નવલકથા: બ્લેક આઉટ .


- પ્રકરણ - 3

- શિશિર રામાવત

- 'અતિજન એટલે ભયંકર વહાલો લાગતો પ્રેમી. કોઈ માણસ પ્રત્યે જીવલેણ આકર્ષણ થઈ જાય, સહન ન થઈ શકે એટલી તીવ્રતાથી એ ગમવા લાગે તો એ તમારો અતિજન બની ગયો છે એમ કહેવાય.'

(પ્રથમ બે પ્રકરણનો સારાંશ) 

વર્લ્ડ-રેકોર્ડ હોલ્ડર મુંબઈવાસી નેત્રા શાહ (૨૪ વર્ષ) રંગભૂમિની એક અસાધારણ અભિનેત્રી છે. એક સમયે 'રંગભૂમિના રાજા'નું બિરુદ પામેલા એના પિતા સૂર્યકાંત શાહનો હવે નિર્માતા-નિર્દેશક તરીકે પણ ખૂબ દબદબો છે. એમનું લેટેસ્ટ નાટક 'અતિજન', કે જે વન-વુમન-શો છે, તીવ્ર તરંગો જન્માવી રહ્યું છે. આ નાટકથી પ્રભાવિત થયેલો વેદાંત શ્રોફ, કે જે 'ધ ન્યુ યોર્ક ઓબ્ઝર્વર' નામના પ્રતિષ્ઠિત અમેરિકન અખબારનો યુવાન કલ્ચરલ એડિટર (સાઉથ એશિયા) છે, એ નેત્રાનો વિસ્તૃત વિડીયો ઇન્ટરવ્યુ કરવા માગે છે, પણ સૂર્યકાંત વિચિત્ર રીતે અને વાંરવાર વેદાંતની વિનંતીને અવગણી નાખે છે. વેદાંતને સમજાતું નથી કે સૂર્યકાંત પોતાની પ્રતિભાશાળી પુત્રીને લોકોની નજરથી દૂર રાખવાનો પ્રયાસ શા માટે કરે છે? નેત્રા બન્ને આંખે અંધ છે એટલે? 

વેદાંત મુંબઈ આવે છે. વર્ષોથી રિનોવેટ થઈ રહેલા મુંબઈના ભાઈદાસ ઓડિટોરિયમનું ઓપનિંગ નેત્રાના 'અતિજન' નાટકથી થવાનું છે. વેદાંત પુનઃ સૂર્યકાંત શાહનો સંપર્ક કરે છે. સૂર્યકાંત શાહ ક-મને એને શો પછી બેકસ્ટેજ પર મળવા માટે કહે છે. શો શરૂ થાય તે પહેલાં વેદાંતની મુલાકાત વીતેલા જમાનાની સિનિયર થિયેટર એક્ટ્રેસ સુહાસિની શિંદે સાથે થાય છે. સુહાસિનીને આજની તારીખે પણ સૂર્યકાંત પર 'ક્રશ' છે! નાટક શરૂ થતાં પહેલાં બેકસ્ટેજના ડ્રેસિંગ રૂમમાં નેત્રા રંગદેવતાની સ્તુતિ કરે છે ને જાણે તે સાથે જ જાણે એ કાયાપલટ કરીને પાત્રપ્રવેશ કરી લે છે. એક બાજુ રંગમંચ પર નાટક પર્ફોર્મ થઈ રહ્યું છે અને બીજી બાજુ, કોઈ અજાણ્યો યુવાન ધારદાર ખંજર લઈને પિતાંબર નામના માણસને શોધતો શોધતો ભાઈદાસ ઓડિટોરિયમમાં ઘૂસી જાય છે. હવે આગળ... 

નવા, ચકચકિત અને આજથી જ પુનઃ ધમધમતા થયેલા ભાઈદાસ ઓડિટોરિયમના બંધ જેન્ટ્સ ટોઇલેટ રૂમના વજનદાર સન્નાટા વચ્ચે બે ઘટનાઓ બની રહી હતી. એક, એ અજાણ્યા પચ્ચીસેક વર્ષના ઊંચા મજબૂત પુરુષની આંખોમાં ખૂન્નસ ઘૂંટાતું જતું હતું... અને બીજી,  એણે પકડી રાખેલા ધારદાર છરાની કાતિલ સપાટી પર વીજળી જેવી ચમક તગતગી રહી હતી.  

છરાને મજબૂતીથી પકડીને યુવાન સાવધાનીપૂર્વક ટોઇલેટની કતારના છેડા તરફ આગળ વધ્યો. કદાચ પેલો અહીં જ છૂપાયેલો છે, આ છેલ્લા બંધ ટોઇલેટમાં. સામસામે ઊભેલાં ડઝનેક ટોઇલેટમાંથી આ એકનું જ બારણું બંધ દેખાય છે.

પુરુષ બંધ બારણા સામે ઊભો રહી ગયો.

'પિતાંબર....' એ બરાડયો, 'ચુપચાપ બહાર આવી જા!'

કોઈ જ હિલચાલ નહીં. પુરુષનો પિત્તો ગયો. એણે જોરથી લાકડાના દરવાજાને લાત મારી. ધડામ્ કરતું બારણું ખુલીને દીવાલ સાથે અથડાયું. અંદર કોઈ નહોતું... પણ એ જ ક્ષણે વીસેક મીટર દૂર, વોશ બેસિનની બાજુમાં સ્ટોરેજ માટે બનાવેલો કબાટ ખૂલ્યો અને અંદરથી પિતાંબર ધક્કા સાથે બહાર આવ્યો. પુરુષની ગરદન ઝાટકા સાથે એ તરફ ઘુમી. ક્ષણ માટે, કદાચ અડધી જ ક્ષણ માટે બન્નેની નજર સામસામી ટકરાઈ... ને બીજી જ પળે પિતાંબર જેન્ટ્સ ટોઇલેટ રૂમનો મુખ્ય દરવાજો ખોલીને બહાર નાઠો.

પુરુષ ચીલઝડપે મુખ્ય દરવાજા તરફ દોડયો. આ દરવાજો ગ્રાઉન્ડ ફ્લોરની સુશોભિત લોબીમાં ખૂલતો હતો. આદમીએ બહાર આવતાં પહેલાં પોતાનો છરો પાછો થેલામાં છૂપાવી દીધો, માથા પર ખેંચાયેલી હૂડીને ઠીક કરી લીધી. એ જો બે-ચાર સેકન્ડ પણ મોડો પડયો હોત તો પિતાંબરે કદાચ દરવાજો બહારથી બંધ કરીને એને અંદર પૂરી દીધો હોત. 

સતર્ક થઈને બહાર આવેલા પુરુષે ચારે તરફ નજર ઘુમાવી. લોબીમાં કશી ચહલપહલ નહોતી. એટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયો પિતાંબર? એ સામે તો નહીં જ ગયો હોય, કેમ કે ઓડિટોરિયમનું મુખ્ય એન્ટ્રેન્સ, મેનેજરની કેબિન, બોક્સઓફિસ વગેરે તે બાજુ છે એટલે... એ નક્કી આ તરફ....

પુરુષે જોયું કે લોબીના વિરુદ્ધ છેડાએ અંધકારમાં ઓગળી ગયેલો એક દરવાજો અધૂકડો ખૂલ્યો ને કોઈક ત્વરાથી અંદર સરકી ગયું. એ પિતાંબર જ!

પુરુષે દોટ મૂકી. એ જાણે મનોમન પિતાંબરને કહી રહ્યો હતોઃ 

'સાલા... તારામાં તાકાત હોય ત્યાં છુપાઈ જા. આ રાઘવ તને પાતાળમાંથીય ગોતી કાઢશે!'

એ યુવાન પુરુષનું નામ રાઘવ હતું. 

થોડા જ ફૂટના અંતરે, લોબીની દીવાલની આ તરફ, ઠંડાગાર ઓડિટોરિયમમાં ઓડિયન્સ લગભગ સ્તબ્ધ બેઠું હતું. મંચ પર 'અતિજન' નાટકનાં બારીક પડળો એક પછી એક ખૂલી રહ્યાં હતાં.

'આ 'અતિજન' એટલે એક્ઝેક્ટલી શું?' નાટક શરૂ થાય તે પહેલાં વેદાંતે બાજુની સીટ પર બેઠેલી સિનિયર એક્ટ્રેસ સુહાસિની શિંદેને પૂછયું હતું, 'ઇન ફેક્ટ, મેં ઓનલાઇન ડિક્શનરીમાં 'અતિજન' શબ્દ શોધવાની કોશિશ પણ કરી હતી. સ્વજન, પ્રિયજન ને એવું બધું મળે છે, પણ 'અતિજન' શબ્દ મને ક્યાંય દેખાયો નહીં.'

'તે ન જ દેખાય!' સુહાસિની મલકાઈને કહ્યું હતું, 'આ નવો શબ્દ છે, જે નેત્રાએ પોતે કોઈન કર્યો છે. જો, અતિજન એટલે અતિશય, અનહદ, ભયંકર વહાલો લાગતો માણસ, પ્રેમી. પ્રિયજન અને સ્વજન કરતાં ક્યાંય આગળની સ્થિતિ. કોઈ માણસ પ્રત્યે જીવલેણ આકર્ષણ થઈ જાય, સહન ન થઈ શકે એટલી હદે, એટલી તીવ્રતાથી એ ગમવા લાગે તો એ તમારો અતિજન બની ગયો છે એમ કહેવાય.'

વેદાંતને સંતોષ થયો હતો. સુહાસિનીએ પહેલી વાર કોઈ બુદ્ધિની વાત કરી હતી!    

મંચ પર પ્રકાશમાં શેરડામાં નેત્રાની સુંદર, ભાવવાહી પણ નિર્જીવ આંખો આગિયાની જેમ ટમટમી રહી હતી. અને એના મુખમાંથી નીકળી રહેલા શબ્દો...

'એ... બોલને! આવું કેમ થતું હશે?

કેવું થાય છે, કહું?

હું તારી સાથે જ બેઠી હોઉં, હસતી હોઉં, તને સાંભળતી હોઉં... ને અચાનક ક્યાંક દૂર ફેંકાઈ જાઉં.

તું ખુદ સદેહે, જાતે-પોતે મારી સાથે જ હોય ને તોય હું તારા જ વિચારોમાં ખોવાઈ ગઈ હોઉં...

તારી કાલ્પનિક છાયા મારા મનમાં ઘુમરાતી હોય... અને મારું ધ્યાન એ તારી કાલ્પનિક છાયામાં વધુ હોય, તારામાં ઓછું.

શું કામ, ખબર છે?

કેમ કે સાચુકલો તું અને મારા મનમાં રહેલો તું... આ બન્ને એક નથી, અલગ અલગ છો!

હું તારી સાથે ઓતપ્રોત થઈ શકતી નથી, કારણ કે મારા વિચારોમાં રહેતી તારી કાલ્પનિક પ્રતિમા જ ખલેલરુપ બની જાય છે...

તને સમજાય છે હું શું કહી રહી છું તે? હં?

સૌથી પહેલાં તો... તારાથી અલગ એવી તારી કાલ્પનિક પ્રતિમાનું સર્જન જ શા માટે થવું જોઈએ મારા મનની ભીતર?

તેં મારી અપેક્ષાઓને છિન્નભિન્ન કરી નાખી છે એટલે? તને તો અંદેશો સુધ્ધાં નથી કે મારી અપેક્ષાઓને તેં વેરણછેરણ કરી નાખી છે...

તો શું મારી અપેક્ષાના એ ખંડિત ટુકડાઓમાંથી તારા કાલ્પનિક પ્રતિમા ખડી થઈ ગઈ હશે?

શું બોલ્યો તું? મારી લાગણીના અતિરેકમાંથી તારી કાલ્પનિક પ્રતિમા બની ગઈ છે?'

નેત્રાએ ચીસ પાડીઃ

'મારી લાગણીઓના અતિરેકમાંથી, એમ? મારી?'

અંદર સાવ અંધારું હતું. રાઘવની આંખોને અંધકાર સાથે ટેવાતાં થોડી વાર લાગી. નાનકડી કાળકોટડી જેવી જગ્યામાં એક કાળો વજનદાર પડદો હતો. એ પડદા હટાવતા ખાલી ઓસરી જેવી જગ્યામાં એ આવી ગયો. સામે એક દરવાજાની બાજુમાં લોખંડની સાંકડી સીડી સર્પની જેમ વણાંક લેતી લેતી ઉપર ચડતી હતી. રાઘવ સપાટામાં સીડી પાસે પહોંચીને ધીમા પગલે પગથિયાં ચડવા લાગ્યો. રાઘવે પોતાના ગળે લટકાવી રાખેલા થેલામાં પર હાથ ફેરવી લીધો. જરૂર પડયે છરાને પળવારમાં ઝપ્પ કરતો બહાર ખેંચી શકાશે! સીડી લગભગ બે માળ જેટલી ઉપર જેતી હતી. માઇકમાંથી આવતો હોય તેવો કોઈ બાઈમાણસનો અવાજ એના કાને પડવા લાગ્યો. સૌથી ઉપરના પગથિયે પગ મૂકીને રાઘવે નજર ફેંકી. થોડે દૂર પીઠ કરીને બેઠેલા બે-ત્રણ માણસો, મોટું ટેબલ, તેના પર મશીન, રેલિંગ વગેરે દેખાતાં હતાં. 

રાઘવ ઝપાટાભેર છેલ્લું પગથિયું વટાવીને વિરુદ્ધ દિશામાં સરકી ગયો. એ લપાવા ગયો ને એની આંખો પહોળી થઈ ગઈ. સામે કાચની દીવાલની આરપાર સભાગારની ગતિવિધિઓ સ્પષ્ટ જોઈ શકાય છે. ઓહ... નીચે પાંચસો-હજાર માણસો ખુરસી પર સ્થિર બેઠાં છે અને સામે સ્ટેજ પર લાલચટ્ટાક કપડાં પહેરેલી એક રૂપાળી છોકરી ઊભી ઊભી કંઈક બોલી રહી છે અને-

એ રહ્યો પિતાંબર!

સ્ટેજના જમણા ખૂણે, સાવ પાછળ, એક ડોકાબારી જેવી જગ્યામાં પિતાંબરનો ચહેરો દેખાયો ને પળવારમાં ગાયબ થઈ ગયો.

હરામખોર...!

રાઘવે આજુબાજુ નજર ઘુમાવી. એક સીડી જેવું અહીં પણ દેખાય છે. એ ચોરની જેમ સર્પાકાર સીડી ઉતરીને લપાતોછુપાતો બેકસ્ટેજની લોબીમાં આવી ગયો. અહીં ઠીક ઠીક પ્રકાશ હતો. બેકસ્ટેજનું કામકાજ સંભાળતાં ત્રણચાર છોકરા-છોકરીઓ દૂર ઊભાં ઊભાં ધીમા અવાજે ગુસપુસ કરી રહ્યાં હતાં. પ્રોડક્શનના બે માણસો દૂર સ્ટૂલ પર ચા પીતા ચુપચાપ બેઠા હતા. 

ક્યાં ગયો પિતાંબર? 

રાઘવે આમતેમ નજર ફેરવી. એની ડાબી બાજુ હાથવેંતમાં જ એક બંધ દરવાજો હતો. જો એને થોડુંઘણું અંગ્રેજી આવડતું હોત તો સમજાયું હોત કે દરવાજાની ઉપર 'ડ્રેસિંગ રૂમ' લખેલું છે. એ અંદર ઘુસી ગયો. ખાસ્સો મોટો ઝગમગ રૂમ. ત્રણ મોટા અરીસા. ફરતે બલ્બની હારમાળા. એક સોફાસેટ. લોખંડની તોતિંગ ટ્રંક. હેન્ગર પર લટકતાં કપડાં. બંધ બારી. અટેચ્ડ બાથરૂમ, લટકતા પડદા.... અને પેલું લાકડાનું પોર્ટેબલ પાટશન જેવું શું છે? એમાં ઝીણાં ઝીણાં આરપાર છિદ્રોની ડિઝાઈન છે.... ને એ છિદ્રોમાંથી શું હલતું દેખાય છે?

રાઘવ સમજી ગયો. એનાં જડબાં ખેંચાયા. એણે તરત ડ્રેસિંગ રૂમનો દરવાજો અંદરથી બંધ કરવાની કોશિશ કરી, પણ લોકિંગ સિસ્ટમ એવી વિચિત્ર હતી કે દરવાજો બંધ ન થયો. રાઘવે પીઠ ઘુમાવી...  

'પિતાંબર...' એના અવાજમાં ક્રોધ ઉકળ્યો, 'બહુ સંતાકૂકડી રમાડી તેં! મને ખબર છે તું અહીં જ છો. જો, તારાથી હવે છટકાય એમ નથી. ચુપચાપ બહાર આવી જા, કહું છું.'

પુરુષે માથા પરથી હૂડી દૂર કરી, ગળે લટકાવેલા થેલામાંથી છરો બહાર કાઢયો અને લાકડાના પાટશન તરફ આગળ વધ્યો.

'જો પિતાંબર, હજુય ચાન્સ છે. છેલ્લી વાર કહું છું. પંદર લાખ સામે મૂકી દે. તને કંઈ નહીં કરું... અને જો નહીં મૂક્યા તો...'

'અરે ક્યાંથી કાઢું તારા પંદર લાખ...' પિતાંબર કરગરતો બહાર આવી ગયો, 'મારી પાસે હોત તો મેં તને ક્યારને આપી ના દીધા હોત?' 

રાઘવ ગંભીર રહ્યો. એ એક એક ડગલું આગળ વધી રહ્યો હતો.  

'એક વાત બરાબર સમજી લે, પિતાંબર... એ પંદર લાખ મારા નથી, અન્નાના છે. મેં તને પંદર લાખની કોથળી આપી'તી એ તારે ગોડબોલેને હાથોહાથ પહોંચાડવાની હતી... પણ તું એ પૈસા વચ્ચેથી જ ખાઈ ગયો એટલે ગોડબોલેએ અન્નાને ફોન કર્યો. અન્ના મારા પર ભડક્યા. મેં ત્રણ દિવસનો સમય માગ્યો છે. એટલે હવે જો તું મને પૈસા નહીં આપે તો...'

'અરે, ગોડબોલે ખોટું બોલે છે,' પિતાંબર થરથરતો હતો, 'એને પંદર લાખ ક્યારના મળી ગયા છે. તું મને નહીં, ગોડબોલેને પકડ...'

'ગોડબોલેમાં એટલું છાણ નથી કે એ અન્ના સામે ખોટું બોલવાની હિંમત કરે.... તું મૂરખ સમજે છે મને?' પુરુષની આંખોમાંથી અંગારા વરસતા હતા. એ પાછો બે ડગલાં આગળ વધ્યો. 

'રાઘવ... તું પહેલાં તો આ છરો અંદર મૂકી દે... હું તને બધું સમજાવું છું...'

નાટક પૂરું થયું. બ્લેક-આઉટ... અને એ સાથે જ તાળીઓના પ્રચંડ ઘુઘવાટથી આખું સભાગાર ગરજી ઉઠયું. હાઉસ લાઇટ ઓન થઈ. મંચ પર નેત્રા આગળ આવી, બે હાથ જોડયાં અને કમરથી ઝુકીને પ્રેક્ષકોને નમન કર્યાં. તમામ પ્રેક્ષકો, એક પણ અપવાદ સિવાય, પોતપોતાની સીટ પર ઊભા થઈ ગયા. ક્યાંકથી સીટીઓ વાગી. ક્યાંકથી ચિચિયારીઓ સંભળાઈ. નાટકથી, નેત્રાના અભિનયથી અભિભૂત થઈ ગયેલા દર્શકોની તાળીઓ થંભવાનું નામ લેતી નહોતી. 

'ઓહ માય ગોડ... વેદાંત?' સુહાસિની શિંદે તાળી પાડતાં પાડતાં કહી રહ્યાં હતાં, 'શું પર્ફોર્મ કરે છે આ છોકરી! મારાં તો રુંવાળા ઊભા થઈ ગયા. સી! સાક્ષાત્ નટરાજનો વાસ છે આ છોકરીના પંડમાં...'   

'શી ઇઝ ઇન્ક્રિડીબલ... રિઅલી!' 

વિંગમાંથી એક ખુશખુશાલ સુટેડ બુટેડ આદમી કોડલેસ માઇક સાથે મંચ પર આવ્યો. 'થેન્ક્યુ... તમારા સાડા મિનિટ પચ્ચીસ સેકન્ડ લાંબા સ્ટેન્ડિંગ ઓવેશન માટે ધન્યવાદ... યેસ યેસ, હું ટાઇમ નોટ કરી રહ્યો હતો. પ્લીઝ સીટ ડાઉન!'

ઓડિયન્સમાં હાસ્ય ફેલાયું. બધા બેઠા. પાછળથી 'સૂર્યકાંત... સૂર્યકાંત...'ના પોકારો થયા. 

'ઓહ... સૂર્યકાંત શાહને બેંગલોરની ફ્લાઇટ પકડવાની હતી એટલે તેઓ નાટક શરુ થતાં જ નીકળી ગયા હતા. બેંગલોરમાં એમણે કોઈક ઇમ્પોર્ટન્ટ નાઇટ ઇવેન્ટ અટેન્ડ કરવાની છે, સો... એમના તરફથી હું, આ બ્રાન્ડ-ન્યુ ભાઈદાસ ઓડિટોરિયમનો બ્રાન્ડ-ન્યુ મેનેજર, તમારા સૌનું અભિવાદન કરું છું.'

નેત્રા સ્થિર ઊભી હતી. એના ચહેરા પર અકળ ભાવ છવાયેલા હતા. એ જાણે કે હજુ સુધી પોતાના પાત્રમાંથી બહાર આવી નહોતી. મેનેજરે કહ્યું, 'તમને સૌને વિનંતી છે કે પ્લીઝ, પ્લીઝ... નેત્રાને શાબાશી આપવા માટે કે એની સાથે સેલ્ફી પડાવવા માટે કે બીજા કોઈ પણ કારણસર તમે બેકસ્ટેજ તરફ ન આવતા. તમે જાણતા જ હશો કે શો પૂરો થાય પછી નેત્રા કોઈને મળતી નથી. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, લેટ્સ હીઅર ઇટ વન્સ અગેન ફોર ધ મોસ્ટ ટેલેન્ટેડ, ધ મોસ્ટ બ્યુટીફુલ યંગ એક્ટ્રેસ ધેટ વી હેવ... નેત્રા શાહ!'

ફરી તાળીઓનો ગુંજારવ થયો. ફરી નેત્રાએ ઝુકીને ઓડિયન્સને નમન કર્યું અને પછી કશું બોલ્યા વિના વિંગ તરફ ચાલવા લાગી.

વેદાંતનો ચહેરો ખેંચાઈ ગયો. સૂર્યકાંત બરાબર જાણતા હતા કે શો શરુ થતાં જ એ બેંગલોર જવા નીકળી જવાના છે તો ગઈ કાલે એમણે મને નાટક પૂરું થયા પછી બેકસ્ટેજ આવીને મળવાનું કેમ કહ્યું હતું? સતત જૂઠંુ બોલીને શું ટાળવાની કોશિશ કરી રહ્યો છે આ માણસ? 

નેત્રા જમણી તરફની વિંગ પસાર થઈને બેક્સ્ટેજ તરફ ચાલવા લાગી. નાટકની પ્રોડક્શન ટીમના સભ્યો ખુશખુશાલ ચહેરે એની રાહ જોઈને ઊભા હતા. નેત્રાને આવતી જોતાં જ-

'યે...ય નેત્રા!' 'ગજ્જબ છો તું, યાર... સો પ્રાઉડ ઓફ યુ!' 'પાછી સિક્સર ફટકારી આજે તેં...' 'થ્રી ચિયર્સ ફોર નેત્રા - હિપ હિપ... હુર્રે! હિપ હિપ... હુર્રે! હિપ હિપ... હુર્રે!'

નેત્રાના કાને આ શબ્દો કદાચ પડયા, કદાચ ન પડયા. એની આંખો સામે કેવળ અંધકારનો દરિયો ઉછળા મારતો હતો. તે દરિયાને ચીરતી એ ડ્રેસિંગ રૂમ તરફ ગતિ કરી રહી હતી. ટીમમાં નવા જોડાયેલો એક ઉત્સાહી ટીમ મેમ્બર એને મદદ કરવા આગળ વધ્યો. તરત મેક-અપ આટસ્ટે એને રોક્યોઃ

-ના, એને જાતે જવા દે. ડિસ્ટર્બ ના કરતો. શો પૂરો થયા પછી નેત્રા કલાક સુધી પોતાના મેકઅપ રૂમમાં એકલી પૂરાઈ રહે છે.

-કેમ?

-આઇ ડોન્ટ નો! કદાચ મેડિટેશન-બેડિટેશન જેવું કરતી હશે.

નેત્રા ડ્રેસિંગ રૂમ પાસે પહોંચી, દરવાજો ખોલ્યો...

...દરવાજો ખુલવાનો અવાજ થતાં જ રાઘવ અને પિતાંબર સતર્ક થઈ ગયા. રાઘવે કચકચાવીને પિતાંબરનો હાથ પકડયો અને ત્વરાથી એને પાટશનની પાછળ ખેંચી લીધો. રાઘવના બીજા હાથમાં છરો હતો. રાઘવે આંખો તગતગાવીને પિતાંબરને ઈશારામાં સમજાવી દીધુઃ મૂંગો મરજે. નહીં તો આ છરો તારો સગો નહીં થાય!

નેત્રા અંદર આવી. હળવેથી દરવાજો બંધ કર્યો. પાટશનની છિદ્રોમાંથી નેત્રાનું હલનચલન સ્પષ્ટ દેખાતું હતું. રાઘવ એને તાકી રહ્યો.

આ તો એ જ છોકરી જે સ્ટેજ પર ઊભી ઊભી કંઈક બોલ્યા કરતી હતી! એણે આટલી આસાનીથી દરવાજો અંદરથી લાક કેવી રીતે કરી નાખ્યો?  

નેત્રાએ પોતાનો દુપટ્ટો દૂર કર્યો. ડ્રેસિંગ ટેબલની સામે બેઠી. એ ધીમી ધીમી હાંફી રહી છે કે શું?

પિતાંબર રાઘવ સામે એવી રીતે જોયું જાણે એ પૂછતો હોયઃ હવે? આ છોકરી તો અડિંગો જમાવ્યો... રાઘવે એનો હાથ વધારે જોરથી કચકચાવ્યો. મોં પર કરડાકી લાવીને વગર બોલ્યે કહી દીધુઃ ચુપ!  

નેત્રા એકદમ જ સ્થિર થઈ ગઈ. એણે જાણે પોતાના શ્વાસોચ્છવાસ અટકાવી દીધા. એણે પાટશન તરફ ગરદન ઘુમાવી.

'કોણ?... કોણ છે ત્યાં?'

રાઘવ અને પિતાંબર થીજી ગયા. આ છોકરીને ખબર પડી ગઈ?  

નેત્રા ઊભી થઈ. 'હલો...? કોઈ છે ત્યાં...?'

એ પાટશન તરફ ધીમે ધીમે આગળ વધી. પાટશન અને એના ડ્રેસિંગ ટેબલ વચ્ચે પંદર ફૂટથી વધારે અંતર નહીં હોય.

રાઘવના હૃદયના ધબકારા વધવા લાગ્યા. એણે જોયું કે છોકરીએ પોતાના બન્ને હાથ આગળ લંબાવ્યા છે. એની કીકીઓ સ્થિર છે. રાઘવે પિતાંબરનો હાથ છટકાવી દીધો અને વીજળી વેગે પાટશનની પાછળથી બહાર આવીને નેત્રા તરફ લપક્યો. નેત્રા કશું સમજે એ પહેલાં રાઘવે ડાબા હાથથી નેત્રાને કમરથી કચકચાવીને પકડી લીધી અને જમણા હાથે ઝાલેલો છરો એની લિસ્સી ગરદન પર ધરી દીધો. નેત્રા ચીસ પાડી ઉઠી.

'ચુઉઉઉ...પ! સહેજ પણ ચૂં-ચાં કરી છે તો તારું ગળું કાપી નાખીશ...'

'કોણ છો... કોણ છો તમે?... તમે શું કામ મને...'

'ચુપ! બિલકુલ અવાજ ન જોઈએ....'

પાટશન પાછળ છુપાયેલો પિતાંબર બધો ખેલ જોઈ રહ્યો હતો. આ મોકો છો... ભાગી છૂટવાનો! એ પાટશનની પાછળથી બહાર આવ્યો અને સીધો દરવાજા તરફ દોડયો. નાસી રહેલા પિતાંબરને જોતાં જ રાઘવે નેત્રાને લગભગ ધક્કો મારીને હડસેલી દીધી ને બીજી જ પળે પિતાંબર પર તરાપ મારી. 

'સાલા... તું ક્યાં જાય છે?' રાઘવ જોરથી બરાડયો

'છોડ... છોડ મને...'

નેત્રા ચમકી. આ તો કોઈ બીજાનો અવાજ? કેટલા માણસો છુપાયેલા છે ડ્રેસિંગ રૂમમાં?

પિતાંબર છટકીને પાછો દરવાજા તરફ દોડયો. રાઘવે આડો પગ ધરી દીધો. પિતાંબર જોરથી પટકાયો. રાઘવ એની કમર પર ચડી બેઠો અને ડાબા હાથે એને પીટવા લાગ્યો. પિતાંબર રાઘવને હડસેલવાની કોશિશ કરવા લાગ્યો.

'તને એમ લાગે છે કે મારા પંદર લાખ લીધા વગર હું તને ભાગવા દઈશ...?' રાઘવના ચહેરા પર ખૂન્નસ ઘૂંટાતું જતું હતું.  

નેત્રાને કશું સમજાતું નહોતું.

'કોણ છો તમે લોકો...? અંદર કેવી રીતે ઘુસી ગયા...?' ભયથી લખલખતી નેત્રા દરવાજા તરફ ચાલવા લાગી.

'ત્યાં જ ઊભી રહેજે... હલતી નહીં...' રાઘવ જોરથી બરાડયો.

પણ નેત્રા દરવાજા તરફ આગળ વધતી રહી. રાઘવનું ધ્યાન હવે નેત્રા પર હતું. પહેલાં તો આ છોકરીને અટકાવવી પડશે, નહીં તો...

નેત્રા દરવાજાનું હેન્ડલ પકડે એ પહેલાં ચત્તાપાટ પડેલા પિતાંબર ઉપરથી ઊભા થઈને રાઘવ નેત્રા પર ત્રાટક્યો. નેત્રા જોરથી ચીસ પાડી ઉઠી. રાઘવે પાછળથી નેત્રાનો ભરડો લઈને એક હાથે એનું મોઢું દાબી દીધું, બીજા હાથે મજબૂતીથી છરો પકડી રાખ્યો. રાઘવની પકડમાંથી છટકવા માટે નેત્રા તરફડિયાં મારવા લાગી. પિતાંબર ઊભો થયો. દરવાજાની સાવ નજીક વચ્ચોવચ્ચ ઊભાં રહેલા રાઘવ અને નેત્રા તરફ એણે દોટ મૂકી. રાઘવ ચિલ્લાયોઃ 'નજીક ના આવતો પિતાંબર...'

પિતાંબર ના માન્યો. એણે નેત્રાને બન્ને હાથેથી પકડીને દૂર ફંગોળી. નેત્રા ભફાંગ કરતી નીચે પટકાઈ. રાઘવ તિલમિલાઈ ગયો. એણે પિતાંબરને પક્ડયો. બન્ને વચ્ચે પાછી ઝપાઝપી શરૂ થઈ.... અને કોઈને કશુંય સમજાય તે પહેલાં તો -

ખચ્ચ...!

રાઘવમાં હાથમાં રહેલો છરો આખેઆખો પિતાંબરના પેટમાં ઉતરી ગયો!

પિતાંબરે મરણચીસ પાડી. એની આંખો ફાટી ગઈ. લથડિયું ખાઈને એ નેત્રા પર પટકાયો. એના શરીરમાંથી ઘડ્ ધડ્ કરીને વછૂટેલું લોહી નેત્રાનાં લાલ કપડાંને ભીંજવવા લાગ્યું...  

(ક્રમશઃ) 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qezhugC
Previous
Next Post »