આણંદમાં પુત્રીનું અપહરણ કરનાર માતા નાસિકથી ઝડપાઈ


આણંદ, તા.12 ઓક્ટોમ્બર 2019, શનિવાર

આણંદમાં ત્રણ દિવસ પહેલા માતા દ્વારા જ પોતાની બાળકીનું અપહરણ કરીને લઈ જતા સમગ્ર આણંદ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મામલે મહિલાના પૂર્વ પતિ દ્વારા જ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી અપહરણ કરનાર એક શખ્શને દબોચી લીધો હતો તથા તેની પુછપરછના આધારે અપહરણ કરનાર બાળકીની માતાને પણ ગણતરીના દિવસોમાં જ પોલીસે મહારાષ્ટ્રમાં નાસિકમાંથી ઝડપી પાડી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ માનીયાની ખાડમાંથી ગત તા.૧૦મીના રોજ બપોરના સમયે શાળામાંથી ઘરે જઈ રહેલ સાત વર્ષીય બાળકીનું તેની જ માતા સંધ્યા દવેએ ડસ્ટર ગાડીમાં અન્ય ત્રણ શખ્શો સાથે અપહરણ કરીને લઈ ગયા હતા. આ ઘટના અંગે શહેર પોલીસ મથકમાં સંધ્યા દવેના પતિ સૌરભ ઠક્કર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ ચકચારી ઘટના અંતર્ગત ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ તેજ કરતા સૌપ્રથમ અપહરણકર્તા યોગરાજસિંહ રામજીભાઈ લકુંબ (રહે.વઢવાણ, સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી તેની પુછપરછ કરતા તેણે અપહરણ કરનાર બાળકીની માતા સંધ્યા નાસિક ખાતે હોવાનું જણાવતા આણંદ શહેર પોલીસ તાત્કાલિક નાસિક ખાતે રવાના થઈ ગઈ હતી તથા ત્યાંથી બાળકીની માતા સંધ્યાને ઝડપી પાડી બાળકીનો કબ્જો લઈ લીધો હતો. ત્યારબાદ પોલીસે અપહરણ કરનાર બાળકીની માતા સંધ્યાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા તેના પૂર્વ પતિ સૌરભ ઠક્કર સાથે ફેમીલી કોર્ટમાં તેના છુટાછેડા થઈ ગયા હતા તથા છુટાછેડા બાદ સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરી બંને બાળકો પુત્ર તથા પુત્રીને પતિને સોંપી દીધા હતા.

પરંતુ ત્યારબાદ તેણીને તેની પુત્રીની ખુબ જ યાદ આવતા આ પગલું ભર્યું હોવાનું કબુલ કર્યું હતું. જો કે પુત્રીએ તેના પિતા સૌરભ ઠક્કરને ફોન ઉપર જણાવ્યું હતું કે તે મમ્મી સાથે જઈ રહી છે અને વેકેશન બાદ પાછી આવી જઈશ તેવી વાત કરાવી હતી તથા તેણે પોતાની પુત્રીનું અપહરણ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ મામલે પોલીસે તેના નિવેદનો નોંધી વધુ કાર્યવાહી સાથે તપાસ હાથ ધરેલ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/319pFKh
Previous
Next Post »