બોરસદના નાપા તળપદ ગામે ગૌહત્યા રોકવા ગયેલી પોલીસ પર હુમલો


આણંદ, તા.13 મે 2020, બુધવાર

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે એકતા નગર નજીક ગઈકાલ રાત્રિના સુમારે ગૌવંશની કતલ કરતા સમયે બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચતા એકત્ર થઈ ગયેલ ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરી મારામારી ઉતરી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે પોલીસે ઘટના સ્થળેથી ચાર શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ બોરસદ તાલુકાના નાપા તળપદ ગામના એકતા નગર પાસે આવેલ કાંસના પાળા ઉપર કેટલાક શખ્શો એક ગાયને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વિના કતલ કરવાના ઈરાદે તૈયારી કરી રહ્યા હોવાની ગુપ્ત બાતમી બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે પોલીસની ટીમ તુરંત જ એકતા નગર નજીક આવેલ કાંસના પાળા ખાતે પહોંચી હતી. જ્યાં ગાયની કતલ કરવાના હથિયારો સાથે શકીલભાઈ ઉર્ફે ખાટકી ઈશાકભાઈ કુરેશી, તૌફીક શકીલભાઈ ખાટકી, સદ્દામ સાબીરમીંયા મીરસાબ કાજી અને જાવેદ મહેમુદખાન રાણાને ઝડપી પાડયા હતા. જો કે આ ચારેય શખ્શોને પોલીસે ઝડપી પાડતા ચારેય જણાંએ પોલીસ સાથે ઝપાઝપી કરી બુમાબુમ કરતા થોડી જ ક્ષણોમાં ૨૦ થી ૨૫ માણસોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને પોલીસની કામગીરીમાં રૃકાવટ ઉભી કરી હતી. જો કે પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી નાખ્યું હતું અને ચારેય શખ્શોને ઝડપી પાડી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. પોલીસે આ ચારેયની પ્રાથમિક પુછપરછ કરતા આ ગાય તેઓ નાપા વાંટાના અહેમદનગર કોલોની ખાતે રહેતા શખ્શ પાસેથી કતલ કરવાના ઈરાદે વેચાણથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZcDCdd
Previous
Next Post »