પરમતત્ત્વ (પરમાત્મા) સાથે જોડવો અને એકત્વ પામવું તેનું નામ ભક્તિ. એનું ઉદ્ભવ સ્થાન તો હૃદય છે.
નિષ્કામ સેવા કરવાનો ભાવ હૃદયમાં ઉદય પામે અને પ્રેમની અખૂટધારા વહેવા માંડે ત્યારે પરમાત્માનું સાકાર સ્વરૂપ પ્રગટ થાય છે. ભક્ત તેનું દર્શન કરી, કૃત્યકૃત્ય બને છે. આવા મહાનભક્તોનાં અનેક ઉદાહરણ છે.
ફાગણ વદબીજ અને ફાગણવદ છઠ- આબંને તિથિઓ બે મહાનભક્તોની યાદ આપે છે. એક છે 'તુકારામ' અને બીજા છે 'નામદેવ'. તેમનું સમગ્ર જીવન ભક્તિસાગર બની ચૂક્યું હતું. જે સાંપ્રત સમયમાં પ્રેરણા પ્રસાદિ આપે છે.
સત્સંગથી તુકારામ 'પાંડુરંગ' જેવા બન્યા છે. તેમને હવે ભજન કરવાની જરૂર નથી. કારણકે ભજનની એવી ટેવ પડી ગઈ છે કે, ભજન છૂટતું નથી. ભજન સ્વભાવ બની ગયું છે. નામસ્મરણ કરતાં કરતાં તુકારામને ભગવાનનાં દર્શન થયાં. પરમાત્માની એવી કૃપા થઈ કે પ્રભુ સાથે સહજ રીતે 'ઐક્ય' રચાઈ ગયું. હવે તુકારામ અને પ્રભુ વચ્ચે કોઈ ભેદ ન રહ્યો. એવી ઉચ્ચ સ્થિતિએ તુકારામ પહોંચી ગયા.
પંઢરપુરના ભગવાનશ્રી વિઠ્ઠલના મંદિરમાં તુકારામ દર્શને નિયમિત જતા એક દિવસ બિમાર હોવાથી તુકારામ મંદિરે ન જઈ શક્યા. ભગવાન વિઠ્ઠલનાથ ઉદાસ થઈ ગયા.
લક્ષ્મીજીએ પૂછયું,' ભગવાન ! આજે કેમ ઉદાસ છો ?' ભગવાને જવાબ આપ્યો,' જેનાં દર્શન કરવાની મને ઇચ્છા છે, તે મારો તુકારામ આજે આવ્યો નથી.
તુકારામ બિમાર હોવાથી પથારીમાં પડયા પડયા વિચારતા હતા કે મારો વિઠ્ઠલનાથ દર્શન આપવા મારે ત્યાં નહિ આવે ?' ને ખરેખર એવું બન્યું કે ભગવાન દર્શન આપવા તુકારામને ત્યાં જઈ પ્રગટયા. ભક્તો ભગવાનના દર્શન માટે આતુર હોય છે અને ભગવાન ભક્તોના દર્શન માટે આતુર હોય છે.
હવે,' નામદેવ'ના બે પ્રસંગ જોઈએ. નામદેવને વ્યાપક બ્રહ્મના સ્વરૂપનો અનુભવ થયો ન હતો. તેથી ભગવાને તેમને 'મંગળવેઢામાં' રહેતા મહાનભક્ત ' વિસોબાખેચર' પાસે જવા પ્રેરણા કરી.
નામદેવ વિસોબાના ઘેર ગયા. જાણવા મળ્યું કે વિસોબા શિવના મંદિરમાં છે. નામદેવ ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે જોયું તો વિસોબા ખેચર, શિવજીના લિંગ ઉપર પગ મૂકીને સૂતેલા હતા. વિસોબાને અંત:કરણમાંથી પ્રેરણા થયેલી કે નામદેવ આવે છે. તેથી તેને શિક્ષણ આપવા પગ શંકરના લિંગ ઉપર રાખીને તે સૂતા.
નામદેવે વિસોબાને તેમના પગ શિવલિંગ ઉપરથી લઈ લેવા કહ્યું વિસોબાએ કહ્યું,' તું જ મારા પગ, શિવલિંગ ઉપરથી ઉઠાવીને કોઈ એવી જગાએ મૂક, કે જ્યાં 'શંકર' ન હોય.' નામદેવ જ્યાં પગ મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટે. આખું મંદિર શિવલિંગથી ભરાઈ ગયું.
વિસોબાએ નામદેવને કહ્યું,' તને હજુ સર્વ જગ્યાએ ઇશ્વર દેખાતા નથી. તેથી આ અનુભવ તને કરાવવો પડયો છે. વિશ્વમાં સર્વ જગ્યાએ સર્વમાં સૂક્ષ્મરીતે પરમાત્મા છે. તું સર્વમાં નિહાળ ને ત્યારબાદ નામદેવને સર્વ જગ્યાએ 'વિઠ્ઠલ' દેખાવા માંડયા.
એક વખત એક કૂતરો રોટલો લઈને નાસવા લાગ્યો. નામદેવને તેનામાં વિઠ્ઠલ (પ્રભુ) દેખાયા. રોટલો કોરો હતો તેથી ઘીની વાટકી લઈ કૂતરા પાછળ દોડયા. ને ભાવસમાધિમાં બોલ્યા, 'વિઠ્ઠલ ! ઉભો રહે. રોટલો કોરો છે. હું ઘી ચોપડી આપું.'
શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :
- 'મન્મના ભવ - મારામાં મનવાળો બન નિરંતર
મારું ચિંતન કરી તું મને તારું 'મન' અર્પણ કર.
- મદ્ભક્તો ભવ - મારો ભક્ત બન. હું ભગવાનનો છું એ પ્રકારે તત્ત્વને સમજીને ભગવાનમાં અનન્ય પ્રેમ કર. બુદ્ધિને અર્પી દે.
- મદ્યાજી- અનુસાર 'સર્વમાં ભગવાન' છે એમ સમજીને સર્વની સેવા પૂજા કર... સર્વનો આદર કર... ભગવાનને સર્વ ઇંદ્રિયો અર્પણ કર.
- માં નમસ્કુરુ- શરીરનું બુદ્ધિનું અભિમાન છોડી ભગવાનની શરણાગતિ સ્વીકાર.
- સર્વ પરિસ્થિતિ ભગવાનની લીલા છે એમ સમજીને હરહમેશ રાગદ્વેષથી રહિત બનીને સમ, સંતુષ્ટ અને પ્રસન્ન રહે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/339gzQp
ConversionConversion EmoticonEmoticon