'મમ્મી, મારે ન કહેવું જોઈએ, પણ તારા જેવી નારીઓ નારીત્વ માટે કલંક છે'


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- ઊર્જાદેવીએ મોબાઈલ પર ઉદ્ગમા સાથે વાત કરતાં કહ્યું: ''ઉદ્ગમા, તારા જેવી પિતૃ ભક્ત દીકરી હોય એને પત્નીની સેવાની જરૂર જ ન પડે

'હ વે તમારો ભગવાન સમક્ષ પ્રાર્થનાને લવારો બંધ કરશો ?'

'તમારા જેવા ભક્તોએ સંસારી બનવું જ ન જોઈએ'

'હવે નવું ઘર શોધી કાઢો, જ્યાં તમારે માટે પૂજા-પાઠનો અલાયદો રૂમ હોય'

ઈશ્વરાનંદનાં પત્ની ઊર્જાદેવી પોતાની પૂરી તાકાત પતિને આખો દિવસ ઠપકો આપવામાં જ ખર્ચતાં. એમની જીવનશૈલીમાં ધર્મ અને સંસ્કૃતિને નહીં પણ નિજાનંદમાં મસ્ત રહેવાની મસ્તીનું મહત્વ હતું. પોતાના સૌંદર્યનું અભિમાન. ક્યારેક મંદિર જાય તો પણ લેટેસ્ટ સ્ટાઈલમાં ઘરેણાં ઠઠાડીને. બધાંનું ધ્યાન ખેંચાય એ માટે દાનપેટીમાં પાંચસો રૂપીઆની એક નોટ મૂકવાને બદલે પચાસ-પચાસ રૂપીઆની દસ નોટો ગર્વભેર નાખતાં. એમની પ્રદર્શની પ્રિયતા અનેક નારીઓને ખટકતી. ઈશ્વરાનંદ નિખાલસ અને નિર્મળ સ્વભાવના માનવી. વિશ્વાસે વહાણ ચાલે એ એમનો સિધ્ધાંત. પોતાની પેઢીમાં પણ કર્મચારીઓના કામમાં કશી દખલ ન કરતા. ગરીબ કર્મચારીની દીકરીને પોતાને ખર્ચે પરણાવી આપતાં. એમની ભલમનસાઈનો ગેરલાભ લઈ કર્મચારીઓ ખોટાં-ખોટાં બહાનાં કાઢી લોન લેતા અને હપ્તા પણ ભરતા નહીં. એકાઉન્ટન્ટ શેઠ ઈશ્વરાનંદની ચેકમાં સહી કરાવી મોટી રકમ ઉપાડી દુબઈ ચાલ્યો ગયો. કંપની ખોટનો શિકાર બની. ભરવા જોગ ટેકસ અને અન્ય બીલોની ચૂકવણી ન થતાં કંપનીની પ્રતિષ્ઠા ખરડાઈ. કંપનીની મિલ્કતો જપ્ત થઈ. ઈશ્વરાનંદ ભાંગી પડયા. પણ તેમનાં પત્ની ઊર્જાદેવીના વર્તનમાં કશો ફેર પડયો નહીં. દરરોજની જેમ મહેણાં-ટોણાં અને વ્યંગ્ય વક્રોક્તિના પ્રહારો ચાલુ. ખર્ચમાં પણ કોઈ પણ પ્રકારનો કાપ મૂકવા તૈયાર નહોતાં. તેઓ પતિ ઈશ્વરાનંદને કહેતાં: ''તમારી પૂજા-ભક્તિ કેમ તમારી મદદે ન આવી ? તમે તો ભજનોમાં નરસિંહ ભગવાને હુંડી સ્વીકારી અને દ્રૌપદીનાં ચીર પૂર્યાનાં ગાણાં ગાઓ છો પણ તમારા ધોતીઆની લાજ રાખવા તમારા વહાલેશ્વરી ભગવાન કેમ દોડી ન આવ્યા ? તમને જીવતાં ન આવડયું. ધિક્કાર છે તમારા બેજવાબદાર સ્વભાવને.''

પપ્પાનું અપમાન કરતાં મમ્મીને રોકવાની પુત્રી ઉદ્ગમા પ્રયત્ન કરતી, પણ તેને પણ હડફેટે લેતાં ઊર્જાદેવી કહેતાં: ''તારા પપ્પા તો બગડયા પણ તારો સ્વભાવ પણ ભક્તાણી જેવો બનાવી દીધો ! ક્યાં આજની ફેશનઘેલી યુવતી અને ક્યાં સાદાં કપડાં પસંદ કરતી તું ! તારા જીવનમાં માતૃ વાત્સલ્યની કશી જ કીંમત નથી કેવળ પિતૃ ભક્તિનું મહત્વ છે. પપ્પાને રવાડે ચઢીશ તો સાદગીને લીધે આજીવન કુંવારી રહીશ. તારો હાથ પકડવા કોઈ આધુનિક યુવાન તૈયાર નહીં થાય. એટલે પિતૃ ભક્તિનો અંચળો ઉતારી મને આદર્શ માન. હું તારી એવી કાયાપલટ કરી નાખીશ કે દુનિયા તને જોઈને દંગ રહી જશે.''

''મમ્મી, તારે છેલબટાઉ કન્યાઓ બનાવવાની સ્કૂલ ખોલવી જોઈતી હતી. મા-બાપ હંમેશાં કહ્યામાં રહે એવાં સંતાનો ઝંખતાં હોય છે. મેં આપણા ઘરને પવિત્ર રાખવાની કોશિશ કરી છે પણ તને એની કશી જ કિંમત નથી. તું સંઘમાં તીર્થયાત્રાએ જાય છે પણ તારું મન તીર્થમાં નથી હોતું, મોજશોખ અને ખાણી-પીણીમાં વ્યસ્ત રહે છે. તું પપ્પાને ઓળખવા તૈયાર જ નથી. પપ્પા જ ઈશ્વરના પ્રતિનિધિ છે અને એમના ચરણમાં જ મને તો 'અડસઠ તીરથ'નાં દર્શન થાય છે. મમ્મી, મહેરબાની કરી મને તારા જેવી બનાવાની કોશિશ ન કરીશ.'' ઉદ્ગમાએ સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું.

ફડચામાં ગએલી કંપનીના લહેણદારો દરરોજ આવી ઈશ્વરાનંદનું હલકટ શબ્દોમાં અપમાન કરતા. ''મમ્મી અગત્યનું કામ પતાવી આવું છું'' - નું બહાનું કાઢી ઘર છોડી જતી રહેતી. ઉદ્ગમા સહુને સમજાવતી ઠંડા પાડતી.

ઉદ્ગમાએ કોમ્પ્યુટર એન્જિનીયર તરીકે અભ્યાસ કર્યો હતો. એણે અરજીઓ કરવાનું શરૂ કરી નોકરી માટે મનને તૈયાર કર્યું. પણ એને ઓલીયા જેવા પપ્પાની ચિંતા હતી. મમ્મીને તો નહોતો પતિની સેવામાં રસ કે નહોતો પતિને સમયસર દૂધ કે દવા આપવામાં રસ !

એમ છતાં એણે નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવાનું શરૂ કર્યું. એના જવાબોથી પ્રસન્ન થઈ કંપનીઓના ચૅરમેનો નોકરી આપવા તૈયાર થતા, પણ ઉદ્ગમા કહેતી: ''હું દસ કલાક કામ કરવા તૈયાર છું પણ મને મસ મોટા પગારમાં રસ છે અને તેની જરૂરિયાત પણ. મારે પિતૃઋણ અદા કરવું છે. મારા પપ્પા ભગવાનના માણસ છે. 'દી' વાળે તે 'દીકરો' એવું શું કામ 'દી' વાળે તે દીકરી એવો આદર્શ દીકરીઓએ ચરિતાર્થ કરી દેખાડવો જોઈએ. ઈશ્વરાનંદ દીકરીની કમાણી લેવા માગતા નહોતા, પણ સમયના પ્રહારે તેમને લાચાર બનાવી દીધા. એમણે ખચવાતે મને ઉદ્ગમાને નોકરીની રજા આપી અને કહ્યું કે દીકરી, જ્યાં જ્યાં નોકરી કરે ત્યાં તારો સ્વાર્થ નહીં પણ કંપનીના સ્વાર્થ અને કલ્યાણને મહત્વ આપજે. નોકરીનું સ્થળ એ તો દેવમંદિર છે એમાં દંભ, પ્રપંચ કે હરામખોરીને સ્થાન ન આપવું જોઈએ. જો કે તું એટલી બધી શાણી અને સમજદાર છે કે તને કશાય ઉપદેશની જરૂર નથી !''

અને ઉદ્ગમાએ નોકરી શરૂ કરી. એ પછી એક મહિને ઉદ્ગમાને એની મમ્મી ઊર્જાદેવીએ કહ્યું: ''હું વરસાદી માહોલની મજા માણવા ત્રણ મહિના હરિદ્વાર રોકાવાનું આયોજન કરી રહી છું... મારી ત્રણ સાહેલીઓ સાથે એક બંગલો પણ ભાડે રાખવાનું નક્કી કર્યું છે. તું તો મોટાભાગનો સમય નોકરીમાં ગાળીશ એટલે તારા પપ્પાને મેં ત્રણ મહિના માટે વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા ગોઠવી દીધી છે અને તારે માટે ર્કિંગ વિમેન હોસ્ટેલમાં નામ નોંધાવી દીધું છે. એટલે હું નિશ્ચિંત થઈ આરામ ફરમાવવા જઈ રહી છું. તારા પપ્પાની કાળજી રાખજે એમ કહેવાની જરૂર નથી. એમને મન તો ગૃહસ્થાશ્રમ કે વૃદ્ધાશ્રમ વચ્ચે કોઈ ફેર નથી. છતાં રવિવારે એમને દેવદર્શને લઈ જજે. મા-બાપની સેવાથી તને સારો 'વર' મળશે'' - કહી ઊર્જાદેવી પોતાની સાથે રહેનારા સાહેલીઓને મળવા ચાલ્યાં ગયાં હતાં.

ઈશ્વરાનંદની તબીઅત વૃદ્ધાશ્રમમાં સારી રહેતી નહોતી. વારંવાર ઉધરસ, તાવ, ડાયેરીઆ થતા. પણ તેઓ વૃદ્ધાશ્રમના ગૃહપતિને કહેતા કે મારી દીકરી ઉદ્ગમાને જાણ ન કરતા, નહીં તો એ નોકરી છોડી મને ઘેર લઈ જશે. અત્યારે પૈસાની અમારે જરૂર છે.

પણ એક દિવસ છાતીમાં સખત દુખાવો થતાં એમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. માઈલ્ડ હાર્ટએટેક જેવું હતું. પણ ઉદ્ગમા પોતાના પપ્પાને નર્સ-ડૉકટરોને હવાલે છોડવા માગતી નહોતી. એણે નોકરીમાંથી પંદર દિવસની રજા લઈ લીધી અને હોસ્પિટલ ખાતે હાજર રહેતી. પપ્પાને આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા હતા. એટલે દિવસમાં એકાદવાર પપ્પાને મળવાની ઉદ્ગમાને છૂટ મળતી.

ઉદ્ગમાએ પપ્પાની બીમારીની હરિદ્વાર ગએલી મમ્મીને જાણ કરી જલ્દી પરત આવવાની વિનંતી કરી. ઘેર ગયા પછી પણ પપ્પાને એકલા મૂકાય તેવી પરિસ્થિતિ નહોતી.

ઊર્જાદેવીએ મોબાઈલ પર ઉદ્ગમા સાથે વાત કરતાં કહ્યું: ''ઉદ્ગમા, તારા જેવી પિતૃ ભક્ત દીકરી હોય એને પત્નીની સેવાની જરૂર જ ન પડે. અમે ત્રણ સખીઓએ હેલીકોપ્ટર દ્વારા કેદારેશ્વર જવાનું નક્કી કર્યું છે. દર્શન માટે નહીં બરફથી ઢંકાએલાં શિખરોની મોજ માણવા માટે. પણ આ વખતે હું ભગવાન કેદારેશ્વરનાં દર્શન અવશ્ય કરીશ, તારા પપ્પાની દુઆ ખાતર. એ પછી બદ્રીનાથ અને ગંગોત્રી-જન્મોત્રીનો પ્રવાસ કરવો છે. એટલે કાર્યક્રમો પતાવ્યા બાદ જ હું પરત આવીશ. તારા પપ્પાને જીવાડવાનું કામ મારા કે તારા હાથમાં નથી પણ ડૉકટર્સ અને નર્સના હાથમાં છે. આપણે તો નવરા બેસી રહેવાનું. મને ખાત્રી છે કે તારા પપ્પાનો વાળ પણ વાંકો નહીં થાય. જો તેં સમયસર લગ્ન કરી લીધાં હોત તો દીકરી-જમાઈ બન્નેની હૂંફનો તારા પપ્પાને લહાવો મળત. હવે હું પરત આવું ત્યાર બાદ 'મીરા'પણું છોડી સત્યભામા બની સંસાર માંડ. જિંદગી માણવા માટે મળી છે, ગૂંગળાઈને મરી જવા માટે નહીં. ખરી સેવા જાત સેવાથી શરૂ થાય છે'' - કહી ઊર્જાદેવીએ ફોન મૂકી દીધો.

ખાનગી હોસ્પિટલનું બીલ ભરવાની ચિંતા હતી. ઉદ્ગમાની હજી નવી-સવી નોકરી હતી એટલે લોન માગવાનું તેને ઉચિત લાગ્યું નહીં. છતાં કાલે બૉસને વિનંતી કરીશ એમ વિચારી બહાર બાંકડા પર જ એ પોઢી ગઈ.

''અરે ઉદ્ગમાબેન, હું તમારી પેઢીનો કર્મચારી. તમારા પપ્પાનો વિશ્વાસઘાત કરી રૂપીઆ દસ લાખનો ચેક વટાવી દુબઈ ભાગી ગયો હતો. પણ એક પવિત્ર અને પૂજનીય માણસને દગો કર્યાનું મને ખટકતું હતું. દુબઈમાં નોકરીમાં મોટો પગાર છે. એટલે શેઠ ઈશ્વરાનંદજીની રૂપીઆ દસ લાખની રકમ પાછી આપવા આવ્યો છું. શેઠને હૃદય રોગનો હુમલો થયો એ એમ જાણી હોસ્પિટલનું સરનામું મેળવી તમારી ક્ષમા માગવા આવ્યો છું. લો, આ દસ લાખ રૂપીઆ રોકડા. મેં બેરર ચેકથી પૈસા બે ત્રણ તબક્કે ઉપાડી લીધા છે. આને મારું પ્રાયશ્ચિત ગણજો'' - કહી રૂપીઆનું પેકેટ ઉદ્ગમાના હાથમાં મૂકી પેલો કર્મચારી ચાલ્યો ગયો.

એટલામાં ઉદ્ગમાની મમ્મીનો ફોન આવ્યો: ''બેટા, અહીં મારી પાસે પૈસા ખૂટી ગયા છે. કંપનીમાંથી લોન લઈ રૂપીઆ પાંચ લાખ મોકલી આપજે. તારા પપ્પાની તબીઅત હવે સુધારા પર હશે.''

ઉદ્ગમાએ કહ્યું: ''મમ્મી, પપ્પાની તબીયત તો ઠીક પણ તારી તબીઅત દિવસે-દિવસે વધુ બગડી રહી છે. મારે ન કહેવું જોઈએ પણ તારા જેવી સ્ત્રીઓ નારીત્વને માથે કલંક છે. તને પૈસા મોકલી આપીશ પણ મમ્મી તરીકેનો તારી સાથેનો સંબંધ કાપી નાખું છું... કહી રડતાં રડતાં ઉદ્ગમાએ ફોન કાપી નાખ્યો.''



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LJx1oCF
Previous
Next Post »