બીટરૂટ: પોષક તત્વોથી સમૃદ્ધ અસાધારણ સુપરફૂડ


તેના ઘેરા લાલ રંગને લોકો પસંદ પણ કરે છે અને તિરસ્કાર પણ કરે છે. પસંદ એટલા માટે કરે છે કારણ કે તે ડિશમાં રહેલી કોઈપણ વાનગીની શોભા વધારી નાખે છે, અને તિરસ્કાર એટલા માટે કરે છે કે કારણ કે તેને આરોગતી વખતે તેમાંથી નીકળતા રસના ડાઘા કપડામાંથી સરળતાથી નથી જતા.

એક બહુગુણી મૂળ શાક, બીટરૂટ લોહતત્વથી સમૃદ્ધ હોવા માટે જાણીતું છે, પણ હવે તેમાં રહેલા પોષક તત્વો વિશે વધુ માહિતી મળતા તેને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. હૃદયના સ્વાસ્થ્યને વધારવાથી લઈને ડિટોક્સિફિકેશનમાં સહાય કરવા જેવા બીટના ગુણો અમાપ છે.

બીટરૂટના લાભ જાણવા તેમાં રહેલા મુખ્ય પોષકતત્વો વિશે જાણકારી મેળવીએ-

નાઈટ્રેટ્સ

નિયમિત બીટરૂટનું સેવન કરવાથી મળમાં ગુલાબી ઝાંય દેખાય તો ભય રાખવાની જરૂર નથી, બીટ હાઈ બ્લડ પ્રેશરમાં લાભકારી છે, બ્લડ લિપિડ પ્રોફાઈલમાં સુધારો કરે છે અને હૃદયની વિકૃતીના જોખમમાં ઘટાડો કરે છે.

વધુમાં બીટરૂટમાં રહેલા નાઈટ્રેટ્સનું શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડમાં રૂપાંતર થાય છે, જે રક્તવાહિનીઓને આરામ આપે છે અને તેને પહોળી કરે છે, જેના પરિણામે લોહીનો પ્રવાહ સરળ બને છે અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. 

નાઈટ્રેટ્સથી મગજને મળતા લોહીના પૂરવઠામાં પણ સુધારો થતો જોવા મળે છે, જેના કારણે મગજની કામગીરીમાં સુધારો થાય છે, સ્મરણશક્તિ સુધરે છે અને મૂડ પણ સારો રહે છે. આ જ કારણે બીટરૂટમાં ડીમેન્શિયા અને વય સંબંધિત મગજની સમસ્યા માટે કુદરતી દવા બનવાની સંભાવના છે.

આઈસોફ્લેવોન્સ

નવા અભ્યાસમાંથી જાણકારી મળી છે કે દૈનિક ધોરણે બીટ (આખું અથવા રસ)ના સેવનથી મેનોપોઝ દરમ્યાન એસ્ટ્રોજેનના ઓછા સ્તરને કારણે પ્રભાવિત થયેલી રક્ત વાહિનીની કામગીરીમાં સુધારો થાય છે. બીટનો રસ રક્ત વાહિનીને પહોળી કરવામાં તેમજ તેને સ્વસ્થ થવામાં સહાય કરીને મેનોપોઝ પછી એસ્ટ્રોજેનના ઓછા સ્તર ધરાવતી મહિલાઓને સુરક્ષા પૂરી પાડે છે. અભ્યાસમાં વિલંબથી મેનોપોઝ આવ્યો હોય તેવી મહિલાઓને પણ બીટનો રસ લાભકારી નિવડયો હોવાની જાણકારી મળી છે.

બીટરૂટમાં રહેલા ફાઈટોએસ્ટ્રોજેન્સ (આઈસોફ્લેવોન્સ) છોડના સંયોજનો છે જે શરીરમાં એસ્ટ્રોજેન જેવી અસરો ઉપજાવે છે. મેનોપોઝ પછી ઘણી વાર એસ્ટ્રોજેનના સ્તર ઘટી જતા હોય છે, આથી ફાઈટોએસ્ટ્રોજેનમાં સમૃદ્ધ હોય તેવા ખોરાકનું સેવન કરવાથી એસ્ટ્રોજેનની ખામી સાથે સંકળાયેલા લક્ષણો દૂર થઈ શકે છે.

વિટામીન અને ખનિજો

બીટરૂટ ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેન્ગેનીસ સહિત જરૂરી વિટામીન અને ખનિજોનો ઉત્કૃષ્ટ સ્રોત છે. બી જૂથનું વિટામીન ફોલેટ કોષોની વૃદ્ધિ અને વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવે છે, જ્યારે પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયમિત કરવામાં તેમજ હૃદયની કામગીરી સ્વસ્થ રાખવામાં સહાય કરે છે. આધુનિક ડાયટમાં સામાન્યપણે જેની ઉણપ હોય છે તેવું મેગ્નેશિયમ સ્નાયુ અને નસોની કામગીરી તેમજ હાડકાના સ્વાસ્થ્ય માટે મહત્વનું છે.

બીટરૂટમાં રહેલું વિટામીન સી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલના અસંતુલનને પણ નિયમિત કરી શકે છે. બીટનું નિયમિત સેવન  વિટામીન સીની દૈનિક જરૂરીયાતને  કેટલાક અંશે પૂરી કરવાનો સલામત અને કુદરતી ઉપાય છે.

એન્ટીઓક્સિડન્ટ્સ

આપણે ઘણીવાર એવી સલાહ સાંભળીએ છીએ કે વિવિધ રંગના ફળ અને શાકભાજીનું તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો માટે સેવન કરવું જોઈએ. આ બાબતમાં બીટરૂટ આગેવાની લઈ શકે છે. તેના ઘેરા લાલ રંગ માટે જવાબદાર વિશિષ્ટ પિગમેન્ટ્સ બેટાલેઈન્સમાં શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ અને બળતરા-સોજા વિરોધી ગુણો છે. આ સંયોજનો કોષોને મુક્ત રેડિકલોથી થતા નુકસાનથી બચાવે છે. આવા ફ્રી રેડિકલો કેન્સર, ડાયાબીટીસ અને હૃદયના રોગો જેવી વિકૃતિ સર્જે છે.

બીટરૂટમાં રહેલા સોજા વિરોધી ગુણો ખાસ કરીને આર્થરાઈટીસ, ફાઈબ્રોમાયાલગિયા જેવી સ્થિતિમાં લાભકારી છે, ખાસ કરીને જ્યારે હઠીલા સોજા મોટી ચિંતાનું કારણ બન્યા હોય ત્યારે બીટરૂટ સહાયકારક છે.

તકેદારી

બીટરૂટમાં કુદરતી સાકર હોવાથી ડાયાબીટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેવી વ્યક્તિઓએ તેના સેવનમાં તકેદારી રાખવી અને ડોક્ટરની સલાહ લેવી. ઉપરાંત કિડનીની પથરીની સમસ્યા હોય ત્યારે પણ સાવેચતી રાખવી કારણ કે બીટમાં રહેલું ઓક્સેલેટ કેલ્શિયમને બાંધીને તેનુ શોષણ અટકાવે છે. જો કે બીટનું અથાણા તરીકે સેવન કરવાથી તેના ૭૦ ટકા ઓક્સેલેટ નાશ પામે છે.

બીટરૂટ સામાન્યપણે સ્વાદિષ્ટ ન હોવાથી લોકો તેનું સેવન ટાળતા હોય છે. પણ કેટલીક એવી સ્વાદિષ્ટ વાનગીઓ છે જેમાં બીટનો ઉપયોગ સહેલાઈથી કરી શકાય છે. બટેકાની ચિપ્સની જેમ બીટની ચિપ્સ પણ બનાવી શકાય ઉપરાંત બીટનું રાયતું પણ પ્રચલિત છે. સલાડમાં પણ બીટનો ઉપયોગ છૂટથી કરી શકાય છે તેમજ બીટના રસનું પણ સેવન કરવાથી લાભ મળે છે.

- ઉમેશ ઠક્કર 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qH4JMDo
Previous
Next Post »