ચોમાસામાં સગર્ભાઓએ લેવી રહી વિશેષ કાળજી


ગર્ભ ધારણ કરવો એ કોઈપણ સ્ત્રીના જીવનનો સોનેરી કાળ હોય છે. પરંતુ ગર્ભસ્થ શિશુને ઊની આંચ ન આવે તેના માટે સગર્ભાએ વિશેષ કાળજી લેવી પડે છે. ખાસ કરીને વર્ષા ઋતુમાં. નિષ્ણાત તબીબો કહે છે કે ચોમાસામાં જરાસરખી બેદરકારી પણ ગર્ભવતી મહિલાને ભારે પડી શકે. તેઓ તેનું કારણ સમજાવતાં કહે છે કે આ મોસમમાં વાતાવરણ ભેજવાળું હોવાથી ગર્ભવતી મહિલા અને ગર્ભસ્થ શિશુને ચેપ લાગવાની ભીતિ રહે છે. તેઓ વધુમાં કહે છે કે ભેજવાળા વાતાવરણમાં સૂક્ષ્મ જીવાણુઓ ઝપાટાભેર સક્રિય થઈ જતાં હોવાથી ડેન્ગી, મલેરિયા, શરદી, ખાંસી, ફ્લુ, સ્કિન ઇન્ફેક્શન ઇત્યાદિ થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. એટલું જ નહીં, ચોમાસામાં કોલેરા, લેપ્ટોસિરોસિસ જેવી ગંભીર વ્યાધિઓ થવાની ભીતિ પણ નકારી શકાય નહીં. લેપ્ટોસિરોસિસ જેવો રોગ એક બેક્ટેરિયા દ્વારા વિકસે છે જે માનવી અથવા પ્રાણીઓ દ્વારા ગર્ભવતી મહિલા સુધી પહોંચી શકે છે. આ બીમારી કિડની અને લીવરને ભારે નુકસાન પહોંચાડે છે.

તબીબો ઉમેરે છે કે ગર્ભવતી મહિલાઓના હોર્મોન્સમાં પરિવર્તન આવતું હોવાથી તેમને ભૂખ ઓછી લાગે તેમાં કાંઈ નવું નથી. પરંતુ ચોમાસામાં બાહ્ય વાતાવરણ આ હોર્મોન્સને વધુ સક્રિય કરે છે તેને કારણે પણ ભૂખ ઓછી લાગે છે. જો આ સમસ્યા સામે આંખ આડા કાન કરવામાં આવે તો ગર્ભસ્થ શિશુને પૂરતુ પોષણ મળી નથી શકતું. એટલું જ નહીં, સગર્ભાને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવે છે. આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાએ સાવ ભૂખ્યા રહેવાને બદલે થોડી થોડીવારે થોડું થોડું ખાવું જોઈએ. તેણે તાજો બનાવેલો આહાર લેવો જોઈએ. આ મોસમમાં પાંદડાવાળા શાક ખાવાનું ટાળવું રહ્યું. આવા શાકમાં રહેલું સેલ્યુલોઝ પચાવવું ભારે પડે છે. તેમણે પોતાના આહારમાં મકાઈ, ચણા, બેસન અને જવનો સમાવેશ કરવો જોઈએ.

વર્ષા ઋતુમાં જ્યાં ત્યાં પાણી પડયું હોવાથી રસ્તા ચીકણા થઈ જાય છે. સ્વાભાવિક રીતે જ આવા રસ્તા પર લપસી જવાની ભીતિ રહે છે. બહેતર છે કે તે આવા રોડ પર જવાનું ટાળે. અને જો જવું જ પડે તો એક એક પગલું જાળવી જાળવીને ભરે. સૌથી પહેલા તો સગર્ભાએ આ મોસમમાં એવા પગરખાં પહેરવાં રહ્યાં જેમાં લપસવાની શક્યતા ન હોય.

વરસાદના દિવસોમાં વાયરલ ઇન્ફેક્શન અને સ્વાઈન ફ્લુ જેવી વ્યાધિઓથી બચવા આગોતરા પગલાં ભરવા રહ્યાં. જેમ કે શુધ્ધ જળ પીવું. આ સીઝનમાં પાણીમાં અશુધ્ધિઓનું પ્રમાણ વધી જતું હોવાથી પાણી ઉકાળીને પીવું. ગર્ભાવસ્થામાં જંક ફૂડ, પ્રિઝર્વેટિવ્ઝ ધરાવતું પેકડ ફૂડ બિલકુલ ન લેવું. ડિહાઇડ્રેશન ન થાય એટલે પૂરતા પ્રમાણમાં પાણી પીવું. સાથે સાથે તબીબે સૂચવ્યા મુજબ સપ્લીમેન્ટ્સ લેવાનું પણ ન ચૂકવું. 

- વૈશાલી ઠક્કર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sNdB5vJ
Previous
Next Post »