થિયેટરોના વિશાળ પડદા સામે ઓટીટી પ્લેટફોર્મ્સને જબરદસ્ત આવકાર

- જે રીતે દર્શકોને ઓટીટી પ્લેટફોર્મ્સ સુવિધાજનક છે એ રીતે નાના, સાધારણ અને પ્રયોગશીલ નિર્માતા-દિગ્દર્શકો માટે પણ આ પ્લેટફોર્મ્સ વરદાન સાબિત થઈ રહ્યા છે. 


લોકડાઉનમાં મનોરંજનથી વિમુખ થઈ ગયેલા ફિલ્મી દર્શકોએ ઓટીટી પ્લેટફોર્મ્સને ખોબલે ખોબલે વધાવ્યું અને પર્યાપ્ત મનોરંજન મેળવવાની આકાંક્ષા તો પૂર્ણ કરી. જો કે આજે ૫૦ ટકાની ક્ષમતા સાથે થિયેટરોને શરૂ કરવાની મંજૂરી મળી ગઈ હોવા છતાં થિયેટરોમાં ફિલ્મ જોવા દર્શકો તૈયાર થતાં નથી આથી દર્શકોના આછા-પ્રતિસાદને કારણે થિયેટર-માલિકો અને ફિલ્મ-નિર્માતાઓના ચહેરા પર હજુ કોઈ લાલીમા આવી નથી. આમ છતાં ફિલ્મો અને વેબ-શો, સીરિઝ બનાવવાનું તો પૂરજોશમાં ચાલુ જ છે. સલમાન ખાનની 'રાધે', રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી' અને ''૮૩' જેવી મોટી ફિલ્મો થિયેટરો પૂર્ણક્ષમતાથી ખુલવાની રાહ જોઈ રહી છે તો બીજી તરફ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે બોલીવૂડના એવા ઘણાં કલાકારો છે જેઓ પડદાની સાઇઝના માધ્યમને સાઈડમાં મુકી સારું કન્ટેન્ટ હોય તો ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલિઝ થનારી વેબ-ફિલ્મો, સીરિઝમાં કામ કરવા તૈયાર છે. વેબ-શોઝ કે સીરિઝનો તેમને ડર નથી. તેઓ તેમની પૂરી ક્ષમતાથી, તૈયારી સાથે વેબ-સીરિઝ ફિલ્મોમાં કામ કરવા તૈયાર થયા છે. અરે, આટલું જ નહીં, આ માટે તેઓ કટારબધ્ધ ઊભા છે. આ ફેરફાર-પરિવર્તન છેલ્લા ૧૦-૧૧ મહિનામાં આવ્યું છે, એ પણ નોંધવું રહ્યું.

વેબ-ફિલ્મ, શોઝ કે સીરિઝમાં કામ કરવામાં ઝડપથી આગળ આવનારા કલાકારોમાં અનિલ કપૂર, સોનાક્ષ સિંહા, અર્જુન રામપાલ, મનોજ બાજપેયી, ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપ સૌથી આગળ છે. આ ઉપરાંત આજનો સુપરસ્ટાર અક્ષય કુમાર પણ તેની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલિઝ થાય તો તેને કોઈ વાંધો નથી, એવું તો તેણે મહિનાઓ પહેલાં જાહેર કરી દીધું હતું. તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ્સ પર અંગ્રેજી ફિલ્મ 'વન્ડર વુમન', કેટલીક તમિળ ફિલ્મો, ૧૩ જાન્યુઆરીએ વિજય દલપતિ અને વિજય સેતુપતિનો 'માસ્ટર' ફિલ્મને અપેક્ષાથી વધુ સારો પ્રતિસાદ મળ્યો તેથી ફિલ્મનિર્માતાઓનો વિશ્વાસ પણ ઓટીટી પર વધ્યો છે.

ઓટીટી પ્લેટફોર્મ્સનો ફાયદો એ છે કે તેના પર રિલિઝ થતી ફિલ્મો ૫૦થી વધુ દેશોના દર્શકો ફિલ્મ માણી શકે. આ ફિલ્મો હિન્દી ઉપરાંત અન્ય ભાષામાં જોવા મળે છે. તાજેતરમાં જ મલયાલમ ઓટીટી પર રિલિઝ થયેલી 'ધ ગ્રેટ ઇન્ડિયન કિચન'ને હિન્દી દર્શકોએ જબરદસ્ત આવકાર આપ્યો છે. માત્ર આ ફિલ્મ માટે જ દર્શકોએ કંઈ મલયાલમ ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન નથી લીધું. તેમને આ ઓટીટી પર અન્ય ઘણું મનોરંજન પણ મળે એવા શોઝ અને વેબ-સીરિઝ જોવા મળે છે, જેમાં ભાષાનો કોઈ અવરોધ નથી નડતો. આ કારણે જ છેલ્લા ૧૧ મહિનામાં બધા જ ઓટીટી પ્લેટફોર્મ્સના ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે.

જે રીતે દર્શકોને ઓટીટી પ્લેટફોર્મ્સ સુવિધાજનક છે એ રીતે નાના, સાધારણ અને પ્રયોગશીલ નિર્માતા-દિગ્દર્શકો માટે પણ આ પ્લેટફોર્મ્સ વરદાન સાબિત થઈ રહ્યા છે. આને કારણે આવા નિર્માતા દિગ્દર્શકો સહેલાઈથી દર્શકો સુધી પહોંચી શકે છે તાજેતરમાં જ ચૈતન્ય તમ્હાણેની પુરસ્કૃત ફિલ્મ 'ડિસ્પેરા' ઓટીટી પર રિલિઝ થવાની ઘોષણા થઈ છે. 

આ પરથી તો એવા નિર્દેશ મળી રહ્યા છે કે પરિસ્થિતિ સમાન્ય બનતા- કોરોના વિદાય લેતાં પછી પણ ઓટીટી પ્લેટફોર્મ્સ અને થિયેટરોનું સહઅસ્તિત્ત્વ યથાવત્ રહેશે. ફિલ્મ નિર્માતાઓ અને ઓટીટી વચ્ચે નવા કારોબારી સમિકરણો તૈયાર થઈ રહ્યા છે. કેટલીક ફિલ્મો સીધી ઓટીટી પર રિલિઝ થઈ રહી છે તો તેને મોટી રકમ પણ મળી રહી છે. આથી નિર્માતાએ આ વ્યવસાયમાં ખોટ જાય એવા ચિહ્નો ઘણા ઓછા નજરે પડે છે.

છેલ્લા ૧૧ મહિનાથી મનોરંજન વિશ્વમાં આપેલા ફેરફારથી એવું જણાઈ આવે છે કે દર્શકોને થિયેટરો અપનાવતાં સમય લાગશે કેમ કે ત્રણ કલાક સુધી બંધિયાર વાતાવરણ 'પૂરાઈ' રહેવું અત્યારે તો જોખમથી કમ નથી. 'જો થિયેટરોનો ચાર્મ ફિક્કો પડી જશે તો ઓટીટી પ્લેટફોર્મ્સનું વર્ચસ્વ સ્વાભાવિક રીતે જ વધી જશે. જો કે એ સાથે જ લોકોના મગજમાં બે પ્રશ્નો પણ ઉદ્ભવે છે. આવી પરિસ્થિતિમાં કલાકારો મીડિયમ (પડદો) નાનો હોય કે ૭૦ એમએમ હોય તેઓ એમાં કામ કરશે ખરા?

વેબ-શોઝ સિવાય ઘણા કલાકારો ઓનલાઈન સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પર રિલિઝ થનારી ઓરિજિનલ ફિલ્મોમાં કામ કરવા તો તૈયાર જ છે. આથી તેમને સ્ક્રીન સાઇઝ અંગે ઝાઝો ભય કે દહેશત નથી.

તાજેતરમાં અનિલ કપૂરે 'એકે વર્સિસ એકે' થ્રિલર ફિલ્મમાં ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ સાથે નજરે પડયો હતો. અનિલ કપૂર કહે છે, 'જ્યારે વિક્રમ (દિગ્દર્શક વિક્રમાદિત્ય મોટવણે) મારી પાસે સ્ક્રીપ્ટ સાથે આવ્યો ત્યારે મને લાગ્યું કે આ ઘણી સારી સ્ક્રીપ્ટ છે અને તેને ઓટીટી પર રિલિઝ કરવાનો નિર્ણય કરાયો એ ઘણો સારો નિર્ણય હતો અમારો. તેને જે રીતે પ્રમોટ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે  તે ૫૦ થી વધુ દેશોમાં ટોચની ૧૦ ફિલ્મોમાં હતી.'

આ જ બાબતને વધુ કલાકારો અનુસરી રહ્યા છે. મનોજ બાજપેયીએ તાજેતરમાં જ તેમની વેબ-ફિલ્મની ઘોષણા કરી. આ ફિલ્મ ક્રાઈમ જર્નાલિઝમ પર આધારિત છે. છેલ્લા ૧૦ વર્ષમાં બધા જ પ્રકારની ફિલ્મોમાં ભૂમિકા ભજવનારી અભિનેત્રી સોનાક્ષી સિંહા માત્ર વેબ-સીરિઝમાં આગમન જ નથી કરી રહી. પણ વેબ ફિલ્મ 'બુલબુલ તરંગ'માં આવી રહી છે. જેના દિગ્દર્શક શ્રીનારાયણ સિંહ છે. સોનાક્ષી તો કહે છે કે મેં અત્યાર સુધી જે ફિલ્મો કરી અને અત્યારે જે ફિલ્મ કરી રહી છું તેમાં મને કંઈ ઝાઝો તફાવત લાગતો નથી.

'હું પ્રામાણિકપણે કહું તો મને સ્ક્રીપ્ટ ખૂબ ગમી ગઈ છે. અત્યાર સુધી સુધી થિયેટરો ક્યારે ખુલશે એ અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે ત્યારે ઘણા બધા લોકો આ દિશા ભણી વળી રહ્યા છે. અમે ૨૦૨૦માં જે ફિલ્મો તૈયાર કરી હતી તેમાંની મોટાભાગની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલિઝ થઈ ચૂકી છે. હું શ્રી સાથે કામ કરવા માગું છું. તેઓ સામાજિક સંદેશ સાથેની વન્ડરફુલ ફિલ્મો બનાવે છે. આ ફિલ્મ પણ તેના જેવી જ છે,' એમ કહે છે ૩૩ વર્ષનો આ કલાકાર.

જો કે ટ્રેડ નિષ્ણાતો એવું માને છે કે બધાએ જ કંઈ બિગ સ્ક્રીન પર ફોકસ અટકાવી નથી દીધું. અતુલ મોહન કહે છે, 'બિગ સ્ક્રીન ત્યાં છે જ્યાં ફેમ અને સ્ટારડમ છે. કલાકારો તરીકે તો તેઓ બધા જ દ્વાર એક્સપ્લોર કરવા માગે એ સ્વાભાવિક છે. જો તેઓ કન્ટેન્ટથી ખુશખુશાલ હોય તો તેઓ એવું કરી શકે છે. બની શકે એવું હોય તો તેઓ બિગ સ્ક્રીનની વધુ ખેવના નહીં કરે. એ નભી શકે એવું નથી, ટકી શકે એવું નથી અથવા વાર્તાની લંબાઈ ઘણી હોય શકે છે. આ સાથે જ જો તેમને સારા નાણાં મળે તો એ મહત્ત્વનું છે. આપણે જોયું જ છે કે મોટા કલાકારોએ સુધ્ધાં ટીવીનો જ રૂટ પકડયો હતો. એનો અર્થ એવો નથી કે તેઓ મોટા પડાદાને છોડી રહ્યા છે.'

હવે તો કોઈ ફિલ્મ થોડા વર્ષો થિયેટરોમાં રિલિઝ નહીં શકે તો, પણ અર્જુન રામપાલ જેવો કલાકાર આવા ચાન્સને જતો કરે એવો નથી જે ઉદાહરણ તરીકે તેની ફિલ્મ 'નેઇલ પોલિસ'. આ એક લીગલ ડ્રામા છે, જે સારા રિવ્યૂ સાથે ઓપન થઈ હતી.

આ એકટર કહે છે કે જો કોઈ તક મળે તો જુદા જુદા માર્ગે ઓટીટી પ્લેટફોર્મ એકસ્પ્લોર કરવામાં વાંધો શો છે?

'આ પ્લેટફોર્મ્સ પર તમને ઘણી બધી સ્વતંત્રતા મળે છે અને તમે ધારો એટલી તેને એક્સ્પ્લોર કરી શકો છો, જેમ કે દિગ્દર્શક અને તેમની ટીમ એનો લાભ લે છે. પરંપરાગત નહીં હોય એવું ઘણું કામ હું કરવા ઇચ્છું છું,' એમ તેણે જણાવ્યું.

આમ, એક તરફ થિયેટરોના પડદા દૂર થયા નથી, કેટલાક કલાકારોને પડદાની સાઈઝની ઝાઝી ચિંતા નથી અને કન્ટેન્ટ પણ સારું મળતું હોય તો ઓટીટી પ્લેટફોર્મ્સ પર કામ કરવાનો વાંધો નથી 

અને કેટલાક કલાકારો એવી વેબ-ફિલ્મ, વેબ-શોઝમાં કામ કરવા ઉતાવળ બન્યા છે ત્યારે ઓટીટીનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે, એમ કહેવાની જરૂર છે ખરી?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s1pVZq
Previous
Next Post »