- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- માતાજી આવ્યાનું કરાતું વર્તન વ્યક્તિના જાગ્રત સભાન મનની જાણ બહાર તેમના સુષુપ્ત મનની દોરવણીથી કરાય છે
ન વરાત્રિની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પાર્ટીપ્લોટો અને ક્લબો નવા શણગાર સજી રહ્યાં છે. ગરબે ઘુમવા માટે ખાસ પ્રકારના પોષાકો ઘેર ઘેર તૈયાર થઈ રહ્યાં છે. નવરાત્રિની નવેય રાત્રિએ ગુજરાતના નાના મોટાં તમામ શહેરોમાં સૂર્ય આથમતો નથી. ગરબે ઘૂમતું અને ડિસ્કોગીતોના તાલે ઝૂમતું યૌવન હિલોળે ચડે છે. ઠેર ઠેર માતાજીની ગરીબીઓની આસપાસ ગરવી ગુજરાતણો ટોળે વળી ઘૂમે છે. નવરાત્રિ એ માતાજીની ભક્તિ અને યૌવનના ઉન્માદની અભિવ્યક્તિનું પર્વ બની ગયું છે.
લોકો ભલે માતાજીની સ્થાપના નવરાત્રિમાં જ કરતાં હોય પણ સમીરભાઈને ત્યાં તો માતાજીનું સ્થાપન બારેય માસ થયેલું રહેતું.
કારણ ?...મીનાબેનને વારંવાર માતાજી આવતા હતાં...
એટલે કે તેમના શરીરમાં સાક્ષાત મા અંબાનો પ્રવેશ થતો હતો. એમાંયે નવરાત્રિના ગરબાના નગારા વાગવાનું શરૂ થાય અને લોકો ભક્તિભાવથી તાલીઓના તાલે માતાજીની આરતી ગાવાનું શરુ કરે તે સાથે જ મીનાબેન જોર જોરથી તાળીઓ પાડી કૂદકા મારવા લાગતાં. અને છુટ્ટાવાળ સાથે ચીસો પાડી ધુણવા લાગતાં તથા ભાન ભૂલી જઈને મા અંબામય બની જતાં હતાં. મીનાબેનને જ્યારે માતાજી આવતાં ત્યારે સળગતી દીવી લઈને તેઓ બરાબરનાં ધુણતાં, એટલું જ નહીં પણ ક્યારેક અંગારા ઉપર પણ ચાલવા માંડતાં.
મીનાબેનને માતાજીનો અદ્ભૂત સાક્ષાત્કાર થાય છે તે જોઈને સોસાયટીના રહીશો ટોળે વળી જતાં અને મીનાબેનની ભક્તિભાવ સાથે લોકો પૂજા કરી આરતી ઉતારતાં હતાં. ત્યાર પછી સહું કોઈ પોતાના મૂંઝવતા સવાલોમાં માતાજીનું સ્વરૂપ ધારણ કરેલા મીનાબેનનું માર્ગદર્શન માંગતાં.
પુત્ર અવતરશે કે પુત્રી ?
છોકરીનું સગપણ ક્યારે થશે ?
ધંધામાં કેવીક સફળતા મળશે ?
વગેરે પ્રશ્નો પૂછી સાક્ષાત અંબામાતાના સ્વરૂપ મીનાબેન પાસેથી ઉકેલ મેળવતાં. અને તેમના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આશીર્વાદ મેળવતાં. લગભગ આઠ વર્ષથી આ સિલસિલો ચાલતો હતો. સમગ્ર વિસ્તારમાં મીનાબેન પૂજાતા અને માન સન્માન મેળવતાં હતાં.
પરંતુ આ વખતે નવરાત્રિના મહિના પહેલાં મીનાબેન દિવસ દરમ્યાન પણ એકાએક ધુણવા લાગ્યા હતાં. ઘરમાં નાના મોટા વિવાદો દરમ્યાન ચીસાચીસ કરવા લાગતા અને ભાન ભૂલી જઈ ધુણતાં ધુણતાં અસંગત લવારો કરવા માંડતા.
એક દિવસ એક સામાન્ય વાતમાં બોલાચાલી થતાં મીનાબેન ઘરની બહાર નીકળી ગયાં હતાં. પોતે ઘરમાંથી ક્યારે નીકળ્યા અને કેમ નીકળ્યાં તેની મીનાબેનને કોઈ સુધબુધ નહોતી. અને તેમનો દોઢ દિવસે પત્તો લાગ્યો હતો.
પત્ની મીના મા-અંબાના પ્રકોપનો ભોગ બની ગઈ હશે એમ સમજી સમીરભાઈએ વિવિધ બાધા માનતા રાખી. મીનાબેનને અસંગત વર્તનના હુમલાઓ વધી જતાં આ નવરાત્રીમાં માતાજીની સ્થાપના કરવાનો વિચાર પડતો મૂકી તેમની મનોચિકિત્સા કરાવવા તેમના પતિ તૈયાર થયા હતા.
મીનાબેનના મૂળભૂત વ્યક્તિત્વનો, તેમને માતાજી ન આવ્યાં હોય ત્યારના તેમના વર્તનનો, તેઓ ઉશ્કેરાટમાં આવી ઘરમાં ઘાંટા પાડવા માંડતા ત્યારની તેમની મનોસ્થિતિનો, તેમનો માતાજી આવતાં ત્યારની પરિસ્થિતિનો, ઘરમાંથી દોઢ દિવસ માટે ચાલી ગયાં તે વર્તન પાછળના કારણોનો તથા તેમના સુષુપ્ત મનમાં ઘેરાયેલા વિચારોના વિશ્લેષણાત્મક અભ્યાસ પછી મીનાબેનને આવતાં માતાજી ડીસોસીએટીવ ડીસઓર્ડર અર્થાત વર્તમાન દર્દનાક સંજોગોથી અલિપ્ત થઈ હંગામી ધોરણે નવું સ્વરૂપ ધારણ કરવાની બિમારીનું પરિણામ જણાયું.
આઠ વર્ષ પહેલાં મીનાબેનને નવરાત્રીમાં સૌપ્રથમ માતાજી આવ્યાં અર્થાત ડીસોસીએટીવ ડીસઓર્ડરનો હુમલો આવ્યો ત્યારે આ હુમલાના એક મહિના પહેલાં તેમના પિતાનું મૃત્યું થયું હતું. તેથી તેઓ ઘેરા શોકમાં ડૂબેલાં હતાં. શોકગ્રસ્ત મીનાબેન નવરાત્રિના દિવસોમાં ગરબે ઘૂમવા આવ્યાં ત્યાં માતાજીની આરતી વખતે તાળીઓ પાડીને કૂદવા માંડયા હતાં અને વાળ છૂટ્ટા કરીને....
ગબ્બરના ગોખેથી આવી છું...
તમે લોકો મારાં વહાલાં સંતાનો છો... મારી ખૂબ ભક્તિ કરો છો એટલે તમારું કલ્યાણ કરવા આવી છું...
એવું બોલવા લાગ્યાં હતાં. મીનાબેનને માતાજી આવ્યાં છે એવું સમજી લોકો તેમને પ્રણામ કરવા લાગ્યાં હતાં. મીનાબેનહાથમાં સળગતી દીવી અને અંગારા પકડીને પણ ધૂણતાં જેથી લોકોને માતાજીની અદ્ભૂત શક્તિના સાક્ષાત્કારનીખાત્રી થતી તેથી તેમનો ભક્તિભાવ વધતો જતો હતો. ભક્તજનો તેમના માતાજી પાસેથી આવા ચમત્કારી વર્તનની અપેક્ષા રાખતા હતાં એટલે મીનાબેનનું સુષુપ્તમન લોકોની અપેક્ષા પૂરી થાય તેવું વર્તન તેમની પાસે કરાવતું હતું.
ડીસોસીએટીવ ડીસઓર્ડર ઉપર સમાજ અને સંસ્કૃતિનો પ્રભાવ વિશેષ હોય છે. સામાજિક રીતરિવાજો, માન્યતાઓ, માતાજીના સ્વરૂપ અંગે ફેલાયેલા ખ્યાલો, જેનામાં માતાજી પ્રવેશે તેને મળતો આદર સત્કાર અને ભક્તિભાવ વગેરે પરિબળોને કારણે ડીસોસીએટીવ સ્વરૂપના હુમલાઓ અવારનવાર થવા લાગે છે.
આપણી સંસ્કૃતિમાં કોઈ પવિત્ર સ્ત્રીમાં આ રીતે માતાજી પ્રવેશ કરી શકે છે એવી દ્રઢ માન્યતા છે, તેથી મીનાબેનની ડીસોસીએટીવ મનોસ્થિતિનું અર્થઘટન તેમને માતાજી આવ્યાં છે તેમ કરાતું હતું. દક્ષિણ આફિકાની કેટલીક આદિજાતિમાં આવા વર્તનને એટલે કે ડાકણે કર્યો છે તેવું માની તેને ઢોર માર મારવામાં આવે છે.
આટલી ચર્ચા પછી એવો પ્રશ્ન થાય કે મીનાબેન જેવી સ્ત્રીઓ માત્ર માન-સન્માન મેળવવા જાણી જોઈને આવું વર્તન કરે છે ?... ઢોંગ કરે છે ?... તેઓ સળગતી દીવી કે અંગારા કઈ રીતે પકડી શકે છે ?... લોકોની સમસ્યાઓના ઉકેલ કઈ રીતે આપે છે?
મીનાબેનની જેમ માતાજી આવ્યાનું કરાતું વર્તન વ્યક્તિના જાગ્રત સભાન મનની જાણ બહાર તેમના સુષુપ્ત મનની દોરવણીથી કરાય છે. તે જાણી જોઈને કરાતું ઢોંગી વર્તન નથી. પરંતુ સંજોગોના તનાવથી બચવાની બચાવપ્રયુક્તિ રૂપે કરાતું વર્તન છે.
ડિસોસીએટીવ અવસ્થામાં વ્યક્તિ સળગતી દીવી કે અંગારા ઉપાડવાની હિંમત દાખવી શકે છે. એટલું જ નહીં પણ ક્યારેક ઘરની બહાર નીકળી જાય તો પોતાનું નામ ઠામ ભૂલી જાય કે કોઈની ઉપર હુમલો કરી બેસે તેવું પણ બને છે. તેઓ પૂછેલા પ્રશ્નોના જવાબ પણ આ મનોસ્થિતિમાં આપે છે. આવા લોકોને ભવિષ્યદાન માટેના પ્રશ્નો પૂછવા એ અંધશ્રધ્ધાનો વિષય છે.
મીનાબેનહિસ્ટ્રીઓનીક વ્યક્તિત્વ ધરાવે છે. આ પ્રકારના લોકો વધારે પડતાં વાચાળ હોય છે. અને કોઈપણ અજાણ્યા સ્ત્રી-પુરુષની સાથે સહેલાઈથી આત્મીયજનની જેમ વાત કરતા થઈ જાય છે. આવા વ્યક્તિત્વવાળા લોકો હંમેશાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા મથતા હોય છે. લોકોનું ધ્યાન ખેંચવા તથા પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરવા જુદા જુદા નુસખાઓ અજમાવતા હોય છે.
આ વ્યક્તિત્વ સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્ત્રીઓને અત્યંત આધુનિક શણગારો કરવમાનો, પોષાકો પહેરવાનો અને ઉંમરના પ્રમાણમાં ક્યારેક વધારે પડતી આકર્ષક હેરસ્ટાઈલ કરવાનો તથા મેઈક-અપ કરવાનો શોખ હોય છે. હિસ્ટ્રીઓનીક પ્રકારનું વ્યક્તિત્વ ધરાવનાર ડીસોસીએટીવ ડિસઓર્ડરના શિકાર બહુ સહેલાઈથી થઈ જાય છે.
પોતાના પિતૃગૃહે લાડકોડથી ઉછરેલાં અને હંમેશાં બધાંની પ્રશંસા અને શાબાશી મેળવતાં મીનાબેન લગ્ન પછી પતિગૃહે બહુ જ બેચેન રહેતાં હતાં. સંયુક્ત કુટુંબ, ઘરકામના ઢસરડા, સાસુ-જેઠાણીનાં મહેણાં ટોણા અને સાવ અતડા તથા ઠંડા પતિને કારણે મીનાબેન જીવનમાં સતત કંઈક ખૂટતું હોય તેમ અસંતોષથી જીવતાં હતાં. આ કારણે સતત તનાવમાં રહેતાં તેઓ ક્યારેક આવેશમાં આવી જઈ વધારે પડતાં ઘાંટા પાડવા માંડતાં, ગુસ્સે થઈ જતાં અને ક્યારેક ઘરની બહાર નીકળી જતાં.
આઠ વર્ષ પહેલાં પિતાના મૃત્યુ પછી તેઓ સાવ ભાંગી પડયાં હતાં. દર્દનાક બાહ્ય સંજોગોનો તનાવ સહન ન થતાં તેઓ પોતાનું સમગ્ર અસ્તિત્વ ભૂલવા માંગતા હતાં. નવરાત્રિના સમયમાં માતાજીમય બની ગયેલાં મીનાબેન તાળીઓ પાડી ધૂણીનેડીસોસીએટીવ મનોસ્થિતિમાં પોતાના મનનો ભાર હળવો કરતાં હતાં એ વર્તનને બધાંએ માતાજીનું સ્વરૂપ સમજી તેમને માન સન્માન આપ્યું. સાસુ- સસરા પણ તેમને મહત્વ આપવા લાગ્યાં. એટલું જ નહીં તેમને વંદનીય અને પૂજનીય માનવા લાગ્યાં. મીનાબેનના હિસ્ટ્રીઓનીક વ્યક્તિત્વને લોકોનો આવો અહોભાવ પસંદ પડયો એટલે તેમના અભાન મનની દોરવણીથી તેઓને દર નવરાત્રિમાં માતા આવવાં લાગ્યાં.
નવરાત્રિની આધુનિક ઢબે ઉજવણી કરવાની તૈયારી જોરશોરથી થઈ રહી છે ત્યારે માતાજી આવવા પાછળના મનોવિજ્ઞાનને આપણે સમજીએ. માતાજી આવવાં, જીન આવવો કે શરીરમાં કોઈ દૈવી કે પ્રેતશક્તિ પ્રવેશવી એ આપણી રૂઢિગત માન્યતા છે. આ પ્રકારના બનાવોને આપણા સમાજ અને સંસ્કૃતિની માન્યતા મળેલી છે એટલે માતાજી આવે છે. આ લોકો મનોરોગીઓ હોય છે. આવા રોગીઓની સારવાર સાથે સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા દૂર કરવી જરૂરી હોય છે. કારણ રોગીષ્ઠ મનોદશામાં કરાતું વર્તન લોકો માતાજીની કૃપાથી કરાતું વર્તન માનતા હોય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IdK1ACE
ConversionConversion EmoticonEmoticon