- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- તમારી જાતમાં વિશ્વાસ રાખો. તમે જે વિચારો છો તેના કરતાં તમે ઘણા વધારે બહાદુર છો, તમે જાણો છો તેના કરતાં કેટલાયે ગણા વધુ પ્રતિભાશાળી છો
''બિ લીફ સિસ્ટમ'' એટલે કે તમારી માન્યતા તમારા જ્ઞાાન અને અનુભવથી ઘડાય છે. જેમની પાસે જ્ઞાાન નથી અનુભવ નથી એમની કોઈ માન્યતા હોતી નથી.
ભરોસો શું છે ? શું એ માન્યતાથી અલગ છે ? ના એ માન્યતાને મજબૂત બનાવે છે. તમે પ્રેરણાદાયી પુસ્તક કે પછી ધાર્મિક ગ્રંથ કોઈ પણ વાંચી જાવ. બધા જ ગ્રંથોનું કહેવું એકજ છે કે વિશ્વાસમાં ઘણી તાકાત છે. વિશ્વાસની તાકાતથી તમે કેળવી પણ કરી શકો છો. એના કારણે તમે તમારા પર ભરોસો મૂકી શકો છો અને તમારી માન્યતાનું માળખું મજબૂત બનાવી શકો છો. તમે ઈચ્છો તે કાર્ય કરી શકો છો. યાદ રાખો તમારો જન્મ જીતવા માટે કૈંક વિશેષ કરવા માટે થયો છે. એને માટે તમને તમારી જાતમાં ભરોસો હોવો જોઈએ એટલે કે તમારી ''બિલીફ સિસ્ટમ'' મજબૂત હોવી જોઈએ.
દુનિયામાં પ્રત્યેક વ્યક્તિનો જન્મ કોઈકને કોઈક કારણથી થયો છે. કોઈકને કોઈક કામ કરવા માટે થયો છે. તમને ભગવાને કોઈક અનોખું અને શાનદાર કામ કરવા માટે મોકલ્યા છે. તમારી જાતનું મૂલ્ય ઓછું ન આંકો. તમને અહીંયા મોકલવા માટેનો ચોક્કસ હેતુ છે. એક ચોક્કસ રોલ તમારે ભજવવાનો છે. એટલા માટે જરૂરી છે કે તમે મૂઠી ઉચેરા માનવી બનો તો સમાજને ઉપર લઈ જવા માટે કંઈક યોગદાન આપી શકશો. તમે જો ઊંચા ઉઠશો તો બીજાઓને પણ હાથ પકડીને ઊંચાઈએ લઈ જઈ શકશો. પરંતુ તમે જ જો ઊંચા નહીં ઉઠો તો તમે બીજાઓને ઉપર કઈ રીતે ઉઠાવી શકશો ?
એટલા માટે જ પોતાની જાતને ઉપર ઉઠાવવી બહુજ જરૂરી છે. ગ્રંથોમાં પણ લખ્યું છે કે તમારી જાતને સામાન્ય કરતાં ઊંચા લેવલ પર લઈ જાવ તો જ તમે બીજાઓને ઊંચા લેવલ પર લઈ જઈ શકશો. આનાં માટે તમને તમારામાં શ્રધ્ધા હોવી અને તમારી માન્યતામાં મક્કમતા હોવી અત્યંત જરૂરી છે.
એક દાખલો આપું. મોહનદાસ કરમચંદ ગાંધી એક સામાન્ય વકીલ હતાં. સાઉથ આફ્રિકામાં વકીલાત કરતાં હતાં અને પૈસો કમાતા હતાં. જે દિવસે એમની માન્યતા બદલાઈ સમગ્ર ''બિલિફ સીસ્ટમ'' બદલાઈ કે હું માત્ર આ કામ કરવા માટે પેદા નથી થયો અને એ દિવસથી મોહનદાસ કરમચંદનો મહાત્મા ગાંધી તરીકે નવો અવતાર શરૂ થયો. એમનામાં ધરમૂળથી બદલાવાનું એટલે કે એમનું ટ્રાન્સફોર્મેશન થવાનું શરૂ થયું અને એ બદલાવે માત્ર ગાંધીનું જીવન ન બદલ્યું પણ આખી દુનિયાનું બદલીને મૂકી દીધું. આનો મતલબ એ થયો કે દરેક વ્યક્તિના મનમાં એવી ચોક્કસ ક્ષમતા છે જે માત્ર તેને જ નહીં પણ સમગ્ર દુનિયાને બદલી શકે છે. પોતાનામાં રહેલી આ જાદુઈ શક્તિ તેણે શોધવી પડે છે. ઢંઢોળવી પડે છે. એણે એ સમજવું પડે છે કે મારો જન્મ સામાન્ય અને રોજિંદુ કામ કરવા માટે થયો નથી.
તમને એક સામાન્ય શિક્ષિકાનો દાખલો આપું છું જેને એ પણ ખબર નહતી કે તેણી તેની સ્કૂલની પ્રિન્સિપાલ પણ ક્યારેક બની શકશે કે કેમ ? એજ શિક્ષકાએ તેની મીશનરી બનાવી. આ શિક્ષિકા મધર ટેરેસા નામે ઓળખાય છે. આજ એના મૃત્યુ પછી પણ ચાલીસ લાખ લોકો એના આંગણે મફતમાં જમે છે. આ શિક્ષિકાની પણ માન્યતાની સૃષ્ટિ જે દિવસે બદલાઈ તે દિવસથી એની આસપાસ બધું જ બદલાઈ ગયું. તફાવત માન્યતાની સૃષ્ટિ બદલાવાથી થયો. આ લોકો લીમડાના વૃક્ષ પર, પીપળના ઝાડ પર કે પછી બહુજ ઊંચા વૃક્ષો પર જન્મ્યા નહતાં. આ લોકોની માતાઓએ એમને એવી જ રીતે જન્મ આપ્યો હતો જેવી રીતે આપણી માતાઓએ આપણને જન્મ આપ્યો હતો.
સ્ટીવ જોબે ડીજીટલ દુનિયામાં સૌથી મોટી ક્રાંતિ લાવી દીધી. એક કોલેજમાંથી અભ્યાસ અધુરો મુકનાર સ્ટીવ જોબ્સનો મુકાબલો કોઈની પણ સાથે થઈ શકે એમ નથી પરંતુ જે દિવસે એનામાં એ વિચાર સ્ફૂર્યો કે હું એક નોર્મલ-ઓર્ડીનરી જિંદગી જીવવા અહીં નથી આવ્યો તે દિવસથી એની માન્યતા બદલાઈ ગઈ અને એણે આખી દુનિયાને બદલી નાંખી.
એક ચા વાળો જે રેલ્વે સ્ટેશન પર કીટલીમાં ચા વહેંચતો હતો એ વિશ્વની સૌથી મોટી લોકશાહીનો વડાપ્રધાન બની ગયો. કારણ ચા વહેંચતા વહેંચતા તેણે વિચાર્યું કે હું જિંદગીમાં કઈ નાના કામો કરવા માટે નથી આવ્યો. મારે કંઈક અનોખું અને અદ્ભુત કરવું છે. આ વિચાર સાથે જ એની માન્યતા બદલાઈ ગઈ અને એણે આસપાસની આખી દુનિયાને બદલી નાંખી.
જે દિવસે તમે એવું વિચારશો કે તમે એક સામાન્ય જિંદગી જીવવા નથી આવ્યાં એ દિવસે તમારામાં એક બદલાવ આવશે. તમને તમારી જાતમાં ભરોસો બેસશે. અને તમે તમારી જાતને જ નહીં સમગ્ર દુનિયાને બદલી શકશો.
લોકોને તમારામાં ભરોસો પડે એનાથી કઈ નથી બદલાતું પણ તમને તમારી જાતમાં ભરોસો પડે એનાથી જ બધું બદલાઈ જાય છે.
સિંહ એવું માને છે કે હું જંગલનો રાજા છું. એટલે એ જંગલનો રાજા છે. રોજર બેનીસ્ટર એવી દ્રઢ માન્યતા ધરાવતા થયા કે હું ૪ મિનિટમાં ૧૦૦ મીટર દોડવાનો રેકોર્ડ તોડી શકું છું. જો જો એક દિવસે હું એ રેકોર્ડ તોડીને બતાડીશ. અને એણે રેકોર્ડ તોડીને બતાડયો.
ટી-૨૦ રમતી ટીમોને એમની જાતમાં ભરોસો બેઠો કે માત્ર ૨૦ ઓવરમાં અઢીસો પોણા ત્રણસો રન કરી શકાય છે. તે દિવસથી ૨૦ ઓવરમાં આટલા રન બન્યાં પણ ખરા અને આટલા રન બનાવનાર ટીમ હારી પણ ગઈ. આમ કોઈપણ અશક્ય વસ્તુ કરવી એ ત્યારે જ શક્ય છે જ્યારે તમને તમારી જાતમાં વિશ્વાસ હોય.
આજના દિવસથી તમારી માન્યતા બદલો. તમારી જાતમાં વિશ્વાસ અને શ્રધ્ધા રાખો. તમારી ઉંમર કંઈપણ હોય એનાથી કોઈ ફેર પડતો નથી. જીસસ ક્રાઇસ્ટે એમની શરૂઆત ૩૦ વર્ષની ઉંમરથી કરી.
અબ્રાહમ લીંકને ૫૨ વર્ષથી શરૂઆત કરી હતી. કે.એફ.સી.ના માલેક કર્નલ હાર્લાન્ડ સાંડલ્સે ૬૫ વર્ષની ઉંમરથી શરૂઆત કરી હતી. જો બાઈડન ૭૫ વર્ષની ઉંમરે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા.
તમે તમારું કેરીઅર જ્યારથી પણ શરૂ કરવા માંગો છો બેધડક શરૂ કરો. એમાં ઉંમરનો કોઈ બાધ નથી. તમે કેટલું ભણ્યા છો એનું પણ કોઈ મહત્વ નથી. તમે કાળા છો કે ધોળા છો, તમારો પરિવાર સાધનસંપન છે કે નહીં, તમને અંગ્રેજી આવડે છે કે નથી આવડતું આ બધી વસ્તુનું કોઈ જ મહત્વ નથી. મહત્વ છે માત્ર એક જ વસ્તુનં કે તમને તમારી જાતમાં ભરોસો છે કે નહીં ?
જ્યોર્જ બર્નાર્ડશો ૯૦ વર્ષની ઉંમરે ઝાડ પર ચડતા પડી ગયાં. તેમના હાડકા ભાંગી ગયા. કોઈકે પૂછ્યું ભાઈ તમે ૯૦ વર્ષની ઉંમરે ઝાડ પર ચડયા ? જ્યોર્જ બર્નાર્ડશોએ કહ્યું ''મને ૯૦ વર્ષ થયાં પણ આજ સુધી હું ક્યારેય ઝાડ પર ચડયો નહતો. મેં નિર્ણય કર્યો કે એક વાર ઝાડ પર ચડીને તો જોઉં શું થાય છે.'' કોઈપણ નવું કામ કરવા માટે કોઈપણ ઉંમર વધારે કે ઓછી નથી. તમે કંઈપણ નવું કામ કરી શકો છો. તમે ક્યા ગામમાંથી કે ક્યા કુટુંબમાંથી આવો છો, તમારી ચામડી ધોળી છે કે કાળી, કે પછી તમારું શિક્ષણ ઘણું ઓછું છે કે વધારે એનાથી કોઈ ફરક પડતો નથી.
મેં તમને અહીં બધી સત્ય કથાઓ જણાવી છે. આવી અનેક સત્ય કથાઓ હું હજુ પણ જણાવી શકું તેમ છું. પણ તમે આજે એ એક સત્ય સ્વીકારી લો કે જો તમે તમારી જાતમાં ભરોસો મુકશો તો સમગ્ર વિશ્વની માનવજાત તમારામાં ભરોસો મુકશે અને તમે ઈચ્છો છો એ તમારું ભવિષ્ય તમે બનાવી શકશો.
પોતાની જાતમાં ભરોસો મુકવાનો એટલે કે તમારી ''બિલીફ સીસ્ટમ''માં વિશ્વાસ રાખવાનો આજ તો પાવર છે. તમે આજે જો લોવર કલાસ કે મિડલ કલાસ ફેમિલીમાં રહો છો તો એનું માત્ર કારણ એજ છે કે
''હું તો આ સિવાય બીજું કઈ કરી શકું તેમજ નથી.''
''મારા સંજોગો એવા ખરાબ હતા.''
''મારા માબાપે મને ભણાવ્યો જ નહીં.''
''મને કોઈએ સપોર્ટ ન કર્યો.''
''દુનિયાએ તો મારી ટાંગજ ખેંચી.''
જે લોકો આગળ નથી વધી શકતા એમની પાસે રોદણા રોવાના આવા પાંચ-સાત કારણો હોય જ છે એટલે જ તેઓ આગળ નથી વધી શકતા.
નવી પેઢીને જુઓ. તેઓ નવા નવા સ્ટાર્ટઅપ બનાવે છે. પોતાના સંજોગોના રોદણા નથી રોતા અને ક્યાંય આગળ નીકળી જાય છે. હકીકતમાં
''મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત.'' આજે તમારે એ નક્કી કરવાનું છે કે પડોશમાં રહેતો પેલો જગલો જો સાહસ કરીને આગળ વધી શક્યો તો હું કેમ નહીં ? હું પણ મહેનત કરીશ અને આગળ વધીશ.
ન્યુરોગ્રાફ :
ભવિષ્ય એ લોકોનું છે જેઓ તેમના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fRQzYFO
ConversionConversion EmoticonEmoticon