હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત...ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત...


- શક્તિ, ભક્તિ અને મસ્તીનો સંગમ છે 'નવરાત્રિ'

- નવરાત્રિમાં માણસ ઉર્જાવાન બનતો હોય છે. અને એટલા માટે ઉંઘની ફરિયાદ નથી કરતો, ઉલ્ટાનું ઉજાગરાને મીઠા કહે છે. શક્તિ, ભક્તિ અને મસ્તીનો સંગમ છે 'નવરાત્રિ'

- નવરાત્રિ તો માનવસમુદાય માટે ટોનિક છે, ચાર્જર છે

છેલ્લા બે ત્રણ દિવસથી સૌના કાનમાં નવરાત્રિના મનગમતા ભણકારા જે વાગી રહ્યા હતા તે આજે પ્રત્યક્ષ થવાના. નવરાત્રિ તો આપણને સૌને અંતરથી અમીર કરવા આવે છે. આજે મા જગદંબા, જગત જનની મૈયા પોતાના બારણા ઉઘાડીને આપણને સૌને વ્હાલ કરશે. નવરાત્રિ એટલે શક્તિ, નવરાત્રિ એટલે ભક્તિ અને નવરાત્રિ એટલે મસ્તી-આનંદ. નવરાત્રિ તો માનવસમુદાય માટે ટોનિક છે, ચાર્જર છે.

ખાસ કરીને યૌવનધન હિલોળે ચઢશે. એમનો ઉમંગ-તરંગ આસમાને પહોંચે છે. મન મૂકીને અને ઝૂકી ઝૂકીને નાચવા-ગાવાની મજા જ કંઈ ઓર હોય છે. આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો આ નવ દિવસમાં આપણા મનમંદિરમાં શ્રધ્ધાનો દિવડો પ્રગટાવવો જોઈએ. નવરાત્રિમાં માણસ ઉર્જાવાન બનતો હોય છે. અને એટલા માટે ઉંઘની ફરિયાદ નથી કરતો, ઉલ્ટાનું ઉજાગરાને મીઠા કહે છે. શક્તિ, ભક્તિ અને મસ્તીનો સંગમ છે 'નવરાત્રિ'.

આપણે સૌ નવરાત્રિમાં શક્તિની પૂજા-આરાધના ઉપાસના કરીએ છીએ. અને એ ય પાછી નારીશક્તિ. અંબાજી, બહુંચરાજી, ચામુંડા વગેરે વગેરે.. એટલે તો... યા દેવી સર્વ ભૂતેષૂ શક્તિરૂપેણ સંસ્થીતા કહેવાય છે. અત્રે એ પણ યાદ રાખવું ઘટે કે આપણા ઘરે પણ નારી શક્તિઓ સાક્ષાત છે. આપણી બા, આપણી પત્ની, આપણી દિકરી,  આપણી વહું.., દરેક પરિવારમાં આટલી શક્તિઓ તો હોય છે જ. હવે વિચાર આપણે એ કરવાનો છે કે જે શક્તિની આપણે આરાધના કરીએ છીએ બરાબર તેવી જ શક્તિઓ આપણા ઘરે પણ છે. એમની આંખમાંથી આસું પાડી, એમને હેરાન પરેશાન કરી, એમની અવગણના કરીને ડુંગરાવાળીને ભજીશું તો શું ડુંગરાવાળી રાજી રહે..? સ્ત્રીભૂણ શક્તિની હત્યા કરતાં માનવીને લકવો કેમ નથી પડતો!!! ખેર, નવરાત્રિ એ નવરાત્રિ છે. સમાજનું ઘરેણું છે. આપણે માતાજીનું ઘરેણું બનવા શુધ્ધ-સાત્વિક-અણિશુધ્ધ અને આનંદમય ભાવ લઈને ગુણલાં ગાઈશું તો માં તો જગતજનની છે.

- અંજના રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OTpHc3u
Previous
Next Post »