- 'હું બોલિવુડનો કદાચ ઉત્તમ કોટીનો ગાયક નહીં હોઉં, પણ મેં ગાયેલા ગીતને તેઓ ઓળખી જાય છે. આ જ તો મારો સૌથી મોટો અને મહત્વનો એવોર્ડ છે.'
હિન્દી ફિલ્મ સહિત અન્ય ભારતીય ભાષાની ફિલ્મોનાં ગીત-સંગીતના પ્રવાહ પણ બદલાઇ રહ્યા છે. સમયના બદલાતા જતા પ્રવાહ સાથે મ્યુઝિક વિડિયો, ઓડિયો આલ્બમ, એક્સ્ટેન્ડેડ પ્લે(ઇપી) વગેરે લોકપ્રિય બન્યાં. આવાં મ્યુઝિક આલ્બમને પસંદ કરનારાનો વર્ગ પણ મોટો હોય છે. હિન્દી ફિલ્મનાં અમુક ગાયક-ગાયિકાઓએ ફિલ્મનાં ગીત ઉપરાંત આવા પ્રાઇવેટ મ્યુઝિક આલ્બમ બનાવીને રજૂ કર્યાં છે. કેટલાંક ગાયક -ગાયિકાઓએ તો વિદેશમાં પણ સંગીત કાર્યક્રમોનું આયોજન કર્યું છે. હજી પણ થાય છે.
હિન્દી ફિલ્મ જગતનો મજેદાર ગાયક શાન (શાનનું સાચું નામ શાંતનુ મુખરજી છે) કહે છે, અમુક મ્યુઝિક આલ્બમ્સ પ્રણય, વિરહ, હિમાચ્છાદિત પ્રદેશો, વર્ષા ઋતુ વગેરે જેવા સુંદર અને ગમતીલા વિષયો પર બનતાં હોય છે. વળી, આવાં મ્યુઝિક આલ્બમ્સમાંનાં ગીત નવી પેઢીનાં ગાયક--ગાયિકાઓના કંઠે ગવાયાં હાય છે. જોકે મારા નમ્ર મત મુજબ આ પ્રકારનાં મ્યુઝિકમાં સામાજિક મુદ્દાને પણ આવરી લેવા જોઇએ કે જેથી સમાજમાં જાગૃતિ ફેલાય.
મારી પોતાની વાત કરું તો મેં અને સૂરીલી ગાયિકા શ્રેયા ઘોષાલે સાથે મળીને -- મીઠી મીઠી બાતેં બરસાતેં -- ગીત ગાયું છે. સંગીત પ્રેમીઓને આ બારીશ ગીત ગમ્યું છે. આમ પણ આપણી હિન્દી સહિત અન્ય ભાષાની ફિલ્મોમાં ઘણાં મજેદાર વર્ષા ગીતો છે. આવાં વરસાદી ગીતો લોકપ્રિય પણ બન્યાં છે. મુંબઇમાં બંગાળી પરિવારમાં જન્મેલો, ઉછરેલો,ભણેલો શાન કહે છે, હું એક ગાયક છું. ફિલ્મનાં ગીતો ગાઇને લાખો -કરોડો લોકોનું મનોરંજન કરું છું. સાથોસાથ એક જવાબદાર વ્યક્તિ અને ગાયક તરીકે સમાજમાં સંગીતના સૂરીલા માધ્યમ દ્વારા જાગૃતિ ફેલાવવાની નૈતિક જવાબદારી પણ સમજું છું. વળી, હું તો એમ માનું છું કે દરેક ગીતને પોતાની આગવી ઓળખ , વિશિષ્ટ મિજાજ, ખાસ સંદેશો હોય છે.
આમ પણ ભારતીય સંસ્કૃતિમાં તો સંગીતનું અનેરું મહત્વ રહ્યું છે.ખાસ કરીને લોકસંગીત તો ભારતનાં દરેક ગામડામાં અને પ્રત્યેક ઘરમાં ગૂંજી રહ્યું છે.
શાનના પિતા માનસ મુખરજી બંગાળી ફિલ્મોના અચ્છા મ્યુઝિક ડાયરેક્ટર છે. પિતાએ દીકરા શાનને અને દીકરી સાગરિકા બંનેને શાસ્ત્રીય સંગીત સહિત બંગાળી સંગીતની તાલીમ આપી છે. શાન અને સાગરિકા બંને ભાઇ બહેને ઘણાં જિંગલ્સ સહિત - નૌજવાન - મ્યુઝિક આલ્બમ્સ પણ તૈયાર રજૂ કર્યું છે. શાનના તન્હા મ્યુઝિક આલ્બમને તો એમટીવી એશિયા એવોર્ડ પણ મળ્યો છે.
પ્યાર મેં કભી કભી ફિલ્મ(૧૯૯૯)નાં મુસુમુસુ હાસી ગીત સાથે હિન્દી ફિલ્મ જગતના પાર્શ્વગાયકની કારકિર્દી શરૂ કરનારો શાન કહે છે, આજે બોલીવુડના ગીત--સંગીતમાં ઘણું પરિવર્તન જોવા મળે છે. અરિજિત સિંહ, નેહા કક્કર, નીતિ મોહન, જુબીન નૌટિયાલ વગેરે ગાયક-ગાયિકાઓ પ્રતિભાશાળી અને મહેનતુ છે. જોકે આજની નવી પેઢીનાં ગાયક -ગાયિકાઓ બહુ નસીબદાર છે કે તેમને તૈયાર મંચ મળ્યો છે. ઉદાહરણરૂપે આજની નવી પેઢીનાં ગાયક -ગાયિકાઓને ૬૦ --૭૦ ના દાયકાનાં આલા દરજ્જાનાં ગાયક -ગાયિકાઓની જેમ સંઘર્ષ, મહેનત,તાલીમ વગેરે તબક્કામાંથી પસાર નથી પડયું. મોહમ્મદ રફી, લતા મંગેશકર, મુકેશ,મન્ના ડે, કિશોર કુમાર, આશા ભોંસલે વગેરેને તો મ્યુઝિક સ્ટુડિયોમાં ૫૦ ,૬૦, ૧૦૦ જેટલા સાજિંદા વચ્ચે ગીતનું પહેલાં રિહર્સલ કરવું પડતું. યુગલ ગીત હોય તો ગાયક --ગાયિકા બંનેએ સાથે મળીને રિહર્સલ કરવું પડતું. ત્યારબાદ જ મ્યુઝિક ડાયરેક્ટર ગીત રેકોર્ડ કરતા.
આજની નવી પેઢીનાં ગાયક - ગાયિકાઓને આવી સઘન પરીક્ષામાંથી પસાર નથી થવું પડતું. તેઓને નવા જમાનાની આધુનિક ટેકનોલોજીની ટ્રેક સિસ્ટમનો ઘણો ફાયદો થાય છે. ટ્રેક સિસ્ટમમાં તો ગાયક -ગાયિકા બંનેએ મ્યુઝિક સ્ટુડિયોમાં એક સાથે હાજર રહીને ગાવાની જરૂર નથી રહેતી.ગાયક પોતાના હિસ્સાનું ગીત ગાઇને જતા રહે. ત્યારબાદ ગાયિકા જુદા સમયે આવીને પોતાના હિસ્સાનું ગીત ગાઇ શકે. વળી, મ્યુઝિક ડાયરેક્ટર ગીતના અંતરામાં જુદાં જુદાં સંગીત વાદ્યોની સૂરાવલી ઉમેરીને આખું ગીત તૈયાર કરી દે.
ચાંદ સિફારીશ ...(ફિલ્મ : ફના) અને જબ સે તેરે નૈના ...( ફિલ્મ : સાવરિયા) ગીતો માટે ફિલ્મફેર એવોર્ડ મેળવાનારો શાન બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, હું બોલીવુડમાં કદાચ ઉત્તમ કોટીનો ગાયક નહીં હોઉં. આમ છતાં જે કોઇ લોકો મારાં ગીત સાંભળતાં હશે તેઓ એમ તો જરૂર કહેતાં હશે કે અરે, આ તો શાને ગાયેલું મજેદાર ગીત છે. મેં ગાયેલા ગીતને તેઓ ઓળખી જાય છે. આ જ તો મારો સૌથી મોટો અને મહત્વનો એવોર્ડ છે. સંગીતનું સન્માન છે. મેં મારાં ગીતોમાં સૂર અને તાલની મધુરતાનો શણગાર સજ્યો છે.ખરેખર તો ઉત્તમ કોટીના ગાયક બનવા સાધના કરવી જરૂરી છે.
હું આ જ ઉપયોગી વાત મારા બંને દીકરા સોહમ મુખરજીને અને શુભ મુખરજી(શુભ નામનો જ બીજો ગાયક હોવાથી શુભનું નવું નામ માહી રાખવામાં આવ્યું છે) ને સમજાવું છું. અમે મારા બંને પુત્રોને શાસ્ત્રીય સંગીત સહિત લોક સંગીત,બંગાળનું રવીન્દ્ર સંગીત વગેરેની ઉત્તમ તાલીમ આપી છે. વળી, બંને દીકરાને સંગીતના ક્ષેત્રમાં તેમની પોતાની આગવી અને અલગ ઓળખ બનાવવા પ્રેરણા પણ આપતા રહીએ છીએ. સાથોસાથ, તેમને નમ્રતા, વિવેક,મર્યાદાના ઉજળા સંસ્કાર પણ આપ્યા છે. સંગીતના ક્ષેત્રમાં તો જબરી સ્પર્ધા હાય છે. એટલે સંગીતની સતત આરાધના, નવું નવું શીખવાની લગન વગેરે બાબતો પણ કહી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dxa8j4q
ConversionConversion EmoticonEmoticon