ન્યાયસંપન્ન વૈભવ અને આજીવિકાનું ગણિત


- મને જે આવક થાય છે તે મારું ઘર ચલાવવ પૂરતી છે. તમારી નફાખોરી કે ગરીબોના કાર્યમાં હું કદાપિ ભાગીદાર બની શકું નહીં.

પૂ ર્ણિમા શેરીને છેવાડે લાખાબાપા લુહારની કોડ. એમના પુત્ર જગલાને હું મળવા જાઉં ત્યારે તે કોડમાં ધમણ ચલાવતો હોય અને બાપાએ બે સાણસા વડે મોટી છીણી પકડી હોય. ભઠ્ઠીમાં છીણી લાલ થઈ જાય એટલે પાતળી ધાર થાય ત્યાં સુધી હથોડા ઠોકે ને પછી પાણીમાં નાખે તે છમ અવાજ થાય અને ધુમાડો નીકળે. બાલ્યાવસ્થામાં આ જોવાની બહુ મજા પડતી.

પણ પછી જ્યારે જ્યારે

દુર્બલકો મત સતાઈએ તાકી લાગે હાઈ

મૂઆ ચામકી ખાલ સે લોહા ભસ્મ હો જાય

કબીરા લોહા ભસ્મ હો જાય

કબીરનો આ દુઓ વાંચવા કે સાંભળવાનું બને ત્યારે અચૂક આ પ્રસંગ યાદ આવે. લુહારની આ કોડમાં સુથારો, ખેડૂતો અને મજૂરોની પોતાનાં ઓજારો-સાધનો બનાવવાની સતત અવરજવર રહેતી.

એકવાર એક વ્યક્તિ કરવત બનાવરાવવા માટે આવ્યો ને કહે કે, મને અત્યારે જ આ ઓજાર બનાવી આપો. બાપા કહે, કાલના ઓર્ડર લીધા તેમને ડીલીવરી આજે આપવાના હોઈ તમે કાલે આ જ સમયે આવીને લઈ જજો. પેલો કહે, ગમે, તેમ કરીને મન રાત્રે આ કરવત બનાવી આપો. હું વધુ પૈસા આપવા તૈયાર છું. બાપા કહે, પૈસાનો સવાલ જ નથી. હું સારી રીતે કાર્ય પૂરું ન કરું ત્યાં સુધી ગ્રાહકને માલ ન આપું.

વસ્તુ સંપૂર્ણ સારી બન્યાનો સંતોષ ન થાય ત્યાં સુધી એ વસ્તુ વેચી ન શકાય. ગ્રાહક તો ગયો. બીજે દિવસે તે કરવત લઈને ગયો. તેના શેઠ ઓજાર જોઈને ખુશ થયા. કહે, આ કેટલામાં આપી ? પેલો કહે, રૂપિયા ચાલીસમાં. આથી શેઠ વિચારે છે કે, આજુબાજુનાં ગામોમાં કોઈ પણ આ ઓજારના રૂા.૧૦૦ જરૂર આપે. આ ધંધો કરવા જેવો છે. તે લોહારની કોડમાં જઈને કહે છે કે હું તમારી પાસેથી જથ્થાબંધ કરવત ખરીદવા માગું છું પણ શર્ત એટલી કે આ ઓઝાર મારા સિવાય તમે કોઈને વેચી ના શકો. તમારે માત્ર મારા માટે જ ઉત્પાદન કરવાનું. બાપા કહે, ના એ નહીં બને.

શેઠ તો વ્યાકુળ થઈને કહે છે કે કેમ ન બને ? હું તમને ચાલીસને બદલે રૂા.પચાસ આપવા તૈયાર છું. બાપા કહે પૈસાનો સવાલ નથી. મારે ત્યાં અલગ અલગ પ્રકારના ગ્રાહકો આવે છે - સુથારો, ખેડૂતો, મજૂરો આ ગરીબ લોકોની આજીવિકાનો આધાર આ સાધનો-ઓઝારો હોય છે. મને આમાં જે આવક થાય છે તે મારું ઘર ચલાવવ પૂરતી છે. તમારી નફાખોરી કે ગરીબોના કાર્યમાં હું કદાપિ ભાગીદાર બની શકું નહીં.

બાપાએ કાર્લમાર્કના સમાજવાદનો સિદ્ધાંત કે ગાંધીજીના સમાજવાદના આદર્શ વિશે સાંભળ્યું કે વાંચ્યું ન હોય પણ સહજ તેમના જીવનમાં ન્યાયસંપન્ન આજીવિકાનું આચરણ થથું જોવા મળે છે.

અમારી ફોરવર્ડ સ્કૂલના ગણિતના શિક્ષક શેઠ સાહેબ અંકગણિતના પીરિયડમાં એક દાખલો સમજાવતા.

ગામડાનો એક દુકાનદાર અલગ અલગ જગાએથી પોતાની દુકાન માટે રૂા.૧૪૦ માલ ખરીદે છે અને એ બધો માલ લઈને ચોકમાં ઊભો છે. અહીં ઘણા બળદગાડીવાળા ખેડૂતો અને ભાડેથી બળદગાડી ચલાવવાવાળા પોતાનું કામ પૂર્ણ કરીને ચા-નાસ્તો વિગેરે કરવા કે કેટલીક ખરીદી કરવા આવતા હોય છે. આ દુકાનદાર અલગ અલગ બળદગાડીવાળાને પૂછે છે કે, તું આ ગામ આવી શકે તેમ છે ? પૂછતાં પૂછતાં એક બળદગાડાવાળો તેના ગામનો નીકળ્યો. તેણે રૂપિયા દસનું ભાડું નક્કી કર્યું ને સાંજે તે માલ સાથે પોતાને ગામ પહોંચ્યો અને પછી બે દિવસમાં પોતાની દુકાનમાં તેણે આ બધો માલ કુલ રૂપિયા ત્રણસોમાં વેચી નાખ્યો. પછી સાહેબ પૂછતા કે ત્રણ દિવસના મૂડીરોકાણ સામે તેણે કેટલા ટકા નફો કર્યો ? અમે ઉત્સાહમાં આવી આંગળી ઊંચી કરી કહેતા કે ૧૦૦%. સાહેબ કહે, ખોટી વાત. અમે કહીએ ૧૪૦નો માલ દસ ડીલીવરી ખર્ચ મળી કુલ રૂપિયા એકસો પચાસના મૂડીરોકાણ સામે એટલા જ એટલે પૂરા સો ટકા નફો થયો. ત્યારે શેઠ સાહેબ આક્રોશ સાથે કહેતા કે ના, નફો નહીં નફાખોરી કહેવાય. તમે મોટા થઈને વેપાર કરો તો વ્યાજબી નફો લેજો. નફાખોરી કદી ન કરતા ને આ ગણિતનું પુસ્તક બનાવવાવાળાએ પણ ધ્યાન રાખીને વ્યાજબી નફાનો દાખલો આપવો જોઈએ.

અહીં ગણિતના શિક્ષક ખૂબ જ સહજ અને સરળતાથી ન્યાયસંપન્ન વૈભવ અને ન્યાયસંપન્ન આજીવિકાનું તત્વજ્ઞાન સમજાવે છે.

- ગુણવંત બરવાળિયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DYndQlR
Previous
Next Post »