના ભૂખ્યા નથી. એમાંય રાજીવ ખંડેલવાલની તો પોતાની એક અલગ જ ફિલ્સૂફી છે. એના પોતાના મૌલિક વિચારો અને સિધ્ધાંતો છે. રાજીવ એ મુજબ જ રહે છે અને કામ કરે છે.
લોકડાઉનને લીધે બોલીવુડના ઘણાં બધા એક્ટરો પોતાના અપાર્ટમેન્ટ, ડુપ્લેક્સ કે બંગલામાં રહીને બોર થઈ રહ્યા છે ત્યારે ખંડેલવાલ ગોવામાં પોતાના પરિવાર સાથે આનંદ કરી રહ્યો છે. લોકડાઉનને લીધે એક્ટરની જીવનશૈલીમાં ઝાઝુ પરિવર્તન નથી આવ્યું. ગોવાના ઘરમાં ફેમિલી સાથે રહેતા રાજીવે પોતાની લાઈફ પોતાની મરજી અને શરત મુજબ જીવવાનું ચાલુ રાખ્યું છે. એક્ટર કહે છે, 'અત્યારે પણ મારું રૂટીન પહેલા જેવું જ છે. ફરક માત્ર એટલો છે કે ઘરની બહાર પગ નથી મુકી શકતો. આમેય, સાચુ પૂછો તો ગોવાનું મારું મકાન રિક્રિયેશન સેંટર જેવું જ છે. એટલે મારે ઘરની બહાર જવાની જરૂર પણ નથી. હું ઘરે જ રહીને એક્સરસાઈજ અને યોગાસનો કરું છું, સ્વિમીંગ કરું છું, લખું છું, વાંચું છું, ગાર્ડનિંગ અને કુકિંગ પણ કરી લઉં છું. હાર્મોનિયમ અને ગિટાર ઉપર પણ હાથ અજમાવી લઉં છું. ઈન શોર્ટ, આય એમ એન્જોયિંગ લાઈફ. જીવનમાં આથી વધુ જોઈએ?'
ટેલિવીઝન, ફિલ્મો અને વેબ સિરીઝમાં અભિનય કર્યા બાદ રાજીવે તાજેતરમાં પોતાની યશકલગી એક વધુ પીંછુ ઉમેર્યું. એણે એક ટેલિટલ કર્યો છે, જેનું હમણાં જ પ્રસારણ થયું હતું. આ રીતે થિયેટર (રંગમંચ) પર ડેબ્યુે કરીને ખંડેલવાલ બહુ ખુશ છે. એકદમ એકદમ ઉત્સાહિત થઈને પોતાનો આનંદ વહેંચતા કહે છે, 'સર, મારા ટેલિપ્લે કોર્ટ માર્શલમાં કામ કરતા મેં અનોખી થ્રીલ અનુભવી હતી. સાચું કહું તો એક પ્લે (નાટક) કરવાની મને ઘણા વખતથી ઈચ્છા હતી. દુનિયા માટે નહિ મારી પોતાની જાત માટે મારે પ્લે કરવો હતો. ખાસ તો એટલા માટે કે નાટક કોઈપણ એક્ટર માટે સૌથી પડકારજનક માધ્યમ છે.'
લાઈવ ઓડિયંસ સમક્ષ પરફોર્મ કરીને રાજીવે એક પ્રકારનો અલૌકિક આનંદ અનુભવ્યો હતો. સ્ટેજ ઉપર સામે બેસેલા પ્રેક્ષકો સમક્ષ જીવંત અભિનય કરવો એક સાવ જુદો અનુભવ છે એમ જણાવતા રાજીવ કહે છે, 'ગ્રાન્ડ રિહર્સલના દિવસે અમે આખુ નાટક ભજવ્યું હતું. એકધારા દોઢ કલાક સુધી અમને બધાએ પરફોર્મ કર્યું ત્યારે સામે પ્રેક્ષકોરૂપે અમારા ટેકનીશ્યનો, ક્રિયેટીવ ટીમ, મારા મિત્રો અને અમુક ખાસ આમંત્રિતો બેઠા હતા.'
લોકો કહે છે કે કોરોના વાયરસનો આતંક નામશેષ થયા બાદ દુનિયા બદલાઈ જશે. જીવનના દરેક ક્ષેત્રમાં બદલાવ આવશે. નોકરિયાતોને વર્ક ફ્રોમ હોમ કરવાની આદત પડી જશે, ઉડાઉ લોકો બચત કરતા થશે, સ્વાદના શોખીનો પણ બને એટલું બહારનું ખાવાનું ટાળશે. યુવાનોને પરિશ્રમ અને પૈસાની કિંમત સમજાશે, જીવનમાં સાદગી જ એક ફેશન બની જશે વગેરે વગેરે. આ બાબતમાં ખંડેલવાલ શું માને છે? એને કોરોના પછીના વિશ્વમાં ક્યો એક બદલાવ આવે તો બહુ ગમે? રાજીવ પાસે જવાબ હાજર છે, 'સર, મૈ ઈઈતના હી ચાહુંગા કી લોગ લાઈફ મેં છોટી- છોટી બાતોં કા મહત્ત્વ સમજેં. લોકો જાણે કે ભૌતિક વસ્તુઓ પાછળ ભાગવા કરતા. નાના નાના કામ કરવામાં મોટો આનંદ છે. લોકડાઉનમાંથી લોકો આ એક પદાર્થ પાઠ શીખે અને આ સમયગાળામાં જે કાંઈ સારું બન્યું છે એ હંમેશા યાદ રાખે એટલી જ મારી ઈચ્છા છે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CgpMwF
ConversionConversion EmoticonEmoticon