- કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ કહેવાય છે. આવું ગરૂડપુરાણનું વિધાન છે.
- ભગવાન શ્રીરામે પણ પોતાના પિતૃઓની તૃપ્તિ માટે પુષ્કર તીર્થમાં શ્રાદ્ધ કર્યું હતું.
ભાદરવા મહિનાનો કૃષ્ણપક્ષ શ્રાદ્ધપક્ષ અથવા મહાલયપક્ષ કહેવાય છે. આ દિવસો એટલે પૂર્વજો અને ઋષિમુનિઓના સ્મરણ-તર્પણના દિવસો. 'શ્રાદ્ધ એટલે श्रद्धया यत् क्रियत्ते तत् । શ્રદ્ધાથી જે અંજલિ આપવામાં આવે છે. તેને શ્રાદ્ધ કહેવાય છે.'
શ્રાદ્ધ એટલે ઋણમુક્તિ:- શ્રાદ્ધના દિવસો એટલે કૃતજ્ઞાતા પૂર્વક પિતૃઓનું સ્મરણ કરવાના દિવસો. માનવજીવન એ વિવિધ ઋણ મુક્તિ માટે છે. આપણા ઉપર ત્રણ ઋણો હંમેશા રહેલા છે (૧) પિતૃઓનું ઋણ (૨) દેવોનું ઋણ અને (૩) ઋષિઓનું ઋણ આ દિવસો તેનું ઋણ ચૂકવવાના દિવસો છે.
દેવનું પૂજન તેમજ સ્મરણ, તથા પિતૃઓનું પૂજન સ્મરણ તેમજ જેમણે આપણને જન્મ આપ્યો પાળી પોષીને સંસ્કાર-વિદ્યા વગેરે આપીને જીવનનું ઘડતર કર્યું તે પિતૃઓનું સ્મરણ પૂજન અને તર્પણ કરવાના દિવસો એ જ શ્રાદ્ધના દિવસો ભારતીય સંસ્કૃતિની મહાનતા, ભવ્યતા, દિવ્યતા એ ઋષિઓને આભારી છે તે ઋષિઓનું ઋણ પણ અદા કરવાના દિવસો એ શ્રાદ્ધના દિવસે.
આ ત્રિવિધ ઋણમાંથી મુક્ત થવાનો આ દિવસોમાં વિચાર તથા પ્રયત્ન કરવાનો જે શ્રદ્ધાથી થાય તે શ્રાદ્ધ, શ્રાદ્ધમાં શ્રદ્ધા શબ્દ છે. તેમાં મૂળભૂત ઘાતુ श्रत् - પૂર્વક અને घा એટલે सत्यम्- दधति इति श्रद्धा - અર્થાત્ શ્રદ્ધાથી પ્રેરિત થઈને જે અનુષ્ઠાન કરવામાં આવે તે શ્રાદ્ધ કહેવાય છે. મૃત પિતરોના ઉદેશથી પોતાનોં પ્રિય જે ભોગ્ય પદાર્થ બ્રાહ્મણને પ્રદાન કરવામાં આવે છે. તે અનુષ્ઠાનને શ્રાદ્ધ કહે છે.
''શ્રાદ્ધ''ની ખાસ શંકાઓ અને જાણકારી: ભાદરવો તે પિતની ઋતુ છે તેથી પિતનો પ્રકોપ તે ઋતુઓમાં ન થાય માટે દુધની વાનગીઓ તથા બળપ્રદ લાડુ વગેરેની વાનગીથી તર્પણ કરાય છે.
પિંડનું હાર્દ - હે પિતરો ! પિતૃલોકમાં તમને મોકલતી વખતે અગ્નિમાં તમારા બધા અંગોને બાળી ભસ્મ કરી નાખ્યા હતા. તે અંગોને ફરીથી પિડ રૂપે તમોને પહોંચાડું છું. જેને લીધે તમે બધા અંગોથી સંપન્ન થઈ સ્વર્ગ લોકમાં આનંદ કરો यर वो अनि रजहदेमङगं पितरोमाययध्यम् ।
(અથ. ૧૪-૪-૬૪)
- મર્યા પછી સ્થૂલ શરીરનો નાશ થાય છે. પરંતુ સૂક્ષ્મ શરીર આત્મા-મનની અભિલાષાઓ જેને આપણે અતૃપ્ત વાસનાઓ કહીએ છીએ. જેના કારણે તે સાત્વિક, રાજસિક, અથવા તો તામસિક હોવાના કારણે જીવ, અનુક્રમે, દેવ, પિતર, કાંતો ભૂત, પિશાચ ઈત્યાદિ સારી યા ખરાબ યોનિમાં પ્રથિષ્ટ થવાના કારણે જુદા જુદા સંસ્મરણોમાં રાચતો હોય છે તેની અભિલાષા તૃપ્ત થાય એટલા માટે વેદ શાસ્ત્રમાં શ્રાદ્ધની વિધિ તથા પિંડદાનનું વિઘાન છે.
- શ્રાદ્ધ માટે એક સવાલ થાય છે કે જીવ આ દેહના પરિત્યાગ કરી તેના કર્માનુસાર, તેને ગતિ મળતી હોય છે. તો પછી શ્રાદ્ધના ભૌતિક પદાર્થો મોકલવાથી તે પિતરોને પહોંચે કઈ રીતે ???
- સમાધાન:- પૃથ્વી ઉપર જુદા જુદા દેશનું જુદુ જુદુ ચલણ છે. છતાં બધા દેશો વચ્ચે વ્યવહાર ચાલે છે. પ્રત્યેક દેશ, દાતવ્ય રાશિ મુજબ પોતાનું ચલણ પોતાની સરકારી ટ્રેઝરીમાં જમા કરે છે. તો બીજા દેશની સરકાર તેટલા જ મૂલ્યનું તે દેશનું નાણું આપે છે. પ્રત્યેક દેશમાં એક્ષચેન્જ કાર્યાલય હોય છે. તે મારફતે આ કાર્ય થતું હોય છે. તે જ રીતે આતો પરમાત્માનું સામ્રાજ્ય છે. જુદા જુદા બ્રાહ્મણો મારફતે ન્યાય વ્યવસ્થા અનુસાર શ્રાદ્ધમાં અપાયેલા ભૌતિક પદાર્થો માતૃજીવના આવાસ સ્થાન ઉપર અને જીવનીયોનિની યોગ્યતાને અનુરૂપ બનાવી તેને તૃપ્ત કરે છે.
- જીવ શુભકર્મોના લીધે દેવતા બન્યા હોય તો શ્રાદ્ધમાં જે અન્ન અપાયું હોય તે અમૃત બની તેને તે યોનિમાં પ્રાપ્ત થાય છે.
જે જીવ ગંધર્વયોનિમાં બન્યો હોય તો તેને તે રૂપે મળે છે. જે જીવ પશુ બન્યો હોય તો તેને તે યોનિમા અપાયેલું અન્ન ઘાસ રૂપે પ્રાપ્ત થાય છે. વાયુ ભક્ષક નાગયોનિમાં જન્મ્યો હોય તો તેને વાયુ બની તેની તૃપ્તિનું કારણ બને છે. દાનવયોનિમાં માંસ રૂપે, પ્રેતયોનિમાં લોહી રૂપે અને મનુષ્ય યોનિમાં જીવને જુદા જુદા પ્રકારનાં ખાન-પાન અને ભોગ રૂપે પ્રાપ્ત થાય છે.
મતલબ, શ્રાદ્ધમાં જે અન્ન આપવામાં આવે ભૌતિક પદાર્થ આપવામાં આવે તે પદાર્થ, તે જીવ જે યોનિમાં હોય તેને અનુરૂપ ટ્રાન્સફર થઈને તે યોનિમાં પહોંચતું હોય છે.
- શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડવાનું કારણ:- અન્ન અને બ્રાહ્મણ એ બે ભગવાનનાં મોઢા ગણાય છે. બ્રાહ્મણ અને અગ્નિની ઉત્પતિ વિરાટ પુરુષથી થઈ છે. ब्राह्माणो डस्य मुखम् आसीद् (યજુર્વેદ ૩૯/૯૯) તેથી બ્રાહ્મણો એ અગ્નિ છે. તેથી શ્રાદ્ધમાં પણ જ્યારે આપેલ દ્રવ્યને અગ્નિનાં સહોદર બ્રાહ્મણના મુખમાં મૂકવામાં આવે ત્યારે તેમાંનો અગ્નિ તે સૂક્ષ્મ થઈને મહાગ્નિ સાથે ભળી જાય છે અને આકાશમાં ચંદ્રલોકમાં પિતરોને સોંપી દે છે. પિતરો તેનાથી તૃપ્ત થઈ શ્રાદ્ધ કરવાવાળાને ધાન્ય-સંતાન-સમૃદ્ધિ વગેરેની તેના પ્રભાવ પ્રમાણે વ્યવસ્થા કરે છે.
- માત્ર દિકરો જ શ્રાદ્ધ નાખી શકે તેવું નથી. જો દિકરો ન હોય તો દિકરી પણ શ્રાદ્ધ નાખી શકે છે. (જ્યોતિષી ચેતનભાઈ)
- ભગવાન શ્રીરામે પણ પોતાના પિતૃઓની તૃપ્તિ માટે પુષ્કર તીર્થમાં શ્રાદ્ધ કર્યું હતું.
- કાગડાને જ શા માટે ? - આ એક દરેકમાં મનમાં પ્રશ્ન ઉદ્દભવે છે કાગડાની વિષ્ટામાંથી ઝાડ ઉગે છે. કાગડો વૃક્ષના ટેટા ખાય છે. પિપળો સેનું વૃક્ષ પિતૃવૃક્ષ કહેવાય છે. કાગડાઓ ઓગસ્ટ મહિના કે ભાદરવાની આસપાસમાં ઈંડા મૂકે છે. તેને માટે તે સમયે ખોરાકની વ્યવસ્થા માટે દૂધની ખીર તેને અપાય છે. કાગડાના બચ્ચાને ખોરાક મળેી રહે તેટલે ઋષિઓએ ભાદરવા માસમાં કાગવાસનો ઉલ્લેખ કર્યો છે. એટલે ભાદરવામાં શ્રાદ્ધ કરી ખીર વગેરેનો કાગવાસ કરાવીએ છીએ.
- કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ કહેવાય છે. આવું ગરૂડપુરાણનું વિધાન છે. તેથી પણ તેમજ કાગડામાં ટેલીપથી (સામાનાં) વિચારોને જાણવાની અદ્દભુત શક્તિ હોય છે. તે મૃત વ્યક્તિનાં પ્રાણસૂત્ર ને ઓળખે છે. જેથી પણ શ્રાદ્ધમાં તેને કાગવાસ નાખવામાં આવે છે.
- પુરાણોમાં એવી પણ કથા છે કે 'દેવોલ્લ અને મનુષ્યો એક સાથે જ રહેતા હતા. દેવોએ યજ્ઞાયાદિ પુર્ણ્યકર્મો કર્યા તેથી તેઓ સ્વર્ગનાં અધિકારી બન્યા. શુભકાર્યો કરનાર. મનુષ્યો પણ સ્વર્ગસ્થ થવા લાગ્યા. પાછળ રહી ગયેલા મનુષ્યો માટે 'યજ્ઞા' અને 'શ્રાદ્ધ' પ્રથા શરૂ થઈ. જેથી શ્રાદ્ધ પક્ષનું બ્રાહ્મણોના મુખમાં મિષ્ટ ભોજન - તે યજ્ઞાનાં 'હવિ' રૂપ જ છે. તથા કાગવાસ પણ પિતૃઓના તર્પણ માટે તેને યાદ કરી તેનું સ્મરણ-વંદન કરી કરવામાં વૈદિક વિધાન છે.
- શ્રાદ્ધની સમગ્ર પ્રક્રિયા (૧) હવન - દેવો માટે (૨) પિંડદાન (૩) તર્પણ (૪) બ્રાહ્મણ ભોજન આવા ચારમાં વહેંચાયેલી છે.
- શ્રાદ્ધની ક્રિયા દક્ષિણામુખ બેસીને કરવામાં આવે છે. તેનું કારણ પિતૃલોક દક્ષિણ દિશામાં ચંદ્ર કક્ષાના ઉપરનાં ભાગમા છે. તેથી પિતૃકાર્યો બધા જ દક્ષિણ દિશાભિમુખ બેસીને કરવાના હોય છે. ઋષિતર્પણ પછી કાગવાસ, અને બ્રહ્મભોજનાથી શ્રાદ્ધની વિધિ લગભગ પૂરી થાય છે.
શ્રદ્ધાથી કરીએ શ્રાદ્ધ અને
શુભકાર્યોથી કરીએ તર્પણ.
- ડૉ.ઉમાકાંત જે. જોષી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ozewDYZ
ConversionConversion EmoticonEmoticon