સપનાંને ઘાટ આપવામાં મદદરૂપ થતી પાંચ બાબતો


- એક જ દે ચિનગારી-શશિન્

- ઈશ્વરને નકામી વસ્તુના સર્જનની આદત નથી. તમે નકામા અને ધરતી પર ભારરૂપ બની ઈશ્વરના સર્જનને ફોગટ ન બનાવશો.

પ પ્પા, તમે કહો છો ''આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન અને આત્મસંયમ આ ત્રણ વસ્તુઓ જ જીવનને પરમશક્તિ સંપન્ન બનાવે છે. પણ આજના માણસ પાસે આવા અઘરા શબ્દો પચાવવાનો સમય જ ક્યાં છે ? નોકરી દાતાઓને સાક્ષર માણસો નથી ખપતા, પણ સાર્થક માણસો ગમે છે. જીવન સાર્થક કેમ બને એ તો કોઈ શીખવતું જ નથી.''

બેટા, યાદ રાખ, તમારી જાત પાસેથી કામ લેવાનું હોય તો તમે તમારા દિમાગનો ઉપયોગ કરજો અને બીજા પાસેથી કામ લેવાનું હોય તો હૃદયનો ઉપયોગ કરજો.

માણસની અનેક નિષ્ફળતાઓ, દુઃખો અને વેદનાનું મૂળ કારણ પ્રસંગને અનુકૂળ વર્તન કરવાની કોઠાસૂઝ છે. જ્યાં મૌન રહેવું આવશ્યક હોય ત્યાં આપણે વાકધારા વહેવડાવીએ છે અને જ્યાં ઉચિત જવાબ આપવાનો હોય તો ગૂંચવાઈ જઈએ છીએ. માણસનું કામ બગાડનારું કોઈ તત્વ હોય તો પ્રસંગાનુકૂલ વર્તનની બિન આવડત છે. આ વાત માત્ર બાળકો કે યુવાનો માટે જ નહીં વડીલો માટે પણ મહત્વની છે. વડીલોને ઠપકો આપવાની ઉતાવળ હોય છે તેઓ માને છે કે તેમની પાસે જમાનાનો સુદીર્ઘ અનુભવ છે. વાત સાચી પણ જમાનો એ જમાનો છે એ નથી મારો કે તમારો. જમાનાની ચાલ પારખવી એ પણ એક કલા છે. વડીલો રૂઢીચૂસ્તતાને પોતાના ઈજારાની વસ્તુ માને છે અને માન્યતાની જૂની-પુરાણી ગાંઠડીના રખેવાળ બનવામાં જ પોતાના જીવનની સાર્થક્તા છે. પરિસ્થિતિને સાનુકૂળ થવું એ પણ એક ક્રાન્તિ છે. બાળકને ઘડતા પહેલાં માતા-પિતા ઉર્ફે મમ્મી-પપ્પાએ પોતાની જાતને ઘડવી પડે છે. મા-બાપે પણ નવું-નવું શીખવાની અને જાણવા-સમજવાની તૈયારી રાખવી પડે છે. જગતને ખુલ્લી આંખે જોવું એ માણસના થાકેલા-હારેલા મન માટે આવશ્યક છે. વૃદ્ધાવસ્થા એ જડતા નથી અને યુવાવસ્થા એ અમર્યાદ ઉત્સાહના ધોધનો વિષય નથી. યુવાનો લપકાશૂરા છે અને વડીલો ઠપકાશૂરા છે. એ બન્ને સહિષ્ણુ, બીજાની વાત શાન્તિથી સાંભળવાની અને એમાંથી આવશ્યક વસ્તુ આત્મસાત્ કરવાની જરૂર છે. પિતા સંતાનો તરફ મિઠાશ, નમ્રતા અને વિવેક સાચવી વાત કરે તો વહેલા-મોડા પણ તેઓ તેવાં વડીલોની કદર કરશે જ. પૂર્વગ્રહનાં ઘસાએલાં કાટલાં ફેંકી દેવાથી જ સાચો તોલ કાઢી શકાય છે. દરેક વ્યક્તિને ગઈ કાલની નજરે ન મૂલવવું એ પણ એક શાણપણ છે. હઠ, વટ કે જિદને કારણે નવી વાત ન સ્વીકારવી એ બુદ્ધિની પામરતા છે.

એક યુવાનને એના પિતાએ સરકારી નોકરી ન મળે તો નાનકડો બિઝનેસ શરૂ કરવાનું કહ્યું : ''ત્યારે પુત્રે જવાબ આપ્યો, સરકારી નોકરીમાં જે નિરાંત, નિર્ભયતા અને સ્વતંત્રતા છે તે હું ગુમાવવા ઈચ્છતો નથી. ભલે મારે કારકૂનીનું કામ કરવું પડે.'' આવા લોકો પલાયનવાદી હોય છે. એમનામાં જીવનના પડકારો ઝિલવાની કે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે અડગ રહેવાનું મનોબળ હોતું નથી. પરિણામે તેઓ 'પડયા રહેવા' તૈયાર હોય છે પણ જીવનની દોડમાં આગળ વધવામાં તેમને રસ હોતો નથી.

એક પિતાને પુત્રને સરકારી અમલદાર બનાવવામાં રસ હતો, પણ પુત્રને વિજ્ઞાન અને સંશોધનમાં રસ હતો. તે જાતજાતનાં સાધનો ભેગા કરી પ્રયોગો કરતો. પરંતુ પિતાનો આગ્રહને વશ થઈ તે યુવકે સરકારી નોકરી સ્વીકારી લીધી પણ સંશોધન પ્રિયતાને તેનો રસ હેમખેમ રાખ્યો. મદ્રાસથી ૫૦ થી ૬૦ માઈલ દૂર આવેલા ગામડામાં તેની નિમણૂક થઈ પણ તે સમયસર નોકરીએ પહોંચી જતો. એ ગામમાં બે-ચાર દિવસે અખબાર આવતું. એ યુવક અખબારમાંથી વિજ્ઞાનને લગતા સમાચાર શોધી વાંચી જતો. એક દિવસ તેણે અખબારમાં સમાચાર વાંચ્યા કે મદ્રાસમાં વિજ્ઞાનનું પ્રદર્શન યોજાવાનું છે. નવી જાતનું ટેલિસ્કોપ પણ રજૂ થવાનું છે. એણે મદ્રાસ જવાનું નક્કી કર્યું - પણ નોકરીમાં રજા લીધા સિવાય. એટલે રવિવારની રજાને દિવસે તે ગામડેથી ચાલીને રેલવે સ્ટેશને પહોંચી રેલ-મુસાફરી દ્વારા મદ્રાસ પહોંચી શકાય. વળી તરત જ પાછા ફરવું પડે અને ફરજ પર હાજર થઈ શકાય. મદ્રાસમાં યોજાએલું વિજ્ઞાન પ્રદર્શન સમયની મર્યાદાને લીધે તે યુવક બે કલાકથી વધુ પ્રદર્શન ન જોઈ શક્યો પણ એ દરમ્યાન તેણે જરૂરી વિગતો પ્રદર્શન જોતાં નોટબૂકમાં લખી લીધી અને સમયસર ટ્રેઈન પકડી, ત્યારબાદ સ્ટેશનેથી ઉતરી પોતાની ફરજના ગામ પર રાબેતા મુજબ ચાલતો પહોંચી ગયો. વિજ્ઞાનમાં રસ લેવા તેણે સરકારી નોકરી છોડી દીધી અને અનેક પ્રયોગો કરી નામાંકિત નાગરિક તરીકે પ્રખ્યાત થયો.  મધુભાઈ કોઠારીએ વર્ણવેલો આ માણસ તે આપણા દેશના મહાન વૈજ્ઞાનિક સર સી. વી. રામન દુઃખ વેઠીને પણ લક્ષ્ય સિદ્ધિ માટે પરિશ્રમરત રહેવું પડે. ધીરજ, આત્મવિશ્વાસ અને હિંમત ધરાવનારાઓને પરાજયનો ભય નથી હોતો.

'જીવનમાંથી જડેલી વાતો'માં વિલિયમ કેડબરીનો કિસ્સો વર્ણવાયો છે. વિલિયમ કેડબરી એમના પિતાના પાંચમા સંતાન હતા. તેઓ ઈંગ્લેંડમાં ઈંડાં, પાંઉ, કોફી, કોકો વેચીને ગુજરાન ચલાવતા. વિલિયમની માતા આસપાસનાં લોકોનું કામ કરી ગુજરાન ચલાવતી. વિલિયમને નાનપણથી જ મહેનત કરવાની ટેવ હતી.

એક વાર તેણે દૂધમાં કોકો નાખ્યો અને વરસતા વરસાદમાં બરફ નીચે દાબી દીધો. બીજે દિવસ દૂધ અને કોકાનું મિશ્રણ સખત ચોકલેટ બની ગઈ. દૂધ મીઠું હતું અને એમાં કોકો ભળતાં ચોકલેટ સ્વાદિષ્ટ બની ગઈ. વિલિયમે તેને ચોકલેટ નામ આપ્યું. વિલિયમ પણ કોકો વગેરે વેચવા જતો. એના પિતાએ તેને એક મિત્રને ત્યાં નોકરીમાં રખાવ્યો. વિલિયમને ત્યાં ઘણું બધું શીખવાનું મળ્યું. એવામાં વિલિયમની માતા થોડા પાઉંડ મૂકી અવસાન પામી.

એ પછી વિલિયમ તથા તેના ભાઈઓએ માતા જે પાઉંડ મૂકી અવસાન પામેલી તેમાંથી એક જૂનું કારખાનું ખરીદી લીધું. બન્ને ભાઈઓ ચા-નાસ્તો કરી આખો દિવસ કારખાનામાં ભૂખ્યા પેટે કામ કરે. એ અરસામાં તત્કાલીન વડાપ્રધાન ગ્લેડસ્ટને કોકો પરથી કર ઓછો કર્યો એટલે વિલિયમને કારખાનામાંથી સારો નફો થવા માંડયો. એ પછી એણે ઘણાં કારખાનાં કર્યાં. કેડબરી ચોકલેટ એવી બનાવતો કે અમેરિકા, ફ્રાન્સ વગેરે દેશોમાં એની ખપત અને ખ્યાતિ વધતાં થયાં એણે પોતાનાં કામદારો માટે નવાં આવાસ બનાવ્યાં અને હોસ્પિટલ સ્થાપી. આમોદ-પ્રમોદ માટે બાગબગીચા બનાવ્યા. સહકારી સંસ્થાઓ સ્થાપી.

મતલબ કે વિલિયમ ગરીબ હતો પણ હિંમતવાન હતો. એણે દૃઢ સંકલ્પ કરી અને વિશ્વભરમાં 'કેડબરી ચોકલેટ'ના ઉત્પાદક તરીકે ધન અને પ્રતિષ્ઠા કમાયો. જગતમાં ચાર પ્રકારના માણસો જોવા મળે છે : ૧. નિરાશ લોકો ૨. રાબેતા મુજબનું ચીલાચાલુ કામ કરી જીવી ખાનારા ૩. કંઈક કરવાની ઈચ્છાવાળા પણ રસ્તો ન મળતાં અટકી જાય તેવા ૪. જહેમત અને સંકલ્પ કરી નવો ચીલો પાડનારા લોકો વિલિયમ કેડબરી ચોથા વિરલ પ્રકારના માનવોમાં સ્થાન પામે તેવા હતા.

ભાગ્ય ક્યારે તક આપશે, ઓછા પરિશ્રમે કામ કરવું પડે એવી નોકરી ક્યારે મળશે, એવી માનસિક દાસતાથી ભરેલા માણસો લાખ્ખોની સંખ્યામાં જોવા મળશે. તેઓ સરકારને, મા-બાપને, સમાજને માટે દોષ દેશે પણ આત્મદર્શન નહીં કરે. જીવન એક પરીક્ષા છે. પરીક્ષામાં તમને નાપાસ કરવાની શક્તિ નથી. તમે જ પરીક્ષાને નાપાસ કરો તો પરીક્ષા પોતે જ લાચાર બની જશે.

તમને તમારાં મમ્મી-પપ્પા કે તમારી શિક્ષણ સંસ્થા તમે ઈચ્છો તેવી રીતે નહીં ઘડી આપે. તમે જ તમારા શિક્ષક બનો અને પ્રયોગશીલ રહી નવું-નવું કરતા રહો, નવા ગુણો વિકસાવતા જાઓ, નવી ટેકનિકોનું જ્ઞાન વધારો અને જીવનમાં ૮૦ ટકા કામ અને ૨૦ ટકા આનંદ-મનોરંજનને સ્થાન આપશો તો તમારી દક્ષતાને દુનિયા સલામ કરશે. ઈશ્વરને નકામી વસ્તુના સર્જનની આદત નથી. તમે નકામા અને ધરતી પર ભારરૂપ બની ઈશ્વરના સર્જનને ફોગટ ન બનાવો. તમારાં સપનાંને ઘાટ આપવા કઈ પાંચ બાબતો યાદ રાખશો.

૧. ભારે અને હલકાં કામો પૈકી ભારે કામ હાથમાં લેવાનો આનંદ કેળવો.

૨. પલાયનવાદીપણું એ પતનનું નિમંત્રક છે એ યાદ રાખો. જિંદગીની વાસ્તવિકતાઓથી ભાગશો નહી.

૩. જિજ્ઞાસાવૃત્તિને પ્રબળ બનાવો. પ્રમોદને બદલે પરિશ્રમને તમારો મિત્ર બનાવો.

૪. પ્રસંગોચિત વર્તન કરવાની આદત કેળવો.

૫. વડીલો સાથે વિવાદનો નહીં પણ સંવાદનો સંબંધ રાખો. એમનાં યોગ્ય સૂચનોનો લાભ લો, પણ જડતાપૂર્વક વળગી ન રહો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9WMJQGI
Previous
Next Post »