અવિચારી પગલું ભરીને આગળ વધનાર જાનવર સાબિત થાય છે


- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

- હાથીની વિશિષ્ટ શક્તિથી તેને આ કાવતરાનો ખ્યાલ આવી ગયો હતો. તેથી તે આગળ વધતો ન હતો. પણ બંને ભાઈઓ આ જાણી શક્યા નહીં. અરે, વિચારી પણ ના શક્યા. અને અવિચારી વાણી બોલવા લાગ્યા. માલિક પ્રત્યે વફાદાર હાથીએ બંનેને પોતાની પીઠની નીચે ઊતારી દીધા. અને પોતે દોડી ગયો. ખાઈમાં પડીને બળી મર્યો.

'તે છેવટે તારી જાત બતાડી દીધી. આખરે તો જાનવર ને !'

'તને અમે બુદ્ધિશાળી સમજ્યા હતા. સમયને પારખનારો સમજતા હતા ! પણ આજે તેં તારી અસલિયત છતી કરી જ દીધી.'

'તમને ઢોર અમસ્તા નથી કહેવાતા. સમયને, પરિસ્થિતિને, સંજોગને સમજવાની તમારી બુદ્ધિ કેટલી હોય!'

'તને અમે રાખ્યો હતો એક વફાદાર પ્રાણી તરીકે, એક બહાદુર તરીકે પણ આજે તું કાયરતા દેખાડી ગ્યો.'

'અરે, તારા માટે તો અમે ભાઈ આદિનો ત્યાગ કર્યો. અમારા મૂળ વતનને છોડી વિદેશ-ગમન કર્યું.'

'અમને ખબર હોત કે તું આવો નામક્કર છે, ડરપોક છે, અણીના સમયે દગો દેનારો છે, તો આટલા કષ્ટો અને યુુદ્ધો ના આદરત.'

'પોતાના પ્રાણોને ગૌણ કરીને માલિકના આદેશને શિરોમાન્ય કરે તેવા વફાદાર પ્રાણીને પોષણ આપવુ એ શ્રેષ્ઠ કાર્ય કહેવાય. પણ પોતાના પ્રાણો માટે કરીને માલિકના કાર્યની ઉપેક્ષા કરે તેવા બેવડા પ્રાણીને પોષવું એ બળેલા બીજને ચિંતન કરવા જેવી મૂર્ખતા છે.'

ઉપરોક્ત વાક્યો છે બે ભાઈઓના-સગા ભાઈઓના. મૂલત: ચંપા નગરીના પણ ભાઈથી ડરીને વિશાલાનગરીમાં મામાને ત્યાં નિવાસ કરી રહેલા હલ્લ અને વિહલ્લ નામના ભાઈઓ ઉપરોક્ત વાક્ય-બાણોના પ્રહારો સેચનક નામે હાથીને કરી રહ્યા છે.

સંપૂર્ણ પણે વફાદાર આ હાથી....જાનના જોખમે યુદ્ધના મેદાનમાં લડનારો આ હાથી... જેની ગંધથી બીજા હાથીઓની શક્તિ ઓસરી જાય તેવો પ્રભાવશાળી હાથી... જેને કોઈ પણ માણસ કે પશુ પકડી કે મારી ન શકે તેવો બળવાન એન કળવાન હાથી... શક્તિ અને ભક્તિ રગેરગમાં ભરી છે તેવો શક્તિમાન અને ભક્તિવંત હાથી...

દરરોજની જેમ આજે એ પોતાને દર્શાવેલ રસ્તે આગળ વધવા તૈયાર થતો નથી. કેટલું બધું કર્યું પણ હાથી એક પગ ઉપાડવા કે ડગલું ભરવા માંગતો નથી. પોતે જ્યાં ઊભો છે ત્યાંથી જરાય આગળ ખસતો નથી.

છેવટે આ બંને ભાઈઓ ઉપરના કટાક્ષવાક્યો હાથીને સંભળાવે છે. હાથીના મર્મ પર ઘાત થાય તેવા વાક્યોનો કટાક્ષ કરે છે.

કટાક્ષ બે પ્રકારના હોય છે.

એક કટાક્ષ બાણો, જે માણસમાં કામ પ્રગટાવે છે.

બીજા કટાક્ષ બાણો, જે માણસમાં ક્રોધ પ્રગટાવે છે.

એક રાગ પ્રગટાવે, બીજો દ્વેષ પ્રગટાવે.

એક શણગારે, બીજો સળગાવે.

આ કટાક્ષ બાણોએ, વાગ્બાણોએ, વાક્યોએ કેટલાયની જિંદગી બરબાદ કરી નાંખી છે. એક અધ્યાત્મનગરી બાળી  છે, તો બીજાએ ભૌતિક જગત પણ બરબાદ કર્યું છે.

બંને ભાઈઓના આ કટાક્ષ વાક્યોથી હાથીનો અહં છંછેડાયો. આવા વાક્યો સાંભળવા કરતા જીવન ખતમ કરી દેવું સારું. આજ સુધી જેના માટે જીવન ન્યોછાવર કરી દીધું, તે મને આજે સમજી પણ નથી શકતા.

જગતમાં બધે જ બને છે તેમ, રોજ ચા બનાવી આપનાર મા-બહેન-પત્ની-દીકરી-વહુ આજે ચા ન બનાવી લાવી તો તેના પર તૂટી પડે છે તેમ, હંમેશ માંગ્યું તે લાવી આપનાર પિતા-ભાઈ-પતિ-દીકરો આજે એકાદ ચીજ લાવવી ભૂલી ગયો, ચા કોઈ કારણસર ન લાવ્યો હોય ત્યારે તેના પ્રત્યે મોં બગાડી દે છે તેમ આ બંને ભાઈઓ રોજ અક્ષરશ: આજ્ઞાપાલન કરનાર આ હાથી આજે કેમેય કરીને આગળ વધતો નથી ત્યારે તેના પર તૂટી પડયા છે.

રોજે રોજ બરાબર કાર્ય કરનારો આજે બરાબર નથી કરી રહ્યો, તો એના પાછળ શું કારણ છે, તેનો વિચાર તો કમસેકમ કરવો જ જોઈએ. પણ તેઓ તે ન કરી શક્યા.

શત્રુસૈન્યનો ખુરદો બોલાવવા રોજ રાત્રે હલ્લ-વિહલ્લ નામે આ બંને ભાઈઓ સેચનક નામના હાથી પર બેસીને આ જ માર્ગે જતા હતા. શત્રુના સૈન્યનો ઘણો વિનાશ કરીને પાછા ફરતા. આ હાથીને પકડવાની કોઈનીએ તાકાત ન હતી.

આ રીતનો વિનાશ થતો જોઈ શત્રુ-સૈન્યના વડાએ હાથીનો નાશ કરવા માટે આ રોજના માર્ગ ઉપર ઊંડી ખાઈ ખોદાવી દીધી હતી. ખાઈમાં ભયંકર ખેરના લાકડા અંગારા ભરી દીધા. અને છેક ઉપર ઘાસ પાથરી દીધું. જેથી કોઈને કશો ખ્યાલ આવે નહીં. અને બંને ભાઈઓ તથા હાથી યમલોક પહોંચી જાય.

હાથીની વિશિષ્ટ શક્તિથી તેને આ કાવતરાનો ખ્યાલ આવી ગયો હતો. તેથી તે આગળ વધતો ન હતો. પણ બંને ભાઈઓ આ જાણી શક્યા નહીં. અરે, વિચારી પણ ના શક્યા. અને અવિચારી વાણી બોલવા લાગ્યા.

માલિક પ્રત્યે વફાદાર હાથીએ બંનેને પોતાની પીઠની નીચે ઊતારી દીધા. અને પોતે દોડી ગયો. ખાઈમાં પડીને બળી મર્યો.

આટઆટલી કટુતા આચર્યા પછીયે હાથીએ પોતાની વફાદારી જાળવીને માનવતાથી આગળ વધીને સાધુતા પ્રદર્શિત કરી દીધી.

જ્યારે એક જ વખતની વાત ન માનનાર જાનવર પ્રત્યે અવિચારી પગલું ભરીને હલ્લ-વિહલ્લ વાસ્તવમાં જાનવર સાબિત થયા.

બંને ભાઈઓ આ પ્રસંગથી ખેદ પામી પશ્ચાતાપ કરી ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે. સાધુતા આચરીને પરમતા પ્રાપ્ત કરે છે.

પ્રભાવના

પંચતત્વ

(૧) દુષ્ટ-ખરાબ વિચાર કરવા એ દાનવતા છે.

(૨) અવિચારી પ્રવૃત્તિ કરવી એ પશુતા છે.

(૩) વિચારીને આગળ વધવું એ માનવતા છે.

(૪) શુભ-શુદ્ધ વિચારણા કરવી એ સાધુતા છે.

(૫) નિર્વિચાર દશાને પામવી એ ભગવતત્વ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ScHtWKT
Previous
Next Post »