પોતાની પ્રારંભિક ફિલ્મોમાં તે પુષ્ટકાય દેખાતી હતી તેથી ઘણાં લોકો તેની મજાક ઉડાવતાં હતાં. પરંતુ તેણે તેમને પણ જવાબ આપતાં કહ્યું હતું કે ફિલ્મો માટે મેં મારું ૩૦ કિલો વજન ઘટાડયું છે.
સોનાક્ષી સિંહાને બોલીવૂડમાં આવ્યે નવ વર્ષ પૂરાં થઇ ગયાં છે. ૨૦૨૦ તેની કારકિર્દીનું ૧૦મું વર્ષ છે. અને હવ ેતે પોતાને વત્તાઓછા અંશે બદલાવી રહી છે. નવ વર્ષ સુધી લાગલગાટ કામ કર્યા પછી આ વર્ષે તે હળવી થવાના મૂડમાં છે. તે કહે છે કે હવેથી હું એક વર્ષમાં એક જ પ્રોજેક્ટ પર કામ કરીશ. મહત્વની વાત એ છે કે તે ફીચર ફિલ્મોની અદાકારા હોવા છતાં એક વેબ શોમાં કામ કરવાની છે.
સોનાક્ષી વેબ શોમાં કામ કરવા બાબતે કહે છે કે ગયા વર્ષે મારી 'કલંક', 'ખાનદાની શફાખાના', 'મિશન મંગલ'અને 'દબંગ-૩' એમ ચાર ફિલ્મો રજૂ થઇ. તેથી આ વર્ષે મેં નક્કી કર્યું હતું કે મારે એવું જ કામ હાથ ધરવું છે જે મને ખૂબ ગમી જાય. અને આ વેબ શો મને પસંદ પડી ગયો. તેની કહાણી ખૂબ સરસ છે. વળી તેની દિગ્દર્શિકા રીમા કાગતી છે. હવે તમે જ કહો કે તેની સાથે કામ કરવાની કોણ ના પાડી શકે? તે પોતાના વિચારો-દ્રષ્ટિકોણમાં એકદમ સ્પષ્ટ હોય છે. તેને ખબર હોય છે કે તેને શું જોઇએ છે. કલાકાર પાસેથી પોતાનું કામ કઢાવવામાં પણ તે પાવરધી છે.તે વધુમાં કહે છે કે આમેય મને વેબ શોઝના કન્ટેન્ટ બહુ ગમે છે. મને સમય મળે કે તરત જ હું વેબ શોઝ જોતી હોઉં છું. અને તેમાં રજૂ કરવામાં આવતું વિષયવૈવિધ્ય મને કાયમ આકર્ષે છે. તેથી મેં બે વખત વિચાર કર્યા વિના આ શો કરવાની હા પાડી દીધી હતી.હું એમ પણ માનું છું કે એક કલાકાર તરીકે મને માધ્યમ કરતાં કન્ટેન્ટને મહત્વ આપવું જોઇએ.તેથી મેં વેબ શો સ્વીકારવામાં કોઇ નાનમ નથી અનુભવી.
તાજેતરમાં સોનાક્ષી મોટરબાઇક ચલાવતાં શીખી. તે કહે છે કે હું ઘણાં સમયથી મોટરબાઇક ચલાવતાં શીખવા ઇચ્છતી હતી. પરંતુ મારા વ્યસ્ત સમયપત્રકને પગલે મેં મારી આ ઇચ્છા મનમાં જ દબાવી રાખી હતી. યોગાનુયોગે હમણાં મને બાઇક શીખવાની તક મળી ગઇ. અને મેં તે તક ઝડપી પણ લીધી. અલબત્ત, હું પૂરપાટ વેગે મોટરબાઇક ચલાવવાની તરફેણમાં બિલકુલ નથી. પણ મોટરબાઇક ચલાવતી વખતે હું ગજબની ઉત્તેજના અનુભવું છે એ વાત તો મને કબૂલ કરવી જ રહી.
કારકિર્દીના ૧૦મા વર્ષમાં પ્રવેશ કરનાર સોનાક્ષી માને છે કે તેની અત્યાર સુધીની ફિલ્મી યાત્રા ઘણી સારી રહી છે. તે એક સર્વેક્ષણનું ઉદાહરણ આપતાં કહે છે કે તેમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૦માં હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરનારી તે એકમાત્ર એવી અદાકારા છે જેની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર આજદિન સુધી ઓછામાં ઓછો ૧.૫૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. તે પોતાને અત્યંત પરિશ્રમી ગણાવતાં કહે છે કે મહેનત કરવામાં મેં ક્યારેય પાછું વળીને નથી જોયું. હું મારા કામને સંપૂર્ણપણે સમર્પિત છું. ખરૂં કહું તો મેં આટલાં વર્ષથી નીચું ઘાલીને કામ જ કર્યે રાખ્યું છે. તેથી જ મેં હવે એકી વખતે એક જ પ્રોજેક્ટ હાથમાં લેવાનું નક્કી કર્યું છે. હું હમણાંથી જ મારી સઘળી શક્તિઓ ખર્ચી નાખવા નથી માગતી. મારે હજી લાંબો પંથ કાપવો છે.મને એમ પણ લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં તમને તમારું માર્કેટિંગ કરતાં આવડવું જોઇએ. હું હજી સુધી તેમાં કાચી છું. મને હવે તેમાં પણ થોડાં પાવરધા થવું છે.
અભિનેત્રી ભલે પોતાને આવી બાબતમાં કાચી લેખાવતી હોય, પણ સોશ્યલ મીડિયામાં તેને ટ્રોલ કરનારાઓને તે જડબાતોડ જવાબ આપવા પંકાયેલી છે. થોડા સમય પહેલા ટ્વીટર પર તેને સતત ડોબી તરીકે ટ્રોલ કરવામાં આવી હતી. અભિનેત્રીએ થોડો સમય આ વાત સહી લીધી. પણ પછી તેણે તેને ટ્રોલ કરનારાઓને કહ્યું હતું કે તમારી પાસે આટલો બધો સમય છે તો આ બાબતે પણ મારા ઉપર મીમ્સ બનાવોને. મને આમેય મીમ્સ બહુ ગમે છે.
આવું જ કાંઇક તે ફિલ્મોદ્યોગમાં આવી ત્યારે પણ થયું હતું. પોતાની પ્રારંભિક ફિલ્મોમાં તે પુષ્ટકાય દેખાતી હતી તેથી ઘણાં લોકો તેની મજાક ઉડાવતાં હતાં. પરંતુ તેણે તેમને પણ જવાબ આપતાં કહ્યું હતું કે ફિલ્મોમાં આવવા મેં મારું ૩૦ કિલો જેટલું વજન ઘટાડયું છે. કોઇપણ વ્યક્તિ માટે આ કામ આસાન નથી. પણ મેં તે કરી બતાવ્યું. જોકે પછીથી સોનાક્ષીએ પોતાનું ઘણું વજન ઘટાડીને કાયાને કામણગારી બનાવી હતી. અને હવે તે બોલીવૂડની અદાકારાને છાજે એવું ફિગર ધરાવે છે.
સોનાક્ષી પોતાની માન્યતાઓમાં પણ પાકી છે. તે કહે છે કે તમારા મનમાં જે હોય તે ગોળ ગોળ કહેવાને બદલે સીધું જ કહી દો. અને શક્ય હોય ત્યાં સુધી કોઇપણ વાત હસવામાં કાઢી નાખવાથી દુ:ખ ઓછું થાય. અલબત્ત,તેનો અર્થએવો નથી થતો કે તમે તમારા સિધ્ધાંતો સાથે બાંધછોડ કરો. તમારા સિધ્ધાંતોને વળગી રહો અને પોતાની જાતમાં વિશ્વાસ રાખો. આત્મવિશ્વાસુ વ્યક્તિ અડધી જંગ લડયા વિના જ જીતી જાય છે. આવી સ્થિતિમાં તમારી પડખે કોઇ નહીં ઊભું હોય તોય ચાલશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IUyPUp
ConversionConversion EmoticonEmoticon