જગતનો શ્વાસ એટલે સંબંધ .


મા નવી સંબંધોની માયાજાળમાં ગૂંચવાયેલો રહે છે. સંબંધના અનેક તાણાવાણાથી જગત બંધાયેલું છે. અસહ્ય તાપમાં વટેમાર્ગુને ઝાડ નીચે શીતળ છાયા મળે તે પણ એક સંબંધ જ છે. તેનો અંતરાત્મા આનંદ અને સંતોષનો અનુભવ કરે છે. જ્યારે ત્યાંથી છૂટા પડે છે ત્યારે ઝાડ નીચેની શીતળતા સાથેનો સંબંધ પૂરો થાય છે. અન્ય સાથેના નવા સંબંધો શરૂ થાય છે. નોકરી, ધંધા કે કામમાં ફરજ સાથે પણ સંબંધ સમાયેલો છે. માનવી માનવી સાથે, પશુ પંખી સાથે પ્રેમ, ભાવના, લાગણી રાખી છે તેનું માધ્યમ સંબંધ હોય છે. તમામ જીવાત્માના જીવનમાં સંબંધ અગત્યનો ભાગ ભજવે છે. સંત તુલસીદાસે કહ્યું છે કે સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ. સૌની સાથે સદવ્યવહાર અને સારા સંબંધો રાખીને જીવન જીવીશું તો જીવતર સરળ અને સુંદર લાગશે. જીવનની સાર્થકતા અને કિંમત સમજાશે. માનવી માનવીની ભાષા સમજી શકે છે, સંબંધ કેળવી શકે છે, સાચવી શકે છે પણ માનવી પશુની ભાષા જાણતો નથી, તેની સાથે પ્રેમ, દયા, ભાવ અને લાગણી રાખી શકે છે પરંતુ સંબંધ કે વહેવારથી દૂર રહે છે, કારણ કે માનવજાત અને પશુ પંખીની જાત જુદી પડે છે.

સંત, સરોવર, તરૂવર સૌના માટે છે. તેના શરણમાં આવેલ માનવી કે પશુ પંખી કદી નિરાશ થતા નથી. સંતો હંમેશા સમાન ભાવ રાખે છે. વૃક્ષો ઋતુ પ્રમાણે ફળ આપે છે. રાત દિવસ તડકો વેઠી છાયા આપે છે. માનવીની અંતિમ ક્રિયામાં લાકડા આપે છે. સરોવર, નદી, નાળા પરમાર્થ માટે જીવે છે. સૌને પાણી આપે છે. સૌની સાથે સરખો અને સમાન સંબંધ એમનું લક્ષ્ય છે. સંતો હંમેશા પરમાર્થ કાજે જીવે છે. જગત સંતો સાથે ખરાબ વર્તન કરે છતાં સંતોનો સંબંધ, સ્વભાવ, વ્યવહાર અને વિનય કદી બદલાતા નથી. દરેકને સમાન રાખવાનો એમનો સંબંધ જાણીતો છે. આદિઅનાદિ કાળથી આપણા ઋષિમુનિઓ, સંતો મહંતો તથા ધર્માધિકારીઓ જગત સાથે મૈત્રીભાવ અને શ્રેષ્ઠ સંબંધોના માધ્યમથી જીવી રહ્યા છે અને જીવશે એ સનાતન સત્ય છે.

- ભગુભાઈ ભીમડા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/r34jKQ1
Previous
Next Post »