મોટાભાગના ભારતીયો માટે ચા તદ્ન સામાન્ય પીણું થઇ ગયું છે. અદના આદમીથી લઇને શ્રીમંતો પર્યંત હોંશે હોંશે ચા પીતાં હોય છે. બલ્કે એમ કહેવું વધુ ઊચિત રહેશે કે બધા લોકોને ચોક્કસ સમયે ચા પીવાની તલબ લાગતી હોય છે.કેટલાંક લોકો બહુ ગર્વથી એમ કહેતાં પણ સંભળાતા હોય છે કે અમને ખાવાનું ન મળે તો ચાલે, પણ ચા વિના ન ચાલે. અને ચામાં પણ કેટકેટલા પ્રકાર જોવા મળે છે.દરેક વ્યક્તિ પોતાની પસંદગી મુજબની ચા પીતી હોય છે. આવામાં આપણા જાણીતા કલાકારો તેમાંથી શી રીતે બાકાત રહે? આજે આપણે ઘર ઘરમાં લોકપ્રિય બની ગયેલા કલાકારોને કઇ ચા ભાવે છે તેની વાત માંડીશું.
'નિમકી વિધાયક'ની અદાકારા ભૂમિકા ગુરુંગ કહ ે છે કે મને મસાલા ચા અત્યંત પ્રિય છે.ે શૂટિંગ દરમિયાન સેટ પર હું ઘણી વખત મસાલા ચાની લિજ્જત લેતી હોઉં છું.જોકે ક્યારેક ક્યારેક હું ગ્રીન કે હર્બલ ટી લેવાનું પણ પસંદ કરું છું.કેટલીક વખત હું સેટ પર મારા બધા સહકલાકારો માટે આસામ ચા પણ બનાવું છું.
અભિનેતા મુદિત નાયરને હર્બલ ટી પસંદ છે.તે કહે છે કે લોકો વિવિધ પ્રકારના ઠંડા પીણાં પીએ તેના કરતાં હર્બલ ચા પીએ તે વધુ સારું ગણાય.હર્બલ ચા પીવાથી લાંબા સમય સુધી શરીરમાં તાજગી અનુભવાય છે. આ ચામાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન્સ, ખનિજ તત્વો, એન્ટિઓક્સિડંટ્સ ઇત્યાદિ હોવાથી તે આપણા શરીર માટે ઘણી ફાયદાકારક પુરવાર થાય છે.તેનો સ્વાદ પણ સરસ હોય છે. અને તેમાં વિવિધ પ્રકાની ફ્લેવર મળતી હોવાથી દરેક વ્યક્તિ પોતાની પસંદગી મુજબની ફ્લેવર લઇ શકે. હું દ્રઢપણે માનંવ છું કે કેફીન અને શર્કરાવાળા પીણાઓ કરતાં આ ચા હજાર દરજ્જે સારી.
અલીશા પાનવારને મધ અને લીંબુ નાખેલી ગ્રીન ટી રોજ ખપે. તે કહે છે કે મારા દિવસનો આરંભ જ મધ અને લીંબુ નાખેલી ગ્રીન ટીથી થાય છે. હું શિમલામાં હતી ત્યારે મારી મમ્મી મને રોજ આવી ચા બનાવી આપતી. હું તેના હાથની આવી ચા પીધા વિના ક્યારેય ઘરની બહાર ન નીકળતી.તે વધુમાં કહે છે કે મને કાંગરા ચા પણ પસંદ છે.
હીબા નવાબને ચાનો કપ હાથમાં લેતાં જ તેના પપ્પા સાંભરે છે. તે કહે છે કે મારા પિતાને ચા અત્યંત પ્રિય છે. તેથી અમારા ઘરમાં ચા પીતી વખતે અલકમલકની કે કામની વાતો કરવાનો રિવાજ ચાલ્યો આવે છે.તે વધુમાં કહે છે કે થોડા સમય પહેલા અમારી ધારાવાહિક 'જીજાજી છત પર હૈં'ના ૫૦૦ એપિસોડ પૂરાં થયાં ત્યારે અમે ઇલાયચીવાળી ચા અને ગરમાગરમ ભજિયાની મિજબાની માણી હતી. સેટ પર બધા માટે ચા બનાવવાનો અનુભવ પણ મઝાનો રહ્યો હતો.
રોશની વાલિયા સવારના ઉઠીને તરત જ આદુ અને મસાલો નાખેલી આસામની કડક ચા પીએ છે. તે કહે છે કે એક કપ ચા પીતાવેંત હું તાજગીનો અનુભવ કરું છું. મને વર્ષોથી સવારના પહોરમાં ઉઠું કે તરત જ આસામ ચા પીવાની ટેવ છે.મારા દાદીએ બચપણથી મને પુષ્કળ આદુ અને મસાલો નાખેલી ચા પીવાની ટેવ પાડી છે.
ડેલનાઝ ઇરાની પણ વિવિધ પ્રકારની ચાની શોખીન છે. પરંતુ તેને મોરોક્કન મિન્ટ ટી સૌથી પ્રિય છે. તે કહે છે કે મને ચા પીવાનો જેટલો શોખ છે એટલો જ બધા માટે ચા બનાવવાનો શોખ પણ છે. મારા હાથની લેમનગ્રાસ ટી મારા પરિવારજનો અને મિત્રવર્તુળમાં ખાસ્સી માનીતી છે. હું જુદા જુદા પ્રકારની ચા બનાવતી રહું છું. મને આદુ અને મસાલો નાખીને બનાવેલી ચા પણ બહુ ભાવે છે.મારા દિવસનો આરંભ ચા વિના થતો જ નથી.
મુસ્કાન કટારિયા પણ મસાલા ચાની શોખીન છે. તે કહે છે કે પરીક્ષા વખતે રાતના સમયે હું વાંચવા બેસતી ત્યારે વારંવાર ચા બનાવીને પીતી. મને અલગ અલગ ફ્લેવરની ચા પીવાનું ગમે છે. આમ છતાં મસાલા અને કુલ્હડ ચા મને સૌથી પ્રિય છે. આ ચા પીવાથી તુરંત તાજગી અનુભવાય છે.
દીપિકા સિંહને પણ મસાલા ચા જ સૌથી પ્રિય છે. તે કહે છે કે મને મસાલા ચાની લત છે. તેના વિના મને ચાલતું જ નથી. હું ઘણી નાની હતી ત્યારથી મને ચા પીવાની ટેવ છે. હું નાની હતી ત્યારથી મારા પિતાની ફેક્ટરી પર જતી. અને ત્યાં દર બબ્બે કલાકે બધાને મસાલા ચા આપવામાં આવતી. ત્યારથી મને પણ વારંવાર મસાલાવાળી ચા પીવાની ટેવ પડી ગઇ છે.
પંખુડી અવસ્થીને ઇંગ્લિશ બ્રેકફાસ્ટ ટી પસંદ છે. તે કહે છે કે મેં ઘણી મોટી થયા પછી ચા પીવાનું શરૂ કર્યું હતું. પણ હવે મને તેની ટેવ પડી ગઇ છે. મને ઓછા દૂધ અને વધુ સાકરવાળી ચા ભાવે છે.હું ક્યાંક બહાર જાઉં તો મારા માટે ઇંગ્લિશ બ્રેકફાસ્ટ ટી મગાવું છું.રાતના સમયે શૂટિંગ કરવાનું હોય ત્યારે પણ મને ચા ખપે છે.
વરૂણ બડોલાને તેની પત્નીના હાથની બનાવેલી ચા સૌથી પ્રિય છે. તે કહે છે કે મારા માટે તો ચાનો એક કપ અને પોતિકાઓના સાથ એટલે ભયો ભયો. હું અને મારી પત્ની દરરોજ સાંજે બાલ્કનીમાં બેસીને ચા પીતાં પીતાં વાતો કરીએ છીએ. તે મલાઇવાળું દૂધ નાખેલી ઘટ્ટ ચા બનાવે છે. અલબત્ત, મને વિવિધ પ્રકારની ચાની લિજ્જત માણવી ગમે છે. આમ છતાં મારી પત્નીના હાથની ચા જેવી લિજ્જત અન્ય કોઇ ચામાં નથી આવતી.
ચા બાબતે પરેશ ગણાત્રાનો પ્રતિસાદ પણ વરૂણ બડોલા જેવો જ છે. તે કહે છે કે હું દરરોજ ચા પીતી વખતે ૧૦ મિનિટ મારી પત્ની સાથે વાતો કરું છું. જોકે મને ચા પીવાની ટેવ નાનપણથી છે. ઘણી વખત મારી મમ્મી ઘરમાં ન હોય તો મારા દાદી મને ચા બનાવી આપતાં. અથવા તેઓ પોતાના માટે ચા બનાવતાં હોય ત્યારે મને ચા વિશે પૂછતાં. અને હું તેમની સાથે ચા પીવા તરત જ તૈયાર થઇ જતો. જોક હવે મને રોજ ઓછામાં ઓછા બે કપ ચા ખપે જ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wOkw0P
ConversionConversion EmoticonEmoticon