
- શિવપુરાણમાં કોટિરૂદ્રસંહિતા આઠમા અધ્યાયમાં સોમનાથનો પ્રાદુર્ભાવ તથા મહિમાનું વર્ણન છે. બાર જ્યોતિર્લિંગમાં સૌથી પહેલા સોમનાથનું નામ આવે છે
ભ ગવાન શિવજીના લિંગસ્વરૂપનાં ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે. 'લિંગ' શબ્દ પ્રત્યત્મક શિવજીનું સ્વરૂપ દર્શાવનારો શબ્દ છે. શિવજીનાં બે સ્વરૂપો છે. એક સાકાર સ્વરૂપ જે શિવજીનું પ્રત્યક્ષ સ્વરૂપ છે અને બીજું નિરાકાર સ્વરૂપ જે 'લિંગ' સ્વરૂપે શિવજીનાં મંદિરોમાં સ્થાપિત રહે છે.
આખુ જગત ચરાચરબિંદુ-નાદ સ્વરૂપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ શિવ છે. આ રીતે જગત શિવ-શક્તિ સ્વરૂપ છે. નાદ એ બિંદુનો અને બિંદુ આ જગતનો આધાર છે. આ બિંદુ અને નાદ (શક્તિ અને શિવ) સંપૂર્ણ જગતના આધાર રૂપે સ્થિત છે. બિંદુ અને નાદથી યુક્ત સર્વ કંઈ છે તે શિવસ્વરૂપ છે. કેમકે એજ સૌનો આધાર છે. 'શિવલિંગ' બિંદુ સ્વરૂપ છે અને નાદ શિવ અને બિંદુ દેવ એ બન્નેનું સંયુક્ત રૂપ 'શિવલિંગ' કહેવાય છે. બિંદુ સ્વરૂપા દેવી ઉમા (પાર્વતી) માતા છે. અને નાદ સ્વરૂપે ભગવાન શિવ પિતા છે. આ માતા-પિતાની આ માતા-પિતાની પૂજા થવાથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. 'શિવલિંગ'ની પૂજા કરવાથી માતા-પિતા એવા ઉમા અને શંકરની પૂજા થાય છે જે દરેક સંકટોમાંથી છૂટકારો પમાય છે. આમ 'શિવલિંગ'નો માતા-પિતાનું સ્વરૂપમાની ને એની પૂજા કરવી જોઈએ. સ્વયંભૂ લિંગ નાદ સ્વરૂપ છે. એટલે નાદ લિંગ પણ કહેવાય છે.
શિવલિંગમાં શિવજીની પ્રતિમાનાં તથા શિવભક્તોમાં શિવની ભાવના રાખી એમની પ્રસન્નતા માટે પૂજા કરવી જોઈએ. એ પૂજા શરીરથી, વાણીથી, મનથી અને ધનથી કરી શકાય છે. એ પૂજાથી 'મહેશ્વર શિવ' જે પ્રકૃતિથી પર છે. શિવની પૂજા કરવાથી તેમની કૃપાથી કર્મ-બંધનમાંથી મુક્તિ મળે છે. 'ઓમ નમઃ શિવાય'ને મહામંત્ર માનવામાં આવે છે.
આદિશંકરાચાર્યે બારા જ્યોતિર્લિંગોનું વર્ણન તથા શિવ અપરાધક્ષમાસ્તોત્ર, પંચાક્ષરસ્તોત્ર, શિવમાનસ પૂજા વગેરે સ્તોત્રો રચીને શિવજીની આરાધના જણાવી છે. આત્માને શિવરૂપ માની 'શિવોઅહમ્'ની સ્તુતિ સુંદર રૂપે વર્ણવી છે.
જેનાથી પાપોનો નાશ થાય છે. તે 'શિ' શબ્દનો અર્થ કરાય છે. 'વ' શબ્દનો અર્થ કલ્યાણકારી થાય છે. જે પાપોનો નાશ કરી કલ્યાણકારી જીવન બનાવે તેનો અર્થ 'શિવ' થાય છે. 'હર' શબ્દનો અર્થ આધ્યાત્મિક અધિદૈવિક અને અધિભૌતિક એવા દરેક દુઃખો-કષ્ટોનો નાશ કરનાર - હરનાર તેવો થાય છે. અને દરેક દેવોમાં મહાન હોવાથી મહાદેવ કહેવાય છે. એટલે આપણે 'હર હર મહાદેવ હર' બોલ્યા કરીએ છીએ.
બિલિપત્ર
બિલિપત્રનું બિલ્વવૃક્ષ મહાદેવનું રૂપ છે.
દેવતાઓએ પણ તેની સ્તુતિ કરેલી છે. બિલ્વવૃક્ષના મૂળમાં તેના પત્રનાં મૂળમાં બ્રહ્મ સ્વરૂપે રહે છે. મધ્યમાં વિષ્ણુનો વાસ છે અને અગ્ર ભાગમાં શિવરૂપ છે. એનાં દર્શનમાત્રથી, સ્પર્શથી અઘોર પાપોનો નાશ થાય છે.
દર્શન બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનં પાપનાશનમ્
અઘોર પાપ સંહારં એક બિલ્વં શિવાપાર્ગમ
આવી શંકરાચાર્યએ બિલિપત્રની પ્રશંસાની સ્તુતિ 'બિલ્વાઅષ્ટક સ્તોત્ર'માં લખેલી છે.
અને 'તત્ પ્રણામિ સદાશિવ લિંગમ્'માં શિવલિંગનું સ્વરૂપ તથા તેને પ્રણામની સ્તુતિ પણ તેમણે લખેલી છે. આ રીતે શિવ અને પાર્વતિનું સ્વરૂપ તે શિવલિંગ સ્વરૂપે શિવપુરાણમાં વર્ણવેલું છે. શિવપુરાણમાં વિદ્યશ્વરસંહિતા-રૂદ્રસંહિતા-(સૃષ્ટિ-સતી-કુમારખંડ, યુદ્ધખંડ, કોટિરૂદ્રસંહિતા, શતરૂદ્રસંહિતા) તેમજ કૈલાસસંહિતા-ઉમાસંહિતા- વાયવીર્યસંહિતાનાં બે ખંડોનું વર્ણન શિવપુરાણમાં આપેલું છે. શિવની ઉપાસનાનું સુવિસ્તૃત વર્ણન, વિવેચન, મહિમા, પરબ્રહ્મ 'શિવ'નું સ્વરૂપ આપેલું છે. 'શિવ' પ્રધાન દેવ છે. અનાદિ છે અને સિદ્ધ પરમેશ્વર છે. આથી આપણે સહુ તેને પ્રણામ કરતા કરતા બોલિએ છીએ કે "वंदे शिवमशंकरम्।"
સોમનાથ મંદિરનો પ્રાદુર્ભાવ :- અને અને તેનું મહત્વ :-
ભગવાન શંકર ત્રિલોચન છે. સુર્ય-ચંદ્ર અને અગ્નિ તેના ત્રણ નેત્રો છે. સુર્યનેત્ર દ્વારા અજ્ઞાનનો નાશ કરે છે. અંધકારનો નાશ કરે છે, ચંદ્ર નેત્ર દ્વારા તે જગતને શીતળતા આપે છે અને અગ્નિના નેત્ર દ્વારા તે રાગદ્વેષને તથા મોહનો નાશ કરે છે.
ભગવાન શિવના મસ્તક ઉપર બીજનો ચંદ્ર શોભે છે. જે જીવનને પ્રેરણા આપે છે ભગવાનના ગળે તથા હાથે વીંટળાયેલા સાપો એ વિષય વાસના અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ ષદ્રિપુનું પ્રતિક છે. તેના ઉપર અંકુશ રાખવાનું સુચન કરે છે. શિવજીના મસ્તક ઉપર વહેતો ગંગાનો પ્રવાહ એ પ્રેમપ્રવાહનું પ્રતીક છે. ભગવાન શિવ એ સ્વયં જ્ઞાનનું પ્રતીક છે.
ભગવાન શિવ, કામદેવને હરનારા, સ્મશાનમાં રહી ક્રીડા કરનારા, પિશાચોની સોબતમાં રહેનારા, ચિતાની ભસ્મથી લેવાયેલા મનુષ્યોની ખોપરીની માળા ધારણ કરનારા મહાદેવ છે.
વૃદ્ધ બળદ, દંડ, ફરસી, ચર્મ, સાપ, ભસ્મ અને ખોપરીઓ તેનાં ઉપકરણો-સાધનો છે. તે દરેકનું જુદુ જુદુ મહત્વ છે. ગળામાં વિષ ધારણ કર્યું હોવાથી તે 'નીલકંઠ' તરીકે પણ કહેવાયા. સૃષ્ટિનું કલ્યાણ કરવા માટે તેઓ હાથમાં ડમરૂ લઈ પ્રચંડ તાંડવનૃત્ય પણ તેમણે કર્યું હતું. તેથી તેઓ 'નટરાજ' તરીકે પણ ઓળખાણા. તેને પંચ મુખ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી 'પંચમુખી' પણ કહેવાણા.
કોઈપણ ભેદભાવ-જાતિભેદ વિનાનો માણસ શિવપૂજા કરી શકે છે એ તેની મહત્તા છે.
ભારતનાં ૧૨ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગમાં સહુ પ્રથમ સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ ગણાય છે. બાર જ્યોતિર્લિંગો આ પ્રમાણે છે.
(૧) સોમનાથ (પ્રભાસપાટણ) - ગુજરાતમાં દરિયા કિનારે છે. (૨) મલ્લિકાર્જુન (શ્રી શૈલ પર્વત પર) મધ્યપ્રદેશમાં. (૩) ઉજ્જૈન (મધ્યપ્રદેશમાં) (૪) વૈદ્યનાથ-બિહારમાં હિમાલય પ્રદેશ (૫) ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) (૬) ભીમાશંકર (મહારાષ્ટ્રમાં) (૭) ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) (૮) નાગનાથ (દ્વારકા પાસે) (૯) કાશિવિશ્વનાથ (કાશીમાં) (૧૦) રામેશ્વર (તામિલનાડુ) (૧૧) કેદારનાથ (ઉત્તરાખંડ) (૧૨) ધૃષ્ણેશ્વર (મહારાષ્ટ્ર)
સોમનાથ શિવલિંગ
(પ્રથમ જ્યોતિર્લિંગ)
શિવપુરાણમાં કોટિરૂદ્રસંહિતા આઠમા અધ્યાયમાં સોમનાથનો પ્રાદુર્ભાવ તથા મહિમાનું વર્ણન છે. બાર જ્યોતિર્લિંગમાં સૌથી પહેલા સોમનાથનું નામ આવે છે.
ઈતિહાસ
દક્ષ પ્રજાપતિએ પોતાની અશ્વિની વગેરે સત્યાવીશ કન્યાઓને ચંદ્રમા સાથે પરણાવી હતી. ચંદ્રમા તે પત્નીના રૂપમાં ભાવી નિરંતર સુશોભિત થવા લાગ્યો. એ સર્વ પત્નીઓમાં જે રોહિણી નામની પત્ની હતી. તે એક માત્ર જ ચંદ્રમાને જેટલી પ્રિય હતી. એટલી બીજી કોઈ પત્ની કદાપિ પ્રિય ન થઈ. આથી બીજી સ્ત્રીઓને બહુ દુઃખ થયું. તે સર્વે પોતાના પિતાના શરણમાં ગઈ ત્યાં જઈને તેમને જે દુઃખ હતું એનું નિવેદન પિતા સમક્ષ કરી દીધું. આ બધું દુઃખ સાંભળીને દક્ષ પણ દુઃખી થયા અને ચંદ્રમા પાસે આવીને શાંતિપૂર્વક બોલ્યો.
હે કલાનિ ધૈ ! ચંદ્રમા ! તમે નિર્મળકુળમાં ઉત્પન્ન થયા છે. તમારા આશ્રયમાં રહેનારી જેટલી સ્ત્રીઓ છે, એ સૌ પ્રતિ તમારા મનમાં ઓછો-વતો ન્યૂનાધિક-ભાવ કેમ છે ?? તમે કોઈને અધિક તો કોઈને ઓછાં પ્રેમ કરો છો ?? અત્યાર સુધી જે કાંઈ જે કર્યું, હવે આગળ ફરી આવી કોઈ વિષમતા પૂર્ણ વર્તાવ તમારે ન કરવો જોઈએ. કેમ કે તેને નરક આપનાર કહેવાય. પોતાના જમાઈ ચંદ્રમાને આવી પ્રાર્થના-વિનંતી કરીને પ્રજાપતિ ઘેર ચાલ્યા ગયા.
પરંતુ ચંદ્રમાએ પ્રબળ ભાવિથી વિવેશ થઈને એમની વાત માની નહિં. એ રોહિણીમાં એટલા બધા આસક્ત થઈ ગયા હતા કે બીજી કોઈ પત્નીનો ક્યારેય આદર કરતા ન હતા. આ વાત સાંભળીને દક્ષ દુઃખી થઈને ફરીથી આવીને બોલ્યા.
હે ચંદ્રામા ! સાંભળો હું તમને પહેલા પણ અનેકવાર પ્રાર્થના કરી ચૂક્યો છું. તો પણ તમે મારી વાત માની નથી. એટલા માટે આજ હું શાપ આપું છું કે ''તમને ક્ષય રોગ થઈ જાઓ.''
દક્ષનાં આટલ કહેવાથી જ ક્ષણભરમાં ચંદ્રમા ક્ષય રોગથી ગ્રસ્ત થઈ ગયા. ક્ષય રોગથી એમના ક્ષીણ થવાથી જ એ સમયે બધી બાજુ મહાન હાહાકાર મચી ગયો. બધા દેવતાઓ અને ઋષિઓ કહેવા લાગ્યા કે હાય ! હાય ! હવે શું કરવું જોઈએ ? ચંદ્રમા કેવી રીતે ઠીક થશે ?? ચંદ્રમાએ ઈન્દ્ર વગેરે બધા દેવતાઓને તથા ઋષિઓને એમની પોતાની અવસ્થા સૂચિત કરી દીધી. બધા જ દેવતાઓ અને ઋષિઓ બ્રહ્માજી પાસે તેના શરણે ગયા.
એમની વાત સાંભળી બ્રહ્માજીએ કહ્યું કે તે હવે બદલી ન શકાય. તેના નિવારણ માટે ઉત્તમ ઉપાય બતાવતા કહ્યું કે તમો ચંદ્રમા અને દેવતાઓ પ્રભાસ નામના શુભક્ષેત્રમાં જાઓ. ત્યાં જઈ 'મૃત્યુંજય' મંત્રોનો વિધિપૂર્વક અનુષ્ઠાન કરી શિવલિંગની સ્થાપના કરી ચંદ્રદેવ નિત્ય આરાધના કરે, શિવજી પ્રસન્ન થઈને ત્યારે તેમને ક્ષયરહિત કરી દેશે.
ત્યારે દેવતાઓને ઋષિઓના કહેવાથી બ્રહ્માજીની આજ્ઞા અનુસાર ચંદ્રમાએ ત્યાં છ માસ સુધી ભગવાનનું મૃત્યુંજય મંત્રનાં દશ કરોડ જપ કર્યાં. તેની તપસ્યા જોઈને ભક્ત વત્સલ ભગવાન શંકર થઈ ઉત્તમ વરદાન માંગવાનું કહ્યું.
ત્યારે ચંદ્રમા બોલ્યા 'હે દેવેશ્વર !' આ મારા ક્ષય રોગનું નિવારણ કરો, મારાથી જે અપરાધ થઈ ગયો છે એને ક્ષમા કરો.
શિવજીએ કહ્યું હે ચંદ્રદેવ એક પક્ષમાં પ્રતિદિન તમારી કલાક્ષીણ થશે અને બીજા પક્ષમાં નિરંતર વધતી રહેશે. જે આપણે પુનમ અને અમાસમાં જોઈએ છીએ અને ચંદ્રમાં જે ડાઘ દેખાય છે તે ક્ષય રોગનો છે.
તદંતર ચંદ્રમાએ ભક્તિભાવથી અને તેમના ય મહાત્મયના પ્રભાવથી શિવજીના નામ પર ત્યાં શિવલિંગની સ્થાપના કરી જેથી તે 'સોમેશ્વર' મહાદેવ કહેવાયા. અને ત્રણેય લોકમાં વિખ્યાત થયા અને ચંદ્રમા નીરોગી થઈને પોતાનું જૂનું કાર્ય સંભાળવા લાગ્યા. આ રીતે સોમેશ્વર લિંગનો પ્રાદુર્ભાવ થયો.
જે મનુષ્ય સોમનાથ મહાદેવની કથાને સાંભળે છે તેનું સ્મરણ કરે છે તેનું દર્શન કરે છે તે મનુષ્ય મનોવાંછિત ફળને પ્રાપ્ત કરી લે છે અને બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. 'જય સોમનાથ'
''દેવગણાચિતં સેવિતલિર્ગ, ભાવૈભક્તિભિરવેચલિંગમ્ ।
દિનકર કોટિ પ્રભાકર લિંગ, તત્પ્રણમામિસદાશિવલિંગમ્ ।।''
''ઓમ નમઃ શિવાય''
- ડો. ઉમાકાંત જે. જોષી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fdRIUim
ConversionConversion EmoticonEmoticon