- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- તેજસને એ વાતની ખાતરી થઈ કે પોતે નપુંસક છે. તે બે હાથ જોડી રડતાં રડતાં નિર્દોષ પત્નીની માફી માંગી બોલ્યો : 'મને છૂટો કરી દે. હું નામર્દ છું.'
તે જસના લગ્નને ત્રણ વર્ષ થયાં હતાં, પણ પત્નીનો ખોળો ભરાયો ન હતો. બધાને થયું કે કંઈક ગડબડ જરૂર છે. પણ ગડબડના મૂળ ક્યાં હતા?
રોજની આ મશ્કરી તેજસથી સહન થતી ન હતી. તેણે મનોમન નક્કી કર્યું કે બધાંને જડબાતોડ જવાબ આપવો અને જરૂર પડે તેમની સામે સચોટ પુરાવાઓ રજુ કરી એ બધાંની બોલતી જ બંધ કરવી. થોડું રીહર્સલ કરી ચોક્કસ પ્લાનિંગ સાથે તે ઘરની બહાર નીકળ્યો.
સોસાયટીના નાકે પેલી ટોળકી ઊભી જ હતી. તેજસે નોંધ્યું કે તેને આવતો જોઈને બધા ગુસપુસ કરવા લાગ્યા હતા... અને પછી હા... હા.. હી... હી... હી... થવા લાગ્યું હતું. તેજસે તેના કાન એ તરફ માંડયા. તેણે બરાબર સાંભળ્યું કે પેલી ટોળકીનો દરેક સભ્ય વારાફરથી એકબીજાને કહી રહ્યો હતો....
'પેલાની ચાલ તો જુ...ઓ...પે...લો...પાવો જા...ય...'
રોજની આ કોમેન્ટ્સથી ત્રાસેલો તેજસ તેમની તરફ વળ્યો, તેણે દાંત ભીંસ્યા... મુઠ્ઠીઓ વાળી... એ બધા તરફ ધસ્યો અને બરાડયો :
હિંમત હોય તો મારી સામે બોલો. મને ખબર છે કે તમને જતીનિયાએ ખોટી માહિતી આપી છે. પણ તમારું મોઢું સંભાળો નહીંતર હું ખરેખર શું છું તે પુરવાર કરવા અત્યારે કંઈ પણ કરતાં શરમાઈશ નહીં.'
પેલી ટોળકી આશ્ચર્યમાં પડી ગઈ. તેમાંથી એક જણાએ આગળ આવીને કહ્યું, 'શું વાત છે યાર... તેજસ ? કેમ આટલી બધી ગરમી કરે છે ?'
'અજાણ્યો ન થા... મને બધી ખબર પડે છે કે તમે મારે વિશે શું બોલો છો...!?' તેજસ પાછો બરાયો.
'અમે તારી કોઈ જ ચર્ચા કરતા નથી.. અને યાર... તને થયું છે શું ?... છેલ્લા કેટલાયે મહિનાઓથી અમે તને બોલાવીએ છીએ તો પણ તું આવતો કેમ નથી? - પેલી ટોળકીના એક સભ્યએ કહ્યું.
'મને કંઈ જ થયું નથી. ઓ. કે, આઈ એમ નોર્મલ મને કે મારી વાઈફને કોઈ જ પ્રોબ્લેમ નથી... તમારા જેવા પાવાઓની કંપની મારા જેવા મર્દને પસંદ નથી... એટલે હું તમે બોલાવો છો તોય તમારી પાસે આવતો નથી.. સમજ્યા. તમે બધા.. ?' ગુસ્સામાં આટલું બોલી તેજસ ઝડપથી ત્યાંથી ચાલી નીકાળ્યો. થોડે દૂર જઈને તેણે પાછા વળીને જોયું તો પેલી કંપની તેને અંદરો- અંદર ગુસપુસ કરતી સંભળાઈ પેલો પાવો જા...ય.. પા...વો. જા... ય...
તેજસથી હવે સહન થાય તેમ ન હતું તે પાછો વળ્યો અને પેલી ટોળકીમાંથી બે-ચાર જણને ધીબી નાંખ્યા. પેલા લોકોને તેજસનું વર્તન સમજાયું નહીં. બે-ચાર જણે તેજસને શાંત પાડી સમજાવ્યું કે એ લોકો એના વિશે કોઈ કોમેન્ટ કરતા નથી, પરંતુ તેજસ શાંત ન પડયો. ઉશ્કેરાયેલા તેજસને એના ઘરના લોકો માંડ માંડ એને ઘેર લઈ ગયા.
પપ્પાએ શાંતિથી પૂછયું, 'બેટા શું વાત છે ?' તું હમણાં એકલો એકલો અને ખોવાયેલો રહે છે. બહાર તારા દોસ્તો પાસે પણ જતો નથી. તારી મમ્મી કહે છે તું કાઈ ખાતો પીતો પણ નથી. શું થયું છે બેટા તને ? મને બધી વાત કર. તારા દોસ્તો પર આટલો બધો ગરમ કેમ થયો ? એ લોકો તને ઘણીવાર બોલાવવા આવતા હતા. એ સારા છોકરાઓ છે. ખોટી મશ્કરી કરે તેવા નથી.
'બ... સ... બહુ થયું... એ લોકોની વકીલાત કરવાનું બંધ કરો મને ખબર છે કે તમે પણ એમની સાથે જ ભળી ગયા છો. તમે મારા વિશે ખાનગીમાં શું વાતો કરો છો એની મને પણ ખબર પડે છે.
રોહિતમામાએ તમને ખોટી વાતો કરી છે. એ રોહિતિયાએ જ સગાં-સંબંધીઓમાં વાત ફેલાવી છે. પાવો... હશે એ પોતે અને તેજસ પાવો છે એવું આખા ગામમાં કહેતો ફરે છે. આજે તો એને પૂરો જ કરી નાખું...!
આમ બરાડી તેજસ ગુસ્સામાં ઘરની બહાર નીકળવા જતો હતો, ત્યાં મમ્મી-પપ્પાએ તેને પકડયો અને મહાપરાણે બહાર જતો રોક્યો.
એ દિવસથી સોસાયટીમાં જ્ઞાાતિમાં... સમાજમાં ચણભણ શરૂ થઈ ગઈ.
'તેજસમાં કંઈક લોચો છે... લગ્નનાં ત્રણ વર્ષ થયાં તો પણ એની બૈરીનો ખોળો ભરાયો નથી.. બે માણસ સાથે ક્યાંય બહાર પણ જતા નથી... નક્કી તેજસ પુરુષમાં નથી... હૈયાંની વાત જ એના હોઠે આવી પાવો લાગે છે. પા...વો...'
વાત કંઇક આ પ્રમાણે હતી. તેજસનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયાં હતાં. સામાજિક રિવાજ પ્રમાણે પત્ની આણું થતાં આવી હતી. થોડા દિવસ રહી પાછી ચાલી ગઈ હતી. પછી વાર-તહેવારે આવતી. આમ પણ તે પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. એટલે બંનેય જણાનું લાંબા સમય સાથે રહેવું શક્ય ન હતું. આમને આમ લગ્નને ત્રણ વર્ષ વીતી ગયા હતાં. તેજસ પણ સોફ્ટવેર એન્જિનિયર થઈ લિમિટેડ કંપનીમાં નોકરી કરતો હતો. કામનું વધારે પડતું ભારણ હોવાથી તે પણ તેના કામમાં જ વ્યસ્ત રહેતો હતો. એક-બે વાર તેની પત્નીને બાળક માટે સાસુ-સસરાએ પૂછેલું પણ તેણીએ જવાબ આપવાનું ટાળ્યું હતું.
તેજસના બેકાબૂ ગુસ્સા અને મામા તથા મિત્ર જતીન 'તેજસ પાવો છે' એવું બધાને કહેતા ફરે છે એવી તેજસની વાતો પરથી તેના પપ્પાએ વિગતવાર તપાસ શરૂ કરી હતી.
મામાના કહેવા પ્રમાણે લગ્નના એક વર્ષ પછી પત્ની પહેલું આણું રહીને પાછી ગઈ ત્યારે તેજસે મામાને ખાનગીમાં કહ્યું હતું કે પોતે નપુંસક હોઈ શકે છે. કારણ પત્ની સાથે તે જાતીય સંબંધ બાંધી જ શક્યો નથી. મામાએ તેને સમજાવીને કહ્યું હતું કે શરૂઆતમાં બધાંને થોડી-ઘણી તકલીફ થાય. એમાં આટલી હદે ખોટું વિચારવાની જરૂર નથી. જરૂર પડયે તબીબી સલાહ લેવાનું મામાએ સૂચવ્યું હતું પરંતુ તેજસે પછી એ વાતનો મામા સાથે ઉલ્લેખ જ કર્યો ન હતો. એટલે મામા સમજ્યા કે સમય જતાં બધું સરખું થઈ ગયું હશે.
વધારે ખાતરી કરવા તેજસની પત્નીને હોસ્ટેલમાંથી બોલાવી સાસુમાએ ખાનગીમાં પૂછયું ત્યારે પત્નીએ પણ કબુલ્યું કે ત્રણ વર્ષ પૂરાં થવા છતાં બંને વચ્ચે ક્યારેય સમાગમ થયો નથી. તેજસ વારંવાર તેણીને બે હાથ જોડી વિનંતી કરતો હતો કે પોતે પુરુષમાં નથી એટલે છુટ્ટો થવા માંગે છે. ક્યારેક પોતે એક નિર્દોષ યુવતીની
જિંદગી બગાડી છે એવું કહી રડતો અને બે હાથ જોડી માફી માંગતો. પત્ની સમજાવતી કે ચાલો આપણે તબીબી સલાહ લઈએ પણ તેજસ તૈયાર ન થતો.
બધી વાત જાણ્યા પછી તેજસના ઘરનાને એવું લાગ્યું કે કોઈકે તાંત્રિક વિધિથી તેજસને નપુંસક બનાવ્યો છે. તેમના કુટુંબને બદનામ કરવા સમાજમાં વાતો ફેલાવી છે. પણ સદ્દનસીબે તેમને ખાનદાન વહુ મળી છે એટલે બધું થાળે પડી જશે. તેમણે તેજસની નપુંસકતા દૂર કરવા માટે તાંત્રિકનો સંપર્ક સાધ્યો. તાંત્રિકે ઉપાય બતાવ્યો કે કોઈ મરદ માણસનું કલેજું લાવીને તેનો ભોગ ધરવામાં આવે તો જ તેજસને મરદ બનાવી શકાય.
તાંત્રિકે તગડી ફી લઈ મરદ માણસના કલેજાની વ્યવસ્થા પણ કરી આપી પછી તેજસ પર વિધિઓ શરુ થઇ. વિધિ દરમિયાન તેજસને કલેજામાંથી કિરણો નીકળતા દેખાયા. અને તે બરાડી ઊઠયો, 'હવે હું પાવો નથી... હવે હું મરદ છું...!'
ઘરનાએ માની લીધું કે પુત્ર પર થયેલી પ્રેતવિદ્યા નાબૂદ થઈ છે. વાતની ખાતરી કરવા તેજસની પત્નીને ઘેર બોલાવાઈ, તેણીના અઠવાડિયાના રોકાણ દરમિયાન પણ બંને વચ્ચે શારીરિક સંબંધ શક્ય ન બન્યો. એટલે તેજસના મામાએ તબીબી સલાહ લેવાની જીદ પકડી.
તેજસની શારીરિક તેમજ માનસિક તપાસ કરાઈ. શારીરિક તપાસમાં તેજસના જનનાંગો સંપૂર્ણપણે વિકસિત જણાયા. તેજસના દાઢી-મૂછનો વિકાસ તથા લોહીમાં પુરુષ હોર્મોસનું પ્રમાણ નોર્મલ જણાયું. તેજસની બાલ્યાવસ્થા અને તરુણા વસ્થાની વિગતવાર હિસ્ટ્રી લેવાઈ. તેના પરથી જણાયું કે તેજસને યોવનના ઉંબરે તે પહોંચ્યો ત્યારે કોઈપણ પ્રકારનો અધિકૃત અને વૈજ્ઞાાનિક જાતીય શિક્ષણ મળ્યું ન હતું તેથી તેના મનમાં સેક્સ વિશેની ઘણી ખોટી માન્યતાઓ ઘર કરી ગઈ હતી. તેજસના પુરુષત્વની ચકાસણીના પરીક્ષણો કર્યા પછી જણાયું કે તેજસમાં કોઈ શારીરિક ખામી ન હતી. પરંતુ તેજસ માની લીધેલી ખામીને કારણે પરેશાન હતો.
ભણવામાં હોંશિયાર અને ધાર્મિક વૃત્તિવાળા તેજસના હાથમાં કોઈક બાપુએ લખેલું 'યૌવન સુરક્ષા' નામનું પુસ્તક આવ્યું તે વાંચ્યા પછી તેને લાહ્યું હતું કે પોતે યુવાનીમાં ઘણાં ખોટાં કામ કર્યા છે. હસ્તમૈથુન અને સ્વપ્નદોષે તેનું પુરુષાતન ક્ષીણ કર્યું છે. આ માટે તેણે કેટલાયે ઉંબરાઓ ઘસ્યા અને વિવિધ ઉપચારો કરાવ્યા. તે લગ્ન માટે તૈયાર ન હતો પરંતુ ઘરના લોકોએ સારી છોકરી મળતા તેના લગ્નનું નક્કી કરી નાખ્યું અને તેના લગ્ન થઈ ગયા.
પત્ની પહેલીવાર સાથે રહેવા આવી ત્યારે તેને સખ્ખત ડર હતો કે તે સંબંધ બાંધવામાં સફળ નહીં થાય અને થયું પણ તેવું જ. બસ પછી તો નિષ્ફળતાની હારમાળા સરજાઈ. તે ભાંગી પડયો.
મામાની અને પત્નીની ડોક્ટરનો અભિપ્રાય લેવાની વાત ન માની કારણ તેણે માની લીધું હતું કે પેલી ચોપડીની વાત સાચી છે અને પોતે નપુંસક છે. તે એકલો રહેવા લાગ્યો. ધીરે ધીરે તેને ભ્રમણાઓ થવા લાગી કે પોતે નપુંસક છે એ વાત સમાજમાં ફેલાઈ ગઈ છે. લોકો તેની ચાલનું નિરીક્ષણ કરે છે અને 'તેજસ પાવો છે' એવું બોલે છે. હકીકતમાં આ બધી જ ભ્રમણા હતી. તેને સંભળાતા અવાજો પણ તેનો ભ્રમ હતો. તેણે ઝઘડો કર્યો ત્યાર પછી જ લોકોમાં ચર્ચા થઈ ત્યાં સુધી કોઈને કશી જ ખબર સુધ્ધાં ન હતી.
તેજસની યોગ્ય મનોચિકિત્સા અને સેક્સચિકિત્સા કરાઈ.
આજે તેજસ સુખી છે અને સંતાનનો પિતા પણ બન્યો છે. તે લોકોને એક જ વાત કરે છે કે 'ધર્મના નામે ધતિંગ કરતા, વિજ્ઞાાન પોતે જાણે છે તેવી ગુલબાંગો હાંકતા સાધુ બાવાઓ, તાંત્રિકો અને બાપુઓથી ચેતતા રહેજો. તાંત્રિક વિધિથી નપુંસક પણ ન થવાય કે મરદ પણ ન થવાય...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CPepHnG
ConversionConversion EmoticonEmoticon