પેરસાઈટ: ગરીબો દ્વારા અમીરોનું શોષણ!


ઑસ્કર એવૉર્ડના નવ દાયકાના ઇતિહાસમાં પ્રથમવાર એવુ બન્યું છે, જ્યારે અંગ્રેજી ભાષામાં ન બની હોય એવી ફિલ્મને બેસ્ટ પિક્ચરનો ખિતાબ મળ્યો હોય. 'પેરસાઈટ'ને કુલ ૬ નોમિનેશન મળ્યા હતા, જેમાંથી ચાર મહત્ત્વના ઑસ્કર મળ્યા છે. ઇતિહાસ સર્જનારી ફિલ્મની કથા શું છે?

હોલિવૂડમાં આમ તો અંગ્રેજી ફિલ્મોનો દબદબો રહે છે, પરંતુ બે-ચાર દાયકે કોઈ અંગ્રેજી સિવાયની ફિલ્મ પણ આવીને ધૂમ મચાવી જાય છે. પેરસાઈટ પણ એવો જ કિસ્સો છે. 

ડિરેક્ટર : બોંગ જોન હૂ

કલાકાર : સોંગ કાન હો, લી સૂન-કીન, ચો-યો જેઓંગ, ચોઈ વૂ શિક, 

પાર્ક સો-ડામ

રિલિઝ : મે, ૨૦૧૯

લંબાઈ : ૧૩૨ મિનિટ

સમૃદ્ધ દેશ દક્ષિણ કોરિયાનું પાટનગર સેઉલ.

એક તરફ શહેરનો સમૃદ્ધ વર્ગ વસે છે, બીજી તરફ મધ્યમ, ગરીબ પરિવારો રહે છે. કિમ પરિવાર અડધા જમીનમાં, અડધા જમીન ઉપર એવા સેમી-બેઝમેન્ટ પ્રકારના મકાનમાં રહે છે. આર્થિક સ્થિતિ ખાસ સારી નથી. પરિવારમાં ચાર સભ્યો છે, પિતા કિ-ટેક, માતા ચૂંગ, પુત્રી કિ-જુંગ અને દીકરો કિ-વૂ. કિ-ટેક અનેક પ્રકારનું કામ અને નોકરી બદલાવી ચૂક્યા છે, પણ ક્યાંય સ્થિર થઈ શક્યા નથી. હવે આખો પરિવાર પિઝા માટેના બોક્સ બનાવાનું કામ કરે છે. એમાં મદદ મળી રહે એટલે મોબાઈલમાં ઝડપથી બોક્સ કેમ બની શકે તેનો વિડીયો જોતા રહે છે. જોકે મોબાઈલ ઇન્ટરનેટ પડોશીના વાઈ-ફાઈ પરથી મફત વાપરે છે. પડોશી પાસવર્ડ બદલાવે ત્યારે ઘર માથે ચિંતા આવી પડે છે કે હવે વૉટ્સઅપ કઈ રીતે જોઈશું? વળી ફોન ચાલુ થાય તો પરિવારમાં ઉજવણી કરવા જેવો આનંદ પણ છવાય છે!

એક દિવસ ઘરે કિ-વૂનો મિત્ર આવ્યો. મિત્રએ કહ્યું કે હું હવે પરદેશ જઈ રહ્યો છું. અત્યાર સુધી હું ઘનાઢ્ય પાર્ક પરિવારની દીકરી દાહાયાને અંગ્રેજી ભણાવતો હતો. મારા બદલે તારે એ કામ કરવું છે? કામ મળે તો કરવું જ હતું, પણ પાર્ક પરિવારનો આગ્રહ એવો હતો કે યુનિવર્સિટી સુધી અંગ્રેજી ભણેલો હોય એવો શિક્ષક જોઈએ. જુંગ અને વૂએ મળીને ફોટોશોપ દ્વારા નકલી યુનિવર્સિટી સર્ટિફિકેટ તૈયાર કરી લીધું. 

પાર્ક પરિવારમાં પણ ચાર સભ્યો હતા. ઘરધણી ડોંગ, માલકિન ચોઈ, દસમા ધોરણમાં ભણતી પુત્રી દાહાયા અને નાનકડો પુત્ર દાસોંગ. એ સિવાય થોડાંક કૂતરાં પણ ખરાં. મિસ્ટર પાર્ક તો મોટે ભાગે બહાર હોય, પણ મિસિસ પાર્ક ઘરનાં ઘણાં-ખરાં નિર્ણયો લેતાં હતાં. નવા શિક્ષકનો ઈન્ટર્વ્યૂ લઈને બધુ બરાબર જણાયુ એટલે વૂને નોકરીએ રાખી લીધો. વૂએ દહાયાને ભણવાનું શરૂ કર્યું અને બન્નેનો ભણવા કરતા એકબીજામાં રસ વધવા લાગ્યો. કિમ પરિવારના એક સભ્યને નોકરી મળી એટલે બીજાને આ ઘનાઢ્ય પરિવારના આશરે કેમ ગોઠવી શકાય તેની ગણતરી થવા લાગી.

કિમ પરિવાર ગરીબ હતો, પરંતુ હવે તેને પાર્ક ફેમિલી મળી ગયું હતુ ખંખેરવા માટે. પાર્ક પરિવારનો દીકરો દાસોંગ જરા તોફાની હતો, ઘરમાં સૌથી નાનો એટલે લાડકો હતો. તેને સમજીને શિખવી શકે એવી મનોવિજ્ઞાાની મહિલાની જરૂર છે એવુ મિસિસ પાર્કને વૂએ સમજાવી દીધું. પોતાની ઓળખાણમાં એવી મહિલા હોવાનું કહી પોતાની જ બહેન જુંગને આગળ કરી. મિસિસ પાર્ક જુંગને મળ્યા અને તેનું કામ યોગ્ય લાગ્યુ એટલે તેમની સાથે પણ અઠવાડિયે અમુક સમય દાસોંગ સાથે ગાળવાનો કરાર કરી લીધો. એ માટે જુંગે ઊંચી ફી કહી, જે ચૂકવવામાં પાર્કને વાંધો ન હતો. ગૂગલમાં જાણી લઈને જુંગ બાળકના માનસનો અભ્યાસ કરતી હતી! 

તેમનું એ નાટક ચાલવા લાગ્યું. કિમ પરિવારમાં બે આવક શરૂ થઈ ચૂકી હતી. આવક વધવા સાથે કિમ પરિવારની લાલચ પણ વધી. મિસ્ટર પાર્કની ગાડી ડ્રાઈવ કરવા એક ડ્રાઈવર હતો. જુંગ છેતરપિંડી કરી એ ડ્રાઈવરને નોકરીમાંથી કઢાવી નાખ્યો. વિશ્વાસુ ડ્રાઈવર ક્યાંથી કાઢવો? જુંગે મિસિસ પાર્કને કહ્યું કે હું એક બહુ સારા ડ્રાઈવરને ઓળખું છું. એમ કરીને એ પોતાના પિતાને જ ડ્રાઈવર તરીકે લઈ આવી. મિસ્ટર પાર્કને એ ડ્રાઈવર પસંદ આવ્યો, તેને પણ નોકરીએ રાખી લીધો. બસ ક્યારેક ક્યારેક ડ્રાઈવરના કપડાં-શરીરની દૂર્ગંઘ આવતી હતી, જે મિસ્ટર પાર્કને હેરાન કરતી હતી. બાકી કશો વાંધો ન હતો.

કિમ પરિવારના ૩ સભ્યોને નોકરી મળી, ઘરની માતા હજુ બાકી હતી. આ તરફ પાર્ક પરિવારમાં એક વિશ્વાસુ નોકરાણી હતી. એ નોકરાણીને જીવલેણ બિમારી થઈ છે એવુ છેતરપિંડીમાં ઉસ્તાદ ડ્રાઈવર કિ-ટેકે મિસિસ પાર્કને સમજાવી દીધું. એ નોકરાણીની નોકરી પણ ગઈ. તેના સ્થાને ઘરમાં નવી નોકરાણી આવી ગઈ, જે બેશક કિમ પરિવારની માતા ચૂંગ હતી. એ રીતે આખો કિમ પરિવાર પાર્ક પરિવાર પર આધારિત (પરાવલંબી-પેરસાઈટ) બની ગયો. 

એક દિવસ પાર્ક પરિવાર પિકનિક પર નીકળી ગયો. ઘરમાં કોઈ ન હતું એટલે કિમ પરિવાર જલસા-પાર્ટી શરૂ કરી. ટેબલ પર ખાણી-પીણીની સામગ્રીનો ઢગલો કર્યો. થોડી વારમાં વરસાદ શરૂ થયો. દરવાજે ડોરબેલ પણ વાગી. કોણ આવ્યુ હશે? જોયુ તો ઘરની જૂની નોકરાણી મૂન ગ્વાંગ હતી. મૂને કહ્યું કે તેનો કોઈ સામાન ભૂલાઈ ગયો છે. પરિવારના બીજા સભ્યો સંતાઈ ગયા પછી નવી નોકરાણી ચૂંગે દરવાજો ખોલ્યો. મૂન અંદર આવી રસોડાના ભંડકિયામાં ગઈ. ત્યાં કબાટ પાછળ એક ગુપ્ત દરવાજો ખોલ્યો. ત્યાંથી એક ભોંયરુ શરૂ થતું હતું!

પાર્ક પરિવારે મકાન કોઈ પાસેથી લીધું હતું, માટે તેની નીચે રહેેલી આવી ટનલ વિશે તેમને જાણકારી ન હતી. મૂન ટનલમાં અંદર ગઈ એટલે ત્યાં શું છે એ જોવા માટે ચૂંગ પણ પાછળ પાછળ ગઈ. જોયુ તો નોકરાણીનો પતિ રહેતો હતો! ડુંગર ખોદ્યા પછી ઉંદર નીકળે એમ ભંડકિયું ખોલ્યાં પછી તેમાંથી જીવતો જાગતો માણસ પ્રગટ થયો! જૂની નોકરાણીએ ચૂંગને વિનંતી કરી કે મારા પતિ પાછળ લેણદારો પડયા છે. તેમને અહીં રહેવા દેજો. થોડા દિવસે કંઈક ખાવાનું આપતા રહેજો..

ચૂંગે એ વાત માનવાને બદલે ડહાપણ દેખાડયું અને મૂન તથા તેના પતિ ગૂન-સેને ધમકાવવા પ્રયાસ કર્યો, અહીંથી બહાર નીકળો એવો હુકમ કર્યો. પણ એ વખતે જ પગથિયા પર છૂપાયેલો કિમ પરિવાર ગબડી પડયો અને તેમની છેતરપિંડી જાહેર થઈ ગઈ. મૂને જરા પણ વાર લગાડયા નગર કિમ પરિવારનો વિડીયો ઉતારી લીધો. હવે જો એ વિડીયો મિસિસ પાર્કને મોકલી દે તો માંડ માંડ થાળે પડેલો કિમ પરિવારને ફરીથી રસ્તા પર આવી જાય. બન્ને પરિવાર મૂળ તો પાર્ક પરિવાર પર આધારિત હતા, ચોરી-છૂપે રહેતા હતા અને છેતરપિંડી કરતા હતા. સંપીને રહેવાને બદલે તેમણે અંદરોઅંદર લડવાની શરૂઆત કરી. એટલામાં પાર્ક પરિવાર પરત આવી ગયો એટલે મૂન તથા તેના પતિને નીચે બાંધીને પૂરી દીધા. ઘરમાં કંઈ થયું નથી એ રીતે કામ કરવા લાગ્યા. પણ એ સ્થિતિ ક્યાં સુધી ચાલે? કિમ પરિવારમાંથી કોઈએ વિચાર પણ કર્યો કે આપણે ભોંયરાવાસીઓ સાથે સમાધાન કરી લઈએ. કેમ કે બન્નેએ છેવટે તો ચોરી જ કરવાની છે ને!

એવુ કશુું થાય એ પહેલા પાર્ક પરિવારે ઘરના ગાર્ડનમાં જ એક પાર્ટીનું આયોજન કર્યું. મિત્રો-સગાં-વ્હાલાંને બોલાવ્યા. પાર્ટી ચાલતી હતી ત્યાં નીચે બંધક બનેલા પતિએ ઉપર પહોંચવામાં સફળતા મેળવી લીધી હતી... એ પછી જે થયું એ થવા જેવું ન હતું. પણ શું થયું એ ફિલ્મમાં જોવુ રહ્યું.

ઑસ્કર વિજેતા આ ફિલ્મમાં એટલું જ સમજવા જેવુ છે કે ગરીબ પરિવાર કઈ રીતે અમીર પરિવારની ભલમનસાઈનો લાભ લઈને તેનું શોષણ કરે છે. અને એ શોષણ છેવટે તેમને અણધાર્યુ અને આકરું પરિણામ આપે છે. ગુજરાતીમાં કહેવત છે કે મીઠા જાડના મૂળ ન ખવાય.. એટલે કે કોઈની ભલમનસાઈનો એક હદથી વધારે લાભ ન ઉઠાવાય.. 

હોલિવૂડમાં આમ તો અંગ્રેજી ફિલ્મોનો દબદબો રહે છે, પરંતુ બે-ચાર દાયકે કોઈ અંગ્રેજી સિવાયની ફિલ્મ પણ આવીને ધૂમ મચાવી જાય છે. પેરસાઈટ પણ એવો જ કિસ્સો છે. ડિરેક્ટર બોંગે આ ફિલ્મ દ્વારા વધુ પડતા મૂડિવાદથી સર્જાતી સમસ્યા, કોરિયામાં ચાલી રહેલો મધ્યમવર્ગીય પરિવારોનો સંઘર્ષ વગેરે પાસાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. આમેય ઑસ્કર મળ્યો હોય એ ફિલ્મોમાં હંમેશા કેટલાક ગૂઢ અર્થ પણ છૂપાયેલા હોય છે. એ સમજાય કે ન સમજાય ફિલ્મ જોવાની મજા પડે એમ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cNoZ4a
Previous
Next Post »