
- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી
- આજે ધરમ ધંધો બની ગયો છે ત્યારે કબીર જેવા સંતને મિસ કરીએ છીએ.
શબ્દ સાચા વાવવામાં
આપણે કાચા પડયા,
બાગને મ્હેંકાવવામાં
આપણે કાચા પડયા.
આંખ સામે રાસ જામ્યો
તેં છતાં ઊંઘી ગયા,
હાથને સળગાવવામાં
આપણે કાચા પડયા.
જાતને જોવા અરીસા
કૈંક બદલાવ્યા હતા,
જાતને બદલાવવામાં
આપણે કાચા પડયા.
પારકી પીડા લખી કી
બોર્ડ માફક ટેરવે,
પાંપણો છલકાવવામાં
આપણે કાચા પડયા.
-પરબતકુમાર નાયી
એ ક ગામમાં એક સંત રહેવા આવ્યા. સંતની વિચારશીલ વાતોથી સૌ આકર્ષાયા. ધીરે ધીરે એના અનુયાયીઓ વધવા લાગ્યા. ગામ લોકોએ આશ્રમ પણ મોટો કરી આપ્યો. સંતની મસ્તી તો એની એ જ રહી. લોકોની ભીડ થવા લાગી. એને કારણે આશ્રમની શાંતિ હણાવા લાગી. એક દિવસ શિષ્યે કહ્યું કે 'ગુરુજી આપણે ગામની બહાર આશ્રમ કરીએ, જેથી આપને શાંતિ મળી રહે' ત્યારે ગુરુએ કહ્યું કે 'ઘોંઘાટમાં પણ ચિત્ત પરોવી શકે એ સાચો સંત'. તમે શરાબ ત્યારે જ છોડયો કહેવાય કે જ્યારે સામે ગ્લાસ પડયો હોય છતાં તમે અડો પણ નહીં.
આજકાલ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બહુ ચર્ચામાં છે. ચમત્કારને નમસ્કારની થીયરી ચાલી રહી છે. આજે બાબાઓનો બ્લાસ્ટ થયો છે ત્યારે સાધુ ચરિતને શોધવું એટલે દરિયામાં ખોવાયેલી સોય શોધવા જેવું છે. ધર્મ સંકુચિત ન હોય શકે, વિચારને વિસ્તારવાનું કામ ન કરી શકે તો એ ધર્મ નથી, બીજું કૈક, ત્રીજું કૈક હશે.
પૂરન અને સૂરન નામે બે ભાઈઓ કાશીમાં રહે. જ્યોતિષીએ બાળપણમાં હાથ જોઇને કહેલું કે 'બંને ભાઈઓને સાધુ થવાનો યોગ છે.' પિતાના મૃત્યુ પછી પૂરન કબીરપંથમાં ભળી અને સાધુ થઇ ગયો અને સૂરન પુષ્કળ પૈસો મૂકી ગયેલા પિતાના ધનને ઐયાશીમાં ઉડાડવા લાગ્યો. એકવાર કોઠા પર કબીરજીની રચના સાંભળી અભિભૂત થઇ ગયો અને ભાઈ પૂરનને પૂછયું કે 'કબીરજી મારી મેડી પર ભજન ગાવા પધારે ?' તો જવાબ મળ્યો કે 'કબીરજી તો બધે જ જાય.' કબીરજીને નોંતરું અપાયું. કબીરજીના આવવાના સમયે સૂરને બહાર ઢોલ નગારા અને ત્રાંસા અને પુષ્પ પાથર્યા. થોડીવાર પછી ખબર પડી કે કબીરજી તો પાછળના રસ્તેથી આવી ગયા છે અને મેડી પર ભજન શરુ કરી દીધા છે. ત્યારે દોડતો'ક સૂરન ગયો અને કહ્યું કે 'કબીરજી, પાછળનો રસ્તો તો સેવકો માટે છે.' એને કોઈ જવાબ આપ્યા વગર કબીરજી ભજન ગાતા રહ્યા. પછી સૂરન ભજનના એક એક શબ્દ પીતો રહ્યો. સૂરનને સુરતા લાગી ગઈ. પછી સૂરન પણ એ ભજન મંડળીનો આજીવન સભ્ય બની ગયો. ઈશ્વરને ધરેલું અન્ન પ્રસાદી બની જાય છે. શબ્દમાં ભગવો વ્યાપે ત્યારે ભજન બને છે.
આજે ધરમ ધંધો બની ગયો છે ત્યારે કબીર જેવા સંતને મિસ કરીએ છીએ. મંદીના માહોલમાં પણ ધરમનો ધંધો ધમધોકાર ચાલે છે. મધ્યકાળમાં આખાબોલા અખાથી કૈક કેટલાય મઠ ધ્રૂજતા હતા. અખાએ સાચા ધર્મનો કદી વિરોધ નથી કર્યો. અંધશ્રદ્ધાના અજવાળાંને ઓલવી નાખવા એણે કમર અને કલમ કસી હતી. 'એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત..' અખાનો આ છપ્પો ચપ્પો બની વાગે છે. ધરમને માત્ર મંદિર, મસ્જીદ કે દેવળ પૂરતા સીમિત કરીએ છીએ ત્યારે પ્રશ્નો ઊભા થાય છે. સદ્કલ્યાણના સંકલ્પોની ઉપર ધરમની ધજા ફરફરે છે. કેટલાક લોકો એને અંગત સ્વાર્થ ખાતર, શાસ્ત્રને તોડી,મરોડી રજૂ કરે છે. જેથી એ દરવેશોની દુકાન ચાલતી રહે... રૂસો કહે છે કે 'ધર્મમાંથી મને જે સમજાય છે તે બધાનું હું અનુકરણ કરું છું અને જે નથી સમજાતું તેનો આદર કરું છું.'
સાહેબ શબ્દ કબીરજીને શોભે છે એવો બીજા કોઈને શોભતો નથી. એવું કહેવાય છે કે કાશીમાં જે દેહ છોડે એને સ્વર્ગ મળે. પરંપરાના વિરોધી કબીર કાશી છોડી અને મગહર ગયા અને ત્યાંજ દેહ ત્યાગ કર્યો. મગહરમાં કબીરની સમાધિ છે. જેને હિંદુ અને મુસ્લિમ બંને બન્ને પૂજે છે. ગુજરાતીમાં આવો બંડખોર કવિ અખો હતો. રગશિયા ગાડા જેવા રૂઢીરિવાજો સામે એનો આક્રોશ પ્રગટતો રહ્યો. હિંદી સાહિત્યમાં કબીરનું સ્થાન વિશેષ છે. ગોસ્વામી તુલસીદાસ પછી આટલું વિશાલ વ્યક્તિત્વ કબીર
સિવાય અન્ય કોઇનું નથી. 'બન તે ભાગા બિહરે પડા, કરહા અપની બાન ઼કરહા બેદન કાસોં કહે, ને કરહા ને જાન ઼઼' કબીરના અનેક દોહાઓ અર્થના આકાશમાં ઝળહળે છે. પોતે ખોદેલા ખાડામાં પોતે જ પડે ત્યારે કોને કહેવા જવું ?
ગીતામાં કહ્યું છે તેમ तस्मादसक्तः सततंकार्यकर्मसमाचार' ગાંધીવાદી મૂકસેવક રવિશંકર મહારાજને એકદમ લાગુ પડે છે. 'ફળ વિનાના કર્મ અને કર્મ એ જ ફળ'ને જીવનમંત્ર બનાવ્યો હતો.
પહેલા પિતાનું ધોતિયું પકડીને ચાલતા પછી તો અનેકના પથદર્શક બની ગયા. પોતાને ગાંધીજીના ટપાલી તરીકે ઓળખાવનાર આ મહામાનવનો પગપાળા પ્રવાસ નોંધાયો હોત તો વર્ડરેકોર્ડ થાય. પ્રેમની પોસ્ટ વહેંચતા હતા. અત્યારે સેવા સદન ચલાવતા કર્મશીલો અને ટોપી પહેરીને ફરતા સેવકો એમની આસપાસ પણ ઊભા રહી ન શકે. એક ગામમાં ચોરી થઇ તો મહારાજે કહ્યું કે ' જ્યાં સુધી ચોર ન મળે ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં ' સાતમાં દિવસે ચોર હાજર થયો. એણે જાહેરમાં માફી માંગી અને ચોરીનો માલ પાછો આપ્યો. કર્મઠ નિસ્વાર્થ નિષ્ઠા સામે અડિયલ અસુર પણ ઝૂકી જાય છે. બીજા માટે કરેલી પ્રાર્થના ઈશ્વર બીજી જ રિંગે ઉપાડે છે. ઉપનિષદોએ જેને 'અમૃતપુત્ર' કહ્યા એ મનુષ્ય આજે ઝેર ઓકવામાં પડયો છે. ટાગોરે કહ્યું છે કે 'ચંદ્ર પોતાનું તેજ પૃથ્વી પર રેલાવે છે પણ પોતાનું કલંક પોતાની પાસે જ રાખે છે.' જેમ વાહનમાંથી વધારાનું વજન કાઢી નાખીએ તો એ ઝડપથી ચાલવા લાગે છે એમ આપણે પણ આપણા વેરઝેરનું વધારાનું વજન કાઢી નાખીશું તો જીવનની ગાડી સમયના પાટા પર પુરપાટ દોડવા લાગશે.
આવજો...
તમે જે કહ્યું તે લોકો ભૂલી જશે, તમે જે કર્યું તે પણ લોકો ભૂલી જશે પરંતુ લોકો એ ક્યારેય ભૂલી શકશે નહીં કે તમે તેમને કેવું મહેસુસ કરાવ્યું.
-માયા એન્જેલુ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/J429ObL
ConversionConversion EmoticonEmoticon