કોઈપણ ક્ષણ 'ઇશ્વર સ્મરણ' માટે અનુકૂળ છે


પરીક્ષિત રાજાએ શુકદેવજીને પૂછયું,'મનુષ્ય માત્રનું કર્તવ્ય શું ?

શુકદેવજીએ કહ્યું,'કાળને માથે રાખી હમેશાં પ્રત્યેકક્ષણ ઇશ્વરનું ચિંતન કરવું તે.

ઘણા લોકો બહાનાં બતાવી કહે છે,' અનુકૂળ સમયની રાહ જોઈએ છીએ. કોઈ અડચણ ન રહે તે પછી ભજન-સ્મરણ કરીશું.'

આતે કેવી વાત ? સંસારવ્યવહારનાં કામ કરવાનાં હોય ત્યારે આવી વાત કરતા નથી. તે કામ બધાંને અનુકૂળ જ લાગે છે ! 

ભજન માટે અનુકૂળ સમયની રાહ જોવાની હોય જ નહિ. કોઈપણ ક્ષણે ભજન માટે, ઇશ્વર સ્મરણ માટે અનુકૂળ જ ગણાય. કોઈપણ અડચણ ન રહે તે પછી ભજન કરીશ એમ કહેવું એ જાતને છેતરવા બરોબર છે.

એક માણસ સમુદ્રમાં સ્નાન કરવા માટે સમુદ્રકિનારે ગયો. પણ સ્નાન કરવાને બદલે ત્યાં જ બેસી રહ્યો.

લોકોએ તેને પૂછયું,' કેમ ભાઈ લમણે હાથ દઈ બેસી રહ્યા છો ? સ્નાન કયારે કરશો ?

પેલા માણસે કહ્યું,' સમુદ્રમાં આ ઉપરાઉપરી મોઝાં-તરંગ આવે છે.  એ મોઝાં બંધ થાય એટલે સ્નાન કરું.'

સમુદ્રનાં મોજાં શું બંધ થવાનાં હતાં ? એતો ચાલુ જ રહેવાનાં.. પછી સ્નાન ક્યાંથી થવાનું હતું ! તે પ્રમાણે સંસાર એ સમુદ્ર છે. તેમાં મુશ્કેલીઓ- અડચણ રૂપી તરંગો તો આવવાનાં જ. એટલે કોઈ કહે કે અનુકૂળતા આવશે ત્યારે ઇશ્વર ભજન કરીશ. તો એવી અનુકૂળતા તો આવવાની જ નથી. જેમ પેલો માણસ સ્નાન કર્યા વગર રહી ગયો તેમ અનુકૂળતા શોધવા ઇચ્છતો માણસ ઇશ્વરભજન કર્યા વિના રહી જાય છે.

જીવનમાં ભલે અડચણો આવે પણ ઇશ્વર સ્મરણ કરવાનું તો ચાલુ કરી દેવુ પડે. સંતો, મહાત્મા, ભક્તોએ અનેક અડચણો વચ્ચે પણ પ્રભુચિંતન- સ્મરણ સતત ચાલુ રાખેલું છે. એ લક્ષ્ય ભૂલાવું ન જોઈએ.

મીરાં, નરસિંહ, ધ્રુવ, પ્રહ્લાદ વગેરે ભક્તોને કેટકેટલી મુશ્કેલીઓ સહન કરવી પડી છતાંયે તેમણે ભગવાનનું સ્મરણ છોડયું ન હતું. દરેક ક્ષણે ઇશ્વરનું ચિંતન, ધ્યાન, સ્મરણ થવું જોઈએ.

લોકો એમ માને છે કે આખી જિંદગી સંસાર વ્યવહારમાં રચ્યાં પચ્યાં રહીશું. કાળાંધોળાં કરીશું અને અંતકાળે ભગવાનનું નામ લઈશું અને તરી જઈશું. આ ખોટો વિચાર છે. આવું કરવાથી મરણકાળે પ્રભુ યાદ નહિ આવે. ચેતવા જેવું છે. મૃત્યુ રડાવતું રડાવતું લઈ જશે.

પ્રભુનું સ્મરણ અંતકાળે નહિ, પ્રત્યેક ક્ષણેક્ષણે કરવાનું છે. પ્રભુ સ્મરણ કરતાં કરતાં જે જીવનને સુધારે છે તેનું 'મરણ' પણ સુધરે છે.

દરેક મનુષ્યે પ્રતિક્ષણ સર્વાત્મા, સર્વશક્તિમાન ભગવાન લીલાઓનું જ શ્રવણ-કીર્તન- સ્મરણ કરતાં કરતાં વ્યવહારધર્મ બજાવવો જોઈએ.

પ્રત્યેક જીવે જીવાતા જીવન દરમિયાન 'શિવ' થવા પ્રયત્ન કરવાનો છે.

- ઘડપણે ધર્મ થાય નહિ, ફરી ફરી પસ્તાય.

- 'વખત મળે' એ વિચારથી સારાં કામ કરવાનું મુલતવી રાખતા નહીં.

- હે પરીક્ષિત । બધા મનુષ્યો માટે એ જરૂરી છે કે તેઓ તમામ સમયે, તમામ પરિસ્થિતિઓમાં તમામ પ્રકારે ભગવાન શ્રીહરિનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરે.

- 'જ્યાં સુધી આ શરીરરૂપી ઘર સ્વસ્થ છે,

જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી.

અને જ્યાં સુધી આયુષ્યનો પણ ક્ષય થયો નથી

ત્યાં સુધી, સમજદાર મનુષ્યે પોતાના કલ્યાણ

માટે, પૂરો પ્રયત્ન કરવો જોઈએ, નહિતર

ઘરમાં આગળ લાગ્યા પછી કૂવો ખોદવાનો

પ્રયત્ન કરવાથી શું વળશે ?

- લાભુભાઈ ર.પંડયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cQLwND
Previous
Next Post »