એકલતાના કિનારે .


- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- મેઘના મારે તને એક વાત કહેવી છે પણ હાલમાં કહી શકું એવી સ્થિતિમાં નથી છતાં એક વાત નક્કી છે કે, સમય આવ્યે હું તને કહીશ ખરો...

જે ની...આ તાપણું બરાબર ચાલે છે કે નહીં ચેક કરજે...ખીચામાં બહુ વધારે તેલ ન નાખતી...આ ભુરીયાઓને ઇન્ડિયન ડિશ ભાવવા લાગી છે પણ આપણા ઉત્સાહમાં ક્યાંક લોચો ન પડે...અને હા....કાલે સવારે બ્રેકફાસ્ટમાં લોચો પણ બનાવવાનો છે તો મને એક વખત યાદ કરાવજે... - મેઘના આટલું બોલીને રેસ્ટોરાંની અંદર ગઈ...

જેનીએ દૂરથી જ તાપણાં ઉપર નજર મારી અને પોતાના કાઉન્ટર ઉપર મુકેલી વસ્તુઓને ધ્યાનથી જોવા લાગી... તેણે ડિશમાં ખીચું ભર્યું હતું તેમાં થોડુંક જ તેલ નાખ્યું અને સહેજ મેથીનો મસાલો નાખીને તેેને હલાવવા લાગી.

વાહ તું ધીમે ધીમે ટ્રેઈન થઈ રહી છું...તારા મા-બાપ કરતા તું વધારે સારી રીતે કામ કરી શકીશ મને વિશ્વાસ છે...આઈ લવ યુ ડાર્લિંગ...કિપ ઈટ અપ....- મેઘનાએ જેનીના માથે હાથ ફેરવ્યો.

તમને વાંધો ન હોય તો હું સામેના ખુણામાં બેસી શકું....સમયાંતરે હું ફુડ ઓર્ડર કરતો રહીશ પણ મારે થોડા સ્કેચ અને પેઈન્ટિંગ્સ બનાવવા છે...તમારે ત્યાં ફુટફોલ સારું છે તો મને થોડો અવસર મળી જશે અને તમને થોડો વધારે ઓર્ડર મળશે - અવાજ સાંભળતા જ મેઘનાએ તે દિશામાં મોઢું ફેરવ્યું...

તમે ઇન્ડિયન છો એમ ને...- મેઘના બોલી.

ના માત્ર ઇન્ડિયન જ નહીં..ગુજરાતી પણ છું...તમારી જ ભાષામાં જવાબ પણ આપ્યો છે...ગુજરાતી લોકો મળી ગયા તેનો આનંદ છે પણ બીજી તરફ લોચો ખાવો હશે તો આવતીકાલે સવારે વહેલાં જાગવું પડશે તેનું થોડુંક દુઃખ છે... - આગંતુક બોલ્યો અને હસી પડયો....

મેઘના અને જેની પણ હસી પડયા.

જર્મની જેવા દેશમાં સ્વદેશી લોકો મળે અને તેમાંય ગુજરાતી બોલતા લોકો આવે તો તો સોનામાં સુગંધ ભળવા જેવી વાત છે.. તમને ઇચ્છા થાય ત્યાં ગોઠવાઈ જાઓ....તમારું કામ કરતા રહો અને અમારું નામ કરતા રહો...લોચો ખાવામાં લોચો નહીં પડે એની ગેરન્ટી હું આપું છું..સવારે તમને નહીં ફાવે તો સાંજે લોચો ખવડાવીશ... - મેઘના એટલું બોલી અને આવનાર વ્યક્તિને બેસવા માટે ઇશારો કર્યો....

બસ તમે બેસવા દો છો એટલો જ મોટો ઉપકાર છે...હું કલાક-બે કલાકે ઓર્ડર આપતો રહીશ..કદાચ ભુલાઈ જાય તો આદુવાળી ચા તો મોકલાવી જ દેજો...હા...સાંજે એક કપ કોફી...વિધાઉટ સુગર...સ્ટ્રોંગવન....એ પણ ઓર્ડર જ ગણાશે..- આગંતુકે કહ્યું અને બધા ફરી એક વખત હસી પડયા.

તમારી વાત સાચી પણ અમે અજાણ્યા લોકોને વધારે વખત બેસવા નથી દેતા... ખાસ કરીને ઓર્ડર ઉપર ધ્યાન નથી આપતા... - મેઘનાએ કહ્યું...

ઓહ...આઈ એમ સોરી....મારું નામ કેશવ દેવમુરારી છે...જન્મ દેવભૂમી દ્વારકામાં થયેલો...કિશોરાવસ્થા સોરઠમાં પસાર કરી અને કોલેજ અમદાવાદમાં કરી. નોકરી દિલ્હીમાં કરી અને અત્યારે તમારી સામે બર્લિનના કેફેમાં હાજર છું. મમ્મી ગુજરાતી અને પપ્પા યુ.પી.થી બિલોંગ કરે છે. પપ્પા આઈએએસ હતા અને ગુજરાતમાં ઘણો સમય જોબ કરી અને મમ્મી સાથે મેરેજ પણ ગુજરાતમાં જ ગોઠવાઈ ગયા હતા. બંને એકબીજાને બેન્કમાં મળ્યા અને ગોઠવાઈ ગયું. હું હજી ક્યાંય ગોઠવાતો નથી. થોડો સમય નોકરી કરી પણ પછી આ આર્ટ પાછળની દિવાનગી ક્યાંય ટકવા દેતી નથી - આટલું બોલીને આગંતુક હસવા લાગ્યો.

મી. કેશવ તમે બેસો અને અમારી મહેમાનગતી માણતા રહેજો. ખાસ તો જે પણ આર્ટવર્ક તૈયાર કરો તેમાંથી થોડું સીએસઆર કરજો અને એ પણ ગુજરાતી કેફેને...- મેઘના પણ આટલું બોલીને હસી પડી.

કેશવ કેફેના એક ખુણામાં ગોઠવાયો અને પોતાની સ્કેચબુક કાઢીને ચિત્રો દોરવા લાગ્યો. બે-ચાર મહિના સુધી તેનો આ નિત્યક્રમ હતો. તે સવારથી ત્યાં આવતો અને મોડી રાત સુધી બેસતો. તેના સ્કેચ બનતા, ચા પીવાતી, વાતો થતી અને નાસ્તો પણ થતો. હવે સ્થિતિ એવી થઈ ગઈ હતી કે, મેઘના સતત કેશવની રાહ જોતી રહેતી હતી.

આ આદત હવે સંબધં બનવા તરફ આગળ વધવા જઈ રહી હતી. એક દિવસ મેઘનાએ નક્કી કર્યું કે, આજે તો કેશવ આવે એટલે મારા મનની વાત કહી દેવી છે પછી ભલે તેને ગમે તે લાગે અથવા તો સમજાય. હું એક વખત આ સંબંધ મુદ્દે સ્પષ્ટ થઈ જવા માગું છું.

બીજા દિવસે મેઘના સરસ મજાની સાડી પહેરીને કેફે ઉપર પહોંચી. તે આજે પોતાના મનની વાત કરવાની હતી. તેના અવાજનો રણકો અને કામની ઝડપ કંઈક અલગ જ હતા. જેનીએ આ વિશે તેની સાથે મજાક પણ કરી...મેઘના પણ જવાબમાં ખોટે ખોટું ખિજાઈ અને પછી હસી પડી..

થોડીવારમાં તો કેફે ભરાવા લાગ્યું. કેશવ પણ તેના સમયે આવીને ગોઠવાઈ ગયો. મેઘનાને કેશવ દેખાયો નહોતો પણ જેનીની નજર પડી ગઈ હતી. તેણે કોફી બનાવી અને મેઘનાને લઈ જવા કહ્યું.

કેમ આજે મુડ નથી કે પછી ચિત્રમાં વધારે રસ પડી ગયો છે. મેઘનાએ કોફી મુકતા કહ્યું.

આજે એક સાથે ઘણા મનોભાવ ઉમટી રહ્યા છે. કેટલાક કેમેરામાં કંડારીને આવ્યો છું તો કેટલાક કેનવાસ ઉપર ઉતારીશ અને કેટલાક. - કેશવ આટલું બોલીને અટક્યો.

કેટલાક ક્યારેક શબ્દોમાં પણ પરોવી લેવા જોઈએ. કદાચ કોઈની લાગણી ઝંકૃત થઈ જાય..- મેઘનાએ કહ્યું.

લાગણીઓ તો એટલી ઝંકૃત થઈ છે કે તેને લયબદ્ધ કરી શકાય એમ છે પણ હાલમાં મનનું વાજિંત્ર તાલબદ્ધ થવા માગતું જ નથી... એની વે આજે મારે થોડા વહેલાં જવું છે. હા આ પેઈન્ટિંગ પૂરું થાય એટલે નીકળી જઈશ..પછી શાંતિથી વાતો કરવા આવીશ. આજે ફરીથી માત્ર એક જ કોફી મોકલાવજે - કેશવે ખૂબ જ શાંત સ્વરે કહ્યું અને ભાવશૂન્ય નજર મેઘના ઉપર કેન્દ્રીત કરી..

સારું.. મૂડ ચેન્જ થાય તો મને બૂમ મારજે. આપણે વાતો કરીશું. તારા મનના ખાલિપાને થોડો ભરીશું. - મેઘના એટલું બોલીને ઊભી થઈ ગઈ અને કેફેની અંદર ચાલી ગઈ.

કેશવે એક વખત તેની ઉપર નજર ઠેરવી અને પછી પોતાના કેનવાસ ઉપર કેન્દ્રીત થયો. લગભગ બે કલાક પસાર થઈ ગયા. તેણે પોતાનું કામ પૂરું કરી લીધુ ંહતું. તેણે આમતેમ જોયું પણ ક્યાંય મેઘના કે જેની દેખાયા નહીં. તે પોતાની જગ્યાએથી ઊભો થયો ત્યાં જ જેની કેફેના કિચનના દરવાજે આવી.

કેશવે ઈશારો કર્યો અને જેનીએ હકારમાં માથું ધુણાવ્યું. કેશવે સહેજ સ્મિત કર્યું અને પાછો પોતાની જગ્યાએ ગોઠવાયો. 

દસેક મિનિટ થઈ હશે ત્યાં મેઘના ફરી કોફીના બે મગ ભરીને આવી. તેણે ટ્રેમાંથી એક મગ કેશવ પાસે મૂક્યો અને બીજો પોતાના હાથમાં રાખીને ટ્રે બાજુના ટેબલ ઉપર મૂકી દીધી.

અરે વાહ.. દરિયા કિનારે બેઠેલા માણસોને ચંદ્રમાં રસ પડતો હોય એવું લાગી રહ્યું. આ તો આશ્ચર્યજનક કહેવાય - મેઘનાએ કહ્યું.

આશ્ચર્ય તો છે જ કે તમે જેની પાસે હોવ તેના બદલે તમને બીજા કોઈમાં રસ પડે અથવા તો પાડવો પડે. ઘણી વખત માણસ પોતાના મનની ઇચ્છાઓને પણ મનવગર ફોલો કરતો હોય છે.. - કેશવના અવાજમાં ભાવશૂન્યતા જણાતી હતી.

શું થયું.. કેમ આજે આટલો ઉદાસ છે.. કોઈ મુશ્કેલી છે, તો મને જણાવ, મારાથી થશે તો ચોક્કસ મદદ કરીશ - મેઘનાએ કહ્યું.

મેઘના મારે તને એક વાત કહેવી છે પણ હાલમાં કહી શકું એવી સ્થિતિમાં નથી છતાં એક વાત નક્કી છે કે, સમય આવ્યે હું તને કહીશ ખરો...- કેશવે જાણે કે કોઈ કોયડો રજૂ કર્યો.

તું કહેવા શું માગે છે, કહેવું છે. નથી કહેવું, પછી કહેવું છે - મેઘનાનો અવાજ સહેજ મોટો થયો...

ચલ જવા દે...આજે વાતો કરવાની મજા જ નથી આવતી.. ખબર નહીં કેમ...એક કામ કર..મને એમ જણાવ કે, આ ચિત્ર વિશે તારું શું કહેવું છે - કેશવે કોફીનો ઘુંટડો ભરતા ભરતા કહ્યું.

ચંદ્ર કરે પાછો કેવી ચાલાકી, દૂર રહીને ચમકવાની

પૃથ્વી પાછી ઉંચે જોતી. બેસી શીતળતાના કિનારે,

મનમાં ચાલે દ્વંદ અને શબ્દો કરે વાટ નીકળવાની

મુખ રહેતું સાવ મુંગું, વસતું જાણે નિરવતાના કિનારે 

અરે વાહ. તું તો મેઘના ધ શેફ નહીં પણ મેધના ધ પોએટ હોવી જોઈએ.. મેઘના ગુલઝારની જેમ. શબ્દોને પણ સારી માવજત તું આપી શકે છે.. - કેશવે કહ્યું અને બંને હસી પડયા.

વાત એવી નથી. ખબર નહીં પણ આજે આ પેઇન્ટિંગ જોઈને મનમાં આપોઆપ રચના નીકળી આવી.. બાકી આ પહેલાં ક્યારેય એવું થયું નથી.. મારું છોડ, તું કંઈક કહેવાનો હતો ને...- મેઘનાએ પાછી વાત વાળી લીધી.

વાત તો કરવી હતી પણ અત્યારે નહીં.. મારે થોડું કામ છે - એક મિટિંગ છે.. અત્યારે નીકળવું પડશે... પાછો આવીશ પછી મળીશ અને નિરાંતે વાત કરીશ.. - કેશવ એટલું બોલ્યો અને ઊભો થઈ ગયો.

મેઘનાએ પણ ઊભા થતાં બંને કોફી મગ ટ્રેમાં ગોઠવ્યા અને કેશવ પોતાની બેગ ખભે લટકાવીને સહેજ આગળ ગયો.

અરે તારું પેઈન્ટિંગ તો લઈ જા... મારે શું કરવાનું.. તારે વેચીને કમાણી કરવાની છે.. અહીંયા મૂકીને શું કરીશ. - મેઘનાએ બુમ મારી.

આ પેઈન્ટિંગ તારા માટે છે. મારા તરફથી ગિફટ...હવે તું રાખી લે...આજની કોફીનું બિલ - કેશવે કહ્યું અને બંને ફરી હસી પડયા(ક્રમશઃ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JnxWfX7
Previous
Next Post »