ચતુર ચિત્રકાર .


- વિઠ્ઠલાણી પલ્લવી હેમલકુમાર

એ ક ચિત્રકાર હતો. તે કુદરતનાં રમણીય દૃશ્યોને રંગબેરંગી રંગો દ્વારા કેનવાસ પર કંડારતો.

એક દિવસ ઢળતી સાંજે તે ચિત્રો દોરવા માટે જંગલમાં પહોંચ્યો. એક ઘટાદાર વૃક્ષની નીચે તે રંગો અને પીંછીઓ લઈને બેસી ગયો. સુંદર મજાની ખળખળ વહેતી નદી, કલશોર કરતાં અને પોતાના માળામાં પાછા ફરતાં પંખીઓ અને આથમતા સૂરજને કારણે રતુંબડા રંગમાં લીંપાતા આકાશના રંગોને તે પોતાનાં ચિત્રમાં ઓપ આપતો હતો. એટલામાં એક સિંહ તેની બરાબર સામે આવી ગયો. ચિત્રકાર પોતાની ધૂનમાં એટલો મસ્ત હતો કે તેને સિંહના આગમનની ખબર જ ના રહી! અચાનક જ તે સિંહને જોઈને ગભરાઈ ગયો.

સિંહે કહ્યું, 'ડર નહીં, હું તને ખાઈશ નહીં. પણ મારી એક શરત છે, તું મને સુંદર મજાનું મારું એક ચિત્ર બનાવી દે.' 

ચિત્રકાર ચતુર હતો. કશુંક વિચારીને તેણે સિંહની શરત સ્વીકારી લીધી. પછી સિંહને તેણે પોતાનાથી થોડે દૂર બેસવા કહ્યું અને તે જાણે સિંહનું ચિત્ર દોરતો હોય તેવો દેખાવ કરવા લાગ્યો. થોડીવાર પછી તેણે સિંહને કહ્યું,'સિંહરાજા, તમારું અડધું ચિત્ર મેં દોરી લીધું છે, પણ આખું ચિત્ર પૂરું કરવા માટે તમારે હવે પાછળ તરફ ફરીને બેસવું પડશે અને જ્યાં સુધી હું કહું નહીં, ત્યાં સુધી આ તરફ ફરશો નહીં, નહીંતર ચિત્ર સારું નહીં બને!'

સિંહને તો પોતાનું ચિત્ર દોરાવવાની જ લાલચ હતી. તેથી તે ચિત્રકારની સૂચના મુજબ બેસી ગયો.

ચિત્રકાર તો આ તકની જ રાહ જોતો હોય તેમ ચૂપકેથી ત્યાંથી સરકીને, મુઠ્ઠીઓ વાળીને એવો ભાગ્યો કે વહેલું આવે ઘર!

આ તરફ રાત પડી જવા છતાં સિંહ તો એક તરફ મોઢું રાખીને જ બેસી રહ્યો હતો. આખરે કંટાળીને તેણે પૂછ્યું,'શું હવે ચિત્ર પૂરું થઈ ગયું?' પણ કોઈ હોય તો જવાબ આપે ને!

તેથી સિંહે પાછળ ફરીને જોયું તો કોઈ જ ના મળે! પોતાને મૂર્ખ બનાવનાર ચિત્રકાર પર તેને ખૂબ ગુસ્સો આવ્યો. ચિત્ર પણ ગયું અને ખોરાક પણ ગયો! ગુસ્સામાં ગર્જનાઓ કરતો તે જંગલની અંદર ચાલ્યો ગયો.

આમ, ચિત્રકારે મુસીબતના સમયે પોતાની ચતુરાઈ અને સમયસૂચકતાથી પોતાનો જીવ બચાવી લીધો ! 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FWgy2Bl
Previous
Next Post »