આખરે ઈ-સિગારેટનો 'દેશનિકાલ' થયો


ઇ-સિગારેટ ભારતમાં કેટલી સંખ્યામાં વેચાય છે તેના કોઇ આંકડા ઉપલબ્ધ નથી પરંતુ ધીમે ધીમે આવી સિગારેટનું વેચાણ વધી રહ્યાંનું લાગી રહ્યું છે

ઈ-સિગારેટ પીનારા લોકોના ફેફસામાં એક ખાસ પ્રકારના પ્રોટીનનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે ફેફસામાં સોજો આવવાથી માંડીને ખતરનાક બીમારીઓ થવાનો ખતરો પેદા થાય છે

પાંચ વર્ષ પૂર્વે જ 'વિશ્વ તમાકુ નિષેધ દિન'ની પૂર્વસંધ્યાએ પરેલની ટાટા મેમોરિયલ હૉસ્પિટલ અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત બિન સરકારી સંગઠનોએ કેન્દ્ર સરકારને પક્ષ લખી ઇ- સિગારેટના વેચાણ અને વિતરણ પર અંકુશ માટે નિયમો લાવવાની માગ કરી હતી. અમેરિકાના અન્ન અને ઔષધ પ્રશાસન (એફ.ડી.એ.)એ પણ જુલાઇ ૨૦૦૯માં ઇલેક્ટ્રોનિક સિગારેટના ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી હતી, કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં તો આવી સિગારેટ પર પ્રતિબંધ મૂકાયો હતો. પરંતુ ભારત અને ચીન જેવા રાષ્ટ્રોમાં આવી સિગારેટ ડિઓસ્ક કે ઇલેક્ટ્રોનિક માઉસ દ્વારા એટલે કે ઓનલાઇન (ઇન્ટરનેટના માધ્યમથી) સહેલાઇથી મળી રહે છે. બસ તમને આવી સિગારેટ મળે એટલે રોકડા ચૂકવી દો. 

ઇ-સિગારેટ ભારતમાં કેટલી સંખ્યામાં વેચાય છે તેના કોઇ આંકડા ઉપલબ્ધ નથી પરંતુ ધીમે ધીમે આવી સિગારેટનું વેચાણ વધી રહ્યાંનું લાગી રહ્યું છે. થોડાં સમય પૂર્વે અભિનેત્રી સોનમ કપૂરે બજારમાં ખુલ્લેઆમ વેચાતી સાદી સિગારેટ કરતા ઇ-સિગારેટનું વેચાણ વધી રહ્યાંનું ટ્વિટર પર જણાવ્યું હતું. સોનમે ટ્વિટ કર્યું હતું કે, 'ધુમ્રપાન ગંભીર નૂકસાનકારક છે. પરંતુ હવે તો ઇ-સિગારેટ મળવા લાગી છે. મારા કેટલાંય મિત્રો ઇ-સિગારેટનું સેવન કરે છે. બોલીવૂડ ઉપરાંત હોલિવૂડમાં પણ લિયોનાર્ડો ડી'કેપ્રિયો અને 'ડેનિસ ક્વેઇ' જેવા મોટા ગજાના કલાકારો ઇ-સિગારેટની લોકપ્રિયતા વધારી રહ્યાં છે.'

તમાકુ-વિરોધી નિયમો તૈયાર કરવામાં ભારત દુનિયાનું અગ્રેસર રાષ્ટ્ર છે અને વર્ષ ૨૦૦૫-૦૬માં યોજાયેલા 'ગ્લોબલ ફ્રેમવર્ક કન્યોકેશન ઓન ટોબેકો કન્ટ્રોલ' પર હસ્તાક્ષર કરનારું પ્રથમ રાષ્ટ્ર હતું. તાતા હોસ્પિટલના એક તબીબે કહ્યું હતું કે, 'ઇ-સિગારેટ એ બીજુ કઇ નથી માત્ર આકર્ષક રીતે (ઝેરી) નિકોટિન પહોંચાડવાની એક પદ્ધતિ (મિકેનિઝમ) છે.

આ માર્ગે જનારી વ્યક્તિ નિકોટિનનો કાયમી ગ્રાહક બની રહે એવી પદ્ધતિ વિકસાવાઇ છે.' ખાસ કરીને તમાકુના માધ્યમથી થતા મોનાં કેન્સરના દરદીઓના ઓપરેશન કરતા પ્રોફેસર પંકજ ચતુર્વેદીએ તમાકુની ભયાનક્તાનો ચિતાર આપતાં કહ્યું હતું કે, 'લોકોએ ઇ-સિગારેટની આકર્ષક જાળમાં ફસાવું ન જોઇએ, આવી સિગારેટ પણ હાનિકારક છે.ખેર,  ઈ.સિગારેટની આ બલાને  દેશ નિકાલ કરવા સરકાર  સજ્જ  થઈ છે. 

કેન્દ્ર સરકારે ઈ-સિગારેટ તેમ જ ઈલેક્ટ્રોનિક સિગારેટનાં ઉત્પાદન, વેચાણ, આયાત અને વિતરણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્રીય કેબિનેટે ઈ-સિગારેટ અને તેનાં જેવાં ઉત્પાદનો જનતા અને વિશેષ  કરીને યુવાનોમાં આરોગ્યને હાનિકારક હોવાથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. એક અહેવાલ પ્રમાણે ઈ-સિગારેટના વ્યવસાયીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માર્કેટમાં ૧૫૦ થી વધુ ફ્લેવર ધરાવતી ઈ-સિગારેટની ૪૦૦ થી વધુ બ્રાન્ડ વેચાય છે, પરંતુ તેમાંથી કોઈનું ઉત્પાદન ભારતમાં થતું નથી, આયાત કરવામાં આવે છે.

યુવાનો તમાકુના વ્યસન માટે નહીં, પણ ફેશન માટે ઈ-સિગારેટના બંધાણી બની રહ્યા હોવાથી તેમનાં આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. ઈ-સિગારેટથી લેવામાં આવતા ક્રશના કારણે  યુરોપ અમેરિકામાં સેંકડો યુવાનો બીમારીનો ભોગ બન્યા છે, જેમાં સાતનાં મરણ થયાં છે. ભારતમાં અત્યાર સુધી ઈ-સિગારેટના ચલણને લઈ વિસ્તૃત અભ્યાસ થયો નથી, પરંતુ માનવામાં આવે છે કે ઈ-સિગારેટનો કારોબાર ભારતમાં ૮૦૦ કરોડ રૂપિયાનો છે. અમેરિકામાં ઈ-સિગારેટથી ભારે નુકસાનના અહેવાલો પછી ટ્રમ્પ તંત્રે ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવા પ્રક્રિયા શરૂ કરી છે.

ઈ-સિગારેટને લઈ સૌથી પહેલી ચેતવણી ડબલ્યુએચઓ તરફથી આવી હતી. ઓગસ્ટ, ૨૦૧૪માં ડબલ્યુએચઓએ સગીરોને ઈ-સિગારેટનું વેચાણ બંધ કરવાની તાકીદ કરી હતી. તબીબોનો દાવો છે કે એ વાતના પૂરતા પુરાવા છે કે ઈ-સિગારેટ બાળકો, ગર્ભવતી મહિલાઓ અને પ્રજનનક્ષમતા ધરાવતી મહિલાઓ માટે હાનિકારક છે. 

આમ છતાં   કેટલાક  વર્ષોથી   સ્મોકિંગ ત્યાગવા માટે ઘણા યુવાનો   ઈ-સિગારેટનો સહારો લેવા માંડયા છે. લોકોમાં એવી માન્યતા છે કે ધૂમ્રપાન છોડવા માટે ઈ-સિગારેટનો સહારો  આરોગ્યને ઓછું નુકસાન પહોંચાડે છે. પણ આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. જાપાનના આરોગ્ય મંત્રાલયના રિસર્ચમાં કહેવાયું હતું કે સામાન્ય તમાકુની તુલનામાં ઈ-સિગારેટમાં ૧૦ ગણા એવા તત્વ હોય છે, જેનાથી કેન્સર થાય છે.


તેની વરાળમાં ફોર્માલ્ડિહાઈડ અને એસીટલ્ડિહાઈડ જેવા કાર્સિનોજન તત્વ મળ્યા છે. ફોર્માલ્ડિહાઈડનો ઉપયોગ ઈમારતોના નિર્માણમાં થાય છે અને ઈ-સિગારેટમાં તેનું પ્રમાણ સામાન્ય સિગારેટની તુલનામાં વધારે જોવા મળ્યું હતું. નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઈ-સિગારેટ પીનારા લોકોના ફેફસામાં એક ખાસ પ્રકારના પ્રોટીનનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે ફેફસામાં સોજો આવવાથી માંડીને ખતરનાક બીમારીઓ થવાનો ખતરો પેદા થાય છે.

એટલે કે ઈ-સિગારેટ માનવીને એટલું જ નુકસાન પહોંચાડે છે, જેટલું નુકસાન સામાન્ય સિગારેટ કરે છે. સ્ટડીમાં જણાવ્યા પ્રમાણે ઈ-સિગારેટમાં માત્ર નિકોટિન જ નથી હોતું, બલકે  તેમાં કેન્સર થવા માટેના કારકો પૈકીનું એક ફોર્માલ્ડિહાઈડ પણ હોય છે જે હૃદય, લીવર, કિડની સહિત વત્તાઓછા અંશે શરીરના તમામ અંગો માટે નુકશાનકારક હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉર્લ્લં)એ તો ઈ-સિગારેટો સામે પ્રતિબંધ લાદવાની માગ ઘણા સમય પહેલાં કરી હતી.  

- સિંગાપુર ,સેશેલ્સ,બ્રાઝીલ, કેનેડા,નેધરલેન્ડ,પનામા જેવા વિશ્વના ધણા દેશમાં ઈ-સિગારેટ સામે પ્રતિબંધ લાદવામાં આવેલો છે.

- કેનેડા અને યુએસએ અમેરિકામાં તો ઈસિગારેટ માટે ધણા બધા નિયમ કાયદા ઘડવામાં આવ્યા છે.

- દક્ષિણ-પૂર્વ એશિયાના દેશ ઈ-સિગારેટ માટે કાયદા ઘડવાની વિચારણા કરી રહ્યા છે.

- ઈલેક્ટ્રોનિક સિગારેટની શોધ ચીની ફાર્માસિસ્ટ હોન લિકએ 2003માં કરી હતી.

ફિલ્મ કે ટીવી શોમાં વારંવાર દર્શાવવામાં આવે છે કે ધૂમ્રપાન કરવું આરોગ્ય માટે હાનિકારક છે. જોકે, લાખો લોકો આ ચેતવણીને ઘોળીને પી જાય છે. અને તમાકુ ઉત્પાદનોનું સેવન જારી રાખે છે. જ્યારે કેટલાક આ ચેતવણીને ગંભીરતાથી લઈને સિગારેટ પીવાનું છોડવાનો નિર્ણય કરે છે પરંતુ આ લત છોડવી સહેલી નથી. આથી તેઓ સિગારેટને બદલે ઈ-સિગારેટના વિકલ્પને અપનાવે છે. ઈ-સિગારેટ એટલે એક જાતની બોલપેન જેવું સાધન હોય છે અને તેને મોંમાં મૂકીને સિગારેટની જેમ ક્રશ લેવામાં આવે તો ધુમાડો નીકળે છે.

પરંતુ તે રિયલ સિગારેટ ન હોવાથી તે હેલ્થ માટે જોખમી નથી એવી સામાન્ય સમજ સૌ ધરાવે છે. આ કારણે આજે સિગારેટ છોડનારાઓ ઈ-સિગારેટ ઉર્ફે વેપિંગ તરફ વળે છે અને છેવટે તેની લત પડી જાય છે જે જતે દહાડે તો આરોગ્યને નુકસાન જ કરે છે. આમ છતાં આજના  જુવાનિયાઓમાં ઈ-સિગારેટનું ચલણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. કમનસિબે આ સિગારેટથી થતાં નુકસાનથી અજાણ વાલી પણ સંતાનો ધૂમ્રપાનની આદત નથી ધરાવતાં તે વાતે હાશકારો અનુભવે છે જે ભ્રમ છે.

ઈ-સિગ્સ, ઈ-હુક્કા, વેપ પેન્સ અને ઈલેક્ટ્રોનિક નિકોટીન તરીકે જાણીતી ઈ-સિગારેટ દેખાવમાં તો સામાન્ય સિગારેટ, સિગાર કે પાઈપ જેવી હોય છે. કેટલીક ઈ-સિગારેટ પેન જેવી પણ દેખાય છે. ઈ-સિગારેટમાં રહેલાં જુદાજુદા પ્રકારને સિગ-અ-લાઈક, લિક્વિડ, મોડ, ક્લાઉડ ચેસર્સ, વેર ટ્રેકર્સ, ધ ડ્રેગન, એડીવી અને વેપ ટંગ જેવાં નામ પણ અપાયાં છે. વેનિલા, ચોકલેટ, લવિંગ, જાયફળ, કેળાં, માખણ, નીલગીરી, ફુદીનો, સ્ટ્રોબેરી જેવા વિવિધ ફ્લેવર ધરાવતી બેટરીથી ચાલતી ઈ-સિગારેટમાં રહેલું પ્રવાહી ગરમ થતાં ધુમાડો નીકળે છે. અને આ ઈ-સિગારેટની ખાસિયત કહો કે ખામી પણ તેના પ્રવાહીમાં નિકોટીન હોય જ છે.

અર્થાત્ જે નિકોટીનને કારણે તમાકુ ઉત્પાદનો કેન્સરને નોતરે છે તે જ નિકોટીન ઈ-સિગારેટમાં હોય છે એટલે જ તે દહાડે તેનાથી કેન્સર થવાની શક્યતા રહે છે. જો ઈ-સિગારેટના ઉત્પાદકો એવો દાવો કરે છે કે આમાં નિકોટીન હોતું નથી પરંતુ આમાં તથ્ય નથી. ઈ-સિગારેટમાંથી નીકળતો ધુમાડો તેનો કશ લેનારાના શ્વાસમાં તો જાય જ છે પણ તે સાથે તેની આસપાસ ઉભેલાઓના શ્વાસમાં પણ જાય છે અને તેની આડઅસર સામાન્ય સિગારેટ કે બીડીના ધુમાડા જેવી જ થાય છે.

ઇ-સિગ્સની તરફદારી કરનારાઓ તેને સામાન્ય સિગારેટ કરતાં ઓછી હાનિકારક માને છે પરંતુ તેના વૈજ્ઞાાનિક પુરાવાઓ ઉપલબ્ધ નથી. હા, તેનો વિરોધમાં કેટલાંક તારણો સંશોધનોમાં મળ્યાં છે. દ્રઢ મનોબળથી સિગારેટ છોડનારાઓ કરતાં ઈ-સિગારેટની મદદથી સિગારેટનું વ્યસન છોડનારાઓની સંખ્યા ઝાઝી નથી. ઊલટું આ પ્રક્રિયા દરમિયાન ઈ-સિગારેટનું બંધાણ થયાનું જોવા મળે છે. વળી કેટલાક યુવક-યુવતીઓ તો એવા પણ છે જે સિગારેટ અને ઈ-સિગારેટ બંનેને ફૂંકતા થઈ ગયા છે. છેવટે તેમનાં ફેફસાંને નુકસાન પહોંચે છે અને કેન્સર થવાનું જોખમ બમણું થઈ જાય છે.

ઈ-સિગારેટથી સ્વાસ્થ્ય પર થતી આડઅસરને ધ્યાનમાં રાખીને જ કર્ણાટક, કેરળ, મિઝોરમ, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ અને બિહારમાં તેની જાહેરાતો તથા વેચાણ પર ઘણા વખતથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંજાબ, હરિયાણા અને ચંડીગઢે ઈ-સિગારેટને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૫ હેઠળ 'બિનમાન્યતા પ્રાપ્ત ડ્રગ્સદ તરીકે જાહેર કરી છે. આથી મોટે ભાગે તે ઓનલાઈન વેચાય છે અને જુવાનિયાઓને મતે તેને ઓનલાઈન ખરીદવું સરળ પડે છે. આની વિરુદ્ધ ઈ-સિગારેટના ઉત્પાદકો દાવો કરે છે વેપિંગ હેલ્થી વિકલ્પ છે. આનાથી ધૂમ્રપાનની આદત છૂટી જાય છે.

આજના કોલેજિયનો ઈ-સિગારેટ ફૂંકવાને ફેશન માને છે. પેન જેવી ઈ-સિગ્સ મોઢામાં મૂકીને નાક અને મોંમાંથી ધુમાડો કાઢનારને સ્ટાઈલીશ ગણવામાં આવે છે. ઈ-સિગારેટથી અજાણ વડીલોને યુવાનોનાં આ કરતૂત જોઈને નવાઈ લાગે છે.

 આવી ઇ-સિગારેટનો વિચાર તો ચારેક દાયકાથી રમતો હતો પરંતુ વર્ષ ૨૦૦૪થી આ વિચાર ધંંધાદારી બની લોકો સુધી મૂર્તિમંત થઇને પહોંચી ગયો, અને ત્યારબાદ ભારતમાં પણ ખુલ્લી બજારમાં ઇ-સિગારેટ ઉપલબ્ધ થવા લાગી.

તમાકુમાં બે પદાર્થો મુખ્યત્વે હોય છે, એક તો આદત વળગાડતું નિકોટિન અને બીજુ જેનાથી કેન્સર જેવી મોતની સો ટકા ગેરંટી ધરાવતી બીમારી થઇ શકે એ નાઇટ્રોસેમાઇન્સ, હાઇડ્રોકાર્બન્સ જેવા તત્વો. ઇ-સિગારેટના પ્રચાર મુજબ, તેમાં માત્ર શુદ્ધ કરેલું નિકોટીન હોય છે અને કેન્સર થઇ શકે એવા તત્વો હોતા નથી. તેથી આવી સિગારેટ  સાદી-બજારમાં મળતી સિગારેટનો સલામત વિકલ્પ હોવાની માન્યતા ધુમ્રપાન કરનારાઓના મનમાં ઘર કરતી જાય છે. 

જો કે, ડોક્ટરો આ વાત સાથે સંમત નથી. હીલીસ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ નામના સામાજિક સંગઠનના ડૉ.પી.સી. ગુપ્તાએ કહ્યું હતું કે, નિકોટિન એક ઝેરી તત્વ છે અને તેનું સેવન ક્યારેય ન કરવું જોઇએ. ડૉ. બડવેએ કહ્યું હુતં કે, નિકોટિન એક દવા તરીકે પણ વપરાય છે પરંતુ તે માત્ર ડૉક્ટરની સલાહ અને લખી આપ્યા બાદ જ આપવામાં આવે છે. 

અમેરિકામાં એફ.ડી.એ.એ બે ઇ-સિગારેટ બ્રાન્ડની ૧૯, કાર્ટ્રિજ (ખરેખર તો એકમ એટલે કે સિગારેટ)નું પરિક્ષણ કર્યું હતું અને તારણ મળ્યું હતું કે, 'ભલે બધાં નથી લખતાં પણ એક બ્રાન્ડમાં નિકોટિન નથી એવું લખ્યું હતું પરંતુ ખરેખર તેમાં નિકોટિન હતું જ.' ઇ-સિગારેટ ભારતમાં આસાનીથી મળી શકે તેની સામે નિષ્ણાતો ઇચ્છે છે કે, દેશમાં તમાકુ યુક્ત અન્ય પદાર્થો કરતાંયે વધુ ગંભીર રીતે ઇ- સિગારેટ સામે કામ લેવું જોઇએ અને તમાકુ વિરોધી તમામ નિયમ કાનૂન આની સામે પણ લાગુ થવા જોઇએ.

ઓક્ટોબર ૨૦૦૮માં ભારતમાં જાહેર- સાર્વજનિક સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ મૂકાયો હતો, અને ૨૦૧૧માં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ ઓફ ઇન્ડિયા- ૨૦૦૬ની કલમ નંબર ૨-૩-૪ના સુધારા મુજબ કોઇ પણ ખાદ્ય પદાર્થમાં નિકોટિનના ઉમેરા પર પ્રતિબંધ મૂકાયો હતો. આના પગલે ગુટખા અને ખાદ્ય ઉત્પાદન (ફૂડ- પ્રોડક્ટ) તરીકે વર્ગીકૃત હોવાથી મધ્ય પ્રદેશ અને કેરળ જેવા રાજ્યોમાં ગુટખા પર પણ તાજેતરમાં પ્રતિબંધ મૂકાયો હતો. 

આઈસીએમઆરના શ્વેતપત્ર અનુસાર નિકોટિન અને ઈ-સિગારેટની ફ્લેવર સ્વાસ્થ્ય માટે ભયજનક છે. ખુદ તેનો ઉપયોગ કરનારાઓને પણ ખબર નથી કે તેઓ જે કેમિકલનો દમ ભરી રહ્યા છે તેનાથી તેઓને શું નુકસાન થઈ રહ્યું છે, દ્રવ્યમાં એસિટાલ્હિાઈડ, ફોર્માલ્ડિાહાઈડ અને એસિટોન જેવાં કેન્સર પેદાં કરનારાં તત્ત્વો હોય છે. આનાથી હૃદય, ફેફસાં અને મગજને નુકસાન પહોંચે છે તો તેની ગંધથી ડીએનએને નુકસાન પહોંચે છે.

કોષિકાઓ મરી જાય છે. જોકે, ઈ-સિગારેટ વેચવા માટે કંપનીઓએ જુઠાણું ફેલાવ્યું હતું કે આ ધૂમ્રપાન છોડાવવાનું માધ્યમ છે, પણ વૈજ્ઞાાનિકરૂપે તે સાબિત થયું નથી, પરંતુ નિકોટિનનું સેવન વધી ગયું છે. ભારતીય ચિકિત્સક પરિષદે ઈ-સિગારેટને તમાકુની તલબ વધારવાનું માધ્યમ ગણાવ્યું છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેના દરેક અભ્યાસ અનુસાર ઈ-સિગારેટ પીનારા ૭૦ ટકા લોકો નિકોટિનની તલબના કારણે તેનો ઉપયોગ કરે છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VEc6Bb
Previous
Next Post »