પૂર્વજન્મનું વર્ણન કે પ્રિ-સાઇકૉટીક ફેઇઝ? .


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- ક્યારેક આ ફેઇઝ મહિનાઓ સુધી ચાલે છે આના કારણે વ્યક્તિનો અભ્યાસ, લોકો સાથેના સંબંધો કથળે છે, તે વધારે ને વધારે એકલો-અતડો થતો જાય છે.

હું ગોપી છું... કાનો એટલે કે સંજુ મારો ગયા જનમનો પતિ છે. અમારું અકસ્માતમાં મોત થયું હતું...અમારાં બાળકો હાલ બરોડામાં છે... હું મારા ભવોભવના સાથી જોડે રહેવા માગું છું.

દિશાને છેલ્લા છ-આઠ મહિનાથી બધું વિચિત્ર લાગતું હતું. તેને ક્યારેય એવું પણ લાગતું કે તેનો પતિ કેતવ કદાચ કોઇક બીજી જ વ્યક્તિ છે. તેને એ સમજાતું ન હતું કે કેતવ કોઈકનું મહોરું પહેરીને ઘરમાં આવે છે કે પછી કેતવનું મહોરું પહેરીને અન્ય કોઈ પુરૂષ તેના ઘરમાં ઘૂસી જાય છે ?... તે પતિને ધારી ધારીને જોયા કરતી... છતાં પણ તે કંઈ સમજી શકતી ન હતી...તેનો ગૂંચવાડો વધતો જતો હતો.

એકવાર તેણે પતિ કેતવને જ પૂછી નાખ્યું, 'તમે કેમ આટલા બદલાઈ ગયા છો ?... તમારે બીજાનો નકાબ ધારણ કરીને મારી પાસે કેમ આવવું પડે છે ? શું તમે કેતવ છો કે પછી તેના ઇમ્પોસ્ટર ?'

દિશાનો સવાલ સાંભળીને કેતવ ખડખડાટ હસી પડયો હતો અને પછી સહજતાથી દિશાને પૂછ્યું હતું, 'આર યુ ઓલરાઇટ....કે પછી સમથિંગ ઇઝ રોંગ વીથ યુ ?'

'આઇ એમ સિરિયસ કેતુ...ચોક્કસ કંઈક મોટા પાયે રમત રમાઈ રહી છે, કારણ તું મારો કેતુ નથી રહ્યો...'

કેતવ તરફથી સંતોષકારક પ્રતિભાવ ન મળતાં સતત ગૂંચવાડો અનુભવતી દિશાએ સંજૂને ફોન કર્યો. સંજુ અને કેતવ જીગરજાન દોસ્ત હતા. બંને એક જ સોસાયટીમાં રહેતા, સ્કૂલ-કૉલેજમાં પણ સાથે ભણ્યા હતા. છેલ્લા છ મહિનાથી સંજુ બોમ્બેની કંપનીમાં જોડાયો હોવાથી ત્યાં રહેતો હતો. દિશાની વાત સાંભળી સંજુ પણ આશ્ચર્યમાં ડૂબી ગયો. પરંતુ કેતવની જેમ હસી કાઢવાનું ટાળ્યું અને સહાનુભૂતિપૂર્વક ગંભીરતાથી વાત સાંભળી દિશાને શાંત્વનના બે શબ્દો કહ્યા. આથી તેની ચિંતા થોડી ઓછી થઈ.

પરંતુ ત્યાર પછી દિશા રોજ સંજુને ફોન કરવા લાગી. સંજુને લાગ્યું કે આમ કરવાથી દિશાનો મૂડ સારો રહે છે અને તેની ચિંતા પણ ઓછી થાય છે, તો એમાં કંઈ ખોટું કે વાંધાજનક નથી. વાતવાતમાં દિશાએ સંજુને એમ પણ કહી દીધું કે 'સંજુ આઇ મીસ યુ...એકચ્યુઅલી તું મને ખૂબ જ ગમે છે...'

સંજુને દિશાની આ વાત અજુગતી લાગી. તેને થયું કે પોતે કેતવને આ બધી હકીકત કહી દેવી જોઈએ. પરંતુ વધારે વિચારતાં એવું લાગ્યું કે રજાઓ લઈ અમદાવાદ જશે ત્યારે દિશા સાથે ચર્ચા કરીને એ બંને વચ્ચે પ્રૉબ્લેમ શું છે એ જાણ્યા પછી જ કેતવ સાથે ચર્ચા કરવી હિતાવહ રહેશે અને બંને વચ્ચે એટલી ગાઢ મિત્રતા અને સમજણ છે કે ગેરસમજનો કોઈ અવકાશ જ નથી.

દિશાનો ગૂંચવાડો દિવસે ને દિવસે વધતો જતો હતો. તેને કેતવની હિલચાલ વધારે ને વધારે શંકાસ્પદ લાગતી જતી હતી. વાતવાતમાં તે ગુસ્સે થઈ જતી, કામમાં તેનું ધ્યાન ન ચોંટતું, તે લોકો સાથે હળવા મળવાનું ટાળતી. તે એવું દ્રઢપણે માનવા લાગી કે કેતવ તેનો સાચો પતિ નથી. ચિત્ર-વિચિત્ર વિચારોથી પરેશાન દિશા સંજુને રોજ ફોન કરી તનાવ હળવો કરતી. એક દિવસ તેણે સંજુને ફોન પર કહી દીધું....'સંજુ આઈ...લવ યુ...યુ આર માય લાઈફ...મને આ યાતનામાંથી છોડાવ....તું આવ....મારી પાસે આવ.'

સંજુને હવે વાત વધારે ગંભીર લાગી. તે અઠવાડિયાની રજા લઈ બૉમ્બેથી અમદાવાદ આવ્યો અને સીધો દિશા પાસે પહોંચી ગયો. કેતવ જૉબ પર હતો અને બાળકો સ્કૂલે ગયા હતા. સંજુ અને દિશા વચ્ચે ઘણી ચર્ચા થઈ. સંજુએ દિશાને ખાતરી આપી કે તે કેતવ સાથે ચર્ચા કરશે અને બધું સરસ થઈ જશે. પરંતુ વાતવાતમાં દિશા ઉશ્કેરાઈ ગઈ. તેણે સંજુને નજીક ખેંચ્યો. આંખમાં આંખ પરોવી કહ્યું...સંજુ...આઇ લવ યુ...અને પછી બાહુપાશમાં જકડી કીસ કરી લીધી. સંજુ પણ જાતીય આવેગથી આગળ વધ્યો અને દિશાને વળતો પ્રતિભાવ આપતાં બોલ્યો, 'દિશુ...આઇ...લવ...યુ...ટુ...'

ત્રણ દિવસ આ રીતે સંજુ અને દિશાની મુલાકાત થતી રહી. સંજુએ કેતવ સાથે પણ ચર્ચા શરૂ કરી. પરંતુ બંને વચ્ચે કોઈ પ્રૉબ્લેમ હોય તેવું તેને લાગ્યું નહીં. તેને એ પણ સમજાયું નહીં કે દિશાના મનમાં શાનો ગૂંચવાડો છે ? દિશાની ગૂંચ ઉકેલતાં તેના મનમાં જ ગૂંચ ઊભી થઈ કે તે જે કરે છે તે સાચું છે ? શું દિશા એબનોર્મલ છે...? તેણે મનમાં નક્કી કર્યું કે કેતવને વહેલી તકે દિશાના ફોનકોલથી માંડીને કિસ-આલિંગન સુધીની બધી વાત કરી દેવી....

સંજુ વાત કરે એ પહેલાં જ દિશાએ રાત્રે કેતવને કહ્યું, 'મારી પાસે આવો મારે તમને એક વાત કહેવી છે....આ સંજુ આવ્યો ત્યારનો બદલાયો લાગે છે. એ મને કોઈ વિચિત્ર નજરે જુએ છે. ગઈકાલે એ આવ્યો એણે તારું મહોરું પહેર્યું હતું...'

'એય...દિશા....આઇ એમ સ્યોર કે સમથિંગ ઇઝ રોંગ વીથ યુ...હવે તારી વાત ગંભીરતાથી સાંભળવી પડશે....' કેતવ બોલ્યો દિશાએ કહ્યું, 'સંજુ તારું મહોરું પહેરીને ઘરમાં આવ્યો...તેને જોઈને હું હરખાઈ ઊઠી. એણે કહ્યું આઇ લવ યુ દિશુ....પછી એ મને અંદર ખેંચી ગયો. બાહુપાશમાં જકડીને મને દીર્ઘ ચુંબન કર્યું...બસ હું સંપૂર્ણપણે ખોવાઈ ગઈ. જ્યારે હું ભાનમાં આવી ત્યારે મને ખબર પડી કે એ તું નહીં સંજુ હતો...કે પછી ત્રીજી જ કોઈ વ્યક્તિ હતી. જેની સાથે મારો જનમો-જનમથી નાતો છે...કેતુ...મને સમજાતું નથી કે આ બધું શું ?...કદાચ સંજુએ તારું મહોરું પહેરીને મારી સાથે આવું ઘણીવાર કર્યું છે ?'

'દિશુ...આર યુ સિરિયસ...ઓર યુ હેવ ગોન મેડ ? છેલ્લા કેટલાંક મહિનાઓથી મને તારું વર્તન અકળ લાગે છે. હું હમણાં જ સંજુને બોલાવી આ વાતની ખાતરી કરું છું.' કેતવ બોલ્યો.

સંજુને તાબડતોબ બોલાવાયો. બંને મિત્રો વચ્ચે વિગતે વાત થઈ. સંજુએ એ પણ કબૂલ્યું કે દિશાએ તેને ખૂબ ઉત્તેજિત કર્યો હતો, એટલે તેનાથી રહી ન શકાયું. પરંતુ ચાર-પાંચ વાર આવું કર્યું તે તેની ભૂલ હતી.

 તેને કેતવની માફી માંગી દિશાની મનોચિકિત્સા કરાવવાનું સૂચન કર્યું. પરંતુ કેતવે કહ્યું, 'એ મારી પત્ની છે. તું એની ચિંતા ન કર...તેં તો વર્ષોની દોસ્તીની પીઠ પાછળ ખંજર ભોંક્યું છે...ગેટ લોસ્ટ...હવે તારો ચહેરો મને બતાવીશ નહીં...મારો ખરો મિત્ર સંજુ મરી પરવાર્યો છે...'

સંજુ ગયો...સોસાયટી છોડી બૉમ્બે ચાલ્યો ગયો. કેતવે સંજુની પત્નીને પણ બૉમ્બે ફોન કરી બધી જાણ કરી દીધી. આ ઘટનાને બે મહિના થઈ ગયા.

એક રાત્રે અચાનક દિશા બોલવા લાગી....'હું ગોપી છું...કાનો...એટલે કે સંજુ મારો ગયા જન્મનો પતિ છે. અકસ્માતમાં અમારું મૃત્યુ થયું હતું...અમારા સંતાનો પણ હાલમાં બરોડામાં છે...હું હવે બાજુના બંગલામાં સંજુ સાથે રહેવા જાઉં છું...એ મારો સાચો પતિ છે એટલે જ આ બધું બન્યું....મને અંબા માએ આદેશ આપ્યો છે...એ મારો ભવભવનો પતિ છે. છેલ્લા કેટલાક મહિનાથી કેતવ એનું જ મહોરું પહેરી મારી પાસે આવે છે...પણ હવે આ વ્યભિચાર ચાલશે નહીં...હું મારા જનમોજનમના પતિ સાથે રહેવા ચાલી જાઉં છું....'

બોલતાં બોલતાં દિશા આક્રમક બની તેને અટકાવનાર લોકોને ધક્કો મારી મારવા લાગી. ગુસ્સે થઈને ઘાંટા પાડવા માંડી....હાથમાં જે આવે તે છુટ્ટુ ફેંકવા લાગી.

દિશાને સાઇકૉસીસનો આ પહેલો હુમલો આવ્યો હતો. ઘરનાં લોકો એવું માનકા હતા કે દિશા એકાએક મગજ પરનો કાબૂ ગુમાવી બેઠી, પરંતુ હકીકતમાં છેલ્લા કેટલાય મહિનાઓથી તેના 'પ્રિ-સાઇકૉટીક ફેઇઝ'ની શરૂઆત થઈ ગઈ હતી. કેતવ કોઈનું મહોરું પહેરીને ઘરમાં આવે છે, તેવું તેને આઠ મહિના પહેલાં લાગ્યું હતું. તેને આસપાસના લોકો અને વાતાવરણ બદલાતાં હોય તેવું લાગતું હતું. તે વધારે ને વધારે શંકાશીલ થતી જતી હતી, વાત-વાતમાં ગુસ્સે થઈ જતી. લોકો સાથે હળવા મળવાનું ટાળતી હતી, અને કેતવ તેનો સાચો પતિ નથી તેવા ચિત્ર-વિચિત્ર વિચારોથી પરેશાન થઈ તે સંજુને ફોન કર્યા કરતી. સંજુને આઇ મીસ યુ...આઇ લવ યુ કહેવું અને બાહુપાશમાં જકડી કીસ કરવી પછી કેતવને કંઈ જુંદું જ કહેવું. આ તમામ વર્તન પ્રી સાઇકૉટીક ફેઇઝની ગૂંચવડાભરી માનસિક પરિસ્થિતિને કારણે હતું.

પ્રિ સાઇકૉટીક ફેઇઝમાં શંકાશીલતા, ચિંતા, હતાશા, ગુસ્સો, તનાવ, ધડમાથા વગરના ચિત્ર-વિચિત્ર વિચારો, એકાગ્રતાનો અભાવ, ભૂલકાપણું, પોતાના વિશે સ્નેહીજનો વિશે અને આસપાસના વાતાવરણને સમજાવામાં ગૂંચવાડાનો અનુભવ, બધું વિચિત્ર અને બદલાતું જતું લાગવું, ઊંઘ અને ભૂખમાં ફેરફાર, થાક, અશક્તિ અને શારીરિક તકલીફો જેવાં લક્ષણો જોવા મળે છે. જોકે આસપાસના લોકો આ સમજી શકતાં નથી. તેમને એટલું જ લાગે છે કે વ્યક્તિનો સ્વભાવ મૂડી થતો જાય છે અને તે ક્યારેક વિચિત્ર કે અકળ વર્તન કરે છે.

ક્યારેક આ ફેઇઝ મહિનાઓ સુધી ચાલે છે આના કારણે વ્યક્તિનો અભ્યાસ, લોકો સાથેના સંબંધો કથળે છે, તે વધારે ને વધારે એકલો-અતડો થતો જાય છે. દિશા એક દિવસ બોલવા લાગી કે, 'સંજુ મારો ગયા જનમનો પતિ છે.' એ સાથે આક્રમક અને હિંસક વર્તન એ સાઇકોસીસનો બહાર દેખાતો પ્રથમ તીવ્ર હુમલો હતો. આ હુમલાની સારવાર કરી સાઇકૉસીસનો પ્રકાર નક્કી કરી ફરીથી તેના હુમલા ન આવે તેટલો સમય દવા ચાલુ રાખવા સલાહ આપી શકાય. જો પ્રિ-સાઇકૉટીક ફેઇઝમાં જ વર્તનના ફેરફારની સારવાર અપાય તો સાઇકૉસીસના તીવ્ર હુમલા અને તેની સાથે સંકળાયેલી હોનારતને અટકાવી શકાય. કેટલાક લોકોની શૈક્ષણિક કારકિર્દી, નોકરી-વ્યવસાયની તકો, વ્યક્તિગત સંબંધો કથળતા અટકાવી શકાય. ક્યારેક પૂર્વજન્મની આવી વાતોને સાચી માની લઈ તેના સાચા-ખોટાની પરખાઈ માટે ભગત-ભૂવાઓ નોંતરાય છે. પણ હકીકતમાં આ માનસિક બીમારીનો એક તબક્કો છે.

ન્યુરોગ્રાફ:

સાઇકૉટીક બીમારીમાં બંધનમુક્ત હાયપર સેક્સ્યુઅલ બિહેવિયર શક્ય છે. આમાં પૂર્વજન્મને વચ્ચે લાવવાની જરૂર નથી. આ એક બીમાર મનોદશા છે. એ લોકોને ખબર નથી કે એમનાથી શું થઈ રહ્યું છે. એટલે તેઓ માફ કરવાને પાત્ર છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/REFbfO7
Previous
Next Post »