આણંદ, તા.13 મે 2020, બુધવાર
રાજકોટ ખાતેથી યુપીના અલાહાબાદ જવા નીકળેલ આશરે ૧૦૫ જેટલા શ્રમિકો આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નજીક આવેલ લીંગડા ગામેથી ઝડપાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. બંધ બોડીના એક આયસર ટેમ્પામાં સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરાં ઉડાવી આ શ્રમિકો રાજકોટથી છેક આણંદ સુધી પહોંચ્યા ત્યારે રસ્તામાં આવતી વિવિધ ચેકપોસ્ટ પર હાજર પોલીસકર્મીઓના હાથેથી કેવી રીતે છટકી ગયા તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ ઉમરેઠ પોલીસે કન્ટેનર ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી તમામ મજૂરોના આરોગ્યની ચકાસણી હાથ ધરી તેઓને તેમના વતન મોકલવાની કામગીરી હાથ ધરી છે.
લોકડાઉન જાહેર થતા રાજકોટ ખાતે આવેલ અલગ-અલગ કંપનીઓમાં પરપ્રાંતીય શ્રમિકો છેલ્લા દોઢ માસથી ફસાઈ ગયા હતા. કંપનીઓ બંધ હોવાના કારણે આ મજૂરો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા હતા. જો કે કેટલીક કંપનીના માલિક તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ મજૂરો માટે જમવાની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભોજન-પાણીની વ્યવસ્થા બંધ થતા આખરે રાજકોટની વિવિધ કંપનીમાં મજૂરી અર્થે આવેલ ૧૦૫ જેટલા મજૂરોએ પોતાના વતન અલાહાબાદ જવાનો નિર્ણય કર્યો હતો. મજૂરોએ રાજકોટના વહીવટી તંત્રનો ઓનલાઈન સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વતન જવાની કોઈ વ્યવસ્થા ન થતા આખરે ૧૦૫ જેટલા મજૂરો એક બંધ બોડીના આયસર ટેમ્પામાં અલ્હાબાદ જવા માટે રાજકોટથી નીકળ્યા હતા. આ મજૂરો રાજકોટથી આજે સવારના સુમારે આણંદની બોર્ડરમાં પ્રવેશ કરી આણંદ-ઉમરેઠ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉમરેઠ નજીકના લીંગડા ગામ પાસે કેટલાક મજૂરો પાણી પીવા માટે ઉતરતા સ્થાનિકોની નજરે ચઢ્યા હતા. જેથી સ્થાનિકોએ તુરંત જ આ અંગે ગામના સરપંચ તેમજ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુછપરછ કરતા શ્રમિકોએ સઘળી હકીકત પોલીસને જણાવી હતી. વધુમાં શ્રમિકોએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી તેઓને કંઈ ખાવાનું મળ્યું નથી અને રાજકોટથી અલાહાબાદ જવાની વહીવટી પ્રક્રિયા ઓનલાઈન હોઈ તે અંગે તેઓને કંઈ ખબર ન પડતા આખરે તેઓ રાજકોટથી એક બંધ બોડીના આયસર ટેમ્પામાં નીકળ્યા હતા.
આ ઘટનાની જાણ ઉમરેઠના મામલતદારને થતા મામલતદાર સહિતની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે શ્રમિકોને પરવાનગી બાબતે પુછપરછ કરતા આ અંગે વહીવટી તંત્રની કોઈપણ જાતની પરવાનગી ન લીધી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ ઉમરેઠ પોલીસ અને મામલતદારની ટીમ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી આ શ્રમિકોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ઉમરેઠ પોલીસે કન્ટેનર ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી તમામ ૧૦૫ શ્રમિકોના આરોગ્યની તપાસણી હાથ ધરી તેઓને બે બસ મારફતે તેઓના વતન અલાહાબાદ તરફ રવાના કરવાની કામગીરી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y0AbuT
ConversionConversion EmoticonEmoticon