- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
રાજાનો પુત્ર ભણવામાં નબળો, વિદ્યા ચડે નહીં, ભણવા કરતાં તેને ફરવામાં, રમત-ગમત વગેરે અન્ય પ્રવૃત્તિઓમાં વધુ રસ. રાજા એને અભ્યાસ કરાવવા માટે અલગ અલગ વિષયના શિક્ષકો રાખે જે અલગ અલગ સમયે એ વિષયો રાજકુમારને ભણાવે, પણ બધું જ વ્યર્થ. રાજકુમારને ભણવામાં એટલો રસ જ નહોતો, તેનું ધ્યાન અન્ય પ્રવૃત્તિઓ પર રહેતું જેથી તેને વિદ્યા ચડે નહીં.
રાજાને એ બાબતની ચિંતા રહેતી કે, આ કુમાર ભણશે નહીં તો આગળ રાજકાજ કેમ સંભાળી શકશે ? તેણે પોતાની ચિંતા રાજગુરુ પાસે વ્યક્ત કરી. રાજગુરુએ આખી વાત સાંભળી આ પરિસ્થિતિનો ઉકેલ સૂચવતાં કહ્યું કે, 'રાજકુમાર રાજમહેલમાં રહીને ભણી નહીં શકે. તેને રાજમહેલથી દૂર પંડિતો પાસે મોકલો. ત્યાં અન્ય વિદ્યાર્થીઓ પણ ભણતા હશે, ત્યાં ઈત્તર પ્રવૃત્તિઓ કરતાં અભ્યાસ પરત્વે વિશેષ ધ્યાન આપવામાં આવતું હોવાથી અને વળી સાથેના સહાધ્યાયીઓ પણ અભ્યાસ કરતા હોવાથી રાજકુમાર અભ્યાસમાં ધ્યાન આપશે.'
રાજાએ દૂર પંડિત પાસે તેને ભણવા મૂક્યો અને વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા તેને શિક્ષણ આપવાની યોજના અમલમાં મૂકી.
પંડિતો અને વિવિધ વિષયના નિષ્ણાતોએ તેને વિદ્યા પ્રદાન કરવાનું શરૂ કર્યું. રાજકુમાર તો મને-કમને ગોખણપટ્ટી કરી તેના શિક્ષકોને રાજી કરી દેતો. રાજકુમાર જેમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી રહ્યો હતો તેમને ક્યારેય વિદ્યાગુરુરૂપે સ્વીકાર્યા નહીં કે નહોતો તેમનો વિનય કર્યો. પંડિતો અને નિષ્ણાતોને તો રાજા પાસેથી સારું એવું મહેનતાણું મળી જાય તેમાં જ રસ હતો.
થોડાં વર્ષો ત્યાં રહીને ભણ્યા પછી રાજકુમાર પાછો મહેલમાં આવે છે. રાજા તેના સ્વાગત માટે એક સમારંભ યોજે છે. સ્વાગત સમારંભમાં રાજ્યના દરબારીઓ અને શ્રેષ્ઠીવર્યો ઉપસ્થિત છે. રાજ્યના મંત્રી ચતુર છે. તેને વિચાર આવ્યો કે, કુમાર વિદ્યા પ્રાપ્ત કરીને આવ્યો છે તો જાણીએ કે તેણે શું અને કેવી વિદ્યા પ્રાપ્ત કરી છે, તે સભામાં રાજકુમારને પૂછે છે કે, 'હે કુમાર ! આપે કેવી અને કેટલા પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરી તે વિશે અમને જાણાઓ.'
રાજકુમાર કહે છે, 'મેં નિષ્ણાતો અને પંડિતો પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી છે. અલગ અલગ વિષયના અનેક નિષ્ણાતોની પાસેથી મેં વિવિધ વિષયોની વિદ્યા પ્રાપ્ત કરી છે, જેવી કે, અર્થશાસ્ત્ર, રાજ્યનીતિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વળી અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે અને સાથે યુદ્ધવિદ્યા, અસ્ત્રશસ્ત્રવિધા, સંગીત અને વિવિધ રમતોનું કૌશલ મેં વિદ્યા દ્વારા સાધ્યું છે.'
મંત્રીએ રાજકુમારની કસોટી કરવા માટે એક વીંટી મુઠ્ઠીમાં સરકાવી અને પૂછયું કે, 'આ મારી મુઠ્ઠીમાં શું વસ્તુ છે તે કહો.' રાજકુમાર કહે કે, 'તમારી મુઠ્ઠીમાં રથનું પૈડું છે.' મંત્રી સહિત દરબારીઓ બધા હસ્યા અને બોલ્યા કે, 'આવી નાનકડી મુઠ્ઠીમાં આટલું મોટું રથનું પૈડું શી રીતે સમાય?'
આમ, ગોખેલું ઉપરછલ્લું જ્ઞાન લઈને આવેલ રાજકુમારમાં સામાન્ય બુદ્ધિનો પણ અભાવ છે તે સાબિત થઈ ગયું. ગુરુ વિના જ્ઞાન નથી. કૂવામાં પાણી હોય પણ તે પાણી જોઈને તરસ છીપતી નથી. પનિહારી કૂવામાંથી પોતાના ઘડા અને સિંચણ દ્વારા પાણી બહાર કાઢી કૂવાકાંઠેથી બેડું માથે ઉપાડી ઘરના પાણિયારાના ગોળામાં એ પાણી ગાળીને ભરે, પછી એ પાણી પીવાલાયક બને, એમ શાસ્ત્રોમાં પડેલું જ્ઞાન કૂવાના પાણી જેવું છે. સદ્દગુરુ તે શાસ્ત્રોનું દોહન, ચિંતન કરી અને પછી આપણને સરળ ભાષામાં સમજાવે છે જેથી શાસ્ત્રોનાં ગૂઢ રહસ્યો આપણે સમજી શકીએ છીએ અને તેનું આચરણ કરીએ તે કલ્યાણનો માર્ગ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7oVjNEL
ConversionConversion EmoticonEmoticon