આણંદ,તા.14 મે 2020, ગુરુવાર
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જલુંધ ગામેથી મહિલા કીલર ગેંગના કેટલાક સભ્યોને ઝડપી પાડયા બાદ ફરાર આરોપીઓ અંગે તપાસ કરી રહેલ સીટની ટીમે જલુંધ ગામે વોચ ગોઠવીને અન્ય આરોપીઓને ઝડપી પાડયા બાદ આ આરોપીઓની વધુ પુછપરછ કરતા તેઓએ ગેંગ રેપ, લૂંટ વીથ મર્ડર તથા બ્લેકમેલીંગ અને ચીટીંગ સહિતના કુલ ૮ ગુનાઓ કર્યા હોવાની ચોંકાવનારી કબુલાત કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.
ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ સીરીયલ કીલરોએ રાજકોટ, વડોદરા, અમદાવાદ, ભરૂચ તથા આણંદ જિલ્લામાં ચોરી, લૂંટ, મર્ડર, અપહરણ સહિતના કુલ ૧૦થી વધુ ગુનાઓ આચર્યા હોવાનું પણ ખુલવા પામ્યું છે.
જિલ્લા પોલીસ વડાએ આ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ ૧૯૯૯થી ૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન રાજકોટ શહેર, વડોદરા શહેર, અમદાવાદ ગ્રામ્ય જિલ્લો, ભરૂચ તથા આણંદ જિલ્લા ખાતે ચોરી, લૂંટ, મર્ડર, અપહરણ તથા બ્લેકમેલીંગ અને ચીટીંગની મોરેસ ઓપરેન્ડીથી ૧૦ કરતા વધુ ગુનાઓ આચરનાર સીરીયલ કીલરો દિલીપ ઉર્ફે ડાહ્યો ગગજીભાઈ ચાવડા (રહે.જલુંધ) અને સલીમ ઈસ્માઈલભાઈ પટેલ (રહે.ભરૂચ)ને વિરસદ પોલીસે ગત તા.૮-૫-૨૦૨૦ના રોજ ઝડપી પાડયા હતા.
જ્યારે વિજય ઉર્ફે ચકો જશભાઈ ચાવડા (રહે.જલુંધ) ફરાર થઈ ગયો હતો. દરમ્યાન તારાપુર પોલીસ મથકમાં દાખલ થયેલ ગેંગ રેપ, લૂંટ વીથ મર્ડરના ગુનામાં પોલીસે ટ્રાન્સફર વોરંટથી દિલીપ ઉર્ફે ડાહ્યો તેમજ સલીમ પટેલની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં એલસીબી પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળતા ગત તા.૧૨ મેના રોજ જલુંધ ગામની સીમમાં વોચ ગોઠવી વિજય ઉર્ફે ચકો જશભાઈ ચાવડાને પોલીસે ઝડપી પાડયો હતો.
ત્રણેય આરોપીઓની પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરતા આરોપીઓએ બોરસદ, વડોદરા જિલ્લાના પાદરાના વડુ તેમજ કરજણ વિસ્તારમાં અલગ-અલગ મહિલાઓનું અપહરણ કરી ગેંગ રેપ, લૂંટ, મર્ડર તેમજ અન્ય મહિલા સાગરીતોની મદદ લઈ બ્લેકમેલીંગ, ચીટીંગ તથા જલુંધ ગામેથી બે મંદિરોમાં ચોરી મળી કુલ ૮ ગુનાઓ આચર્યા હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. હાલ પોલીસે આરોપીઓએ આચરેલ ગુનાઓમાં ભોગ બનનાર મહિલાઓ અંગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સાથે સાથે આ આરોપીઓએ ભોગ બનનાર મહિલાઓના મૃતદેહને કેનાલ તેમજ દરિયામાં ફેંકી દીધા હોવાની કેફિયત રજૂ કરાઈ છે.
ત્રણ પૈકી એક આરોપી વડોદરાની જેલમાંથી છુટયો હતો
આણંદ પોલીસના હાથે ઝડપાયેલ સીરીયલ કીલરો દિલીપ ઉર્ફે ડાહ્યો ચાવડા, સલીમ પટેલ અને વિજય ઉર્ફે ચકો ચાવડા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેઓએ ૧૯૯૯થી ૨૦૧૯ના સમયગાળા દરમ્યાન રાજકોટ, વડોદરા, અમદાવાદ, ભરૂચ અને આણંદ જિલ્લામાં ૧૦થી વધુ ગુનાઓ આચર્યા છે. જ્યારે આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર અને વિરસદ પોલીસ સ્ટેશનમાં તેઓ સામે ૯થી વધુ ગુના નોંધાયેલા છે. ઉપરાંત આ આરોપીઓ પૈકી વિજય ઉર્ફે ચકો સપ્ટેમ્બર, ૨૦૧૯માં વડોદરા સેન્ટ્રલ જેલમાંથી છુટયો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. સાથે સાથે તેઓની ગેંગમાં બે શંકાસ્પદ મહિલાઓનો પણ સમાવેશ થતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. જે અંગે પોલીસે ગેંગના અન્ય સભ્યોને ઝડપી પાડવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
લોકડાઉન થતા ફરાર આરોપી પકડાયા
મહિલા કીલર ગેંગના સભ્યો વિજય ઉર્ફે ચકો ચાવડા મુખ્ય સૂત્રધાર દિલીપ ઉર્ફે ડાહ્યાનો પિતરાઈ ભાઈ છે અને દિલીપ ઉર્ફે ડાહ્યો પોલીસના હાથે ઝડપાઈ ગયા બાદ વિજય ઉર્ફે ચકો જલુંધથી ફરાર થઈ ગયો હતો અને વડોદરા જિલ્લામાં લપાતો-છુપાતો રહેતો હતો. મજુરી કામ કરીને તે જીવન ગુજરાન ચલાવતો હતો. પરંતુ કોરોના વાયરસને લઈ લોકડાઉન થતા તે ફરતો-ફરતો જલુંધ ગામે પરત ફર્યો હતો. જ્યાં પોલીસને માહિતી મળતા પોલીસે તેને ઝડપી પાડયો હતો.
ટોળકી એકલ દોકલ મહિલાને નિશાન બનાવતી
આ ગેંગ દ્વારા ૨૦૧૯માં આણંદ જિલ્લાના તારાપુર હાઈવે તથા વડોદરા અને ભરૂચ તરફના હાઈવે ઉપર એકલ-દોકલ જતી યુવતીઓ કે મહિલાઓને નિશાન બનાવી વાહનમાં બેસાડી જલુંધ ગામની સીમમાં લઈ જઈ તેણી ઉપર ગેંગ રેપ ગુજાર્યા બાદ ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખવામાં આવતી હતી. સાથે સાથે ભોગ બનનાર યુવતી કે મહિલાના દાગીના તથા રોકડ પણ લૂંટી લઈ મૃતદેહને અવાવરૂ જગ્યાએ ફેંકી દઈ આ ગેંગના સભ્યો ફરાર થઈ જતા હતા.
એક વર્ષ પહેલા લુટેરી દુલ્હન તરીકે સક્રિય થઈ હતી
વર્ષ ૨૦૧૯ પહેલા આ ગેંગ લુટેરી દુલ્હન તરીકે સક્રિય થઈ હતી અને લગ્ન વાંચ્છુકોને છોકરી બતાવી લગ્ન કર્યા બાદ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિતનો સરસામાન લૂંટી ફરાર થઈ જતી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bzS3KP
ConversionConversion EmoticonEmoticon