ચશ્મા ઉતારો ફીર દેખો યારો...


'૧૭ માઈલ ડ્રાઈવ'નું તત્વજ્ઞાાન, પ્રકૃતિના રંગ અને આપણી વન ડાયમેન્સન દ્રષ્ટિ 

અમેરિકાના કેલિફોનયાના સાન હોઝેથી ૭૩  માઈલ દુર  મોન્ટેરે દ્વીપ પર '૧૭ માઈલ ડ્રાઈવ' નામની ભારોભાર  કુદરતી સૌન્દર્યથી છલકાતી પેસિફિક  સમુદ્ર સૃષ્ટિ આવેલી છે. દરિયાના બીચના નજારાને માણવા જઈએ ત્યારે  મોજાંના ધસમસતા ફીણનો ફણીધર તેનાં મોંમાંથી વછુટતો જળ રેલો રેત કિનારા પર પાથરી દે ત્યારે પગ પલાળીને આચમન લેતા હોઈએ તેવી  આહલાદકતા અનુભવાય . જે પર્યટકો દુર કિનારે ઉભા રહી ભીંજાતા  નથી તેઓની આંખોમાં  પ્રકૃતિની ભીનાશ અંજાઈ જાય છે.

કેટલાક પર્યટકો  જાણે નાગદમન કરવા ઉતર્યા હોય તેમ સુસવાટાભર્યા પવન અને સર્ફ બોર્ડ પર સૈર કરતા સમુદ્રને બાથમાં સમાવી લેવાની મથામણ કરતુ સાહસ ખેડતા પણ જોઈ શકાય છે. પેસિફિક ગ્રોવથી શરુ કરી જ્યાં યુ. એસ. ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ યોજાય છે તેવા જગવિખ્યાત પેબલ ગોલ્ફ કોર્સ પર પૂરી થતી ૧૭ માઈલની આ કાર ડ્રાઈવ દરમ્યાન લગભગ પ્રત્યેક એકાદ માઈલના અંતરે  અગાઉ એક માઈલ  કરતા જુદું જ સૌન્દર્ય ખડું કરતો પોઈન્ટ આવે છે . આ જ રીતે પ્રત્યેક માઈલ પર વળાંક કે થોડી ઉંચાઈએ વધુ એક નવું જ દ્રશ્ય સર્જાય.જાણે ૧૭ જુદા જુદા વૈવિધ્યભર્યા લોકેશન્સની તમે સફર ખેડતા હો તેવું લાગે.

૨૫૦  વર્ષોથી  સમુદ્રના પ્રચંડ પવનની ઝીંક ઝીલી ઉભેલા પ્રાચીન સાઈપ્રેસ ઝાડની હારમાળા કે તેટલા જ વર્ષો પહેલા ઝુકી પડેલા આ ઝાડના હાડપિંજર જેવા ભાસતા થડ(Ghost tree) હજુ પણ પથરાયેલા જોઈ શકાય  છે. સમુદ્રી વન્ય સૃષ્ટીનું  સૌન્દર્ય તેના શિરમોર સ્વરૂપે છે . સ્પેનીશ બે, રેસ્ટલેસ સી , પોઈન્ટ જો , બર્ડ રોક ,હાર્બર સીલ, સાઇપ્રેસ પોઈન્ટ લીક આઉટ ,ધ લોન સાઈપ્રેસ ,ઘોસ્ટ પોઈન્ટ ,પેબલ બીચ જેવા પોઈન્ટને તેની આગવી બ્યુટી છે. સીલ અને માછલીઓ પણ રોચકતામાં ઉમેરો કરે છે.  

સદીઓ પહેલા જાણે અહી પર્વતોની ફરતી  હારમાળા હશે અને સમુદ્રના મોજાઓની થાપટોએ સમુદ્રનું  ગુમાન તોડી તે પર્વતોને ખડકો કે શીલાઓમાં ફેરવી દીધી હોય તેમ સમુદ્ર તેના પર ફરી વળ્યો હોય તેમ લાગે . અધૂરામાં પૂરું કેટલાક પોઈન્ટ પર તે ખડકો ને પણ બખોલમાં ફેરવતા પાણીના મોજા પ્રત્યેક મીનીટે પ્રહાર કરે છે. જાહેર સ્નાનાગાર જેવા લાગતા આ બીચ  નથી.

એકાદ બીચને બાદ કરતા ફરતી પાળીની ફેન્સીંગ છે પણ સાઈટ સીઈંગ માટેની સૂઝ જે રીતે રખાઈ છે તેની આપણા સ્થળોએ પ્રેરણા લેવા જેવી છે. મજાની વાત એ છે કે સમગ્ર વિસ્તારમાં માત્ર સમુદ્ર તરફ જ  નજર માંડીએ તો જ ભાતીગળ નજારો ખડા કરતા પોઈન્ટ્સ જ નથી પણ પ્રત્યેક પોઈન્ટ પર થોડો  હોલ્ટ કરતા જાવ તો ત્રણ કલાકનો સમય લાગે તેવો આ કાર ડ્રાઈવ રુટ ચોતરફ નેચર પાર્ક કે કુદરતી જંગલ છે. 

 આ પ્રવાસન સ્થળ જોવા દરમ્યાન આપણું તત્વ જ્ઞાાન ઉમેરીએ તો એવો વિચાર આવે કે આપણે સામાન્ય રીતે બીચ પર  કે એક જ સાઈટ સીઈંગ સ્થળ પર ઉભા રહી નજારો માણીએ તો નજર સામે જે એક જ દ્રશ્ય હોય તેને જ આખરી માની લેતા હોઈએ છીએ  કેમ કે દરેક જોવાલાયક સ્થળમાં '૧૭ માઈલ ડ્રાઈવ' જેવી કુદરતી ડીઝાઈન નથી  સર્જાયેલી હોતી કે  પ્રત્યેક માઈલમાં અનોખો જ  નજરો બદલાય. કોઈ હિલ સ્ટેશનમાં હજુ પણ શક્યતા છે કે આપણે જુદા જુદા લોકેશન્સથી પર્વતમાળાની બ્યુટી અનુભવી શકીએ.

સમુદ્રના કિનારે કિનારે કાર ડ્રાઈવ થઇ શકે તેવા રુટ પણ વિશ્વમાં છે જ્યારે ' ૧૭ માઈલ ડ્રાઈવ' દરિયા ફરતે સાવ જ નોખા દ્રશ્યો ખડા કરવાની રીતે  અનેરું છે. આપણે એક જ નજરથી જે દ્રશ્ય જોઈએ ત્યારે તેવું જ માની લેતા હોઈએ છીએ કે આજ તેનો પહેલી અને છેલ્લી નજરનો નજારો છે. કદાચ '૧૭ માઈલ ડ્રાઈવ'ની જેમ રુટની વ્યવસ્થા હોય તો પ્રત્યેક પ્રકૃતિનો પ્રત્યેક  માઈલનો એકથી એક ચઢિયાતો કે અગાઉથી જુદો જ નજારો જ આપણને જોવા મળે.

હાથી કેવો છે તેનું પ્રજ્ઞાાચક્ષુ  વ્યક્તિ તેના હાથની પહોંચ જેટલા જ  આકાર અને કદ વિષે અનુમાન બાંધે છે. પ્રકૃતિને જ નહિ આપણે  વ્યક્તિને  પણ આપણી   નજર સામે  તે જે સ્વરુપે દેખાય છે તે જ તેનું પૂર્ણ સ્વરૂપ છે તેમ તેના વિષે અભિપ્રાય બાંધી લેતા હોઈએ છીએ પણ.તેના બીજા સારા અને તેના કરતા પણ ચઢીયાતા પાસાઓ હોઈ શકે. અથવા તો પહેલી નજરે અણગમો ઉભો કરે પણ બીજા સાઈટ સીઈંગ પોઈન્ટ પર જઈએ તેમ વધુ સારા અને આગળના મુકામ પર ઉત્કૃષ્ટ આભા ઉભું કરતુ વ્યક્તિત્વ નીખરેલું જોઈ શકાય. 

બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્ર કે ફિલ્મ જોતા ત્યારે પણ તેને પૂર્ણ સ્વરૂપ માની તેની બ્યુટીથી આફ્રીન પોકારી જતા હતા. કાશ્મીરના સ્વર્ગીય નજારાને  બ્લેક એન્ડ  વ્હાઈટ ફિલ્મોમાં વિશેષ આકર્ષણ રૂપે રજુ થતો.   ત્યારે કલરની ખોટ નહોતી વર્તાતી.  તે પછી રંગીન ફોટોગ્રાફી આવી અને 'અહો...હો કાશ્મીર આવું નયનરમ્ય છે' તેવા શબ્દો મોંમાંથી સરી પડતા.બ્લેક વ્હાઈટ અલ્ટીમેટ છે તે ભ્રમ હતો તે એહસાસ થયો . તે પછી ડિજીટલના પડાવે દ્રશ્યને ઓર નિખાર આપ્યો.ફરી આપણે અનુભવ્યું કે રંગીન પૂર્ણ નહોતું. વાત આટલેથી નથી અટકતી. થ્રી ડાયમેન્સન ટેકનોલોજીએ તો દ્રશ્યની ઊંડાઈ અને પરિમાણ પણ બતાવ્યા. 

હવે વર્ચ્યુઅલ ટેકનોલોજી  આપણને તે જ દ્રશ્યને વધુ એક જુદી રીતે નજર સામે લાવે છે. '૧૭ માઈલ ડ્રાઈવ'ના નજારાના બદલાતા રંગની જેમ જ આપણને 'પુર્ણ મદ્'શ્લોેક યાદ આવી  જાય.  પૂર્ણ જેવું ખરેખર હોય છે ખરું ? શ્રાવ્યને આખરી માનતા હતા ત્યાં દ્રશ્યનું આગમન થયું. હજુ અવિરત  કળા અને સંશોધનો બહાર આવતા જ જાય છે. વાનરમાંથી માનવની ઉત્ક્રાંતિ તેના બાહ્ય દેખાવ પુરતી જ નથી પણ બુદ્ધિ અને જ્ઞાાનની ઉત્ક્રાંતિ રોજ આપણા અગાઉની ઉભી કરેલી ઈમેજ અંગેના ભ્રમ ભાંગે છે. 

આથી જ આપણે  કોઈ વ્યક્તિ  કે ઘટનાને આપણા મર્યાદિત જ્ઞાાન ,પૂર્વગ્રહ કે પછી જડ ચક્ષુઓ સાથેની દ્રષ્ટિથી જોતા  હોઇ તે જ આખરી  સ્વરૂપે છે તેમ  કોઈ અભિપ્રાય ના બાંધવો જોઈએ . બીજા એન્ગલથી સાઈટ સીઈંગ જોઈ શકવાની આપણી  મર્યાદા પણ હોવાની જ. હવે ચશ્માની રીતે થોડું જ્ઞાાન લઈએ. તમે ગોગલ્સ પહેરીને જોશો તો જુદું દ્રશ્ય દેખાશે . તમે ચશ્માના નંબર ધરાવતા હો અને ચશ્મા પહેર્યા વગર જે પણ જોશો તે ઝાંખું, અસ્પષ્ટ અને અને ચાલશો તો પડી પણ જવાય તેવી જમીનની સપાટી લાગશે.

બેતાળા ચશ્માં હશે અને તે કોઈ વખત ભૂલી ગયા હશો તો  સામે પ્રિન્ટેડ કાગળ કેવો લાગશે ? એક ચશ્માનો કાચ દ્રશ્યને કેવું બદલી નાખે છે. એવું પણ બનતું જ હોય છે કે  તમે જે ચશ્મા પહેર્યા છે તે અથવા તો તમને કોઈ બીજી વ્યક્તિ જેવી છે તેવા તેના અજ્ઞાાનના કે જેને તે જ્ઞાાન માને છે તે ચશ્મા પહેરાવવા માંગે છે અને તમે તે જ ધારણ કરી આંધળું અનુકરણ કરશો તો તમે તે પહેરી તેના વડે  જોશો તો અનર્થ સર્જશે. આપણે ઘોડાનાં ડાબલા પહેરીને દુનિયા જોઈશું તો એક જ સંકુચિત દ્રશ્ય નજર સામે જોઇને દોડીશું .કુવામાંના દેડકાઓની જોડે કુવામાં ભૂલથી દરિયાનો દેડકો આવી ગયો.

કુવામાંના દેડકા એમ જ માનતા હતા કે કુવો એ જ દુનિયાની સૌંથી મોટી અને વિશાળ જગા છે અને એમાં રહીએ છીએ. જ્યારે દરિયાના દેડકાએ તેઓને કહ્યું કે ભાઈઓ આ ખાબોચિયામાંથી બહાર આવો. તમને હું દરિયો બતાવું. કુવામાંના જે દેડકાઓએ વ્યાપક વિશ્વને નિહાળવાની હામ ભરી અને તેઓનો અહંકાર ત્યજ્યો તેઓ વિરાટ વિશ્વના પ્રવાસી બની ગયા અને જેઓ કુવામાં જ રહ્યા તેઓનો વિકાસ થંભી ગયો હતો તો પણ  તેઓ અંદરોઅંદર જ પીઠ થાબડતા રહ્યા અને વિશ્વ આગળ નીકળી ગયું. 

વ્યક્તિએ વિવેકબુદ્ધિ કેળવવી પડશે. તેનું ભલું, તેની પ્રગતિ, તેની ઉડાન કે તેને જીવનનો રોમાંચ આપતા ચશ્મા પહેરીને દુનિયા જોવી અને  જીવવી છે કે પછી કોઈ બીજાના નંબર વાળા ગ્લાસ ધરાવતા ચશ્માં પહેરીને. આપણે 'હવે બરાબર દેખાય અને વંચાય છે.' તેમ પારખીને નંબર આવે તો ચશ્મા લઈએ  છીએ આપણા સ્વજનોના ચશ્માં નથી પહેરતા. જે દુકાન કે તબીબ પરફેક્ટ દેખાય તેવા ચશ્માં આપે તે પહેરવા જોઈએ. છેલ્લે કંઈ નહિ તો આપણુ  જ્ઞાાન અને વિવેક ચશ્માની પસંદગીમાં વાપરવું.

એકંદરે બે વાત સમજવા જેવી છે. '૧૭ માઈલ ડ્રાઈવ'  સ્થળમાં જેમ એક જ દરિયાના જુદા જુદા દ્રશ્યો જોઈ શકાય તેવી તેની રચના છે  તેમ કોઈ પણ વ્યક્તિ,સ્થળ કે ઉપસ્થિત થતા સંજોગોને એક કરતા વધુ આયામો  હોય છે  તેવી દ્રષ્ટિ કેળવીએ અને તે સાથે એવા ચશ્મા પહેરીએ કે આપણને તે  દ્રશ્યો જોવાથી રોમાંચ અને સત્યની નજીકનું ચિત્ર મળે. આપણે કોઈ એક પાસાને જોઈ જજ્મેન્ટલ ના બનીએ. 

 '૧૭ માઈલ ડ્રાઈવ' સ્થળનો એક જ પોઈન્ટ જોઇને નીકળી જાવ તો તે જ દરિયાનું દ્રશ્ય આખરી છે તેમ બધા માનીને પરત આવે પણ તેની આગળની પ્રત્યેક ડ્રાઈવ નવો નજારો,નવો રોમાંચ અને અનુભવ સર્જતો રહે છે. આપણે પણ જીવનની આવી દ્રષ્ટિ સાથે મુસાફરી કરીએ... મલ્ટીડાયમેન્સંની અવિરત ખોજ .... 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/317Z0xd
Previous
Next Post »