નવરાત્રિમાં સર્વશક્તિમાન 'માં દુર્ગા'ની ઉત્પતિ અને 'ભવાનિઅષ્ટક'


- આસો મહિનામાં આવતા શરૂઆતના નવ દિવસો એ આસો નવરાત્રિના દિવસો ગણાય છે. આ નવરાત્રિનાં દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો. જગતનાં નૈતિક મૂલ્યોને શક્તિ ટકાવવાનો તપશ્ચર્યાના દિવસો

નિરૂકિત : મા દૂર્ગા કે દેવીઓ દરેકમાં ભવાનીનું જ સ્વરૂપ છે. વર્ષો-સદીઓ પહેલા દુર્વાસુ નામનો રાક્ષસ ખુબ જ ત્રાહિમાન બન્યો હતો. દરેક દેવતાઓ તેનાથી ત્રાસી ગયા હતા.અને તેના ત્રાસ માટે ખૂબ જ પ્રાર્થના-સ્તુતિ-ચંડિયાઠ કર્યો હતો. ત્યારે તે રાક્ષસને મારવા માટે માતાજીએ જે અવતાર લીધો હતો. તેથી તેનું નામ 'મા' દુર્ગા- પડયું હતું. આ માટે દુર્ગા સપ્તશતી- (ચંડીપાઠ)માં ૧૩ અધ્યાયોમાં મા દુર્ગાનું સંપૂર્ણ વિધી વિધાન સાથે વર્ણન જોવા મળે છે.

- સ્વરૂપો : જગત જનની મા દૂર્ગાનાં નવ સ્વરૂપો છે (૧) શૈલપુત્રી ૨) બ્રહ્મચારીણી ૩) ચંદ્રઘંટા ૪) કુષ્માંડાં ૫) સ્કંદમાતા ૬) કાત્યાયાની ૭) કાલરાત્રી ૮) મહાગૌરી ૯) સિદ્ધિદાત્રી.

૧) શૈલપુત્રી : શૈલ એટલે પર્વત અને પર્વતની પુત્રી. આ આપણા નામ વિનાનાં જન્મનું સ્વરૂપનું પ્રતિક છે. આમાં બેહાથ હોય છે.

૨) બ્રહ્માચારીણી : આ આપણા બ્રહ્મચાર્યશ્રમનું પ્રતિક છે. આ આપણા વિદ્યાશ્રમનું સ્વરૂપ છે. બ્રહ્મચારીનું પાલન કરવાની ઉમરનું પ્રતિક છે. આ સ્વરૂપમાં મા એ સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે. જે ત્યાગ અને તપશ્ચર્યાનું દર્શન કરાવે છે.

૩) ચંદ્રઘંટા : આ માંનું સર્વસંપન્ન સ્વરૂપ છે. જેના દશ હાથો છે. આ સ્વરૂપમાં ત્રણ આંખો પણ છે. જે આપણને ભણી લીધા પછી સમાજ આવવાનું ને કાર્યો કરવાનું સૂચન કરે છે. આ સ્વરૂપ ઉદ્યમ મહેનત દર્શાવતું સ્વરૂપ છે. શત્રુ આવે તો તેનો સામનો કરવા હાથમાં હથિયાર છે.

૪) કુષ્માંણડા- કુષ્માન્ડનો અર્થ થાય છે કુ એટલે નાનું. ઉષ્મા એટલે ઉર્જા અને અંડા અર્થાત્ ઇંડા. જ્યારે  કાંઈ ન હતું ત્યારે સૃષ્ટિની રચના 'મા' એ આ સ્વરૂપમાં કરી હતી. આની તુલના ગર્ભવતી મહિલા સાથે કરાય છે. જેવી રીતે 'મા' એ સૃષ્ટિની રચના કરી તે રીતે ગર્ભવતી મહિલા બાળકની રચના કરે છે. આ સ્વરૂપમાં માં ના હાથમાં એક માટલું પણ હોય છે. મટકીમાંથી શીશુ સ્વરૂપની ઉત્પતિનું રહસ્ય છે. ગર્ભવતી મહિલાનાં સ્વાસ્થ્યની રક્ષાનું સિમ્બોલ મનાય છે.

૫) સ્કન્દમાતા : નવરાત્રીનાં પાંચમા દિવસે માં સ્કન્દમાતાના સ્વરૂપને પુજાય છે. જે પહેલા શૈલપુત્રીના સમાન પુત્રીથી હવે તે મા બની ગઈ છે. આથી આ સ્વરૂપને સ્કન્દમાતા તરીકે ઓળખાય છે. તેના પુત્ર કાર્તિકેય છે આ સ્વરૂપ માંના રૂપનું છે. જે મમતામયી-પુત્રવાત્સલ્યથી પરિપૂર્ણ છે. એટલે એના હાથમાં તે કોઈ શસ્ત્ર નથી તેનું ધ્યાન માત્ર શિશુ બાળક ઉપર છે તેના ખોળામાં ભગવાન સ્કંદ બાળકનાં રૂપમાં બેઠેલા છે. આ સ્વરૂપને Goddess of motherhood  પણ કહે છે.

૬) કાત્યાયની : નવરાત્રીનાં ૬ઠા દિવસે કાત્યાયની સ્વરૂપની માતાની પૂજા થાય છે આ સ્વરૂપમાં માતાજીએ મહિષા સૂરને માર્યો હતો. જ્યારે સ્ત્રી સર્વશક્તિમાન બની જાય છે. ત્યારે તે આ સ્વરૂપમાં આવી જાય છે અને આ સ્વરૂપમાં તેને અઢાર હાથો છે. આને Goddess of Power  પણ કહે છે.

૭) કાલરાત્રિ : માતાજીનું આ સાતમું સ્વરૂપ કાળરાત્રિનું છે. જેને કાલિની પણ કહે છે. નવરાત્રિના સાતમાં દિવસે કાળરાત્રિનાં સ્વરૂપની પૂજા કરાય છે. આનો અર્થ છે. કાળને પણ ગળી જનાર, તથા રાત્રિ ના કાળા સ્વરૂપ સમાન આ સ્વરૂપ પ્રચંડ પ્રલય રૂપ છે. રાત્રિ એ સૃષ્ટિનું પ્રલય રૂપ સમાન છે. આ માતાજીનું ક્રોધ સ્વરૂપ છે. ઉગ્ર સ્વરૂપ છે. આ સ્વરૂપે 'મા' એ રકતબીજ અસુરનો વધ કર્યો હતો. આનો ક્રોધ એટલો બધો ઉગ્ર હતો કે તેને શાંત કરવા માટે શિવજીએ આવી તેની પાસે ઢળ્યા હતા અને તેના ઉપર પગ પડવાથી તેની જીભ પણ બહાર નિકળી ગઈ હતી. પછી તે માતા શાંત થયા હતા. ઘણા ફોટોઓમાં આ સ્વરૂપના માતાની નીચે શિવજી પડેલા દેખાય છે.

સ્ત્રીનું આ રૂદ્ર સ્વરૂપ દર્શાવે છે. જે સ્ત્રી કોમળ, પ્રેમાળ, બાળકો માટે પ્રેમ સ્વરૂપે હોય છે. તે સમય આવે તો તે રૂદ્ર સ્વરૂપવાળી ભયંકર બની શકે છે. આ મા દૂર્ગાનું સૌથી વધુ વિકરાળ સ્વરૂપ છે.

૮) મહાગૌરી : આ માતાજીનું પૂર્ણસ્વરૂપ છે. આ અષ્ટમી સ્વરૂપનું ખૂબ જ મહત્વ છે. ત્યારે હવન-ચંડિપાઠ વગેરે કરવામાં આવે છે. આનાથી એ બતાવે છે. જે શાંતિ-મમતા, સુંદરતા-સૌમ્યતાની પરાકાષ્ટા ઉપર પણ તે જઈ શકે છે. આ સ્વરૂપમાં તે પોતાના પતિ શિવજી સાથે તથા પુત્ર ગણેશ તથા કાર્તિક સાથે જોવા મળે છે. આ સ્વરૂપ કોઈપણ પરિવાર માટે સંપ-સુખનું પ્રતિક દર્શાવે છે. નોરતામાં આઠમા નોરતાનું મહત્ત્વ ઘણું છે.

૯) સિદ્ધિદાત્રી : મા દુર્ગાનું અંતિમ સ્વરૂપ નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરાય છે. આ સ્વરૂપ જીવનમાં બધુ કર્યા પછી મેળવ્યા પછી નું અંતિમ સ્વરૂપ છે. આ માં નું અંતિમ પૂર્ણ અને દયાવાન સ્વરૂપ છે. આવનારી પેઢીને શિખ તથા અંતિમ ઉપદેશ દેનારૃં જીવન દર્શક રૂપ છે. બ્રહ્માંડનું સર્વ સ્વરૂપ, લૌકિક કે પરલૌકિકના દરેક સુખને પ્રદાન કરનારૃં મા નું આ અંતિમ સિદ્ધિદાત્રી સ્વરૂપ છે.

- નવરાત્રિ : આસો મહિનામાં આવતા શરૂઆતના નવ દિવસો એ આસો નવરાત્રિના દિવસો ગણાય છે. આ નવરાત્રિનાં દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો. જગતનાં નૈતિક મૂલ્યોને શક્તિ ટકાવવાનો તપશ્ચર્યાના દિવસો. દેવાની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા આદિદેવો બ્રહ્મા-વિષ્ણુ- મહેશના પુણ્ય પ્રકોપથી દેવો-દાનવા તથા મનુષ્યોને ત્રાસ આપતા મહિષાસુર નામના રાક્ષસને મારવા ઉત્પન્ન થયેલ આ દેવી ઉત્પન્ન થઈ જે નવ દિવસ સુધી યુદ્ધ કરી માં એ આ મહિષાસુરને હણ્યો. જેથી દેવોએ જયજયકાર કરી તેને વધાવી પૂજા કરી. આથી આ આસો મહિનાની નવરાત્રીની 'માં'ની શક્તિની ઉપાસનાના દિવસો ગણાય છે. આસુરી વૃત્તિને ડામીને દૈવી શક્તિ- સંપત્તિની પુન:સ્થાપના કરી અને દેવોને અભય વચન આપ્યું. આ દેવી શક્તિ તે જ આપણી દુર્ગા શક્તિ- જગદંબા માં ની આરાધના કરી સામર્થ્ય માંગવાનું પર્વ એટલે નવરાત્રિનું પર્વ.

- આજનો મહિષાસુર : આપણી ભ્રાંત સમજણ પ્રમાણે અસુર એટલે મોટા દાંતવાળા, મોટા નખવાળો, કાળો, લાંબાવાળવાળો, મોટી આંખો વાળો, મોટી મુછોવાળો, મોટા વાળવાળો, કોઈ ભયંકર રાક્ષસ.' ખરેખર  અસુર એટલે 'असुषु रमन्ते इति असुरा '.' પ્રાણોમાં રમમાણ થનારો. ભોગોમાં રમમાણ થનારો. તેમજ મહિષ એટલે પાડો, અને એ રીતે જોતા પાડાની વૃત્તિ રાખનારો. પોતાનું જ સુખ જોનારો હોય છે. સમાજમાં આવી વૃત્તિઓ ફાલતી જાય છે.  પરિણામે આખો સમાજ સ્વાર્થી, પ્રેમવિહીન અને ભાવના શૂન્ય બની રહ્યો છે. સમાજમાં આજે વ્યક્તિવાદ અને સ્વાર્થ પરાયણતા અમાર્યાદિત બનીને મહિષાસૂર રૂપે નાચતા રહેલા છે. આ મહિષાસુર વૃત્તિને નાથવા માટે મા પાસે સામર્થ્ય માંગવાના દિવસે એટલે નવરાત્રિનાં દિવસો.

એટલે આપણા વેદોએ પણ શક્તિની ઉપાસનાને ખૂબ જ મહત્વ આપ્યું છે. ધર્મનાં મૂલ્યો ટકાવવા અને સંસ્કૃતિ ટકાવવા હોય તો શક્તિની ઉપાસના કરવી પડશે. આપણે આળસને ખંખેરી, પ્રમાદને આધો મૂકી પુન : શક્તિની ઉપાસના કરવી પડશે. સંઘ-એકતા-સંગઠન- વિદ્યા, બુદ્ધિ, દેશપ્રેમની ભક્તિથી જ આપણામાં અજોડ શક્તિ પ્રગટશે એ જ માં પાસે માંગીએ.

'या देवी सर्वभूतेषु बुद्धि रुपेण संस्थिता ।

या देवी सर्वभूतेषु श्रद्धा रुपेण संस्थिता ।

या देवी सर्वभूतेषु शक्ति रुपेण संस्थिता ।

नमस्तस्यै, नमःतस्यै नमःतस्यै नमोनमः ।'

'મા' : દુર્ગા-જગદંબાની આપણી આ ઉપાસના માત્ર નવરાત્રિના નવ દિવસ પૂરતી સીમિત ન રહે એ ધ્યાનમાં રાખવાની આપણે સહુએ જરૂર છે. ક્ષણોક્ષણ આપણી શક્તિની ઉપાસના કરી. જીવન 'માં'ના ચરણોમાં ઘરીએ એજ પ્રાર્થના.

- તાત્પર્ય  : સમગ્ર સૃષ્ટિનું આદિકાર આ આદિશક્તિ છે. તેથી તેને આદ્યશક્તિ પણ કહે છે. ઇચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ આ બધું દૈવી શક્તિનાં ફળો છે. જે સમરસી શિવશક્તિના સ્ફૂરણ રૂપે છે. આદિશક્તિનાં વિવિધ રૂપો તેનું હાર્દ સમજવાનો આ નમ્ર પ્રયાસ છે. બાકી આ દિવ્ય શક્તિનાં સ્વરૂપો-કાર્યો જાણવા કોઈ સમર્થ નથી ગાયત્રી માતા પણ આ શક્તિનું સ્વરૂપ છે.

'વિશ્વંભરી અખિલ વિશ્વતણી જણેતા,

વિદ્યાધરી વંદનમાં વસજો વિધાતા

દુર્બુધ્ધિને દૂર કરીને સદ્બુદ્ધિ આપો

માં પાહિ ઓમ ભગવતી ભવ દુ:ખ કાયો.'

- ભવાની અષ્ટક : આદિશંકરાચાર્યજીએ વિદ્વાન-જ્ઞાની સન્યાસી હોવા જતાં આપણા જેવા પામર મનુષ્યોના ઉદ્વાર માટે કંઈક સ્તોત્રો, સ્તુતિઓ, મંત્રો રચ્યા છે. તેમાં એક અનાથ હોવાના ભાવપૂર્ણ માં ભવાની તમે જ મારૃં સર્વસ્વ છો. તેવા ભક્તિ ભર્યા ભાવથી આઠ શ્લોકો વાળું- ભવાની અષ્ટક સ્તોત્ર લખેલું છે. તેનું ગુજરાતી ભાષાંતર જોઈએ.

૧) હે ભવાની માં  : પિતા, માતા, પુત્ર, પૂત્રી, સ્વામી, સ્ત્રી, વિદ્યા, વૃત્તિ આમાંથી કોઈપણ મારૃં નથી, હે દેવી : એક તમે જ મારી ગતિ છો. તૂંજ મારી ગતિ છે.

૨) હું અપાર ભવસાગરમાં પડેલો છું. મારા દુ:ખોથી ભયભીત છું. સંસારના બંધનોમાં બંધાયેલો છું. હે ભવાની એક તું જ મારી ગતી છે.

૩) હે દેવી ! હું તો દાન-ધ્યાન-સ્તોત્ર-મંત્રથી પણ અજાણ્યો છું. હું એકદમ કોરો છું, હવે એક માત્ર તૂં જ મારી ગતિ છે.

૪) હું પુણ્ય તીર્થ, મુક્તિમાર્ગ, ભક્તિમાર્ગ, વ્રત પણ જાણતો નથી. હે ભવાનિ હવે એકમાત્ર તું જ મારી ગતી છે.

૫) હું કુકર્મી, કુસંગવાળો, દુર્બુદ્ધિવાળો, સદાચાર વિનાનો કુદ્રષ્ટિવાળો, કુવચન બોલવા વાળો છું. તૂં માત્ર એક જ મારી ગતિ છે.

૬) હું બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર તથા અન્ય કોઈ પણ દેવતાઓને નથી જાણતો. હે શરણ આપનારા ભવાની. તમે જ એક માત્ર ગતિ છે.

૭) હે દેવી ! તું વિવાદ, વિષાદ, પ્રમાદ, પરદેશ, જળ, વાયુ, પર્વત, વન તથા શત્રુઓની મધ્યમાં સદાય મારી રક્ષા કરો. હે ભવાની તું જ મારી ગતિ છે.

૮) अनाथो दरिद्रो जरारोग युक्तो,

महाक्षीणदीनः सदा जाडयववत्र ।

विपत्तौ प्रविष्टः प्रणष्टः सदाहं 

गतिस्त गतिस्त्वं त्वमेका भवानी ।। 8 ।।

હે ભવાની ! હું હમેશાથી અનાથ, દરિદ્ર, ગઢપણ, જીર્ણ રોગવાળો, અત્યંત દુર્બળ, દીન, ગુંગો, વિપત્તિઓથી ઘેરાયેલો અને નષ્ટ છું. તું જ એક મારી ગતિ છે. મારી રક્ષા કરજો, મારી રક્ષા કરજો...

- ડો.ઉમાકાંત જે.જોષી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vIC6MBn
Previous
Next Post »