કળા તેં અજબ રચી કિરતાર .. !


આપણે જોઈએ છીએ કે ક્યાંક નંદનવન સમી જિંદગી એવી રીતે નંદવાય છે કે પછી મૃત્યુપર્યંત કળ નથી વળતી. હસતા- ખેલતા પરિવાર ઉપર કાળનો પંજો ક્યારે ત્રાટકેને ક્યારે બધુ વેરવિખેર થઈ જાય કહેવાય નહિ..! 

માણસ પોતાની સાથે બનતી ઘટનાઓથી હામ કેમ ખોઈ બેસે છે ? ઇશ્વરના સંતાનને વળી સંતાપ કેવા ? ઇશ્વર કદી કોઈ દિવસ કોઈ પ્રત્યે પક્ષપાત રાખતો નથી. કુદરતનો ફેસલો સ્વીકારે જ છૂટકો. 

માણસ ધારતો શું હોય છે, ને થતું શું હોય છે. ભાવીના ગર્ભમાં શું છૂપાયેલું છે એનો તાગ મેળવવો માણસના હેસિયત બહારની વસ્તુ છે. કિરતાર આપણી સાથે ક્યારે કેવો ખેલ ખેલશે એનું કાંઈ નક્કી નહીં. આપણે તો રાખના રમકડાં છીએ. કઠપૂતળી છીએ. ઇશ્વર જેમ નચાવે એમ નાચવાનું. છૂપો દોરી સંચાર તો કિરતારના હાથમાં હોય છે.

આપણે જોઈએ છીએ કે ક્યાંક નંદનવન સમી જિંદગી એવી રીતે નંદવાય છે કે પછી મૃત્યુપર્યંત કળ નથી વળતી. હસતા- ખેલતા- કૂદતા પરિવાર ઉપર કાળનો પંજો ક્યારે ત્રાટકેને ક્યારે બધુ વેરવિખેર થઈ જાય કહેવાય નહિ..! તમારા સપના કિરતાર ક્યારે ભાંગીને ભૂક્કો કરી નાખે એનું કાંઈ જ નક્કી નહીં. ભગવાન ઉપરથી ભરોસો પણ ઉઠી જાય છે. 

કિરતારની કળા સમજવા માટે આપણો પનો ટૂંકો એટલા માટે પડે છે કે ખરેખર તો પનો છે જ નહિં. હા, માણસને બીજા માણસને સમજવામાં પનો ટૂંકો પડે એવું ક્યાંક ક્યાંક બનતું હોય છે. બાકી જેણે આપણને જન્મ આપ્યો છે એને સમજવામાં તો આયખું ય ટૂકું પડે.

સાવ એવું પણ નથી કે આપણા જીવનમાં બધું ઉલટું કે ન ગમતું જ બને છે. ના. ક્યારેક તો તમે સપનામાં પણ ન વિચાર્યું હોય તેવું તમારી ઝોળીમાં આવીને પડે છે. અને તમે ખુશીથી બાગબાગ થઈ જાવ છો. હર્ષાશ્રુ છલકે છે. થેંક્સ ગોડ બોલાઈ જાય છે. જીવનમાં બનતી હકારાત્મક કે નકારાત્મક ઘટનાઓ પાછળ માત્ર કિરતારનો જ હાથ હોય એવું બનતું નથી. માણસ એવું માની લેતો હોય છે. સારું કંઈક બને એટલે પરમ કૃપાળું પરમાત્માની દયા માને છે ને ન ગમતું કશુંક અણધાર્યુ બને એટલે ઇશ્વર પોતાના માથે લેતો નથી તથા કંઈક નિમિત બનાવે છે. એવું સમજી લઈએ છીએ યા તો માની લઈએ છીએ. આપણી આવી માનસિકતા પણ ઇશ્વર જ આપે છે ને ? છેવટે તો હરિ ઇચ્છા જ બળવાન થતી હોય છે.

નવાઈની વાત તો એ છે કે આપણને ઇશ્વરનો કે માતાજીનો પરિચય કરાવતા કે કિરતારને પામવાના રસ્તા દેખાડતા પંડિતો, મહંતો, બાવાઓ કે સંતો પણ કિરતારની કલાના ભોગ બનતા હોય છે. એમાંના કેટલાક તો જેલની હવા પણ ખાઈ રહ્યા છે ને કેટલાક કારમી વેદના સહન કરી રહ્યા છે. કેટલાક થૂ.. થૂ થઈ ગયા છે.

સવાલ એ થાય કે કિરતારને સમજવાનો શું ? એની કળા તો ન્યારી છે. એ જે કરે એ સારા માટે જ કરે એવું પણ સમજતા હોઈએ છીએ. તો પછી આટલા હતાશ, નિરાશ કે હારી જવાનો મતલબ શો ?

મનુષ્ય યોની સિવાય અન્ય યોનીઓને તો ઇશ્વરનો બિલકુલ પરિચય જ નથી. માણસ સાથે બને છે એવું એમની સાથે પણ બને જ છે. સંવેદનાઓ તો એમના અંદર પણ હોય છે જ. પણ માસણની જેમ રોક્કળ કે કાગારોળ એ મચાવતા નથી. તો પછી માણસ પોતાની સાથે બનતી ઘટનાઓથી હામ કેમ ખોઈ બેસે છે ? ઇશ્વરના સંતાનને વળી સંતાપ કેવા ? ઇશ્વર કદી કોઈ દિવસ કોઈ પ્રત્યે પક્ષપાત રાખતો નથી. કુદરતનો ફેસલો સ્વીકારે જ છૂટકો. આપણે કિરતારની ફેંટ પકડવા જવાના નથી. તેથી જ કહ્યું છે કે' રામ રાખે તેમ રહીએ.' બળાપા કે રોવા-ગાવાનો કશો મતલબ રહેતો જ નથી. સ્વીકારમાં જ સુખ છે. બાકી આપણને આઉટ તો એ જ કરશે.'

 શ્વાસોની 'આ' આવન-જાવનમાં..

હોય ' આ' છેલ્લા શ્વાસ... એવું પણ બને..!

- દિલીપ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38KnMYi
Previous
Next Post »