આણંદમાં 14 વર્ષના કિશોરનું ડેન્ગ્યૂથી મોત


આણંદ, તા.12 ઓક્ટોમ્બર 2019, શનિવાર

આણંદ જિલ્લામાં વરસાદ બાદ ડેન્ગ્યુની બિમારીએ માથુ ઉચકતા આણંદ સહિત વિદ્યાનગરમાં ઠેર-ઠેર ડેન્ગ્યુના કેસ વધી જતા સ્થાનિક નગરજનોમાં ભારે ફફડાટનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આણંદના નાની ખોડિયાર વિસ્તારમાં રહેતા ૧૪ વર્ષીય કિશોરનું ડેન્ગ્યુના કારણે મોત થઈ જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર આણંદ જિલ્લા સહિત આણંદ શહેર તેમજ વિદ્યાનગર ખાતે વરસાદી માહોલ બાદ ડેન્ગ્યુ નામની બિમારીએ માથુ ઉચકતા ઠેર-ઠેર ડેન્ગ્યુના બીછાના જોવા મળી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઠેર-ઠેર સર્વેની કામગીરી સાથે દવા વિતરણની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.  પરંતુ આણંદની નાની ખોડિયાર વિસ્તારમાં રહેતા ૧૪ વર્ષીય કિશોર નિકુંજ જયરામભાઈ સરેરીયા (પ્રજાપતિ)ને ડેન્ગ્યુ થઈ જતા તેને શહેરની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

જ્યાં ર્ડાક્ટર દ્વારા તેનો રીપોર્ટ કઢાવતા કિશોરને ડેન્ગ્યુ પોઝીટીવ હોવાનું જણાવ્યું હતું. જો કે ત્યારબાદ કિશોરના પરિવારજનોના જણાવ્યા અનુસાર ર્ડાક્ટર દ્વારા કિશોરની તાત્કાલિક સારવાર કરવાને બદલે સારવાર કરવામાં નિષ્કાળજી દાખવતા કિશોરની તબિયત લથડી ગઈ હતી. તેની તબિયત વધુ લથડતા ર્ડાક્ટરે તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવા જણાવતા કિશોરના પરિવારજનો તેને કરમસદ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.

જો કે કરમસદ  હોસ્પિટલમાં પણ બાળકોના આઈસીયુમાં જગ્યા ન હોવાને કારણે છેક બપોર સુધી કિશોરને આઈસીયુની રાહ જોવી પડી હતી. પરંતુ ત્યાં સુધી કિશોરની તબિયત વધુ લથડતા બપોરે તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો તથા ર્ડાક્ટરો દ્વારા ઈલાજ શરૂ કરતા તેની તબિયત વધુ ગંભીર થઈ જવા પામી હતી તથા સારવાર દરમ્યાન જ તેનું મોત થઈ જતા કિશોરના પરિવારજનોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો હતો. આ અંગે મૃતક કિશોરના પરિવારજનો દ્વારા રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના પુત્રના મોત અંગે સ્થાનિક તંત્ર તેમજ ર્ડાક્ટરની બેદરકારીના કારણે તેમને પોતાનો પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે.

સ્થાનિક નગરપાલિકામાં અવાર-નવાર સાફ-સફાઈ માટે અનેક રજૂઆતો કરવા છતાં નગરપાલિકાએ નાની ખોડિયાર વિસ્તારમાં ઓરમાયુ વર્તન રાખી સાફ-સફાઈ કરવામાં ન આવતા અમારો પુત્ર ડેન્ગ્યુની બિમારીમાં સપડાયો છે. જ્યારે સ્થાનિક તબીબ દ્વારા પણ તેના ઈલાજ માટે નિષ્કાળજી દાખવતા આખરે તેને હોસ્પિટલમાંથી રજા આપી અન્ય મોટી હોસ્પિટલમાં લઈ જવાનું જણાવતા અન્ય હોસ્પિટલમાં લઈ જઈને પણ તેનું મોત થઈ જવા પામ્યું છે. માટે શહેરની એક ખાનગી હોસ્પિટલનો ર્ડાક્ટર અને સ્થાનિક નગરપાલિકા તંત્રના પાપે અને નિષ્કાળજીથી જ અમને અમારો પુત્ર ગુમાવવાનો વારો આવ્યો હોવાનું રોષ પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MEv46D
Previous
Next Post »