આયર્ન અને સ્ટીલમાં વૈશ્વિક નરમાઇ વચ્ચે ભારત એકમાત્ર આશાનું કિરણ


ચીનમાં માગ ઘટી રહી હોવાથી ત્યાંથી હવે ડમ્પિંગમાં વધારો 

ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખર્ચ વધવાની સ્થિતિ ઉદ્યોગ માટે લાભદાયક

ભારતમાં જોે હાઉસિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવે તો સ્ટીલ ક્ષેત્ર માટે સોનેરી દિવસો શરૂ થઈ શકે છે

સૌથી વધુ વસતિ ધરાવતું થઈ ગયેલું ભારત વિશ્વભરમાં આથક વૃદ્ધિની સૌથી વધુ સંભાવનાઓ ધરાવે છે. આ વૃદ્ધિ માટે એને બીજી અનેક વસ્તુઓની જેમ આયર્ન અને સ્ટીલની જરૂર પડશે. આથી જ ડેલોઇટે બહાર પાડેલા 'સ્ટીલ આઉટલૂક ૨૦૩૦ એન્ડ ૨૦૪૭' નામના અહેવાલમાં કહ્યું છે કે ભારત સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખર્ચ વધારવાનું નક્કી કર્યું હોવાથી સ્ટીલ ઉદ્યોગને લાભ થશે. નોંધનીય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ટીલનો આશરે ૬૨ ટકા ઉપયોગ થાય છે. એની સાથે સાથે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ પણ હોવાથી સ્ટીલ ઉદ્યોગને ફાયદો થાય એવી સ્થિતિનું નિર્માણ થશે. જોકે, અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્ટીલના ઉત્પાદન માટેની કાચી સામગ્રી એટલે કે આયર્ન ઓરની ઉપલબ્ધતાનો પ્રશ્ન મોટો છે. વર્ષ ૨૦૩૦માં કેપ્ટિવ લીઝ સમાપ્ત થઈ રહી હોવાથી પછીનો સમય પડકારભર્યો હશે. આવામાં સરકારે નવા આયર્ન ઓર બ્લોકનું લિલામ ઝડપી બનાવવાની અને સ્ટીલ સ્ક્રેપ રિસાયકલિંગ કેન્દ્રો વધારવાની જરૂર છે. વધુ કાર્બન ઉત્સર્જન કરનારા દેશોમાંથી જો આયાત કરવામાં આવશે તો આયાત પર કાર્બન ટેક્સ નાખવામાં આવશે એવું યુરોપિયન યુનિયને નક્કી કર્યું હોવાથી ભારતમાંથી થનારી નિકાસ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેનું કારણ એ છે કે ભારતમાં ક્ડ સ્ટીલન પ્રતિ ટન ઉત્પાદનમાં કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન થાય છે એ યુરોપિયન યુનિયન અને અમેરિકા કરતાં વધારે છે. દેશમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩૦૦ મિલ્યન ટન અને ૨૦૪૭ સુધીમાં ૫૦૦ મિલ્યન ટન ક્ડ સ્ટીલનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આમ, ઉત્પાદનની દૃષ્ટિએ ભારતમાં વિપુલ સંભાવનાઓ છે. વર્લ્ડ સ્ટીલ એસોસિયેશને પણ આવો જ મત વ્યક્ત કર્યો છે. આ એસોસિયેશને જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે સ્ટીલની માગ ૨૦૨૩માં ૨.૩ ટકા વધીને ૧,૮૨૨ મિલ્યન ટન અને ૨૦૨૪માં ૧.૭ ટકા વધીને ૧,૮૫૪ મિલ્યન ટન રહેવાની શક્યતા છે. 

સ્ટીલની માગ વૈશ્વિક સ્તરે વધવાના આડે આવનારું એક પરિબળ ઉંચા વ્યાજદર છે. દરમિયાન, આવતા વર્ષે સમગ્ર વિશ્વમાં માગ વધશે, પરંતુ ચીનમાં ઘટશે એવું જણાય છે. 

કોવિડ રોગચાળા દરમિયાન સ્વાભાવિક રીતે માગ ઘણી ઘટી હતી. રોગચાળો પૂરો થયા બાદ માગ વધી હોત, પરંતુ એ અરસામાં સમગ્ર વિશ્વમાં વ્યાજદર વધારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ, જે હજી સુધી ચાલી રહી છે. આમ, ધારણા કરતાં વધુ પ્રમાણમાં માગ ઘટી છે. એ ઉપરાંતનું પરિબળ એટલે ચીને યુક્રેન પર કરેલું આક્રમણ છે. ચીનમાં જે રીતે વસતિનું પ્રમાણ ઘટવા લાગ્યું છે એમ મેન્યુફેક્ચરિંગ પણ ઘટી રહ્યું છે, જેની અસર તળે આયર્ન એન્ડ સ્ટીલની માગ ઓછી રહેશે. અગાઉ કહ્યું એમ ભારત એકમાત્ર એવો દેશ છે, જેમાં આયર્ન અને સ્ટીલની માગ વધી શકે છે. હાલના આંકડાઓ દેશનો વૃદ્ધિદર તંદુરસ્ત રહ્યાનું દર્શાવતા હોવાથી સહજ રીતે આગામી એક વર્ષ સુધી માગ પ્રમાણમાં સારી રહેવાની ધારણા છે. ભારતભરમાં જો હાઉસિંગને પ્રોત્સાહન આપવામાં આવે તો સ્ટીલ ક્ષેત્ર માટે સોનેરી દિવસો શરૂ થઈ શકે છે. જોકે, એવો નિર્ણય હજી લેવાયો નથી. વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં સરકાર હાઉસિંગ માટે પ્રોત્સાહક જાહેરાતો કરશે એવું અનુમાન હતું, પરંતુ એમ થયું નથી. શક્ય છે કે આવતા કેલેન્ડર વર્ષમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી વચગાળાના બજેટમાં લહાણી તરીકે હાઉસિંગનાં પ્રોત્સાહનોનો ઉપયોગ કરવામાં આવે. અહીં જણાવવું રહ્યું કે હાઉસિંગ ભલે ન હોય, પણ સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણો વેગ આપ્યો છે, જેની અસર આયર્ન અને સ્ટીલ ઉદ્યોગ પર થયા વગર રહેવાની નથી. ઓટોમોટિવ અને કન્ઝયુમર ડયુરેબલ્સ ક્ષેત્રે માગ વધી શકે છે. 

વર્લ્ડ સ્ટીલ એસોસિયેશનના મતે વિકસીત દેશોમાં સ્ટીલની માગ વર્તમાન વર્ષે ૧.૩ ટકા અને આવતા વર્ષે ૩.૨ ટકાના દરે વધી શકે છે. યુરોપિયન યુનિયન પર યુક્રેન લડાઇની પ્રતિકૂળ અસર હજી આવતા વર્ષે પણ ચાલુ રહેવાની શક્યતા છે. અમેરિકામાં મંદીના વાતાવરણમાં સ્ટીલની માગ નબળી રહેશે, જે ૨૦૨૪માં ફક્ત ૨.૫ ટકાના દરે વધવાની શક્યતા છે. માગમાં વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં જાપાનમાં અનુક્રમે ૪ ટકા અને ૧.૨ ટકા, દક્ષિણ કોરિયામાં અનુક્રમે ૨.૯ ટકા અને ૨ ટકા વધારો થઈ શકે છે. આસિઆન પ્રદેશમાં અનુક્રમે ૬.૨ અને ૫.૭ ટકાના દરે વૃદ્ધિ સંભવિત છે. પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકામાં આ વધારો અનુક્રમે ૦.૬ ટકા અને ૩.૪ ટકા રહેવાની શક્યતા છે. રશિયામાં અને કોમનવેલ્થ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સમાં તો માગ આ વર્ષે અને આવતા વર્ષે અનુક્રમે ૩.૫ ટકા અને ૪.૩ ટકાના દરે ઘટવાનો અંદાજ છે. 

અહીં ખાસ જણાવવાનું કે ચીનમાં માગ ઘટી રહી હોવાથી ત્યાંથી હવે ડમ્પિંગ વધી શકે છે. આવામાં ભારતમાં સ્ટેનલેસ સ્ટીલની મિલો અને એમની સપ્લાયર સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરી રહેલાં સંગઠનોએ ચીની આયાતની સામે રક્ષણ માગ્યું છે. એમણે નાણાં મંત્રાલયને પત્ર લખીને કહ્યું છે કે ચીની માલ ઓછા ભાવે આવી રહ્યો છે, જેને પગલે સ્થાનિક નાની-મધ્યમ કંપનીઓએ સહન કરવું પડી રહ્યું છે. આથી ચીની આયાત પર કાઉન્ટરવેઇલિંગ ડયુટી અથવા ઇમ્પોર્ટ ડયુટી લાદવી જોઈએ. નોંધનીય છે કે ભારતની સૌથી મોટી સ્ટીલ કંપનીઓ - જિંદાલ સ્ટીલ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ નાણાં મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયને અલગ અલગ પત્ર લખીને ચીની આયાત બાબતે પગલાં ભરવાનો અનુરોધ કર્યો છે. સ્ટીલ મંત્રાલયના એક વરિ અધિકારીએ આ વિષયે કડક વલણ અપનાવવાનો સંકેત આપ્યો છે. 

ચાર સંગઠનોએ સંયુક્ત રજૂઆતમાં કહ્યું છે કે જોધપુર, અમદાવાદ, દિલ્હી-એનસીઆર અને જગધરીમાં સ્ટેનલેસ સ્ટીલ રી-રોલિંગ મિલ્સનાં આશરે ૫૦૦ નાના-મધ્યમ એકમોએ ઓછામાં ઓછું ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, પરંતુ ચીનથી આવી રહેલા સસ્તા માલને લીધે એમણે ઉત્પાદન બંધ કરી દીધું છે. એમાંથી ઘણી કંપનીઓ હવે ટ્રેડિંગ કરવા લાગી છે. એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ચીનનો માર્કેટ હિસ્સો ૧૦થી ૧૫ ટકા હતો, જે હવે ૨૦૨૨-૨૩માં વધીને ૨૫થી ૩૦ ટકા થઈ ગયો છે. ગુજરાત, દિલ્હી અને હિમાચલ પ્રદેશના ઇન્ડક્શન ફર્નેસ ઉત્પાદકો પર પણ એની માઠી અસર થઈ છે. 

આમ, આયર્ન અને સ્ટીલમાં એકમાત્ર આશાવાદી સ્થિતિ ધરાવતા ભારતમાં પણ પડકારો છે, જેના વિશે સરકારે નક્કર પગલાં ભરવાં પડશે. જો એવું થશે તો દેશમાં આ ઉદ્યોગ ફૂલીફાલી શકે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VInwK3T
Previous
Next Post »